લંડન, સાંજના 7 વાગ્યે
લંડનની એ સાંજ ધીમે-ધીમે વધુ ઘેરી બની રહી હતી. 'ધ વિન્ટેજ બીન' કેફેની અંદર પીળો પ્રકાશ અને કોફીની સોડમ વચ્ચે રિયા અને પ્રિયાંક સામસામે બેઠા હતા. રિયાના મનમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા, જ્યારે પ્રિયાંક માત્ર રિયાના ચહેરા પરની નિર્દોષતાને પોતાની આંખોમાં કેદ કરી રહ્યો હતો...
"તો મિસ્ટર... તમે હજુ તમારું નામ તો સરખું કહ્યું નથી," રિયાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું. "પ્રિયાંક બંસલ... રાઈટ? લંડનમાં તમે બિઝનેસ કરો છો, પણ તમારી વાતો કોઈ જૂના જમાનાના પ્રેમી જેવી કેમ છે?"
પ્રિયાંક સહેજ મલકાયો, તેના હોઠ પર એક ભેદી સ્મિત હતું. "કદાચ એટલે કે હું હજુ પણ એ જૂના જમાનામાં જ જીવું છું, રિયા. લંડનની આ ઝડપી જીંદગી મને હજુ સમજાતી નથી..."
રિયાએ કટાક્ષમાં તેની આંખો નચાવી, "સાંભળો તો ખરા! 'જૂના જમાનામાં જીવું છું'... ભાઈસાહેબ પાસે લિમોઝિન છે, કરોડોનો બિઝનેસ છે અને વાતો તો જુઓ જાણે હમણાં જ 'દેવદાસ' ના સેટ પરથી શૂટિંગ પતાવીને આવ્યા હોય! આ માણસ જેટલો સીધો દેખાય છે એટલો તો ચોક્કસ નથી જ. આ એટીટ્યુડ, આ પરફ્યુમ અને આ જોવાની રીત... કશુંક તો છે જે આ મિસ્ટર VIP છુપાવી રહ્યા છે."
તેણે ધીમેથી કહ્યું, "તમે લંડનમાં ક્યારથી છો? મારો મતલબ, તમે અહીં સેટલ છો કે પછી મારી જેમ જ અહીંની ઠંડીથી ડરીને ભાગી જવાનું વિચારી રહ્યા છો?"
પ્રિયાંકે ગંભીરતાથી રિયાની આંખોમાં જોયું. "હું અહીં ભાગવા નથી આવ્યો રિયા, હું અહીં કોઈને શોધવા આવ્યો છું... કોઈક એવું જે ખોવાઈ ગયું છે, પણ જેને ખબર નથી કે તે ક્યાં છે."
રિયાને એ શબ્દોમાં એક વિચિત્ર હૂંફ લાગી, પણ સાથે જ એક અજાણ્યો ડર પણ. "બહુ ફિલોસોફિકલ છે તમારી વાતો. પણ યાદ રાખજો, લંડનમાં લોકો જલ્દી ખોવાઈ જાય છે અને રસ્તાઓ તો એનાથી પણ જલ્દી બદલાઈ જાય છે."
પ્રિયાંકે કોફીનો મગ ટેબલ પર મૂક્યો અને રિયાની સામે જોઈને કહ્યું, "રિયા, તમે ક્યારેય કનૈયાલાલ મુનશીની નવલકથાઓ વાંચી છે? એમાં પાત્રો હંમેશા કોઈક મહાન ધ્યેય કે કોઈક અદ્રશ્ય બંધનથી જોડાયેલા હોય છે. મને લાગે છે કે મનુષ્યના સંબંધો પણ એવા જ હોય છે. આપણે જેમને અજાણ્યા સમજીએ છીએ, કદાચ એ જ આપણા સૌથી નજીકના હોય છે."
રિયાએ તેની બુદ્ધિ ચાતુર્ય વાપરતા જવાબ આપ્યો, "મુનશીજીના પાત્રો તો 'ગુજરાતનો નાથ' બનવા નીકળતા હતા, મિસ્ટર બંસલ! પણ અહીં લંડનમાં તો આપણે માત્ર 'પોતાનો રસ્તો' ગોતતા હોઈએ છીએ. અને રહી વાત સંબંધોની... તો અશ્વત્થામાની જેમ અમર રહેતી પીડા કરતા, બધું ભૂલીને નવેસરથી જીવવું વધુ સારું નથી..?"
