"હું તો કાલે સવારે જ ઘરે પાછો જાઉં છું. પરિણામ આવ્યા પછી જ પાછો આવીશ. બાકી મારિયા ફક્ત એક સહપાઠી જ છે. મારી તો મિત્ર પણ નથી. પણ હા રિતેશ તે એક સારી મિત્ર જરૂર ગુમાવી દીધી છે." ઐયર કહે છે અને પોતાના રૂમમાં જતો રહે છે.
"શું મોટી મોટી વાતો કરે છે?" રિતેશ કહે છે.
" અરે જવા દે ને.." નવનીત સમજાવે છે.
બન્ને મિત્રો એકબીજાને સહારે સુઈ જાય છે.બીજા દિવસ થી લગભગ વીસ દિવસ પછી પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવવાનું હતું. એટલે જ આ બન્ને મિત્રો પણ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.જયારે મારિયા પોતાના ભાઈ ના ઘરે જ હતી. પણ તેણે રિતેશ સાથે વાતચીત સાવ બંધ કરી દીધી હતી.
આ તરફ મહેચ્છા પણ પોતાની કોલેજ ના પ્રથમ વર્ષની પરીક્ષા ની તૈયારી કરે છે. એ સમયે પોતાના અભ્યાસક્રમ સાથે જ એ આઈ.એ.એસ ના ઈતિહાસ વિષયના અભ્યાસક્રમ પર ની પુસ્તકો વાંચી લે છે. મહેચ્છા નું લક્ષ્યાંક તો આઈ.એ.એસ હતું.
પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ
આખરે એક મહિના ની રાહ જોયા પછી પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવી જાય છે. કોચિંગ ક્લાસમાં બધાને બોલાવીને પરિણામ વિષે પૃથક્કરણ કરવાનું નક્કી થયું.
કુલ ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ માંથી મુખ્ય પરિક્ષા માટે ફક્ત ૧૩ હજાર વિધાર્થીઓ જ પસંદગી પામ્યા. આ બધા વિદ્યાર્થીઓ વચ્ચે મારિયા અને ઐયર પણ પસંદગી પામ્યા. નવનીત માંડ પરિક્ષા પાસ કરી શકે છે. એણે પચાસ ટકા જ પેપર લખ્યું હોવાથી પોતાના પરિણામ વિષે નવનીત ને ખબર હતી.
પણ રિતેશ તો ખુબ જ ખરાબ રીતે નપાસ થયો હતો. કોચિંગ ક્લાસમાં તેને બીજી વખત પ્રવેશ આપવો કે નહીં એ એક પ્રશ્ન હતો.
આજથી નવી બેચ ના વિધાર્થીઓ વચ્ચે ઐયર અને મારિયા નો પરિચય સમારોહ રાખવામાં આવ્યો હતો.રિતેશ અને નવનીત પણ જુના વિધાર્થીઓ સાથે એમાં ભાગ લે છે.
મેન્ટર બધા નવા બેચ ના વિધાર્થીઓ સાથે વાતચીત કરી તેમના પરિચય મેળવી પછી એમાંના અમુક ઈજનેરી પૃષ્ઠભૂમિ ધરાવતા વિધાર્થીઓ ને જેમ નવનીત ને કીધું હતું એમ જ કહે છે.નવનીત હવે મનોમન સમજી જાય છે કે મેન્ટર ફક્ત તેને ચણા ના ઝાડ પર ચડાવી રહ્યો હતો.પોતાની કોચિંગ ક્લાસ ની સભ્ય સંખ્યા વધારવા માટે આ પ્રયોગ હતો.
હવે ઐયર નું સન્માન કરવામાં આવે છે. ઐયર પોતાની સફળતા નો શ્રેય શિસ્ત અને કઠોર સાથે સ્માર્ટ વર્ક ને આપે છે. હવે તેનું બધું જ ધ્યાન મુખ્ય પરિક્ષા તરફ હતું અને એ માટે તે જાતે જ કોઈ સંબંધી ના ઘરે રહીને તૈયારી કરવાનું જણાવે છે. નવનીત અને રિતેશ ઐયર ની સફળતા થી પોતાની જાતને નિષ્ફળ સમજે છે.
હવે મારિયા નો વારો આવે છે.મારિયા પોતાનો અનુભવ જણાવે છે અને ઐયર ની બધા વચ્ચે પ્રશંસા કરી પોતાની સફળતા માટે ઐયર ને પણ જવાબદાર ગણાવે છે અને જીવનમાં નેગેટિવ લોકો થી દૂર રહેવું જોઈએ એમ સમજાવે છે.
રિતેશ મનમાં ને મનમાં સમસમી રહી જાય છે.નવનીત રિતેશને મારિયા સાથે એકલામાં વાતચીત કરવા માટે સમજાવે છે. રિતેશ પણ એવી જ તક ની રાહ જોવે છે.
છેલ્લે લંચ વખતે આવી જ તક મળી જતા રિતેશ મારિયા નો પીછો કરે છે. મારિયા પહેલા તો રિતેશને અવગણે છે. પણ રિતેશ તો હવે મારિયા નો હાથ જ પકડી લે છે.
"મારિયા.. મારિયા.. શું એક ભુલ ની આવી સજા આપીશ?"
