નમસ્કાર મિત્રો, અંગત કારણોસર હું વાર્તાનો આગળનો ભાગ લખી શકી નથી. પરંતુ હવેથી તેના નિર્ધારિત સમયે જ વાર્તા ના નવા ભાગો જ આવશે..
તમારી ધીરજ અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર! જોડાયેલા રહેજો. ✨
..................................................
રિયાનું પીજી, લંડન
લંડનની એ રાત રિયા માટે ક્યારેય પૂરી ન થનારી એક લાંબી સફર જેવી હતી. પીજીના ખૂણામાં બેસીને તે આખી રાત જાગતી રહી. બહાર પેલો કાળો પડછાયો ક્યારે ગાયબ થયો તેની તેને ખબર જ ન પડી, પણ તેના મનમાં જન્મેલો ડર હજુ પણ જીવતો હતો. મુઠ્ઠીમાં ભીંસેલી પેલી ચિપ જાણે તેના હાથમાં ડામ આપી રહી હતી.
બીજી બાજુ, લંડન હીથ્રો એરપોર્ટ પર સવારના ધુમ્મસ વચ્ચે પ્રિયાંક બંસલનું પ્રાઇવેટ જેટ લેન્ડ થયું. પ્રિયાંકની આંખોમાં ઊંઘનું એક ટીપું પણ નહોતું, માત્ર એક જ ઝનૂન હતું... રિયાની સુરક્ષા. તેણે એરપોર્ટ પર ઉતરતા જ રિશીને સૂચના આપી, "રિશી, રિયાના પીજીની બિલકુલ સામે જે એપાર્ટમેન્ટ છે, તેની વ્યવસ્થા થઈ ગઈ?"
રિશીએ માથું હલાવ્યું, "હા પ્રિયાંક, રાતોરાત બધું જ થઈ ગયું છે. પણ યાદ રાખજે, તારે તેની સામે નથી આવવાનું. તું તેના માટે સાવ અજાણ્યો છે, અને તારો ચહેરો અત્યારે સામે આવવો જોખમી છે."
પ્રિયાંકે એક ઊંડો નિસાસો નાખ્યો અને વિન્ડશિલ્ડની બહાર જોતા બોલ્યો, "મારે તેની સામે નથી જવું રિશી, મારે તો બસ એ જોવું છે કે તે સુરક્ષિત છે. તેનાથી હજારો માઈલ દૂર રહીને હવે મારામાં શ્વાસ લેવાની શક્તિ નથી રહી.
રિયા સવારે જ્યારે ઉઠી ત્યારે તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. નિહારિકા હજુ પણ પાછી આવી નહોતી. રિયાએ હિંમત કરી અને બારીનો પડદો હટાવ્યો. સામેના એપાર્ટમેન્ટમાં કોઈક નવું રહેવા આવ્યું હોય તેમ લાગતું હતું. ત્યાંની બારીઓ કાળી (Tinted) હતી, જેથી બહારથી અંદર કશું દેખાય નહીં.
રિયાને અહેસાસ નહોતો કે એ કાળા કાચની પાછળ પ્રિયાંક ઊભો હતો. તેણે હાઈ-ડેફિનેશન બાયનોક્યુલરથી રિયાના ચહેરા પરની એક-એક રેખા વાંચી લીધી હતી. તેના મનમાં એક ટીસ ઉઠી. રિયા તેની આંખો સામે હતી, છતાં તે તેને સ્પર્શી શકતો નહોતો. પ્રિયાંકના રૂમમાં સીસીટીવી ફૂટેજ હવે લાઈવ હતા. તે રિયાની રક્ષા માટે એક અદ્રશ્ય કવચ બનીને લંડનની ગલીઓમાં ઉતરી ચૂક્યો હતો.
