vismtuti in Gujarati Love Stories by Devisha Gajjar books and stories PDF | વિસ્મૃતિ - ભાગ 7

Featured Books
Categories
Share

વિસ્મૃતિ - ભાગ 7

લંડન, સાંજના લગભગ 6 વાગ્યે

આકાશમાંથી રૂ જેવા પોચા બરફના ટુકડાઓ ધીમે-ધીમે જમીન પર પથરાઈ રહ્યા હતા, જે લંડનની સડકોને એક સફેદ મખમલી ચાદરમાં લપેટી રહ્યા હતા. લંડનની આ થીજવી દેતી બરફીલી સાંજ પ્રિયાંક બંસલ માટે કોઈ આજીવન કેદની સજાથી ઓછી નહોતી. 

શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા એક આલીશાન એપાર્ટમેન્ટના ઝાંખા અંધારામાં બેઠેલો પ્રિયાંક બારીના કાચ પર પોતાનું માથું ટેકવીને શૂન્યમનસ્ક ઉભો હતો. સામેના રસ્તા પર આવેલા રિયાના પીજીની લાઈટો ચાલુ થઈ રહી હતી, પણ પ્રિયાંકના જીવનમાં અંધકાર ઘટ્ટ થઈ રહ્યો હતો.
રૂમમાં એક વિચિત્ર સન્નાટો હતો, માત્ર ખૂણામાં પડેલા જૂના ગ્રામોફોન પર એક ગીત અત્યંત ધીમા અવાજે ગુંજતું હતું. એ સૂર પ્રિયાંકની અત્યારની માનસિક સ્થિતિ અને તેના હૃદયમાં ઉઠતા દર્દનો પડઘો પાડતા હતા..

मेहफ़िल मैं तेरी
हम ना रहे जो
ग़म तो नहीं हैं
ग़म तो नहीं हैं

क़िस्से हमारे नज़्दीकियों के
कम तो नहीं हैं
कम तो नहीं हैं
कितनी दफ़ा सुबह को मेरी
तेरे आँगन मैं बैठे मैंने शाम किया..

પ્રિયાંકની આંખો મીંચાયેલી હતી, પણ તેની લાંબી પાંપણો ભીની હતી. તે પળે-પળ એ જ યાદોમાં જીવી રહ્યો હતો જે તેણે રિયા સાથે મુંબઈમાં વિતાવી હતી. રિશી દરવાજો ખોલીને ધીમે પગલે અંદર આવ્યો ત્યારે તેણે જોયું કે પ્રિયાંક જાણે કોઈ ઊંડી સમાધિમાં હોય તેમ બારી પાસે જડવત ઉભો છે. ગીતના શબ્દો હવે વધુ ગહન અને પીડાદાયક બની રહ્યા હતા..

चन्ना मेरेया मेरेया
चन्ना मेरेया मेरेया, ओ पिया..

तेरे रुख से अपना रास्ता
मोड़ के चला..
चन्दन हूँ मैं
अपनी खुशबू छोड़ के चला..

मन की माया रख के
तेरे तकिये तले
बैरागी बैरागी का सूती चौला
ओढ़ के चला..

"પ્રિયાંક..." રિશીએ અત્યંત ધીમેથી અવાજ દીધો.
પ્રિયાંકે કોઈ પ્રતિભાવ ન આપ્યો. રિશી નજીક આવ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો... "પ્રિયાંક, લંડન પોલીસ અને એરપોર્ટ સિક્યોરિટી પાસેથી ફાઈનલ રિપોર્ટ આવી ગયો છે. આપણું નેટવર્ક ઘણું મજબૂત છે. રિપોર્ટ મુજબ મેરા હજુ પણ ઇન્ડિયામાં જ છે... તેના તમામ બેંક એકાઉન્ટ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને લોકેશન ટ્રેસ પર છે. તે મુંબઈની બહાર નીકળી શકી નથી. એટલે તું અત્યારે શાંતિથી રિયા પર ધ્યાન આપી શકે છે. લંડનમાં અત્યારે મેરાનો કોઈ ખતરો નથી..."

પ્રિયાંકે એક ઊંડો અને લાંબો નિસાસો નાખ્યો અને ગ્રામોફોન પર વાગતું ગીત બંધ કર્યું. રૂમમાં ફરી સન્નાટો પ્રસરી ગયો... "રિશી, મેરા કોઈ સામાન્ય દુશ્મન નથી. તે શાંત બેસે તેવી છોકરી નથી, એ હું બહુ સારી રીતે જાણું છું. પણ અત્યારે મારું મન કહે છે કે રિયા અહીં સુરક્ષિત છે... જો મેરા અહીં હોત, તો અત્યાર સુધી તેણે કોઈ મોટો હુમલો કરી દીધો હોત. બસ, રિયા મને ન ઓળખે એ જ મારું અત્યારે સૌથી મોટું જોખમ છે. મારે તેની સામે જવું છે, પણ તેનો ડર મને રોકી રહ્યો છે..."

