પપ્પા…
બહુ જલ્દીથી સમજાતા નથી
એટલે એમને સમજવામાં બહુ ઉતાવળ કરવી નહીં
‘હું નહીં હોઉં ત્યારે મારી કિંમત સમજાશે’
પપ્પા આવું કહે-ત્યારે બિલકુલ સાચું કહેતા હોય છે.
પપ્પાનાં ચશ્મા આપણાં કરતા વધારે અનુભવી હોય છે
એને ખાડાં-ખાબોચિયાં વધારે જલ્દી દેખાઇ જતા હોય છે
એ ક્યારેય શબ્દોથી વ્યક્ત નથી થતા
એમની તકલીફો વિશે ખૂલીને કહેતા નથી
સાલું, આપણી જેમ એ ક્યારેય રડતાં પણ નથી
પાણી આપ, પેપર ક્યાં છે, મારો રૂમાલ નથી મળતો
આવી બૂમાબૂમ કરતાં આ માણસનો અવાજ
એ ધુમાડો થઇ જાય
છે…ક પછી આપણાં સુધી પહોંચે છે
રોજ થોડાં-થોડાં ખર્ચાયેલા
લોનનાં હપ્તાંઓ વચ્ચે વહેંચાયેલા
પપ્પાને
આઇ લવ યુ…આઇ નીડ યુ…
ન કહ્યું હોય તો કહી દેજો
કારણ કે
ફ્રેમ થઇ ગયા પછી
પપ્પા આળસુ થઇ જતા હોય છે
તસ્વીરમાંથી હાથ બહાર કાઢી
માથે મૂકવા જેટલી તસ્દી પણ એ લઇ શકતા નથી !
-Esha Dadawala