બપોરના સમયે રિયાને લાગ્યું કે જો તે રૂમમાં પૂરાઈ રહેશે તો તે પાગલ થઈ જશે. તેણે નક્કી કર્યું કે તે યુનિવર્સિટી જશે. તેણે પોતાનો લાંબો લાલ કોટ પહેર્યો, માઈક્રોચિપને પર્સના અંદરના ખિસ્સામાં સુરક્ષિત મૂકી અને લાયબ્રેરી જવા માટે નીકળી.
લંડનના રસ્તાઓ પર હજુ પણ બરફની ચાદર હતી. રિયા 'રસેલ સ્ક્વેર' પાસે પહોંચી. તેનું મન હજુ પણ પેલા પત્રના વિચારોમાં ગૂંથાયેલું હતું. તે રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી ત્યારે જ અચાનક, વળાંકમાંથી એક તેજ રફ્તાર બ્લેક ગાડી ચીસો પાડતા ટાયરો સાથે રિયા તરફ ધસી આવી. મોત તેની બિલકુલ સામે હતું...
"રિયા!" એક પહાડ જેવો, ગંભીર અને મજબૂત અવાજ હવામાં ગુંજ્યો.
તે ટક્કર થાય એ પહેલા જ, એક અત્યંત મજબૂત હાથે રિયાની કમર પકડી અને તેને જોરથી પોતાની તરફ ખેંચી લીધી. રિયા અને એ અજાણ્યો વ્યક્તિ બંને બરફના ઢગલામાં બાજુ પર પડ્યા. રિયા અત્યંત ગભરાયેલી હતી, તેની આંખો બંધ હતી અને તેનું માથું એ અજાણ્યા પુરુષની મજબૂત છાતી સાથે અથડાયું હતું.
તે ક્ષણે રિયાને સમય થંભી ગયો હોય તેવો ભાસ થયો. બરફની એ થીજવી દેતી ઠંડીમાં પણ તેને એ વ્યક્તિની છાતીમાંથી ઉઠતી ગરમીનો અહેસાસ થયો. એ વ્યક્તિના હૃદયના ધબકારા એટલા તેજ હતા જાણે તે રિયાના ડરને પોતાનામાં સમાવી રહ્યા હોય.
રિયાએ ધીમેથી આંખો ખોલી. તેના નાકમાં એક અત્યંત પરિચિત, માદક અને તીવ્ર સુગંધ આવી.. ચંદન અને મોંઘા વુડી પરફ્યુમનું મિશ્રણ. આ સુગંધમાં કઈક એવું હતું જે રિયાના આત્માને સ્પર્શી ગયું. આ સ્પર્શમાં એક અજીબ અધિકાર હતો, એક એવું રક્ષણ હતું જે તેણે ક્યારેય અનુભવ્યું નહોતું.
2 વર્ષ પહેલા...
મુંબઈના એરકન્ડિશન્ડ મોલની ભીડમાં રિયા પ્રિયાંકનો હાથ પકડીને જાણે કોઈ નાના બાળકને ખેંચતી હોય તેમ પરફ્યુમ સેક્શન તરફ લઈ જઈ રહી હતી. પ્રિયાંક, જે સામાન્ય રીતે બોર્ડ મીટિંગ્સમાં ગંભીર ચહેરે કરોડોના સોદા કરતો હતો, અત્યારે રિયા સામે સાવ લાચાર દેખાતો હતો.
"રિયા, પ્લીઝ... મારી પાસે પહેલેથી જ પાંચ પરફ્યુમ છે. અને આ જગ્યાએથી તો એટલી બધી સુગંધ આવે છે કે મને છીંક આવવાની તૈયારી છે!" પ્રિયાંકે પોતાનું નાક રૂમાલથી ઢાંકવાની કોશિશ કરતા કહ્યું.
રિયાએ ઉભા રહીને કમર પર હાથ રાખ્યા અને તેની સામે આંખો કાઢી. "ઓહ હો! બિઝનેસ ટાયકૂન પ્રિયાંક બંસલને છીંક આવશે? પ્રિયાંક, તારા એ જૂના પરફ્યુમની સ્મેલ કેવી છે ખબર છે? જાણે કોઈ સરકારી ઓફિસની જૂની ફાઈલોમાંથી આવતી હોય એવી! એકદમ બોરિંગ અને પ્રોફેશનલ!"