પ્રિયાંક આ વાતથી બિલકુલ અજાણ હતો કે મેરા પહેલેથી જ લંડન લેન્ડ કરી ચૂકી છે. મેરાએ કોઈ પ્રોફેશનલ જાસૂસની જેમ પ્રિયાંકના જ સિસ્ટમમાં ઘૂસીને તમામ રેકોર્ડ્સ અને ડેટા મેનીપ્યુલેટ કરી દીધા હતા. પ્રિયાંક જેને સુરક્ષા સમજી રહ્યો હતો, તે ખરેખર તો મોતના મોઢામાં જવાનો રસ્તો હતો...

બીજી બાજુ, લંડન હીથ્રો એરપોર્ટના એક્ઝિટ ગેટ પરથી એક યુવતી અત્યંત આત્મવિશ્વાસ સાથે બહાર નીકળી. તેણે ડાર્ક ગ્રીન કલરનો લાંબો ઓવરકોટ પહેર્યો હતો અને ચહેરાને મોટા હેડસ્કાર્ફથી એવી રીતે ઢાંક્યો હતો કે માત્ર તેની તેજસ્વી પણ ક્રૂર આંખો જ દેખાતી હતી. તે મેરા હતી, પણ હવે તેનું નામ, તેની ઓળખ અને તેનું અસ્તિત્વ બદલાઈ ચૂક્યું હતું. તે હવે ' માયા ' હતી—એક નિર્દોષ, થોડી ગભરાયેલી અને ભણવા માટે લંડન આવેલી મધ્યમવર્ગીય ભારતીય છોકરી...

મેરાએ એરપોર્ટની બહાર નીકળતા જ એક ટેક્સી કરી. ટેક્સીમાં બેસીને તેણે પોતાનો નવો ફોન સ્વીચ ઓન કર્યો અને એક અજાણ્યા ઇન્ટરનેશનલ નંબર પર મેસેજ ટાઈપ કર્યો: "શિકારની જાળ તૈયાર છે. રક્ષકને ખબર પણ નથી કે તેનું મોત તેની બાજુના રૂમમાં ગોઠવાઈ ગયું છે. ખેલ હવે શરૂ થાય છે..."

તેના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. તેણે પ્રિયાંકના જ સુરક્ષા નેટવર્કનો ઉપયોગ કરીને તેને છેતર્યો હતો અને હવે તે રિયાની સૌથી નજીક પહોંચવાની તૈયારીમાં હતી.
બીજા દિવસે સવારના સમયે, લંડન યુનિવર્સિટીના કેમ્પસમાં રિયા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી રહી હતી. તેનું મન હજુ પણ ગઈકાલની એ ઘટનામાં અટવાયેલું હતું.. એ 'વુડી-સેન્ડલવુડ' પરફ્યુમની સુગંધ અને પેલા અજાણ્યા વ્યક્તિ (પ્રિયાંક) ના સ્પર્શની ગરમી. તે સીડીઓ ઉતરતી વખતે વિચારોમાં એટલી ખોવાયેલી હતી કે તેનો પગ લપસ્યો. તેના હાથમાંથી પુસ્તકો અને નોટ્સ બરફ પર વેરાઈ ગયા...

"ઓહ માય ગોડ! આર યુ ઓકે?" એક છોકરીએ દોડીને રિયાને સંભાળી.

રિયાએ માથું ઊંચું કરીને જોયું. તેની સામે અત્યંત સાદી, ચશ્મા પહેરેલી અને માયાળુ દેખાતી છોકરી ઉભી હતી. તેણે રિયાના પુસ્તકો ભેગા કરવામાં મદદ કરી. "હા, આઈ એમ ફાઈન. થેન્ક યુ સો મચ," રિયાએ હાંફતા-હાંફતા કહ્યું.
"હું માયા. આઈ એમ ન્યૂ હિયર. મારું આજે પહેલું અઠવાડિયું છે અને મને રસ્તો જ નહોતો જડતો, ત્યાં તને જોઈ એટલે થયું કે પૂછી લઉં," માયાએ અત્યંત કુશળતાથી ભોળપણનો અભિનય કરતા કહ્યું. રિયાને તેનામાં પોતાનું કોઈ જૂનું મિત્ર દેખાયું અને બંને વાતો કરતા કરતા કેમ્પસની બહાર પાર્કિંગ તરફ નીકળ્યા...

વાતો દરમિયાન માયાની નજર રિયાના ગળામાં રહેલા એ પ્લેટિનમ લોકેટ પર પડી. "વાહ રિયા, આ લોકેટ... બહુ સુંદર છે. એકદમ એન્ટિક અને આકર્ષક! શું આ કોઈ ફેમિલી હેરલૂમ છે?"..

