vismtuti - 5 in Gujarati Love Stories by Devisha Gajjar books and stories PDF | વિસ્મૃતિ - ભાગ 5

Featured Books
  • Wisps of Smoke - 43

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • Topography of Bali

    The island of Bali, Indonesia can be small, yet its topograp...

  • World Teachers Day

    The Teacher: The Light of Knowledge, Character and Civilizat...

  • THE GHOST BIKE - PART 3

    PROLOGUE — 2017It was a rainy night in 2017.In a small town...

  • ak adhuri mulakat

    एक अधूरी मुलाकातशहर के एक छोटे से कॉलेज में आरव पढ़ाई करता थ...

Categories
Share

વિસ્મૃતિ - ભાગ 5

લંડન, અંદાજે સાંજના પાંચ વાગે

લંડનનું આકાશ આજે માત્ર ભૂખરું નહોતું, પણ જાણે કોઈ અશુભ સંકેત આપી રહ્યું હતું. થીજવી દેતી જાન્યુઆરીની ઠંડીમાં રિયા લગભગ દોડતી પોતાના પીજી પર પહોંચી... તેના પગ બરફ પર લપસી રહ્યા હતા, પણ તેના મનમાં ચાલતા વિચારોની ગતિ એ બરફ કરતાં પણ વધુ તેજ હતી... તેનું હૃદય કોઈ નગારાની જેમ ધબકતું હતું, અને દરેક ધબકારે તેને અભીરના એ શબ્દો યાદ આવતા હતા.. ‘રી-પુ’...

પીજીમાં પગ મૂકતા જ તેણે હાશકારો અનુભવ્યો કે નિહારિકા હજુ યુનિવર્સિટીમાં જ હતી. રિયા અત્યારે કોઈની પણ સાથે વાત કરવાના મૂડમાં નહોતી. તેણે ધ્રૂજતા હાથે પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. લંડનની એ શાંતિમાં આજે તેને ડર લાગતો હતો...તેણે પોતાની બેગમાંથી પેલું પ્લેટિનમ લોકેટ કાઢ્યું જે તેના પિતાની છેલ્લી નિશાની ગણાતી હતી...

તેણે ડ્રેસિંગ ટેબલ પર પડેલી એક ઝીણી સેફ્ટી પિન ઉઠાવી. તેના હાથ એટલા ધ્રૂજતા હતા કે પિન પકડવી પણ મુશ્કેલ હતી... સત્ય જાણવાની જિજ્ઞાસા આજે તેના અસ્તિત્વ પર હાવી થઈ ગઈ હતી. લોકેટના પાછળના ભાગમાં રહેલા એ અત્યંત બારીક છિદ્રમાં તેણે પિન પરોવી... એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો, અને પછી એક અત્યંત ધીમો 'ક્લિક' અવાજ આવ્યો...

લોકેટનો ઉપરનો ભાગ કોઈ ગુપ્ત સ્લાઈડની જેમ ખસી ગયો. રિયાની આંખો આશ્ચર્ય અને આઘાતથી ફાટી ગઈ! અંદર કોઈ ફોટો નહોતો, કોઈ ધાર્મિક પ્રતીક નહોતું, પણ ૨૧મી સદીની આધુનિક ટેકનોલોજીનો એક ચમત્કાર હતો... લોકેટની મધ્યમાં અત્યંત નાની, સોનેરી રંગની એક માઈક્રોચિપ અત્યંત કુશળતાથી ફિટ કરેલી હતી..
"આનો અર્થ એ કે પપ્પાએ આ લોકેટમાં કોઈ એવી માહિતી છુપાવી છે જે મારા અકસ્માત સાથે જોડાયેલી છે..." રિયાના હોઠ થથર્યા. 

પણ આ ચિપને જોવી કેવી રીતે? તેને લેપટોપમાં કનેક્ટ કરવા માટે કોઈ ખાસ ચિપ-રીડર કે સોફ્ટવેરની જરૂર હતી જે તેની પાસે નહોતું. પણ તેને એક વાત સમજાઈ ગઈ હતી... તેના પિતા કોઈ સાધારણ માણસ નહોતા, અને તેમનું મૃત્યુ કોઈ સાધારણ ઘટના નહોતી...