"એને 'ક્લાસિક' કહેવાય, રિયા," પ્રિયાંકે દલીલ કરી.
"એને 'આદિમાનવ કાળનું' કહેવાય!" રિયાએ તેને ખેંચીને એક પ્રીમિયમ કાઉન્ટર પાસે ઉભો રાખ્યો. તેણે એક ડાર્ક બ્લુ કલરની બોટલ ઉઠાવી. "આ જો... ચંદન, મસ્ક અને તાજા કાપેલા લાકડાની નોટ્સ છે આમાં. આ તારા પર ટ્રાય કર."
રિયાએ પ્રિયાંકના વિરોધ વચ્ચે તેના કાંડા પર જોરથી સ્પ્રે કરી દીધું. પ્રિયાંક પોતાનો હાથ પાછળ ખેંચે એ પહેલા તો રિયાએ તેનો હાથ પકડી લીધો અને પોતાનું નાક તેના કાંડા પાસે લઈ ગઈ. તે એકદમ નજીક આવી ગઈ હતી, પ્રિયાંક તેના શ્વાસ પોતાના હાથ પર અનુભવી શકતો હતો.
"હમ્મમ... આ તો મસ્ત છે," રિયાએ આંખો બંધ કરીને કહ્યું. પછી અચાનક તેણે પ્રિયાંકના શર્ટના કોલર પાસે પણ સ્પ્રે કરી દીધું.
"રિયા! શું કરે છે? આ આખું મોલ મને જોવે છે!" પ્રિયાંક ગભરાઈને આજુબાજુ જોવા લાગ્યો.
"જોવા દે ને! બધાને ખબર પડવી જોઈએ કે પ્રિયાંક બંસલ હવે માણસ જેવો સુગંધિત લાગે છે," રિયા ખડખડાટ હસી પડી. તેણે ફરીથી તેની નજીક જઈને સ્નિફ કર્યું. "પ્રિયાંક, આ સુગંધ એટલી પાવરફુલ છે ને કે જો ક્યારેક આપડે મેળામાં ખોવાઈ જઈએ ને, તો પણ હું તારી પાછળ પાછળ આ સ્મેલના સહારે આવી જઈશ. તારે તો કઈ પણ કહેવાની જરૂર નથી, તારોપરફ્યુમ જ કાફી છે!"
પ્રિયાંકે મજાકમાં કહ્યું, "એટલે તને મારામાં રસ નથી, પણ મારા પરફ્યુમમાં છે?"
"ચોક્કસ!" રિયાએ જીભ કાઢીને તેને ચિડાવ્યો. "તારા આ લુક પર આ સુગંધ એટલી સેક્સી લાગે છે કે કોઈ પણ છોકરી તારા પર ફિદા થઈ જાય. પણ હા, ખબરદાર જો કોઈ બીજી છોકરી સામે જોયું છે તો! આ સુગંધ પર ફક્ત મારો કોપીરાઈટ છે. પ્રોમિસ કર કે તું આ જ વાપરીશ?"
પ્રિયાંકે હાર માની લીધી. તેણે રિયાના નાક પર હળવેથી ટપલી મારી. "ભલે બાબા, પ્રોમિસ. આજથી આ 'વુડી-સેન્ડલવુડ' જ મારું કાયમી એડ્રેસ. હવે તો ખુશ?"
"ખૂબ ખુશ!" રિયાએ તેના ગાલ પર હળવું ચુંબન કર્યું અને હસતી હસતી આગળ દોડી ગઈ.
વર્તમાન સમય ...
તે અજાણ્યા વ્યક્તિએ કાળું માસ્ક અને ઓવરકોટ પહેર્યો હતો. તેની આંખો કાળા ચશ્માથી ઢંકાયેલી હતી, પણ રિયાને એ ચશ્માની પાછળથી પણ કોઈકનું તીક્ષ્ણ અને પ્રેમાળ આકર્ષણ અનુભવાતું હતું. એ અજાણ્યા પુરુષે રિયાને હજુ પણ પોતાની પકડમાં જ રાખી હતી. રિયાને એ મજબૂત બાહુપાશમાં જિંદગીની સૌથી મોટી સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો હતો.
