💖 પ્રકરણ ૨૪: પડછાયો કે જીવનસાથી?
અમદાવાદના આકાશમાં રાત્રિના તારાઓ ઝળહળી રહ્યા હતા, પણ શહેરનો શોરબકોર હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો. યશના આલીશાન બંગલાની અગાશી પર લદ્દાખ જેવી થીજવી નાખતી ઠંડી તો નહોતી, પણ પવનમાં એક અનોખી મધુરતા અને હૂંફ હતી. લગ્નનો ભવ્ય સમારંભ હવે પૂર્ણતાના આરે હતો. શહેરના દિગ્ગજ મહેમાનો વિદાય લઈ ચૂક્યા હતા અને આખા ઘરમાં એક આશ્વાસનભરી શાંતિ પથરાયેલી હતી. આ શાંતિમાં પણ એક નવી શરૂઆતનો પગરવ સંભળાતો હતો. વિસ્મય અને નિરાલી અગાશીની રેલિંગ પાસે ઉભા રહીને ક્ષિતિજ તરફ જોઈ રહ્યા હતા, જ્યાં શહેરની લાઈટો તારાઓ સાથે હરીફાઈ કરતી હોય તેમ લાગતું હતું.
વિસ્મયે ધીમેથી નિરાલીનો હાથ પોતાના હાથમાં લીધો. એ હાથ—જેણે અત્યાર સુધી કેટલાય ઘાયલ સૈનિકોના ઘા રુઝવ્યા હતા અને મૃત્યુના મુખમાંથી જિંદગીને પાછી ખેંચી હતી—આજે એક જીવનસાથીના અતૂટ ભરોસાની હૂંફ શોધી રહ્યો હતો. વિસ્મયે નિરાલીની આંખોમાં આદરપૂર્વક જોઈને અત્યંત ગંભીર અને પ્રેમાળ સ્વરે કહ્યું, "નિરાલી, તું સાચા અર્થમાં એક 'શસ્ત્ર વગરની યોદ્ધા' છે. તેં નિસ્વાર્થ ભાવે અનેક લોકોને નવું જીવન આપ્યું છે, તો કુદરત તને આટલી ખુશીઓ કેમ ના આપે? અત્યાર સુધી આપણે રસ્તાઓ અને મુસાફરીઓ એકલા ખેડી છે, પહાડો તોડ્યા છે અને દર્દીઓ સાજા કર્યા છે, પણ હવે આપણે બંને સાથે મળીને આપણા જીવનનો નવો રસ્તો જાતે જ કંડારીશું. આપણે સાથે મળીને દેશના લોકોની જિંદગીઓ પણ બચાવીશું અને સરહદો પર સુરક્ષાના નવા સોપાન પણ રચીશું."
વિસ્મય અને નિરાલીના લગ્ન એ કોઈ સામાન્ય સામાજિક પ્રસંગ નહોતો. તે બે એવા આત્માઓનું પવિત્ર મિલન હતું જેમના લોહીના દરેક ટીપામાં રાષ્ટ્રભક્તિ વહેતી હતી. લગ્નની મુખ્ય વિધિઓ લદ્દાખના પહાડોમાં સૈન્યના જવાનોની હાજરીમાં અત્યંત સાદગીથી યોજાઈ હતી. બંનેને દેખાડા કરતા કર્તવ્યમાં વધુ રસ હતો, માટે લશ્કરી શિસ્ત અને સાદગી તેમના વિવાહનો શણગાર બની હતી. જ્યારે તેઓ અમદાવાદ પરત ફર્યા, ત્યારે યશ અને નિધિની ખુશીની કોઈ સીમા નહોતી. યશ, જેણે આખું જીવન સિમેન્ટ અને લોખંડના માળખાં ઉભા કરવામાં અને ઇમારતોના સામ્રાજ્ય રચવામાં