રિયા હવે વધુ એક સેકન્ડ પણ રાહ જોઈ શકે તેમ નહોતી. જે સત્યને તેની આસપાસના લોકોએ બે વર્ષ સુધી તેની યાદશક્તિના નામે દબાવી રાખ્યું હતું, તે હવે જ્વાળામુખી બનીને બહાર આવી રહ્યું હતું... તેણે તરત જ ઈન્ટરનેશનલ કોલિંગ પેક એક્ટિવેટ કર્યું અને મુંબઈમાં તેની મમ્મી, સુધાબેનને ફોન લગાવ્યો.

મુંબઈમાં અત્યારે રાતના આશરે ૧૧ વાગ્યા હતા. મુંબઈની ગરમીમાં સુધાબેન પોતાના એસી રૂમમાં બેઠા હતા, પણ રિયાનું નામ સ્ક્રીન પર આટલી રાતના જોઈને તેમને પરસેવો વળી ગયો કેમકે મોટેભાગે રિયા દિવસે જ ફોન કરતી...

"હેલો, રિયા બેટા? બધું ઠીક છે ને? લંડનમાં કંઈ તકલીફ છે? અત્યારે કેમ ફોન કર્યો?" સુધાબેનનો અવાજ સહજ દેખાતો હતો, પણ રિયાએ કોઈ પણ વિવેક કર્યા વગર સીધો હુમલો કર્યો.

"મમ્મી, મારો અકસ્માત કેવી રીતે થયો હતો એ મને સાચું કહે! કોઈ ભૂમિકા બાંધ્યા વગર, માત્ર સત્ય!" રિયાનો અવાજ રડમસ હતો, પણ તેમાં એક એવી ધાર હતી જે સુધાબેનને ચીરી રહી હતી.

"બેટા, મેં તને કેટલી વાર કહ્યું છે કે હાઈવે પર કાર સ્લિપ થઈ ગઈ હતી અને..."

"ખોટું બોલવાનું બંધ કર મમ્મી!" રિયાએ બૂમ પાડી. "મને આજે યુનિવર્સિટીમાં એક પત્ર મળ્યો છે જેમાં લોહીના ડાઘા છે... પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે મારો અકસ્માત કરવામાં આવ્યો હતો! અને મમ્મી... મેં આ પ્લેટિનમ લોકેટ ખોલી નાખ્યું છે. આની અંદર એક ચિપ છે. તેં કેમ વર્ષો સુધી મારી સાથે જૂઠું બોલ્યું કે આ પપ્પાની છેલ્લી યાદગીરી છે? તું કોને બચાવે છે? કોની બીક લાગે છે તને?

ફોન પર બીજી બાજુ સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. સુધાબેનના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. તેમના શ્વાસ રુંધાવા લાગ્યા હતા.

"રિયા... તું... તેં લોકેટ ખોલ્યું?" સુધાબેનનો અવાજ ગભરાટથી ફાટી ગયો હતો. "બેટા, મારી વાત સાંભળ, તું અત્યારે જ એ લોકેટ અને ચિપ ક્યાંક છુપાવી દે અથવા તો તેને ફેંકી દે! એ જોખમી છે! રિયા, તને અંદાજો નથી કે તું કઈ આગ સાથે રમી રહી છે. જો તું સત્યની નજીક જઈશ તો તેઓ તને પણ પપ્પાની જેમ જ..." સુધાબેન વાક્ય પૂરું ન કરી શક્યા...

"મમ્મી, જો આ લોકેટમાં આટલી મોટી સાઝીશ છુપાયેલી હતી, તો તેં હોસ્પિટલમાં જ્યારે હું બેભાન હતી ત્યારે જ આ મારા ગળામાંથી કેમ ના કાઢી લીધું? ત્યારે તો મને કશી ખબર પણ નહોતી!" રિયા સામે ઉચાટથી પૂછી રહી...