પ્રિયાંક સ્તબ્ધ થઈ ગયો. રિયાની દલીલ તાર્કિક હતી... "પણ જો એ ભૂતકાળ તમારી ઓળખ હોય તો? પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઈ' માં જેમ ભૂખ માણસને બદલી નાખે છે, એમ સ્મૃતિનો અભાવ માણસના અસ્તિત્વને કોરી ખાય છે. શું તમને નથી લાગતું કે સત્ય ગમે તેટલું કડવું હોય, એ ભ્રમ કરતા વધુ સુરક્ષિત છે..?"
રિયા થોડી ક્ષણો માટે મૌન થઈ ગઈ. પ્રિયાંકની વાતોમાં એક એવો તર્ક હતો જે રિયાના મગજના કોઈ ખૂણે અથડાતો હતો. "સત્ય સુરક્ષિત હોય કે ન હોય, પણ એ 'સ્પષ્ટ' હોવું જોઈએ. અત્યારે તો મને આ કોફી અને તમારી આ વાતો બંને રહસ્યમય લાગે છે.."
કોફી ડેટ પૂરી થઈ. કેફેની બહાર નીકળતા જ લંડનની થીજવી દેતી ઠંડી હવાનો એક ઝપાટો આવ્યો. આખા રસ્તા પર બરફની પાતળી અને લપસણી ચાદર પથરાયેલી હતી... પ્રિયાંકે રિયાને તેના પીજી સુધી મૂકી જવાની ઓફર કરી, પણ રિયાએ નમ્રતાથી ના પાડી દીધી. તેને અત્યારે એકલું રહેવું હતું..
"સાચવીને જજો રિયા, રસ્તાઓ બહુ લપસણા છે," પ્રિયાંકે ચિંતાભર્યા સ્વરે ચેતવણી આપી.
"અરે મિસ્ટર VIP, હું અહીં રોજ ચાલું છું, મને આ બરફની આદત—" હજુ તો રિયાનું વાક્ય પૂરું થાય એ પહેલા જ તેનો બુટ બરફના એક ટુકડા પર લપસ્યો...
રિયાનું સંતુલન બગડ્યું અને તે પાછળની તરફ પડવા જ જતી હતી કે અચાનક પ્રિયાંકનો મજબૂત હાથ તેની કમરની આસપાસ વીંટળાઈ ગયો.
પ્રિયાંકે તેને અત્યંત ઝડપથી પોતાની તરફ ખેંચી લીધી. રિયાનો ચહેરો પ્રિયાંકના કોટ સાથે અથડાયો. બંને વચ્ચેનું અંતર શૂન્ય થઈ ગયું હતું... પ્રિયાંકની આંખોમાં રિયા માટે એક ઘેરો ડર અને પ્રેમ બંને સ્પષ્ટ દેખાતા હતા...
પ્રિયાંકે રિયાને સ્થિર કરી અને સહેજ કડક અવાજે પણ હળવા સ્મિત સાથે કહ્યું, "મેં તમને પહેલા જ કહ્યું હતું, પણ તમારે તો કોઈનું સાંભળવું જ નથી હોતું. દરેક વખતે તમારી આ જીદ તમને મુશ્કેલીમાં મૂકી દે છે.."
રિયાએ અત્યંત નજીકથી તેની આંખોમાં જોયું, તેને ફરી એક પળ માટે એવું લાગ્યું જાણે તે આ વ્યક્તિને વર્ષોથી ઓળખે છે. પણ તરત જ સ્વસ્થ થઈને તેણે પોતાનો હાથ છોડાવ્યો અને બોલી, "એ તો બરફ લપસણો હતો એટલે! બાકી તમારી આ 'સુપરહીરો' એન્ટ્રીની મને આદત નથી. અને હા, જીદ નહીં, એને આત્મવિશ્વાસ કહેવાય. પણ જે હોય તે... થેન્ક યુ."
પ્રિયાંકના હોઠ પર એક ભેદી સ્મિત આવ્યું, "ભલે મિસ કોન્ફિડન્સ. પણ હવે ધ્યાન રાખજો..."
"ગુડ નાઈટ મિસ્ટર બંસલ," રિયાએ નજર ચોરીને કહ્યું.
"ગુડ નાઈટ રિયા, ટેક કેર.." પ્રિયાંકે હળવેથી વળતો જવાબ આપ્યો અને રિયા અંધારામાં ઓગળતી સડક પર આગળ વધી ગઈ...
