Life path - 58 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ ભાગ-58

Featured Books
  • Money Vs Me - Part 3

    मैं दिन भर कैफ़े में काम करता और शाम को सज संवर कर निकल जाता...

  • भय से मुक्ति

    ऋगुवेद सूक्ति--(२५) की व्याख्या मंत्र (ऋग्वेद १/१४७/३)“दिप्स...

  • मंजिले - भाग 49

    परिक्रमा की ही साथ चलती पटरी की तरा है, एक से गाड़ी उतरी दूसर...

  • सीप का मोती - 5

    भाग ५ "सुनेत्रा" ट्युशन से आते समय पीछे से एक लडके का आवाज आ...

  • Zindagi

    Marriage is not just a union between two people. In our soci...

Categories
Share

જીવન પથ ભાગ-58

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૮
 
        (ગતાંકથી આગળ)
       મહેતાએ સ્મિત સાથે કહ્યું, "અને તને ખબર છે કે સૌથી વધુ જવાબદારી કોની છે? મારી. કારણ કે હું મારી અને મારા હાથ નીચેના સેંકડો લોકોની ભૂલો સ્વીકારવાની તાકાત રાખું છું. રોહન, જે માણસ ભૂલ નથી કરતો તે ક્યારેય કંઈ નવું શીખી શકતો નથી. જે માણસ ભૂલ કરીને તેને છુપાવે છે તે પોતાની પ્રગતિના દરવાજા પોતે જ બંધ કરી દે છે. આ નુકસાનથી મને એટલું દુઃખ નથી થયું જેટલું તારા બહાના સાંભળીને થયું છે. જો તેં અત્યારે જ કહી દીધું હોત કે 'સર, મારાથી ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે' તો હું તને પ્રોમોશન આપત. કારણ કે ભૂલ સ્વીકારવા માટે જે હિંમત જોઈએ તે માત્ર એક લીડરમાં જ હોય છે."
રોહન સ્તબ્ધ થઈ ગયો. તેને પહેલીવાર સમજાયું કે તે અત્યાર સુધી જેને પોતાની 'સ્માર્ટનેસ' સમજતો હતો તે ખરેખર તેની સૌથી મોટી નબળાઈ હતી. તેણે નમીને માફી માંગી અને સ્વીકાર્યું કે ભૂલ તેની જ હતી. મિસ્ટર મહેતાએ તેને માફ કર્યો અને સાથે મળીને એ ભૂલ સુધારી લીધી.
એ દિવસ પછી રોહન બદલાઈ ગયો. હવે તે ઓફિસમાં સૌથી વધુ સન્માનિત વ્યક્તિ હતો, કારણ કે હવે તે માત્ર પોતાની જ નહીં પણ પોતાની ટીમની ભૂલોની જવાબદારી લેતો પણ શીખી ગયો હતો. તેના આ સ્વીકારભાવને કારણે ટીમમાં વિશ્વાસ વધ્યો અને કંપનીએ બમણી પ્રગતિ કરી.
આ પ્રસંગ આપણને શીખવે છે કે ભૂલ સ્વીકારવી એ કંઈક ગુમાવવાની નહીં પણ ઘણું બધું મેળવવાની પ્રક્રિયા છે. જ્યારે તમે તમારી ભૂલ સ્વીકારો છો ત્યારે તમે સામેવાળી વ્યક્તિના મનમાં રહેલો ગુસ્સો પણ શાંત કરી દો છો. એક પથ્થર જ્યારે પોતાની કઠોરતા છોડે છે ત્યારે જ તે મૂર્તિ બની શકે છે તેમ માણસ જ્યારે પોતાનો અહંકાર અને 'હું જ સાચો છું' એવો જીદ છોડે છે ત્યારે જ તેનું વ્યક્તિત્વ નિખરે છે.
