‘બાઝાર’
આવો....
આવો સાહેબ, તમને ઝાંખી જ્યોતના તેજની ઝાંખી કરાવું
નરમ ત્વચાની ગરમ ગુજરીની તંગ, નિર્લજ્જ ગલીઓ
અને મજબુર અને મજબૂત માર્કેટની
માદક મહેંકમાથી પસાર કરતાં લઇ જાઉં
સુર્ખ લાલ હોઠ ભીંસી, ટુંટીયું વાળીને બેઠી
કોઈ ચૌદ વર્ષની માસૂમ મજબુરીથી મુલાકાત કરાવું
તમે..
કોટ, મફલર ટોપી અને તમારું ‘ઝમીર’
બહાર ઉતારીને અંદર દાખલ થાજો
કોમળ અને ગોરી ચમડી છે, એટલે...
દામ થોડા ઊંચાં કહેશે..પણ તમે જરા
કમર કસીને ભાવતાલ કરજો
તમારી ચરબીની ગરમી સામે ગજવાનીની ગરમી ટૂંકી પડે તો
ફિકર ન કરતાં
તેનાથી બે યા ત્રણ વર્ષ મોટી તેની બહેન હાજીર છે
તેને વીખીને રાત વિતાવજો
બસ તમ તમારે ખિસ્સું હળવું કરો અને બિસ્તર ગરમ કરો
અને રૂપિયા સિવાય કોઈ અન્ય પ્રલોભનનો પ્રસ્તાવ મુકે તો..
જડી દેજો તમાચો તેના ગાલે
શું.. શું વિચાર કરો છો સાહેબ..?
જરા ઝપટ કરો..
રાત ટૂંકી છે
અને બહાર જીસ્મના જાણકારોની કતાર લાંબી છે
તમારી આંખોમાં ઉતાવળ જોઈને મને તો લાગ્યું કે
તમે ઘણા સમયથી તરસ્યાં લાગો છો ?
કોઈ તાજા ગુલાબને મળવા કે મસળવાના મનસૂબા લઈને આવ્યાં હો તો
માફ કરજો.. અહીં તો સૌ ચૂંથાયેલા ચામડા છે
મારું કામ તો બસ સેટિંગ સુધીનું જ છે
અને ભૂખ તો ભૂખ છે સાહેબ..
એમાં કદ અને કાયા અને ઉમ્ર અને શું લેવા દેવા ?
તમને જો કોઈ સ્પેશિયલ આઈટમ ટેસ્ટ કરવાનો અભરખો હોય તો
સામે એક કડક માલ છે, માલમાં કોઈ ડિફેક્ટ પણ નથી
પણ,
તેના ચહેરા પર ઘાવનું નિશાન છે
છાતી પર ડામના દાગ છે
મનગમતાં તનોરંજનમાં બળજબરી કરતાં કોઈ ગ્રાહકે છેવટે
સિગરેટના ડામ આપીને તેના વિકૃતિની તરસ છીપાવી'તી
પણ તમે આટલી ચુપકીદીમાં કેમ આટલાં ઘૂંટાઈ રહ્યાં છો..
મારો ભરોસો રાખો, તેના રોમે રોમમાં હુન્નર છે
એ પછી..
સાહેબે કોટના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો..
આંખો ઝળઝળિયાંથી છલકાઈ ગઈ..
ગળે ડૂમો બાજી ગયો
ધ્રુજતા હાથે,
કાંપતા સ્વરે,
રડું રડું થઈ ગયેલાં સાહેબે તસ્વીર બતાવતાં પૂછ્યું...
આઆઆ.....આને જોઈ છે કયાંય ?
જરા ધ્યાનથી જો..
આઆ...આ મારી દીકરી છે
વિજય રાવલ
૨૦/૦૮/૨૦૨૨