વિતાવ્યું હતું, તેને આજે અર્થપૂર્ણ અહેસાસ થયો હતો. તેને સમજાયું કે તેના દીકરાએ જે 'સંબંધનું નિર્માણ' કર્યું છે, તે તેની આખી જિંદગીની મિલકત કરતા અનેકગણું કિંમતી છે. ગૃહપ્રવેશના મંગળ પ્રસંગે નિરાલીનું કુમકુમ પગલાંથી સ્વાગત કરતા યશે ગર્વભેર અને ગદ્ગદિત કંઠે કહ્યું હતું, "નિરાલી બેટા, આ ઘર માટે તું માત્ર વહુ નથી, પણ એક સાક્ષાત્ આશીર્વાદ છે. આજે અમારા પરિવારમાં એક સમર્પિત ડોક્ટર અને એક બહાદુર સૈનિકનો પવિત્ર સંગમ થયો છે. અત્યાર સુધી અમે અમારો પડછાયો શોધતા હતા, પણ હવે આ પરિવારનો પડછાયો તારા અને વિસ્મયના ગૌરવના કારણે વધુ મજબૂત અને તેજસ્વી બનશે."સામે પક્ષે નિરાલી પણ માત્ર એક નામની ડૉક્ટર નહોતી, પણ એક અત્યંત સમજદાર અને આત્મનિર્ભર યુવતી હતી. સામાન્ય રીતે લગ્ન પછી, ખાસ કરીને જ્યારે સાસરી પક્ષ આટલો સદ્ધર અને શ્રીમંત હોય, ત્યારે સ્ત્રીઓ આરામદાયક અને એશોઆરામવાળું જીવન પસંદ કરતી હોય છે. પરંતુ નિરાલીના સંસ્કારો અને તેના પિતાનું બલિદાન તેને આરામ કરવા પ્રેરે તેમ નહોતું. તેણે લગ્ન પછી પણ પોતાની દેશસેવાની ફરજને સર્વોપરી ગણી.તેણે લગ્ન પછી પણ પોતાની નોકરી ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય લીધો હતો. તેના માટે પેલું સફેદ એપ્રન એ માત્ર એક પોશાક કે યુનિફોર્મ નહોતો, પણ એ તેના પિતાને આપેલું વચન હતું—કે હવે પછી કોઈ દીકરીએ પોતાના ફોજી પિતાને માત્ર સારવારના અભાવે કે વિલંબના કારણે ગુમાવવાનો વારો નહીં આવે. તેની આ પ્રતિજ્ઞામાં વિસ્મયનો અને તેના પરિવાર નો સંપૂર્ણ સાથ હતો.
વિસ્મય અને નિરાલી બંનેની નોકરીઓ 'કાચની ધાર' પર ચાલવા જેવી જોખમી હતી. વિસ્મય સેનામાં સિવિલ એન્જિનિયર તરીકે એવા દુર્ગમ પહાડી વિસ્તારોમાં પુલો અને રસ્તાઓનું નિર્માણ કરતો, જ્યાં ગમે ત્યારે ભેખડો ધસી પડવી, બરફના તોફાનો કે દુશ્મનનો ઓચિંતો હુમલો થવો એ સામાન્ય વાત હતી. બીજી તરફ, નિરાલી સૈન્ય હોસ્પિટલમાં એવા ઘાયલ જવાનોની સારવાર કરતી જેઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય. પળ-પળના જોખમો તેમની સાથે છાયાની જેમ જોડાયેલા હતા, તેમ છતાં તેઓ એકબીજાના કાર્યને પૂરેપૂરું સમર્થન આપતા હતા.