રિયાએ તરત જ લોકેટ પર હાથ મૂક્યો, જાણે તે તેને દુનિયાની નજરથી બચાવવા માંગતી હોય. "હા, આ મારા પપ્પાએ આપ્યું હતું. મારા માટે આ ખૂબ કિંમતી છે.." રિયાએ ગંભીર થઈને કહ્યું. માયા સમજી ગઈ કે આ લોકેટ જ તેની મંઝિલ છે, પણ તેણે અત્યારે વધુ સવાલ ન કર્યા...

થોડી વાર પછી..

યુનિવર્સિટીના પાર્કિંગમાં રિયા આજે ભારે મુંઝવણમાં હતી. તેની સાયકલની ચેઈન વારંવાર ઉતરી રહી હતી અને બરફના કારણે સાયકલ પર કાબૂ રાખવો મુશ્કેલ હતો. તે ઉતાવળમાં હતી કારણ કે તેને સાંજની શિફ્ટ માટે કામ પર જવાનું હતું. અચાનક તેનું ધ્યાન ભટક્યું અને સાયકલ એક લપસણી જગ્યા પર થીજી ગઈ. એક જોરદાર 'ચચરાટ' ના અવાજ સાથે તેની સાયકલ બાજુમાં ઉભેલી એક ચમકતી, આલીશાન કાળી લિમોઝિન સાથે જોરથી અથડાઈ. સાયકલનું મેટલ હેન્ડલ ગાડીના દરવાજાને ચીરતું નીકળી ગયું અને એક લાંબો, કદરૂપો ઉઝરડો (Scratch) પાડી દીધો.

"હે ભગવાન! રિયા, તેં આજે તારું મોત નોતર્યું છે," રિયા પોતાના કપાળ પર હાથ મારીને ફાટી આંખે ગાડી જોવા લાગી.

તે હજુ તો ત્યાંથી ભાગવાનો કે સાયકલ સીધી કરવાનો વિચાર કરે એ પહેલાં જ ગાડીનો પાછળનો દરવાજો ધીમેથી ખુલ્યો. પ્રિયાંક બંસલ બહાર આવ્યો. તેની પર્સનાલિટી એટલી પાવરફુલ અને આભા એટલી પ્રભાવશાળી હતી કે આખું પાર્કિંગ જાણે સ્તબ્ધ થઈ ગયું. રિયાએ ડરના માર્યા પોતાની આંખો મીંચી દીધી.
"મિસ રિયા? ફરી આપણે?" પ્રિયાંકનો એ જ ગંભીર પણ મખમલી અવાજ સંભળાયો...

રિયાએ ધીમેથી એક આંખ ખોલી. "આઈ એમ સોરી... આઈ એમ રિયલી સોરી! બરફ લપસણો હતો અને... અને મારી સાયકલને જાણે તમારી આ મોંઘી ગાડી સાથે જ દુશ્મની હતી. પ્લીઝ મને માફ કરી દો.."

પ્રિયાંક ગાડીના દરવાજા પર પડેલા લાંબા સ્ક્રેચ પાસે ગયો અને ખૂબ જ ગંભીરતાથી તેનું નિરીક્ષણ કર્યું. "તમને અંદાજો છે આ કેટલું મોટું નુકસાન છે?"

રિયા મનોમન વિચારી રહી.. " અરે શું રિયા.. અત્યારે જ તારે આમ કરવું તું.. એક કામ સરખું નહીં થતું.. જો આ માણસે આ નુકસાન માટે પૈસા માંગ્યા કે પોલીસને બોલાવી તો તો તારું કામ પૂરું એ પાક્કું છે.."  તે ધ્રૂજતા અવાજે બોલી, "હા, મને ખબર છે આ ગાડી કરોડોની છે. હું... હું એના રિપેરિંગના પૈસા આપી દઈશ. ભલે મારે આખું લંડન સાફ કરવું પડે કે ઓવરટાઇમ કરવો પડે, પણ હું તમારું દેવું ચૂકવી દઈશ. પ્લીઝ પોલીસને ફોન ન કરતા."

પ્રિયાંકને અંદરથી રિયાની નિર્દોષતા જોઈને હસવું આવતું હતું, પણ તેણે પોતાનો ચહેરો કડક રાખ્યો. "આખું લંડન સાફ કરવાની જરૂર નથી. પણ આ સ્ક્રેચ ઠીક કરાવતા લાખોનો ખર્ચ થશે. તમારી પાસે અત્યારે છે એટલા પૈસા?"

રિયાએ શરમથી નીચું જોયું. "ના, અત્યારે તો નથી. પણ હું હપ્તે-હપ્તે..."