"તમે... તમે ઠીક છો?" એ વ્યક્તિનો અવાજ ગંભીર હતો, પણ તેમાં એક એવી મિઠાશ હતી જે રિયાના કાનમાં મધની જેમ ઓગળી ગઈ. તેણે ધીમેથી રિયાના ચહેરા પરથી તેની રેશમી લટો હટાવી. તેની આંગળીઓનો સ્પર્શ રિયાના ગાલ પર વીજળી જેવો કરંટ પસાર કરી ગયો.
રિયા કશું બોલી ન શકી, બસ એ અજાણ્યા ચહેરાને તાકી રહી. તેના હૃદયમાં એક અજીબ હલચલ મચી ગઈ હતી. આ કોણ છે? આટલો અજાણ્યો હોવા છતાં આટલો પોતાનો કેમ લાગે છે?
"તમારે ધ્યાન રાખવું જોઈએ," એ વ્યક્તિએ અત્યંત ધીમેથી, રિયાના કાનની નજીક જઈને કહ્યું. તેના શ્વાસ રિયાના ગળા પર અથડાતા હતા, જેનાથી રિયાના શરીરમાં એક અજાણી ધ્રુજારી દોડી ગઈ. "લંડન અત્યારે તમારા માટે સુરક્ષિત નથી, રિયા."
એ વ્યક્તિએ રિયાને સાવધાનીથી ઊભી કરી. તેના હાથમાં ચામડાના ગ્લવ્ઝ હતા, પણ રિયાને એ ગ્લવ્ઝની અંદર રહેલા ગરમ હાથનો સ્પર્શ હજુ પણ અનુભવાતો હતો. રિયા કંઈક પૂછે એ પહેલા જ, એ વ્યક્તિએ રિયાના ખભા પર હાથ મૂકીને તેને એકવાર પંપાળી અને ભીડમાં ઓગળી ગયો.
રિયા ત્યાં જ થીજી ગઈ. તેનું દિલ જોરજોરથી ધડકતું હતું. "તેણે મારું નામ લીધું? અને એ સુગંધ..." રિયાના મગજમાં એક ઝબકારો થયો. તે વ્યક્તિ ભલે અજાણ્યો હતો, પણ તેની સુગંધ રિયાના અસ્તિત્વના કોઈક ખૂણામાં વર્ષોથી વસેલી હતી.
ભીડમાં ઓગળી ગયેલી એ વ્યક્તિ પ્રિયાંક જ હતો. તે એક ગલીમાં જઈને દીવાલના ટેકે ઊભો રહી ગયો અને માસ્ક હટાવીને લાંબો શ્વાસ લીધો. તેના હાથ હજુ પણ ધ્રૂજતા હતા. રિયાની કમર પર રહેલી તેની પકડનો અહેસાસ હજુ પણ તેના હાથમાં જીવંત હતો.
"રિયા..." પ્રિયાંકની આંખો ભીની થઈ ગઈ. "તને આટલી નજીકથી જોયા પછી હવે તારાથી દૂર રહેવું મારા માટે મોત સમાન છે. પણ તારો જીવ બચાવવા મારે તારા માટે અજાણ્યા જ રહેવું પડશે."
તેનું હૃદય પોકારી રહ્યું હતું કે તે પાછો જાય અને રિયાને તે જ ક્ષણે ગળે લગાડી લે, પણ તેનો ભૂતકાળ તેને રોકી રહ્યો હતો...
શું રિયા પ્રિયાંક ને ઓળખી જશે..?
પ્રિયાંક રિયા ને જેનાથી સુરક્ષિત માટે આવ્યો છે તેમાં સફળ થશે..?
વધુ આવતા અંકે...