રાત્રે જમતી વખતે જ્યારે યશ,નિધિ, નિરાલી અને વિસ્મય સાથે બેસતા, ત્યારે ડાઇનિંગ ટેબલ પર પણ ઘણીવાર વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને દેશની સુરક્ષાની ચર્ચાઓ જામતી. વિસ્મય કોઈ નવા પુલના નકશાની વાત કરતો, તો નિરાલી સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવતી નવી ટેકનોલોજી વિશે ચર્ચા કરતી. આ દ્રશ્ય જોઈને નિધિ ઘણીવાર મજાકમાં કહેતી, "અરે ભાઈ, તમે બંને અત્યારે ઘરે હોવ છો કે બોર્ડર પર એ જ નથી સમજાતું! થોડી વાર તો ઘરની અને રસોઈની વાતો કરો!" આ સાંભળી આખું ટેબલ હાસ્યથી ગુંજી ઉઠતું. છતાં, યશ અને નિધિના મનમાં એક ઊંડો સંતોષ હતો કે તેમનો દીકરો એક એવી સશક્ત વ્યક્તિ સાથે જોડાયો છે જે તેને સાચા અર્થમાં પૂર્ણ કરે છે.
🌓 જીવનસાથી: પડછાયાથી પણ વિશેષ
લોકો પત્નીને પતિનો પડછાયો કહે છે, પણ આ જોડીએ એ વ્યાખ્યા બદલી નાખી હતી. પડછાયો તો અંધારામાં સાથ છોડી દે છે, પણ નિરાલી વિસ્મયની પૂરક હતી. જો વિસ્મય 'નિર્માણ' હતો, તો નિરાલી એ નિર્માણની 'રક્ષા' અને 'સારવાર' હતી. જો વિસ્મય કઠિન પથરાળ રસ્તો હતો, તો નિરાલી એ રસ્તા પર ચાલનારા થાકેલા મુસાફરો માટે મળતી હૂંફાળી છાયા હતી.તેમણે એકબીજાને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય એકબીજાના લક્ષ્યમાં અવરોધ નહીં બને. વિસ્મય માટે નિરાલી માત્ર પત્ની નહીં, પણ એક 'કોમરેડ-ઈન-આર્મ્સ' (સાથી યોદ્ધા) જેવી જ હતી. તેમની આ સમજદારી જ તેમના સંબંધને અન્ય કરતા અલગ પાડતી હતી.
🏔️ લદ્દાખના પહાડોમાં નવો સંકલ્પ
સમયના વહેણ સાથે લગ્નના થોડા દિવસો અમદાવાદના મહેમાનગતિમાં વીતી ગયા હતાં. ફરીથી બંનેનો ફરજ પર હાજર થવાનો સમય પાકી ગયો હતો. આ વખતે તેમની મંજિલ ફરીથી એ જ લદ્દાખની પહાડીઓ હતી, જ્યાંથી તેમનો પ્રેમ ખીલ્યો હતો. સેનાના ક્વાર્ટરમાં રહેવા ગયેલા આ બે યોદ્ધાઓએ જ્યારે ફરીથી એ બરફીલા શિખરો જોયા, ત્યારે તેમને અહેસાસ થયો કે તેમની જવાબદારી હવે બમણી થઈ ગઈ છે. નિરાલી માટે સાસરી એ સાસરી ન રહેતા પિયર જેવું બની ગયું હતું. નિધિ પણ પોતાના પુત્ર અને પુત્રવધૂ પાસે લગ્ન પછી થોડા દિવસ સાથે રહેવા આવી ગઈ હતી. તેની પાછળનો હેતુ બહુ સ્પષ્ટ હતો—તે ઈચ્છતી હતી કે નિરાલીને ક્યારેય એવું ન લાગે કે તે કોઈ અજાણ્યા ઘરે આવી છે. તેને પરિવારનો પ્રેમ અને માતૃત્વની હૂંફ મળે તે માટે નિધિ હંમેશા તેની આસપાસ રહેતી.
વિસ્મય અને નિરાલી એ પોતાના આવતીકાલના નવા સૂર્યને આવકારવા માટે મનોમન સંકલ્પ કરી લીધો હતો. આ કોઈ સામાન્ય ઘરગથ્થુ સંકલ્પ નહોતો, પણ રાષ્ટ્ર નિર્માણ અને રક્ષણનો સંકલ્પ હતો. તેઓ જાણતા હતા કે તેમનો રસ્તો પથરાળ છે, પહાડો કઠિન છે અને હવા થીજવી નાખે તેવી છે; પણ તેમનો સાથ હિમાલય જેવો અટલ અને અતૂટ હતો.
