ફાઈવ સ્ટાર હોટેલમાં ફ્રેન્ડ્સને પાર્ટી આપ્યા પછી જેનીફરે પતિ ક્રિશને વેઇટરને ટીપ આપવા ઈશારો કરી હળવેથી કહ્યું,"આપણા હાઇ સ્ટેટ્સ મુજબ થોડી વધારે ટીપ આપવી જ જોઈએ." પત્નીની આજ્ઞા શબ્દસહ માની ક્રિશે બધા ફ્રેન્ડ્સ જુએ તેમ પાંચસોની કડકડતી નવી નોટ ટીપ માટે મૂકી. હોટેલ બહાર નીકળી પોતાની એસ.યુ.વી.ગાડીમાં ઘરે જતાં ટ્રાફીક સિગ્નલે ફૂલ વેચનાર છોકરાએ જેનિફરની ઊભી રહેલી ગાડીમાં ફૂલનો હાર ધરી કહ્યું,"મેમસા'બ, દસ રુપિયાનો હાર છે...લઇ લો ને..!"
"પાંચ રુપિયામાં આપવો હોય તો બોલ.!" જેનિફરે રકઝક કરતાં કહ્યું.
પતિ ક્રિશ તરફ જોઈ જેનિફર બોલી,"આમ કાંઈ મોં માંગ્યા પૈસા ના અપાય ને...કસર કરતાં શીખવું જોઈએ ને..!"
ટ્રાફિક ખુલતાં ફૂલ વેચનાર છોકરાને પાછળ મૂકી જેનિફર એસ.યુ.વી.માં નીકળી ગઈ. ક્યાંય સુધી તે ગાડીમાં ક્રિશને કરકસર વિશે સમજાવતી રહી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)