એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
-એષા દાદાવાલા