કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર
પ્રકરણ 12 : ભૂખ
હિમાલયની એ બરફીલી ખીણમાં દોર્જેનો પડકાર કોઈ સામાન્ય જાહેરાત નહોતી; એ અમારા અસ્તિત્વ સામે ફેંકાયેલું યુદ્ધ હતું. ૩૬ કલાક. અન્નનો એક દાણો નહીં, પાણીનું એક ટીપું નહીં. અને છતાં, હાડકાં ગાળી નાખે એવી કઠોર તાલીમ. અમારી 'ટાઈમ એન્ડ મેટાબોલિઝમ'ની થિયરી કાગળ પર તો બહુ સચોટ લાગતી હતી, પણ વાસ્તવિકતાના ખરબચડા પહાડો પર વિજ્ઞાનના સમીકરણો કેટલી હદે ટકી શકે છે, તેની સાચી કસોટી હવે શરૂ થઈ હતી.
પહેલા દિવસનો સૂરજ માથા પર આવ્યો ત્યાં સુધી તો જુસ્સાના જોરે ગાડું ગબડ્યું, પણ સાંજ પડતાં સુધીમાં તો શરીરની અંદર બળવો શરૂ થઈ ગયો હતો. કોષેકોષ પાણી માટે પોકારી રહ્યો હતો. સૂર્યાસ્ત ટાણે દોર્જે અમને એક ઊભી ધારવાળી ટેકરી પાસે લઈ ગયો. તેની સામે એક વિશાળ ટ્રેક્ટરનું ટાયર પડ્યું હતું, જેની સાથે જાડું દોરડું બાંધેલું હતું.
"આ પહાડ કોઈના બાપનો નથી!" દોર્જેની ગર્જના ખીણમાં પડઘાઈ.
"અહીં દયાને કોઈ સ્થાન નથી. ચલો, જોર લગાવો!"
હું દોરડું ખેંચવા આગળ વધ્યો, પણ મારા હાથમાં લકવો મારી ગયો હોય તેવી ધ્રુજારી હતી. મારા સ્નાયુઓમાં વર્ષોથી સંગ્રહાયેલું 'ગ્લાયકોજન' બળીને રાખ થઈ ગયું હતું. મારી પાછળ વનિતાની હાલત તો એથીય બદ્દતર હતી. તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. તે માંડ બે ડગલાં ચાલી અને લથડીને ઘૂંટણિયે પડી ગઈ. તેની આંખો સામે અંધારા ઉતરી આવ્યા હતા.
દૂર ઊભેલા નિકુંજે આ દ્રશ્ય જોઈને કટાક્ષ કર્યો, જે સીધો કાળજે વાગ્યો, "તમારું આધુનિક વિજ્ઞાન અહીં શ્વાસ તોડી રહ્યું છે, પ્રોફેસર? યાદ રાખજો, પહાડ પર માત્ર લોહી અને પરસેવો ચાલે છે, પુસ્તકોની થિયરી નહીં."
એ દિવસે અમે હારી ગયા. દોર્જે ની પરવાનગી લઈ આખા દિવસની ભૂખ એક વારમાં જ મિટાવી દીધી અને કાલ માટે પણ શક્તિ અત્યારે જ ભરી લીધી.દોર્જેએ અમારી સામે નફરત કે ગુસ્સાથી નહીં, પણ ઊંડી હતાશાથી જોયું અને માથું ધુણાવીને ચાલ્યો ગયો. એ મૌન પેલા કટાક્ષ કરતાં વધારે પીડાદાયક હતું.
રાત્રે લથડતા પગે અમે ટેન્ટમાં પાછા ફર્યા ત્યારે મન અને શરીર બંને ભાંગી પડ્યા હતા. અપમાન અને નિષ્ફળતાની આગ ભૂખ કરતાં વધુ જલદ હતી. ઊંઘ આવે તેમ નહોતી.
"આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ, હાર્દિક..." વનિતાએ સુકાઈ ગયેલા ગળામાંથી મુશ્કેલીથી અવાજ કાઢ્યો. ધ્રૂજતા હાથે તેણે બેગમાંથી પેલી જૂની, જીર્ણ ડાયરી કાઢી. મીણબત્તીના ધીમા, કાંપતા અજવાળે અમે પાના ઉથલાવવા માંડ્યા. અચાનક મારી નજર એક હાથે લખેલી નોંધ પર અટકી:
'જ્યારે શરીર હાર માની લે, ત્યારે સ્નાયુઓ પર ભરોસો ન કરો. સીધા તમારા ચેતાતંત્રને છેતરો. પીડા એ બીજું કશું નથી, માત્ર મગજ સુધી પહોંચતું એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે. મગજને છેતરો. તેને કહો કે આ થાક નથી, આ તો માત્ર એક રાસાયણિક પ્રક્રિયા છે.’ વનિતાએ ઓનલાઇન રિસર્ચ શરૂ કર્યું. તેણે યોગશાસ્ત્ર પર ભાર આપ્યો. હિમાલયમાં યોગીઓ વર્ષોથી તપ કરે છે તે કેવી રીતે સર્વાઇવ કરે છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું.
“હાર્દિક….આ રિસર્ચ પેપર વાંચો. હિમાલયમાં રહેતા સાધુઓ યોગશાસ્ત્રના આધારે જીવિત રહે છે.“ વનિતાએ મને વિદેશી રિસર્ચના બદલે યોગ પર રિસર્ચ કરવા માટે ભાર મૂકવા પ્રેર્યો.
હું યોગ તરફ વળ્યો.તેના માટે મેં વનિતાએ બતાવેલ રિસર્ચ પેપરમાં જોયું. તેનો સંદર્ભ પતંજલીઋષિના મૂળ ગ્રંથ યોગદર્શન પર હતો.
“આપણે યોગદર્શનને પ્રાધાન્ય આપવું જોઈએ." આમ કહી તેણે ઈન્ટરનેટ પરથી એક જૂની પીડીએફ ડાઉનલોડ કરી મારા લેપટોપ પર મોકલી.
હવે અમે બંને યોગશાસ્ત્ર પરથી હિમાલયના યોગીઓ કેવી રીતે આટલી ઠંડીમાં અને કંઈ પણ ખોરાક લીધા વગર જીવી શકે છે તે શોધવા લાગ્યા. અમારા માટે મહત્વનું હતું અમારો ઓક્સિજન અને એનર્જી સાચવી રાખવી. અમે એક પછી એક પ્રકરણમાં તેના શીર્ષક પ્રમાણે મારા કામની માહિતી શોધવા લાગ્યા. તેમાં એક પ્રકરણમાં પ્રાણવાયુનો ઉપયોગ અને વાયુભક્ષણ કઈ રીતે કરવું તેની માહિતી આવી. અમારા બંનેમાંથી આ સંસ્કૃત ભાષા સમજવી સહેલી નહોતી અને સમય પણ નહોતો. તેથી અમે આધુનિક તકનીક નો ઉપયોગ કરી તેનું ભાષાંતર કર્યું.
"પ્રાણ વાયુ એક લયમાં નાભી સુધી શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા ખેંચી પાતળી હવામા શરીર કાર્ય કરી શકે છે." અને “લયબદ્ધ શ્વાસોશ્વાસમા શરીરની શક્તિ ઓછી ઉપયોગ થાય છે. અને શરીરની અંદર જતો પ્રાણ વાયુ હૃદય, મસ્તિષ્ક અને ચેતાતંત્રને કાર્યરત રાખે છે.“
આ વાત અમને સાવ સહેલી લાગી. આતો સાવ સામાન્ય બાબત છે.જાણે અંધારા ઓરડામાં કોઈએ ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી! અમને ચાવી મળી ગઈ હતી. અમારે શરીરને નહીં, પણ મગજને કમાન્ડ આપવાના હતા. અમે જ્યારે અંદર આ મંત્રણા કરી રહ્યા હતા, ત્યારે ટેન્ટની બહારનું વાતાવરણ રહસ્યમય હતું. બરફીલા પવનના સૂસવાટા વચ્ચે દોર્જે અને નિકુંજ કોઈ શિકારીની જેમ લપાઈને ઊભા હતા. અમારા પડછાયા ટેન્ટના કેન્વાસ પર હલતા હતા.