આજના જીવનમાં "સોરી" કહેવામાં જે કંજૂસી આપણે કરીએ છીએ તે જ આપણા માનસિક તણાવનું કારણ છે. ભૂલ સ્વીકારી લેવાથી મન રૂ જેવું હળવું થઈ જાય છે. "પાણીમાં પડ્યા વગર તરતા ન શીખાય" એમ ભૂલ કર્યા વગર સફળતાના શિખરે ન પહોંચાય. પણ શરત એટલી જ છે કે દરેક ભૂલમાંથી પાઠ શીખવો જોઈએ અને એકની એક ભૂલ બીજી વાર ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.
તમારા જીવનના ભૂતકાળમાં નજર કરો. એવી કેટલીય પળો હશે જ્યાં તમે એક નાનકડી ભૂલ સ્વીકારી લીધી હોત તો સંબંધો બચી ગયા હોત કે કામ સરળ થઈ ગયું હોત. ભૂલ સ્વીકારવી એ આત્મસમર્પણ નથી પણ આત્મવિશ્વાસનું લક્ષણ છે. જે માણસ પોતાની જાત સાથે પ્રામાણિક છે તેને જ પોતાની ભૂલ સ્વીકારવામાં ડર નથી લાગતો. એટલે જ આજના આધુનિક અને સ્પર્ધાત્મક જીવનમાં જો તમારે સૌથી શક્તિશાળી બનવું હોય તો પોતાની ભૂલોને ગળે લગાવતા શીખો. તે તમને તમારી મર્યાદાઓ સમજાવશે અને તેને પાર કરવાની પ્રેરણા આપશે. ચરિત્રની ખરી સુગંધ મોંઘા અત્તરમાં નહીં, પણ પોતાની ભૂલ સ્વીકારવાની નમ્રતામાં હોય છે.
જ્યારે તમે તમારી ભૂલ સ્વીકારો છો ત્યારે તમે સાબિત કરો છો કે તમે ગઈકાલ કરતા આજે થોડા વધુ સમજદાર થયા છો. ભગવાને પણ આપણને 'ભૂલ' કરવાની છૂટ આપી છે, એટલે જ તો પેન્સિલની પાછળ રબર આપ્યું છે. જો આપણે આપણી જિંદગીની પેન્સિલથી લખતી વખતે રબરનો (માફી અને સ્વીકારનો) ઉપયોગ કરતાં શીખી જઈએ તો આપણી જીવનકથા અત્યંત સુંદર અને આદર્શ બની જશે. અહંકારના પોલા કિલ્લાઓ ચણવા કરતાં સચ્ચાઈના પાયા પર ઉભા રહીને પોતાની ક્ષતિઓનો સ્વીકાર કરવો એ જ સાચી વીરતા છે.
મહાત્મા ગાંધી જેવા પ્રકાંડ ચિંતકે આ વિષય પર અત્યંત ગહન વાત કરી છે. તેમના મતે, પોતાની ભૂલનો નિખાલસ એકરાર કરવો એ 'આત્મશુદ્ધિની સાવરણી' સમાન છે. ગાંધીજી કહેતા કે, "ભૂલ છુપાવવી એ તેને બમણી કરવા જેવું છે, પણ તેનો સ્વીકાર કરવો એ તેને ધોઈ નાખવા જેવું છે." ચિંતકો માને છે કે જે ક્ષણે તમે કહો છો કે "હા, મારાથી ભૂલ થઈ છે," તે ક્ષણે તમે તમારા અહંકારના કેદી મટીને સત્યના સ્વામી બની જાઓ છો. અહંકાર હંમેશા રક્ષણાત્મક હોય છે, જ્યારે આત્મા હંમેશા પારદર્શક હોય છે.

ભૂલ સ્વીકારનાર વ્યક્તિ હકીકતમાં એમ કહેતી હોય છે કે તે પોતાની છબી કરતા પોતાના ચરિત્રને વધુ મહત્વ આપે છે. જે માણસ પોતાની નબળાઈઓને સ્વીકારવાની હિંમત ધરાવે છે તેને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી. કારણ કે તેણે પોતાની સૌથી મોટી નબળાઈને જ પોતાની સૌથી મોટી શક્તિમાં પરિવર્તિત કરી દીધી હોય છે. સાચો વિજય એ નથી કે તમે ક્યારેય ભૂલ ન કરો. સાચો વિજય એ છે કે તમે તમારી ભૂલને ઓળખો, સ્વીકારો અને ફરી તે ન થાય તેટલા જાગૃત બનો.