રિયા તેના પીજી (PG) ના રૂમમાં પહોંચી. ઠંડીને કારણે તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેણે જેકેટ ઉતાર્યું અને ટેબલ પર પડેલા મમ્મીના પાર્સલ તરફ જોયું જે આજે જ મુંબઈથી આવ્યું હતું. પાર્સલમાં મમ્મીએ ઘરનો નાસ્તો અને તેની નિયમિત વિટામિન્સની દવાઓ મોકલી હતી...
તેણે દવાઓની શીશી હાથમાં લીધી. તે એક ગોળી ગળવા જ જતી હતી કે અચાનક તેની નજર શીશીના સીલ (Seal) પર પડી...
"આ સીલ સહેજ ઉખડેલું કેમ છે? મમ્મી તો હંમેશા પેકિંગમાં બહુ ચોકસાઈ રાખે છે." રિયાના મનમાં શંકાનો ફણગો ફૂટ્યો..
તેણે ગોળી બહાર કાઢી અને હથેળી પર રાખીને નિરીક્ષણ કર્યું. તે એક સાયન્સ સ્ટુડન્ટ હતી, તેને યાદ આવ્યું કે ગયા મહિને જે ગોળીઓ આવી હતી તેની બનાવટ આના કરતા સહેજ અલગ હતી. રિયાએ ગોળીને સહેજ સૂંઘી..તેમાં એક વિચિત્ર કડવી ગંધ હતી જે સામાન્ય વિટામિન્સમાં નથી હોતી...
રિયાના મગજમાં વિચારો દોડવા લાગ્યા. "છેલ્લા કેટલાય સમયથી આ દવા લીધા પછી મને બહુ ઊંઘ આવે છે. હું જે કંઈ પણ યાદ કરવાની કોશિશ કરું છું એ બધું જ ધૂંધળું થઈ જાય છે. શું આ દવાઓ ખરેખર મને સાજી કરી રહી છે..?"
રિયાએ નક્કી કર્યું કે તે આ દવા અત્યારે નહીં લે. તેણે તરત જ તેના ક્લાસમેટ અને લેબ આસિસ્ટન્ટ મિત્ર, કેવિન ને ફોન કર્યો.
"હેલો કેવિન, મારે તારી એક મદદ જોઈએ છે. મારી પાસે એક દવાનું સેમ્પલ છે, મારે જાણવું છે કે આનું સાચું કમ્પોઝિશન શું છે... શું તું યુનિવર્સિટીની લેબમાં આ ચેક કરી આપીશ?" રિયાએ ધીમા અવાજે પૂછ્યું.
"ચોક્કસ રિયા, પણ આટલી ઉતાવળ કેમ? કોઈ ગંભીર વાત છે?" કેવિને પૂછ્યું.
"હું તને કાલે મળીને બધું સમજાવીશ. બસ પ્લીઝ, આ રિપોર્ટ કોઈને ખબર ના પડે એમ તૈયાર કરી આપજે..."
રિયાએ તે રાત્રે દવા લીધી નહીં. આખી રાત તે જાગતી રહી, બારીની બહાર પડતા બરફને જોતી રહી. તેના મનમાં પ્રિયાંકનો ચહેરો અને આ રહસ્યમય દવાઓ વચ્ચે કોઈક કનેક્શન હોવાની શંકા દ્રઢ થઈ રહી હતી...
બીજા દિવસે સવારે યુનિવર્સિટીમાં રિયાએ છૂપી રીતે કેવિનને એ સેમ્પલ આપ્યું. કેવિને ગંભીરતાથી કહ્યું, "રિયા, આના ટેસ્ટમાં થોડો સમય લાગશે. હું તને કાલે સવારે ફાઈનલ રિપોર્ટ આપી દઈશ કે આ ગોળીઓમાં ખરેખર શું છે..."
રિયાએ મક્કમતાથી માથું હલાવ્યું. હવે તેની પાસે રાહ જોવા સિવાય કોઈ રસ્તો નહોતો. તે જાણતી હતી કે જો કેવિનનો રિપોર્ટ તેની શંકા મુજબ નીકળ્યો, તો તેનો આખો ભ્રમ તૂટી જશે અને લંડનની આ સુંદર સાંજ એક ભયાનક સત્યમાં ફેરવાઈ જશે...
રિપોર્ટ કાલે આવવાનો હતો... અને એ જ રિપોર્ટ રિયાની જિંદગીનો નવો વળાંક ઠરવાનો હતો..
રિપોર્ટ માં શું આવશે..?
શું રિયાની મેડિસિન અને પ્રિયાંક વચ્ચે કઈ સંબંધ છે કે પછી કોઈ બીજાનો હાથ છે..?
વધુ આવતા અંકે...