"મા થઈશ ત્યારે ખબર પડશે!"
જ્યારે હું મા નહોતી
ત્યારે થતું કે માને કામ શું?
વહેલા ઉઠવું,
રોજ એકનું એક ઘૂંટવું,
થાય એટલું કરી છૂટવું.
આટલા જ કામ.
એકાદ
માટલા-પાલા ગળવા,
ઝાડુ-પોતા કરવા,
ચા-પાણી ધરવા.
એ તો ચપટી મારતા જ થઈ જાય.
બે રોટલી
થોડુંક શાક
દાળ-ભાત
અને પછી આરામ.
હે જલસા.
દસ બાર કપડાં ધોવા,
ખૂણા ખાંચરા ઝપેટવા,
વાસણો સાફ કરીને સમેટવા.
હવે હાથમાં વીંઝણો
ને હિંચકે બેસી પંપાળશે ઢીંચણો.
ત્યાં હું બૂમ પાડતી
"મમ્મી નાસ્તો તૈયાર..?"
અને એનો જવાબ..
હા, બેટા લાવી
રોટલી-શાક મૂક્યા છે
મોર ગળે એમ ગળીશ નહિ
કોઈ બજારુ નાસ્તામાં પડીશ નહિ.
અને હા,
પાણીની બોટલ ભરી
ચોપડીઓ એનાથી આઘી કરી,
હરપળ એ ઉભી રહી થઈને પરી.
ઘરમાં શાંતિ થતાં
એ પંખી થઈ ઊડતી હશે.
એકાંતમાં એ કળી સમી ખુલતી હશે.
હું વિચારતી,
સૌના ગયા પછી
માને મોજે દરિયા!
રજાઓ પડી ત્યારે મેં માને માણી.
નવ મહિના પેટમાં રહ્યા છતાંય હું
સંપૂર્ણ ના શકી જાણી.
એ માત્ર મા નહોતી,
પોતાનામાં બાળપણ
ભોળપણ,
શાણપણ,
અને
કયારેક મનગમતું
ગાંડપણ
જીવતી છોકરી.
ક્યારેય રાજીનામું ન આપી શકે
એવી ફરજિયાત
સંબંધના બંધનની"પ્રોમિસરી નોટ"
પર દરેક"ટર્મસ અને કન્ડિશન!"
કહ્યા વિના
કોઈપણ વળતરની અપેક્ષા
રાખ્યા વિના કરતી એ નોકરી.
નાના સાથે નાની
ને
વડીલો સાથે
અચાનક થતી ડોકરી.
સૌની ઇચ્છાઓના ઘરેણાંથી શોભી.
તો પણ કહેવાતી સહેજ ડોબી.
મનોમન કેટલીવાર રડી હશે.
મને જોતાવેંત આંસું ગળી હસી હશે.
મા એ કહેલું પેલું વાક્ય મને..
કિરણો સાથે ઉગતી ક્ષણે,
સાંજના વળતા ધણે,
રાતના વહેતા રણે,
અનુભવાય છે.
કારણ,
આજે હું પણ એક દીકરીની મા છું..!!
?