નિકુંજે ધીમેથી પૂછ્યું, "શું કરે છે તેઓ? રડે છે?" દોર્જેએ આંખો ઝીણી કરીને કાન માંડ્યા, "ના... કંઈક વાંચે છે. અવાજમાં ધ્રુજારી છે પણ હાર નથી. સામાન્ય માણસ અત્યારે ભાંગી પડ્યો હોત, પણ આ લોકો..." તેમને અમારી યોજનાની ગંધ તો આવી, પણ તેનું રહસ્ય પકડી ન શક્યા.
બીજા દિવસનો સૂરજ એક નવી આશા લઈને ઉગ્યો. ભૂખ તો હજીય જઠરાગ્નિની જેમ સળગતી હતી, પણ આજે અમારી પાસે ડાયરીનું 'બ્રહ્માસ્ત્ર' હતું. દોર્જેએ ટ્રેનિંગનું સ્તર બમણું કરી દીધું. હવે પીઠ પર વજન સાથે પથ્થરો પર દોડવાનું હતું.
જ્યારે પણ મારા પગ અટકવા જતા, સ્નાયુઓ ચીસ પાડતા, ત્યારે હું ડાયરીનું વાક્ય મંત્રની જેમ રટતો. હવે ખબર પડી કે સામાન્ય લાગતી બાબત ખૂબ જ અઘરી છે છતાં મેં મારા મગજને પીડાથી 'ડિસ્કનેક્ટ' કરી દીધું. વનિતાએ પણ પોતાની તમામ ચેતના શ્વાસ પર કેન્દ્રિત કરી દીધી હતી. અમે પડતા, આખડતા, ધારદાર પથ્થરોથી હાથ-પગ છોલાઈ જતા, લોહી નીકળતું, પણ અમે રોકાયા નહીં. અમે યાંત્રિક માનવ ની જેમ ઊભા થતા અને ફરી દોડતા. દોર્જે આ જોઈને સ્તબ્ધ હતો. તેને સમજાતું નહોતું કે જે શરીર કાલે મૃતપાય હતું, તે આજે કઈ અદ્રશ્ય ઊર્જાથી ચાલી રહ્યું છે.
બીજી રાત ફરીથી કાળો કામળો ઓઢીને આવી. હાડકાં થીજવી દેતી ઠંડી હતી. અમે કેમ્પફાયરથી થોડે દૂર, અંધારામાં એકબીજાને ટેકો આપીને બેઠા હતા. ચારે તરફના નિરવ શાંતિમાં વનિતાએ અચાનક એક સવાલ પૂછ્યો, જેણે વાતાવરણને વધુ ગંભીર બનાવી દીધું.
"હાર્દિક, તને ક્યારેય વિચાર આવ્યો કે અહીં આપણે બે જ કેમ છીએ?"
"શેનો?" મેં મારા સુજી ગયેલા અને જડ થઈ ગયેલા પગને પંપાળતા પૂછ્યું.
"આટલો મોટો કેમ્પ, આટલા આધુનિક સાધનો, દોર્જે જેવો વિશ્વનો શ્રેષ્ઠ ટ્રેનર... છતાં અહીં બીજા કોઈ તાલીમાર્થી કેમ નથી? આપણે જ્યારે આવ્યા ત્યારે પણ કેમ્પ ભેંકાર હતો."
મેં દૂર આગ તાપતા દોર્જે અને નિકુંજ તરફ નજર કરી. આગના પ્રકાશમાં તેમના ચહેરા રહસ્યમય લાગતા હતા. મેં ધીમેથી કહ્યું, "મને પહેલાં લાગતું હતું કે આ જગ્યા 'ટોપ સિક્રેટ' છે એટલે કોઈ નથી, પણ છેલ્લા બે દિવસના અનુભવ પરથી મને સત્ય સમજાઈ ગયું છે, વનિતા."
