વિચારોને શબ્દોનો સહારો મળે ને કવિતા પાંગરે.
શબ્દને અર્થના આધારો મળે ને કવિતા પાંગરે.
મનોમંથને અનુભવમાંથી ઘુટાઈ ઘુટાઈને આખરે,
કવિના હૃદયને સમજનારો મળેને કવિતા પાંગરે.
હચમચી ઉઠે હૈયું ઘટના કે કોઈ સંજોગો થકી ને,
એનાં સ્પંદનોને ધબકારો મળે ને કવિતા પાંગરે.
કાં વેદના કે ખુશી પરાકાષ્ટા પામતી સમયના સહારેથી,
એને ઉર તણો આવકારો મળેને કવિતા પાંગરે.
માનસપુત્રી હોય કવિતણી સર્વાધિક પ્રિય હોય
કદી દિલના દર્દના ઉપચારો મળેને કવિતા પાંગરે .
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.