"હપ્તે-હપ્તે?" પ્રિયાંક તેની એકદમ નજીક આવ્યો. રિયાને ફરી એ જ ચંદન અને વુડી પરફ્યુમની માદક સુગંધ આવી, જે તેને વારંવાર તેના ભૂતકાળની યાદ અપાવતી હતી. પ્રિયાંકે તેના પર્સમાં અડધું છુપાયેલું લોકેટ જોયું પણ તે કશું બોલ્યો નહીં. "એટલે કે મારે હવે રોજે તમારી પાછળ ઉઘરાણી માટે આવવું પડશે? મારો સમય બહુ કિંમતી છે, રિયા. હું વારંવાર પૈસા લેવા લંડનની ગલીઓમાં નહીં ફરી શકું."

રિયા મનોમન આ માણસ ને કહી રહી.. "લો સાંભળો! ભાઈસાહેબને 'સમય' નથી. જાણે આખા યુકેની ઈકોનોમી આમના ઈશારે જ ચાલતી હોય એમ ડાયલોગ મારે છે! એટીટ્યુડ તો જુઓ... જાણે લંડનના પ્રિન્સ વિલિયમ ભૂલથી ઇન્ડિયન બોડીમાં આવી ગયા હોય! વળી પાછું કહે છે કે 'ગલીઓમાં નહીં ફરી શકું'... હા ભાઈ, તમને તો ગલીઓમાં નીકળતા એલર્જી થતી હશે ને? તમારા જેવા VIP માણસો તો સીધા આકાશમાંથી પેરાશૂટ લઈને ઓફિસમાં લેન્ડ થતા હશો! એક તો તમારી ગાડીએ મારી સાયકલને ઠોકર મારી.. ભલે વાંક મારો હતો પણ આ ભાઈ જે રીતે 'કિંમતી સમય' ની કેસેટ વગાડે છે ને, મન થાય છે કે બે પાઉન્ડ છુટા આપીને કહું કે જાવ ભાઈ, પાંચ મિનિટ વધારે જીવી લો..!" થોડી ચીઢાઈને અને થોડા ગુસ્સામાં બોલી, "તો શું કરું? પોલીસને બોલાવી લેશો? જેલમાં નાખી દેશો? મને ખબર છે મારી ભૂલ છે, પણ અત્યારે મારી પાસે રસ્તો નથી."

પ્રિયાંકના હોઠ પર એક હળવું સ્મિત આવ્યું. "ના, હું એટલો પણ ક્રૂર નથી. એક રસ્તો છે. અત્યારે મારે એક કોફી પીવી છે, પણ એકલા નહીં. મને એકલતાથી નફરત છે. જો તમે દંડ તરીકે અત્યારે મારી સાથે સામેના કેફેમાં કોફી પીવા આવો, તો કદાચ હું આ સ્ક્રેચ અને આ મોટું નુકસાન ભૂલી જાવ. સોદો મંજૂર છે?"

રિયા સ્તબ્ધ થઈ ગઈ. "શું? બસ એક કોફી? આટલા મોટા નુકસાનના બદલામાં?"

"હા, મારો સમય અને મારી પસંદગી બહુ મોંઘી છે રિયા. મારી સાથે અડધો કલાક વિતાવવો એ દુનિયાના કોઈ પણ પેમેન્ટ કરતા મોટું છે," પ્રિયાંકે ગર્વથી પણ અત્યંત નમ્રતાથી કહ્યું...

રિયાના ચહેરા પર અચાનક એક મીઠું સ્મિત આવી ગયું. "તમે ખરેખર બહુ અજીબ માણસ છો, મિસ્ટર.. લોકો નુકસાનના બદલામાં વળતર માંગે છે અને તમે સમય માંગો છો."

પ્રિયાંકે રિયાની આંખોમાં જોઈને ગંભીરતાથી કહ્યું, "કારણ કે સમય જ તો બધું છે, રિયા. જે એકવાર હાથમાંથી જાય એ કરોડો ખર્ચવા છતાં ક્યારેય પાછો નથી આવતો." પ્રિયાંકના અવાજમાં ક્ષણવાર માટે ઊંડી ઉદાસી અને એકલતા ડોકાઈ ગઈ.

રિયાને એ અવાજમાં કશુંક એવું લાગ્યું જેણે તેના હૃદયને સ્પર્શી લીધું. તેને લાગ્યું કે આ માણસ બહારથી ભલે કઠોર દેખાતો હોય, પણ અંદરથી બહુ એકલો છે. 


શું થશે જ્યારે પ્રિયાંક ને મેરા ના લંડન હોવાની ખબર પડશે..?
રિયા અને પ્રિયાંક ની મુલાકાત કમ ડેટ કેવી જશે..?

વધુ આવતા અંકે...