"શું?"
"આ કોઈ ટ્રેનિંગ સેન્ટર નથી. આ તો 'બ્રેકિંગ પોઈન્ટ' છે," મેં મારા શબ્દો પર ભાર મૂક્યો. "દોર્જે આપણને શારીરિક રીતે નથી તોડતો, એ આપણને માનસિક રીતે તોડવાની કોશિશ કરે છે. તે માણસને તેની પોતાની જાત સાથે લડાવે છે. જે લોકો અહીં કોઈ વાહ વાહ કે મેડલ માટે આવતા હશે, તેઓ આ નરક જોઈને બે દિવસમાં ભાગી જતા હશે. અહીં માત્ર એ જ ટકે જેને જીવવા કે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય."
"જેમ કે આપણે?" વનિતાની આંખોમાં સમજણની ચમક આવી.
"હા, જેમ કે આપણે. આપણી પાસે પાછા ફરવાનો રસ્તો નથી, એટલે જ આપણે આ સહન કરી શકીએ છીએ."
ત્રીજો દિવસ શારીરિક કસરતનો નહીં, પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો. દોર્જે અમને જંગલના સૌથી દુર્ગમ, કાંટાળા અને સૂકા વિસ્તારમાં લઈ ગયો. "અહીં પાણી નથી, રસ્તો નથી. સાંજ સુધીમાં રસ્તો શોધીને પાછા આવવાનું છે," આટલું કહીને તે ગાયબ થઈ ગયો.
ભૂખ્યા પેટે દિશા શોધવી અને મગજને સંતુલિત રાખવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. મારું મગજ સુન્ન મારી ગયું હતું, પણ વનિતાએ કમાલ કરી. તેણે પ્રાચીન આદિવાસીઓની જેમ પવનની દિશા અને ઝાડ પરની શેવાળ જોઈને રસ્તો શોધ્યો. એક સૂકા ઝરણાંની રેતીમાં ઉંડે સુધી ખાડો ખોદીને તેણે ભીનાશ શોધી કાઢી. અમે કપડાંથી ગાળીને એ ગંદુ પાણી પીધું, જે ત્યારે અમૃત કરતાં પણ મીઠું લાગ્યું. અમે કુદરત સાથે લડવાનું બંધ કરી દીધું હતું, અમે તેની સાથે એકરૂપ થઈ ગયા હતા.
સાંજે જ્યારે અમે કેમ્પ પર પાછા ફર્યા, ત્યારે છત્રીસ કલાક પૂરા થયા હતા. અમે જીવતા હતા, અને એ જ મોટી જીત હતી. દોર્જેએ અમને 'ખિચડી' જેવું સાદું અને પ્રવાહી ભોજન આપ્યું.
"ધીમે ખાજો," દોર્જેએ ચેતવણી આપી. "વધારે ખાશો તો આંતરડા ફાટી જશે."
જેવો અન્નનો પહેલો કોળિયો પેટમાં ગયો, આખા શરીરમાં એક વિદ્યુત પ્રવાહ દોડી ગયો. ૩૬ કલાકની ભૂખમરા પછી મળેલું એ સાદું ભોજન, શરીરના ખૂણેખૂણામાં જીવન ભરી રહ્યું હતું. પણ સાથે એક વિચિત્ર પ્રતિક્રિયા થઈ. થોડું ખાવાથી ભૂખ સંતોષાવવાને બદલે જ્વાળામુખીની જેમ ભડકી ઉઠી. શરીર હજી માંગતું હતું, લાલચ જાગતી હતી, પણ દોર્જેએ સખ્તાઈથી થાળી ખેંચી લીધી.
એ રાત્રે કોઈ વિજ્ઞાન, કોઈ રિસર્ચ કે કોઈ જાસૂસીને સ્થાન નહોતું. ભોજન પછી તરત જ અમારી આંખો ઘેરાવા લાગી. શરીર એટલું હદપાર થાકેલું હતું કે હવે મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું હતું. અમે ટેન્ટમાં એકબીજાની બાજુમાં લપાઈને સૂતા.
"આપણે જીવી ગયા, હાર્દિક..." વનિતાએ ઘેરાતા અવાજે કહ્યું. તેનો અવાજ કોઈ નશામાં હોય તેવો ભારે હતો. મેં તેને મારી બાહુપાશમાં લીધી. એ સ્પર્શમાં વાસના નહોતી, પણ એક ઊંડી આત્મીયતા હતી. બહારની ક્રૂર દુનિયા અને કઠોર પથ્થરો વચ્ચે આ ટેન્ટ અમારું નાનકડું સ્વર્ગ હતું. ક્ષણભરમાં જ અમે ગાઢ નિદ્રામાં સરી પડ્યા - એવી ઊંઘ જેમાં કોઈ સપના નહોતા, માત્ર એક અખંડ શાંતિ હતી.
ચોથા દિવસની સવારે જ્યારે આંખ ખુલી, ત્યારે કોઈ ચમત્કાર થયો હોય તેવું લાગ્યું.
મારું શરીર, જે ગઈકાલે તૂટતું હતું, તે આજે પીંછા જેવું હળવું હતું. સ્નાયુઓમાં કોઈ દુખાવો નહોતો, પણ એક અજબની સ્ફૂર્તિ હતી. 'સુપર-કમ્પેન્સેશન' ની થિયરી સાચી પડી હતી. ઉપવાસ અને આરામ પછી શરીર રીકવર થઈને પહેલા કરતાં પણ વધારે મજબૂત બની ગયું હતું.
અમે બહાર આવ્યા. સવારનો તડકો સોનેરી હતો. દોર્જે છેલ્લી કસોટી માટે તૈયાર ઊભો હતો. તેની આંખોમાં હવે પડકાર નહીં, પણ જિજ્ઞાસા હતી.
"સામેની ટેકરી... વીસ મિનિટનો સમય છે," તેણે શાંતિથી કહ્યું.
અમે દોડ્યા. પણ આ વખતે દોડવામાં કોઈ પ્રયાસ નહોતો કરવો પડતો. પગમાં ચિત્તા જેવી તાકાત હતી અને શ્વાસમાં પવન જેવી ગતિ. અમે ગુરુત્વાકર્ષણને જાણે મ્હાત કરી દીધી હતી. વીસ મિનિટ નહીં, માત્ર પંદર મિનિટમાં અમે ટોચ પર પહોંચી ગયા અને હાથ હલાવ્યો.હિમાલયની એ ટેકરી પરથી અમે જ્યારે નીચે ઉતર્યા, ત્યારે પગ જમીન પર પડતા હતા પણ મન હવામાં હતું. વિશ મિનિટનો રસ્તો પંદર મિનિટમાં કાપીને અમે જ્યારે દોર્જેની સામે આવીને ઊભા રહ્યા, ત્યારે અમારા શ્વાસ પણ ફૂલેલા નહોતા. પરસેવાનો એક ટીપો પણ નહોતો. આ માત્ર શારીરિક ક્ષમતા નહોતી, આ શરીરનું એક ઉચ્ચ સ્તરે થયેલું 'રૂપાંતરણ' હતું.
નીચે ઊભેલા દોર્જે, નિકુંજ અને પાયલ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. તેઓના માન્યમાં નહોતું આવતું તેવું કાર્ય અમે કરી બતાવ્યું હતું. દોર્જેના કરચલીવાળા ચહેરા પર એક આછું, ભાગ્યે જ દેખાય તેવું સ્મિત હતું. અમારી જીત થઈ હતી. અમે માત્ર ટ્રેનિંગ પૂરી નહોતી કરી, અમે એ સાબિત કર્યું હતું કે કેમ આ વેરાન કેમ્પમાં બીજા કોઈ ટકી શકતા નથી, અને અમે શા માટે ટકી ગયા. અમારા શરીર હવે હાડકાં અને માંસના નહોતા રહ્યા, એ એક 'મિશન' બની ચૂક્યા હતા.
નીચે પહોંચતા જ પાયલ, જે અમારી મેડિકલ એક્સપર્ટ હતી, તે દોડીને આવી. તેણે અમારા કાંડા પકડ્યા અને પલ્સ ચેક કર્યા. તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે સ્ટેથોસ્કોપ મૂકીને હૃદયના ધબકારા સાંભળ્યા અને પછી અચરજ પામીને નિકુંજ સામે જોયું.
"ઇમ્પોસિબલ..." પાયલ બબડી, "આ મેડિકલ સાયન્સના નિયમોની વિરુદ્ધ છે. છત્રીસ કલાકના ઉપવાસ અને આટલી સખત મહેનત પછી હાર્ટરેટ વધવા જોઈએ, શરીર તૂટવું જોઈએ. પણ આ બંનેના વાઈટલ્સ તો કોઈ એથલીટ પૂરો આરામ કરીને ઉઠ્યો હોય તેવા નોર્મલ છે ઊલટાનું, તેમના શરીરમાં ઓક્સિજન લેવલ ૯૮-૯૯% બતાવે છે, જે આટલી ઊંચાઈ પર સામાન્ય માણસ માટે અશક્ય છે."નિકુંજ, જે અત્યાર સુધી અમને મૂર્ખ સમજતો હતો, તે હવે વૈજ્ઞાનિક કુતૂહલથી અમને જોઈ રહ્યો હતો.
"હાર્દિક, વનિતા... આખરે થયું શું? ગઈકાલે તમે મરવાની અણી પર હતા અને આજે સુપરહ્યુમન? આ ચમત્કારનું ગણિત શું છે?"
વનિતાએ સ્મિત કર્યું અને પેલી ડાયરી પોતાની છાતી સરસી ચાંપી. તેણે સમજાવવાનું શરૂ કર્યું, "નિકુંજ, આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ બાયો-કેમિસ્ટ્રી અને પ્રાચીન યોગનું સંયોજન છે."
"અમે જ્યારે છત્રીસ કલાક સુધી ખાધું નહીં, ત્યારે શરીરે 'ઓટોફેજી' પ્રોસેસ શરૂ કરી. એટલે કે, શરીરે બહારથી ખોરાક ન મળતા અંદર રહેલા નબળા, રોગિષ્ઠ અને મૃત કોષોને ખાઈને ઊર્જા બનાવવાનું શરૂ કર્યું. શરીર અંદરથી સાફ થઈ ગયું. કચરો બળી ગયો."
મેં વનિતાની વાત આગળ વધારી, "અને જ્યારે શરીર આ સફાઈ કરી રહ્યું હતું, ત્યારે અમે મગજને ગભરાવા ન દીધું. યોગદર્શનના સૂત્રો દ્વારા અમે શ્વાસની લય જાળવી રાખી. સામાન્ય રીતે ભૂખ અને થાકથી 'કોર્ટિસોલ' (સ્ટ્રેસ હોર્મોન) વધે છે જે સ્નાયુઓને તોડે છે. પણ અમે ઊંડા શ્વાસ અને ધ્યાનને કારણે કોર્ટિસોલને બ્લોક કરી દીધા. પરિણામે, જ્યારે અમે ખાધું અને સૂઈ ગયા, ત્યારે શરીરે 'સુપર-કમ્પેન્સેશન' કર્યું. સ્નાયુઓ માત્ર રિપેર ન થયા, પણ ભવિષ્યના પડકાર માટે બમણી તાકાતથી રીબિલ્ડ થયા. અમે શરીરને તોડ્યું નહીં, અમે તેને નવેસરથી ઘડ્યું."
દોર્જે આ બધું સાંભળી રહ્યો હતો. તે ધીમે ડગલે આગળ આવ્યો. તેના ચહેરા પર કાયમ રહેતી કઠોરતા ઓગળી ગઈ હતી. તેણે મારા અને વનિતાના ખભા પર હાથ મૂક્યો. તે પહાડી માણસના હાથ લોખંડ જેવા મજબૂત હતા.
"મેં ઘણા પર્વતારોહકો જોયા છે," દોર્જેએ તેના ભારે અવાજમાં કહ્યું. "ઘણા મોટા સંસાધનો અને ઓક્સિજનના બાટલા લઈને આવે છે. પણ પહાડ સાધનોથી નથી ચડાતો, જિગરથી ચડાય છે. તમે બંનેએ આજે સાબિત કરી દીધું કે તમારું શરીર હવે મેદાનના માણસો જેવું પોચું નથી."
તેણે નિકુંજ અને પાયલ તરફ ફરીને જાહેર કર્યું, "આ બંને તૈયાર છે. કૈલાશની તળેટી હવે તેમને સ્વીકારશે. તેમનું શરીર હવે હવા, પાણી અને બરફ સાથે લડશે નહીં, પણ તેની સાથે વાત કરશે. આપણે આવતીકાલે સવારે જ 'એડવાન્સ બેઝ કેમ્પ' તરફ પ્રયાણ કરીશું."
નિકુંજે માથું ઝુકાવ્યું, "સોરી પ્રોફેસર, મેં તમને અંડર-એસ્ટીમેટ કર્યા હતા. તમારી આ 'થીયરી' હવે પ્રેક્ટિકલ બની ગઈ છે."
એ સાંજે કેમ્પમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું, જોકે અમે કોઈ પાર્ટી નહોતી કરી. અમે માત્ર આગની ફરતે બેઠા હતા. દોર્જે અને તેની ટીમ સામાન પેક કરવામાં વ્યસ્ત હતી. હું અને વનિતા કેમ્પફાયરથી થોડે દૂર, એક ખડક પર બેઠા હતા જ્યાંથી બરફ આચ્છાદિત શિખરો ચાંદની રાતમાં ચમકતા હતા.
"હવે ડર લાગે છે?" મેં વનિતાને પૂછ્યું.
વનિતાએ આકાશ તરફ જોયું, "ડર શરીરનો હતો, હાર્દિક. એ તો આપણે જીતી લીધો. પણ હવે ડર અજાણ્યાનો છે."
"મતલબ?"
"દોર્જેએ કહ્યું કે આપણે તૈયાર છીએ. પણ આપણે શેના માટે તૈયાર છીએ? આ માત્ર પહાડ ચડવાની વાત નથી, હાર્દિક. ડાયરીના છેલ્લા પાના મેં વાંચ્યા..." વનિતાનો અવાજ ગંભીર થયો.
"શું લખ્યું છે?"
"લખ્યું છે કે - 'શરીરની તાલીમ તો માત્ર પ્રવેશદ્વાર છે. અંદરનું યુદ્ધ તો હવે શરૂ થશે. ત્યાં ઉપર, જ્યાં ઓક્સિજન ઓછો છે, ત્યાં તમારું મન તમારી સાથે રમતો રમશે. ત્યાં ભ્રમણા અને સત્ય વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જશે.' આપણે ફિઝિકલી તૈયાર છીએ, પણ શું આપણે મેન્ટલી
એ 'ભ્રમણાઓ' સામે લડવા તૈયાર છીએ?"
મેં તેનો હાથ પકડ્યો. મારા સ્પર્શમાં તેને હિંમત આપી. "આપણે છત્રીસ કલાક ભૂખ સામે લડ્યા, તો હવે આપણા જ મન સામે પણ લડી લઈશું. યાદ છે ને? આપણે સામાન્ય મનુષ્યો નથી રહ્યા. આપણી પાસે એકબીજાનો સાથ છે અને આ ડાયરીનું જ્ઞાન છે."
"હાર્દિક, મને લાગે છે કે આપણી શોધ માત્ર કