બેઉ વચ્ચે તણાવ છે તો છે !
આપણો એ સ્વભાવ છે તો છે !
બાકીની જિંદગી જીવી લઈએ,
એક -બે અણબનાવ છે તો છે!
પાર જાવાની આશ ના છોડો,
આપણી કાણી નાઁવ છે તો છે!
યાદ મેં તારી સાચવી છે ખાસ,
પીઠ પર એક ઘાઁવ છે તો છે!
શ્વાસ અટકી ગયા નથી મારા ,
દોસ્ત તારો અભાવ છે તો છે!
ડાળ જે નડતી હોય કાપી નાંખ,
તારી બાજુ ઝુકાવ છે તો છે!
જાત ખુદ ની ભૂલી ગયો સાગર ,
એજ તારો પ્રભાવ છે તો છે!
રાકેશ સગર, સાગર, વડોદરા