*પાલવ* (મારી કામના)
જ્યારથી,
તારામાંથી થયું મારું સર્જન...
એ પળથી હું તને જોતો રહ્યો !
તારા ખોળામાં હસતો રહ્યો !
પાલવ સાથે રમતો રહ્યો !
તારી આ અપ્રતિમ લાગણીઓને...
હું આંખના પલકારે સમજતો થયો !
તારા આવા જ અવિરત સ્નેહથી...
હું નવું નવું શીખતો ગયો !
તારા વ્યસ્તતાભર્યા દિવસોમાં પણ...
તારી પ્રેમની વર્ષા જોતો રહ્યો !
તારો પાલવ પકડી આ ધરા પર...
હું સદા વિસ્તરતો ગયો !
અને, તારા સાથથી આવી નવી પાંખો...
જાણે થયો નવો જ યુગ સંચાર !
પછી,
તારા આપેલા સ્વર્ણ યુગને વિસરતો ગયો !
હું દુનિયાની મોહમાયામાં પડતો ગયો !
સર કરી નવી સિદ્ધી, નવા સોપાન,
જેનાથી વધી જાણે મારી શાન !
આવીજ અવિરત દોડમાં, જાણે...
હું તને આમજ વિસરતો ગયો !
અંતિમ સમયમાં ફરી આવી યાદ...
તારો એ સાથ ને પાલવ કેરો હાથ !
તારી આ નિસ્વાર્થ લાગણીઓ માટે...
તને વંદન કરવા હું તરસતો રહ્યો !
તારામાંથી જેમ સર્જાયો હતો હું, એમજ...
ફરી તારામાં સમાવવા ઈચ્છતો રહ્યો !
તારા ખોળામાં માથું મૂકી ફરી...
પાલવના અંધારે ઓઝલ થવાની કામના કરતો રહ્યો !
મારી આ રચના ગુજરાતી રસધારા સ્પર્ધા માં પ્રથમ નંબર પર રહી.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...