ગુજરાત સ્થાપના દિન : ઈતિહાસ, ગૌરવ અને વિકાસની ગાથા
ગુજરાત સ્થાપના દિન દર વર્ષે ૧ મે ના રોજ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાત રાજ્યના જન્મનો સ્મરણ કરાવે છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. આ દિવસને ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ દિવસને સત્તાવાર રીતે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પછી ૧૯૪૮માં મહાગુજરાત આંદોલન શરૂ થયું, જેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની માંગ ઉઠી હતી. આ આંદોલનના કારણે અંતે ગુજરાત રાજ્યનું નિર્માણ શક્ય બન્યું. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા અને પ્રથમ રાજ્યપાલ મેહંદી નવાઝ જંગ હતા.
ગુજરાતની શરૂઆતમાં રાજધાની અમદાવાદ હતી, પરંતુ ૧૯૭૦માં નવી રચાયેલ ગાંધીનગરને રાજ્યની રાજધાની બનાવવામાં આવી. રાજ્યની સ્થાપના સમયે ૧૭ જિલ્લાઓ હતા, જ્યારે આજે ૩૩ જિલ્લાઓ છે. વિસ્તારની દૃષ્ટિએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે અને ડાંગ જિલ્લો સૌથી નાનો છે. વસ્તી પ્રમાણે અમદાવાદ સૌથી મોટું શહેર છે.
ગુજરાતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઔદ્યોગિક, કૃષિ અને વેપાર ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આજે ગુજરાત દેશના સૌથી વિકસિત અને પ્રગતિશીલ રાજ્યોમાં ગણાય છે. અહીંના ઉદ્યોગો, બંદરો, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ માટે આદર્શરૂપ છે. મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પુરુષોએ ગુજરાતને વિશ્વભરમાં ઓળખ અપાવી છે.
ગુજરાતની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. અહીં ગુજરાતી ભાષા મુખ્ય છે, જે સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી છે. રાજ્યમાં હિંદુ, મુસ્લિમ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો સહઅસ્તિત્વ સાથે રહે છે. અહીંના લોકો સાદગી, મહેનત અને વેપારી કુશળતા માટે જાણીતા છે.
ગુજરાતની પરંપરાગત વેશભૂષામાં પુરુષો માટે ધોતી, કેડિયું અને ફેંટો, જ્યારે સ્ત્રીઓ માટે સાડી અને ચણિયાચોળી ખૂબ જ લોકપ્રિય છે. રાજ્યનું લોકનૃત્ય ગરબા અને ડાંડીયા છે, જે નવરાત્રી દરમિયાન વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ તહેવાર દરમિયાન લોકો એકતાની ભાવનાથી સાથે મળી આનંદ માણે છે.
ગુજરાત રાજ્યનું પ્રાણી સિંહ છે, જે ગીરના જંગલોમાં જોવા મળે છે. રાજ્ય પક્ષી સુરખાબ, રાજ્ય ફૂલ ગલગોટો, રાજ્ય ફળ કેરી અને રાજ્ય વૃક્ષ વડ છે. આ તમામ પ્રતિકો ગુજરાતની પ્રાકૃતિક સમૃદ્ધિ દર્શાવે છે.
ગુજરાતમાં અનેક નદીઓ વહે છે, જેમાં નર્મદા નદી સૌથી મહત્વપૂર્ણ છે. તેના પર બનેલો સરદાર સરોવર બંધ રાજ્ય માટે જીવદાયી સાબિત થયો છે. ઉપરાંત તાપી અને સાબરમતી નદી પણ મહત્વપૂર્ણ નદીઓ છે, જે કૃષિ અને પાણી પુરવઠામાં મહત્વનો ફાળો આપે છે.
ગુજરાતમાં વર્ષ દરમિયાન હજારો મેળાઓ અને તહેવારો ઉજવાય છે. રણ ઉત્સવ, તરણેતરનો મેળો અને ભવનાથ મહાદેવનો મેળો જેવા મેળાઓ રાજ્યની સંસ્કૃતિને વિશ્વભરમાં ઓળખ અપાવે છે. આ મેળાઓ સામાજિક એકતા અને પરંપરાની ઝલક દર્શાવે છે.
આ ઉપરાંત ગુજરાત શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે પણ સતત આગળ વધી રહ્યું છે. અહીં અનેક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો કાર્યરત છે. યુવાઓમાં નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ પણ ઝડપથી થઈ રહ્યો છે, જે રાજ્યને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવે છે.
આ રીતે ગુજરાત સ્થાપના દિન માત્ર એક ઐતિહાસિક પ્રસંગ નથી, પરંતુ રાજ્યના ગૌરવ, સંસ્કૃતિ અને વિકાસનું પ્રતિક છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ દિવસ દરેક ગુજરાતી માટે ગર્વ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
આ દિવસ આપણને આપણા ઇતિહાસને યાદ કરવાની સાથે સાથે ભવિષ્ય માટે નવી દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. દરેક નાગરિકે રાજ્યના વિકાસમાં પોતાનો ફાળો આપવો જોઈએ અને ગુજરાતને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે સંકલ્પ લેવો જોઈએ.
તો મિત્રો આવો આજે આપણે ગુજરાત સ્થાપના દિવસે એક નવો સંકલ્પ લઈને આપણી સંસ્કૃતિને જાળવી રાખી પ્રગતિના પંથે આગળ વધીએ.
લિ.
ડૉ. રચના જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