તરહી ગઝલ
આંગણે બેઠેલ ચકલી ,ગીત છો ગાયા કરે.
ફોનનાં સંગીતથી , આ કાન ટેવાયા કરે.
બોલવું છે પણ ,અમારા શબ્દ શરમાયા કરે.
એટલે તો ઓરડામાં , મૌન પડઘાયા કરે.
આપણી સમજણ, ઘણીયે વાતમાં ટૂંકી પડે,
વીતતું જેના ઉપર એને જ સમજાયા કરે.
ફેસબુકની મિત્રતામાં, ભાન ભૂલે એટલો,
હોય સાથે એ સબંધો, રોજ મુરઝાયા કરે.
પ્રેમની પ્રસ્તાવનામાં બોલવું શું કયાં ખબર !
આ નજરથી એ નજરનાં ,જામ ટકરાયા કરે.
આ નદીઓથી જ દરિયો આબરૂને જાળવે,
જો પડે "ઉરુ" એકલો, રેતી જ પથરાયા કરે.
ઉર્વી પંચાલ. "ઉરુ"