સુધાબેને એક ઊંડો નિસાસો નાખતા કહ્યું "રિયા, મેં કોશિશ કરી હતી. પણ જ્યારે તારો અકસ્માત થયો ત્યારે એ હાઈવે પોલીસ કેસ હતો. તને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તારા શરીર પરના ઘરેણાં અને કિંમતી વસ્તુઓની યાદી પોલીસ સમક્ષ બનાવવામાં આવી હતી. એ લોકેટ તારા ગળામાં લોહીથી ખરડાયેલું હતું અને પંચનામા મુજબ એ 'Evidence' (પુરાવો) તરીકે નોંધાયેલું હતું."

સુધાબેનનો અવાજ ગંભીર થાય છે.. "તારા પપ્પાના ગયા પછી, મને સમજાયું હતું કે જો હું એ લોકેટ અત્યારે પોલીસ કે હોસ્પિટલના રેકોર્ડમાંથી હટાવીશ, તો દુશ્મનોને શંકા જશે કે આમાં કંઈક ખાસ છે. મે વિચાર્યું હતું કે તારી યાદશક્તિ ગઈ છે, એટલે તું ક્યારેય આ રહસ્ય ઉકેલવાની કોશિશ નહીં કરે. લંડન મોકલતી વખતે પણ મેં એ જ વિચાર્યું હતું કે ત્યાંના કોલાહલમાં તું આ બધું ભૂલી જઈશ. પણ રિયા... મને નહોતી ખબર કે કોઈ ત્યાં પહોંચી જશે અને તને એ પત્ર આપીને બધું જગાડી દેશે!"

સુધાબેનની વાત સાંભળીને રિયા આઘાત માં હતી.. રિયા એ પછી ફોન કરશે તેમ કહી ને ફોન કાપી નાખ્યો..

રિયા થોડી વાર સ્તબ્ધ થઈને ફોનને તાકી રહી... તેની મમ્મીનો ગભરાટ અને પેલો 'તેઓ' શબ્દ... એ વાતની સાક્ષી પૂરતો હતો કે રિયાના પિતાનું મૃત્યુ અને તેનો અકસ્માત કોઈ અકસ્માત નહોતા, પણ એક ભયાનક ઠંડા કલેજે કરેલી સાઝીશનો હિસ્સો હતા...


મુંબઈ, ઇન્ડીયા 

મુંબઈમાં ફોન કાપ્યાના ગણતરીની સેકન્ડોમાં, સુધાબેને ધ્રૂજતા હાથે પ્રિયાંક બંસલને મેસેજ ટાઈપ કર્યો. 

પ્રિયાંક, જે રિયાની જિંદગીનો અદ્રશ્ય રક્ષક અને કદાચ તેના ભૂતકાળનો સૌથી મોટો ગુનેગાર પણ હતો...

મેસેજમાં લખ્યું હતું... "રિયાએ લોકેટ ખોલી નાખ્યું છે. તેને ચિપ મળી ગઈ છે. તે સત્યની ખૂબ નજીક છે. પ્રિયાંક, તેને રોકો, નહીંતર આપણે બધા ખૂબ મોટી મુસીબતમાં મુકાઈ જઈશું અને રિયાની જિંદગી જોખમમાં મુકાશે! ..."

મુંબઈના પોતાના આલીશાન પણ અંધારા ઓફિસ રૂમમાં બેઠેલા પ્રિયાંકના ટેબ્લેટ પર જ્યારે આ મેસેજ ફ્લેશ થયો, ત્યારે તેના મજબૂત હાથ ધ્રૂજવા લાગ્યા. તેના ચહેરા પર ઠંડો પરસેવો વળી ગયો..

"રિશી!" પ્રિયાંકે ફાટેલા અવાજે બૂમ પાડી.રિશી, જે પ્રિયાંકનો અંગત મદદનીશ અને રહસ્યનો સાથી હતો, તે તરત જ રૂમમાં દાખલ થયો. "શું થયું પ્રિયાંક? ફરી પેલો રેડ એલર્ટ?"

પ્રિયાંકે મેસેજ બતાવ્યો. "કોઈ રિયા સુધી એ પત્ર પહોંચાડવામાં સફળ રહ્યું છે, રિશી. માયા (મીરા) ની આ ચાલ હોઈ શકે છે. તેને ખબર પડી ગઈ છે કે રિયાની યાદશક્તિ પાછી આવી રહી છે. અને સૌથી ખરાબ વાત... રિયાએ ચિપ શોધી લીધી છે. જો રિયા એ ચિપના ડેટા ડિકોડ કરશે, તો તેને ખબર પડી જશે કે બે વર્ષ પહેલા એ કાળી રાત્રે શું થયું હતું..."