વિસ્મય અને નિરાલીના દાંપત્ય જીવનની સૌથી સુંદર અને અનોખી વાત એ હતી કે તેમની વચ્ચે શબ્દો કરતા મૌનનો સંવાદ વધુ થતો. વર્ષોના સંઘર્ષે તેમને એકબીજાની આંખો વાંચતા શીખવી દીધું હતું.
જ્યારે પણ વિસ્મય કોઈ અત્યંત જોખમી 'બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન' (BRO) ના મિશન પર કે કોઈ સૈન્ય ઓપરેશનના નિર્માણ કાર્ય માટે રવાના થતો, ત્યારે નિરાલીના હૃદયમાં એક ધ્રાસકો પડતો. એક કુશળ ડોક્ટર તરીકે તે શરીરની નબળાઈઓ અને અકસ્માતની અસરોને સારી રીતે જાણતી હતી, પણ એક સૈનિકની પત્ની તરીકે તે વિસ્મયના જુસ્સાને જરા પણ ડગવા દેવા નહોતી માંગતી. તે ક્યારેય તેની સામે પોતાની ચિંતા કે આંસુ પ્રગટ ન કરતી, પણ વિસ્મયની ગાડી નજરથી દૂર થાય એટલે તે સીધી ભગવાનના દીવા પાસે પહોંચી જતી અને તેના સુરક્ષિત પાછા ફરવાની પ્રાર્થના કરતી. તેના ચહેરા પરનો એ મક્કમ સંયમ જ વિસ્મય માટે રણમેદાનમાં સૌથી મોટી શક્તિ બની જતો.સામે પક્ષે, જ્યારે નિરાલી કોઈ જટિલ ઓપરેશનમાં સતત દસ-બાર કલાકો સુધી વ્યસ્ત રહેતી અથવા જ્યારે કોઈ સૈનિક તેની તમામ કોશિશો છતાં જીવ ગુમાવતો અને તે માનસિક રીતે ભાંગી પડતી, ત્યારે વિસ્મય તેની પડખે ઢાલ બનીને ઉભો રહેતો. તે નિરાલીને જ્ઞાન ન આપતો, પણ બસ તેની બાજુમાં બેસીને તેનો હાથ પકડી રાખતો. વિસ્મય જાણતો હતો કે નિરાલીના એ આંસુ તેની નબળાઈ નથી, પણ તેની સંવેદનશીલતા છે, અને આ જ સંવેદના તેને એક ઉત્તમ અને દયાળુ ડોક્ટર બનાવે છે.
જ્યારે સમર્પણ અને સમજદારીનો આવો અદભૂત સમન્વય થાય, ત્યારે સૌથી જોખમી રસ્તાઓ પણ મંજિલની સુંદરતા બની જતા હોય છે. વિસ્મયના લોખંડી પુરુષાર્થમાં હવે નિરાલીની સેવાની પવિત્ર સુગંધ ભળી હતી. તેઓ હવે માત્ર એક દંપતી નહોતા, પણ ભારતમાતાના એવા બે સપૂતો હતા જેઓ એક હાથે દેશના રસ્તાઓ કંડારતા હતા અને બીજા હાથે દેશના રક્ષકોના શ્વાસ સાચવતા હતા.સરહદ પર લહેરાતા તિરંગાની સાક્ષીએ, વિસ્મય અને નિરાલીએ એકબીજાની આંખોમાં સ્મિત સાથે જોયું. તેમને ખબર હતી કે 'પડછાયો' બનવા કરતા 'જીવનસાથી' બનીને જોખમોમાં પણ સાથે ચાલવું એ જ સાચું જીવન છે.