"રિતેશ તમાશો ન કર. તું એક લુઝર છે. તારો દારૂડિયો મિત્ર પણ લુઝર છે. " મારિયા જવાબ આપે છે.
"એક ભુલ શું થઈ તું મને લુઝર કહી રહી છે. હું હજી પણ પરિક્ષા પાસ કરી શકું છું." રિતેશ કહે છે.
"તો જે દિવસે આઈ.એ.એસ બની જાય ત્યારે જ મને ફોન કરજે.લુઝર.. હું હંમેશા તને એક મિત્ર જ માનતી હતી. મારી જીંદગીમાં લક્ષ્ય છે. એક આઈ.એ.એસ ઓફીસર બનવાનું.તારી જીંદગીમાં શું છે? મારો પીછો કરવો." મારિયા બધા ની વચ્ચે જ રિતેશનુ અપમાન કરી નાખે છે.
ઐયર આ બધું સાંભળી ખંધું હાસ્ય હસી રહ્યો હતો. રિતેશ રડવા જેવો થઈ ગયો. નવનીત ત્યાં સુધી પહોંચી જાય છે. એ રિતેશ ના ખભા પર હાથ મૂકે છે તો રિતેશ એ હાથ દૂર કરી કોચિંગ ક્લાસ થી નીકળી જાય છે.
મારિયા પણ નવનીત ની સામે જ હસી હસીને ઐયર સાથે વાતચીત કરી રહી હતી. આખરે નવનીત થી પણ ન રહેવાયું.એ ઐયર સામે જોઈ કહે છે:
" વાહ ભાઈ. પ્રિલિમનરી પરિક્ષા તો તમે જ પાસ કરી છે. યાદ છે મને બહુ પ્રશંસા કરતો હતો કે ઈજનેર આગળ અમારી શું વિસાત? "
"હા પણ મહેનત કરી આગળ વધવું પડશે. મારે હજી મુખ્ય પરિક્ષા પણ પાસ કરવી છે." ઐયર ગાલ પર ટપલી મારી નીકળી જાય છે.
એ રાત્રે જ ઐયર આહુજા અંકલ નું ઘર ખાલી કરી નીકળી જાય છે. રિતેશ ઐયર નું મોઢું જોવા પણ તૈયાર ન હોવાથી તેના રૂમની ચાવી નવનીત ને આપી જાય છે. ઐયર ના ગયા પછી નવનીત અને રિતેશ દારૂની બોટલ સાથે બેસીને વાતચીત કરવા લાગી જાય છે.
" આજે તો યાર મારિયા એ દિલ તોડી નાખ્યું. બધા વચ્ચે લુઝર લુઝર કહી મારા આત્મ સમ્માન ને તો સાવ જ નીચે પહોંચાડી દીધો. પણ હવે તો એક જ લક્ષ્ય છે. મારિયા ને બતાવી દેવું છે કે હું પણ આ પરિક્ષા પાસ કરી શકું છું." રિતેશ કહે છે.
"હા દોસ્ત!! તારી વાત સાવ સાચી છે. હું પણ પોતાની જાતથી જ દુઃખી છું. પેલા મેન્ટર ની વાતમાં આવી હું પોતાની જાતને આ પરિક્ષા માટે તૈયાર જ સમજતો હતો.
પણ હું તો અડધી તૈયારી પણ ન કરી શકયો. મિત્ર પપ્પા ને કહેતા કહેતા રડવું આવી ગયું.
આપણે બન્ને લુઝર પણ હવે વિનર બની બતાવીશું.આજ થી રાત્રે આ દારૂ પણ બંધ. હવે ગમે તે રીતે પ્રિલિમનરી પરિક્ષા ટોપ કરવી છે. " નવનીત પણ કહે છે.
બંન્ને મિત્રો એકબીજાને હાથ ઉપર હાથ મૂકી વાયદો કરી પછી સુઈ જાય છે. બીજા દિવસે આહુજા અંકલ શ્રવણ કુમાર ના નામે એક નવા યુવાન ને તેમનો રૂમ પાર્ટનર બનાવી લેતા આવે છે.
શ્રવણ પણ ઈજનેર જ હતો. એ પણ જ્યારે નવનીત ને મળે છે ત્યારે નવનીત તેને પોતાની સાથે થયેલી બધી જ ઘટનાઓ પહેલા સમજાવી લે છે.પછી જ્યારે કોચિંગ નું નક્કી કરવા માટે મેન્ટર ને મળવા જાય છે તો મેન્ટર તેને પણ એમ જ સમજાવે છે કે ઈજનેરો માટે તો આ પરિક્ષા રમત વાત છે.
પણ નવનીત ને મળી લીધો હોવાથી શ્રવણ માનસિક રીતે તૈયાર હતો. એ મેન્ટર ને નવનીત નો દાખલો આપે છે તો મેન્ટર કહે છે આપણે ઘોડા ને ઘાસ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરી શકીએ. પણ ઘાસ તો એણે જાતે જ ખાવું પડે.
નવનીત પાસે પણ આ માહિતી પહોંચી જાય છે. એ જુની વાતો ભૂલી નવી ઉર્જા સાથે પ્રિલિમનરી પરિક્ષા ની તૈયારી કરવામાં લાગી જાય છે. રિતેશ પણ પોતાના નવા અવતારમાં આવી જાય છે.
મૌલિક વસાવડા