અનાયાસે ઘણા વર્ષે મળી શું કામની વીંટી?
હવે તો આંગળીમાં છે બીજા કોઈ નામની વીંટી.
અમારા શ્વાસની સાથે તમારી યાદનુ સગપણ,
નથી હું રાધિકા,ના જોઈએ ઘનશ્યામની વીંટી.
હવે તો કોણ જાણે શું થશે અંજામ ચાહતનો,
અચાનક શહેરમાં આવી ગઈ છે ગામની વીંટી.
અમારી જિંદગી તો જાનકીની કેદ જેવી છે,
ખબર નૈ ક્યારે પડશે ખોળામાં શ્રી રામની વીંટી.
મને તો મોતને પરણી અને જાવુ છે સાસરીયે,
મને પહેરાવી દો ને કોઈ મુક્તિ ધામની વીંટી.
ગઝલનું માંગુ આવ્યું છે કલમ ઝળહળ કરો કાગળ,
શમાના હાથમાં આવી ગઈ બેફામની વીંટી.
જીબીશા પરમાર 'શમા'