"ખીંચ મેરી ફોટો"
આજના દિવસને એટલે કે, ઓગણીસમી ઑગસ્ટને વિશ્વભરમાં "વર્લ્ડ ફોટોગ્રાફી ડે" તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આજના દિવસે દુનિયાભરના ફોટોગ્રાફર્સ પોતે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સને જોઈને એક હરખ અનુભવે છે. એક ફોટોગ્રાફર પાસે એ આવડત રહેલી હોય છે કે, એ એક જ તસવીરમાં વ્યક્તિ, કુદરત અને યાદો આ ત્રણેયને સમાવી શકે છે. ફોટોગ્રાફી એ યાદોને સાચવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ખરેખર, યાદોને કેમેરામાં કેપ્ચર કરવાની કલા પણ માત્ર એક ફોટોગ્રાફર પાસે જ હોય છે. ઘણી વાર આપણે કોઈ જગ્યા, કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ સાથે થોડા સમય માટે જ હોઈએ છીએ. આપણે એ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાને કેદ નથી કરી શકતા પણ આજના આધુનિક યુગમાં કેમેરો આ કામ કરી શકે છે. આપણે સૌએ 'જોસેફ નિફસનો' હૃદયથી આભાર માનવો જોઈએ કે, જેમણે 1824 માં દુનિયાનો સૌથી પહેલો કેમેરો બનાવ્યો હતો. દુનિયાની સૌથી પહેલી ફોટોગ્રાફી પણ તેમણે જ કરી હતી.
આજે સમય એટલો આગળ વધી ગયો છે કે, કેમેરો પણ માણસના ફોનમાં સમાઈ ગયો છે. ફોટોગ્રાફીની જગ્યા હવે સેલ્ફીએ લઈ લીધી છે. એક સમય હતો જ્યારે પૈસા દઈને આપણે ફોટો પડાવતા હતા અથવા કેમેરો ભાડે લાવીને ફોટોગ્રાફી કરવા જતાં હતાં. સમય ભલે બદલાયો હોય પણ યાદોને તસવીરમાં કેદ કરવાની રીત આજે પણ એ જ છે અને હંમેશા એ જ રહેશે. આપણે કયારેય સમયને પકડી શકવાના નથી પણ આપણાં જીવનના અમુક કિંમતી સમયને તસવીરમાં કેદ કરી લેવો જોઈએ. પેલું કહેવાય ને કે, "જરૂરી હૈ તસ્વીરે લેના ભી... આઈને ગુજરે હુએ લમ્હે નહીં દિખાતા ..."
આપણી આંખો પણ કંઈ કેમેરાથી ઓછી નથી. કારણ કે, આંખો પાસે રંગીન દ્રશ્ય છે, જીવાયેલો સમય છે અને ઘણી બધી યાદો છે. એ યાદો માણસના 'આંખ' નામના કેમેરામાં ક્લિક થતી હોય છે અને 'મન' નામની હાર્ડડિસ્કમાં સંગ્રહ પણ થતી હોય છે. તો હવે રાહ કેમ જૂઓ છો?? તસવીરમાં દરેક ગમતી યાદોને સાચવી લો.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
તું નથી તો તારો ફોટો પણ ચાલશે
જો થારો ફોટો નથી નથી નથી
જો થારો ફોટો નથી તો,
ફોટોકોપી પણ ચાલશે...
- SHILPA PARMAR "SHILU"