ખુલ્લાં મુક્યાં છે દ્વાર હવે કૈં ફીકર નથી!
જીવું છું બારોબાર હવે કૈં ફીકર નથી!
અમને તો એકતારો કલમનો મળી ગયો,
વાજ્યા કરે છે તાર હવે કૈં ફીકર નથી!
દરમ્યાનમાં રહેલો અરીસો ભલે ફૂટ્યો
ચહેરો છે બરકરાર હવે કૈં ફીકર નથી!
એણે એકેક રાત પ્રમાણે ગણી ગણી,
આપી દીધી સવાર હવે કૈં ફીકર નથી!
"હર્ષા"ને કારાવાસ મહીં એકલા મુકી,
થઈ ગઈ છું હું ફરાર હવે કૈં ફીકર નથી!
:હર્ષા દવે