* ફૂલોને હસવાથી કામ...
- કિરીટ ગોસ્વામી
ફૂલોને હસવાથી કામ...
ડોલર, ગુલાબ,જૂઇ... ગમ્મે તે પાડો ને નામ !
ફૂલોને હસવાથી કામ...
કોઇની પડપૂછ, નહીં કોઇની પંચાત...
હસવા સિવાય નહીં બીજી કંઇ વાત...
ફોરમતી જાત વડે ફોરમતા કરે ગામે-ગામ !
ફૂલોને હસવાથી કામ...
પથ્થરિયો હોય ભલે આખોયે દેશ...
ફૂલોને ચિંતા ક્યાં એની લવલેશ...?
રાજી ત્યાં રહેવાનું,રાખે બસ જ્યારે, જ્યાં રામ !
ફૂલોને હસવાથી કામ...
- ( 'ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!' સંગ્રહમાંથી)