"જર્જરિત થઈ રહ્યુ છે."
જર્જરિત થઈ રહ્યુ છે આખુંય આયખું,
ક્ષણે ક્ષણ જીવન ઉજ્જડ બની રહ્યું છે.
એકેક પાન બરડ થઈ ખરે રોજ વૃક્ષથી,
વન આખું પાનખરમાં એમ પીળું થયું છે.
છૂટે લાગણીઓ, તૂટે સપના કૂણાં પછી,
વિચારોનું મલયુદ્ધ મનમાં ફૂટી રહ્યું છે.
ઉઝરડા દેહ પરના સઘળા મટે મલમથી,
સિસકારા થકી વ્યાધિ પણ થાય છતી,
પણ હૃદયના ઘાવનો ન નીકળે ઊંહકારો,
ઉપાધીનું શૂળ પ્રતિદિન એમ ઊંડું ગયુ છે.
છાતી મધ્યે કાળી બળતરા એવી તે ઉપડી,
કે એકેય અગનીશામકોની કારી ન ફાવે.
રૂંવે રૂંવે શરીરના લાગ્યો દાવાનળ કપરો,
છતાં જગ સુંવાળૂ ચામડું જોઇ રહ્યું છે.
અગ્નિકુંડ પ્રગટાવું સઘળું આહુતિમાં દેવા,
દુઃખો નાખું પીડા પંડની ઓછી કરવા.
સંવેદનાઓ ફટ સ્વાહા બધી બળી છે,
ભસ્મ સિવાય બીજુ કશું ન બાકી રહ્યું છે.
-હાર્દિક રાવલ.