રિશીનો ચહેરો ફિક્કો પડી ગયો. "પ્રિયાંક, આપણે રિયાને લંડન મોકલી હતી જ એટલા માટે કે તે આ લોહીની રમતથી દૂર રહે. હવે શું કરશું?"

પ્રિયાંકની આંખોમાં એક અજીબ નિશ્ચય હતો. તેણે પોતાનો ઓવરકોટ ઉઠાવ્યો. "મારે લંડન જવું જ પડશે. રિશી, પ્રાઈવેટ જેટ તૈયાર કર. રિયાને હવે એકલી મુકવી મોતને આમંત્રણ આપવા જેવું છે. મારે તેને એ સત્યથી બચાવવી પડશે જે તેને તોડી નાખશે, ભલે તેના માટે મારે ગમે તે કરવું પડે."

લંડન, મોડી રાત્રે
લંડનમાં અત્યારે રાતના 10 વાગ્યા હતા. બરફ વર્ષા વધુ તેજ થઈ હતી. રિયા પોતાના બેડ પર બેસીને પેલી નાનકડી સોનેરી ચિપને તાકી રહી હતી... તેને લાગતું હતું કે આ ચિપમાં હજારો ચીસો અને રહસ્યો દફન છે. નિહારિકા હજુ ઘરે આવી નહોતી, તે કોઈ મિત્રના ઘરે રોકાઈ ગઈ હતી..

અચાનક, પીજીની બહાર રસ્તા પર કૂતરાના કરૂણ રીતે ભસવાનો અવાજ આવ્યો. રિયાના કાન સરવા થયા... લંડનના આ શાંત વિસ્તારમાં આવો અવાજ અસામાન્ય હતો...

રિયાએ ધીમેથી ઊભા થઈને બારીનો પડદો એક ઇંચ જેટલો હટાવ્યો. રસ્તા પર સ્ટ્રીટ લાઈટનો ઝાંખો, પીળો પ્રકાશ બરફ પર પડી રહ્યો હતો. અને ત્યાં, લાઈટના થાંભલાની બિલકુલ નીચે તેને એક કાળો પડછાયો દેખાયો.
એક ઉંચી વ્યક્તિ, જેણે લાંબો કાળો કોટ અને માથા પર ટોપી પહેરી હતી, તે હાથમાં મોબાઈલ લઈને સીધી રિયાના પીજીની બારી તરફ જ જોઈ રહી હતી...

રિયાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેને અહેસાસ થયો કે તેની મમ્મીનો ગભરાટ ખોટો નહોતો. તે જે જોખમની વાત કરી રહી હતી, તે આ જ પડછાયાઓ વિશે હતી..

"કોણ છે આ લોકો? અને તેમને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું?" રિયા મનોમન ધ્રૂજી રહી હતી... તેણે ડરના માર્યા રૂમની બધી લાઈટો બંધ કરી દીધી. અંધારામાં તે ચિપને પોતાની મુઠ્ઠીમાં જોરથી દબાવીને બેડના એક ખૂણામાં બેસી ગઈ... બહાર બરફ પડવાનો અવાજ આવતો હતો, પણ તેને લાગ્યું કે કોઈ તેના રૂમના દરવાજાની બહાર શ્વાસ લઈ રહ્યું છે...

રિયાને પહેલીવાર અહેસાસ થયો કે લંડનનું આ સુંદર શહેર, જ્યાં તે નવું જીવન શરૂ કરવા આવી હતી, તે હવે તેના માટે એક જીવતી કબર બની રહ્યું હતું... તેની જિંદગીની જે કડીઓ બે વર્ષ પહેલા તૂટી ગઈ હતી, તે હવે લોહી અને ષડયંત્રો સાથે ફરી જોડાઈ રહી હતી.


શું રિયા સત્ય સુધી પહોંચી શકશે?
તેને દેખાયેલો પડછાયો કોનો હતો..?

વધુ આવતા અંકે...