મળી આઝાદી પણ ગુલામી વર્તનમાં દેખાતી ઘણી.
હશે મા ભારતી આ દેખીને અકળાતી મૂંઝાતી ઘણી.
માનસ ગુલામીનું ઘર કરી ગયું હાજી હા ના ભૂલાતી,
ડર, ભય, બીકને પ્રલોભને આઝાદી ભરખાતી ઘણી.
પ્રશ્ન પૂછવા જેટલીય હિંમત ના કેળવી શક્યા આપણે,
સત્તાધારીના અહં પોષવા સ્વતંત્રતા વિસરાતી ઘણી.
નથી મૂલ્ય વોટનું સમજાતું કે ભાન સુદ્ધાં અધિકારનું,
ટોળાંશાહીના આચારે ગતાનુગત પ્રજા ઊભરાતી ઘણી.
તાનાશાહી સત્તાધારીની સહન કરતી જાતી પ્રજા પણ,
ના પ્રતિપ્રશ્ન પૂછવા એની કદી વાણી ઉચ્ચારાતી ઘણી.
સમયની માંગ છે જાગવું જરૂરી અધિકારોની બાબતે,
જાગરુકતાવિણ આઝાદી રખેને હશે વેડફાતી ઘણી.
- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.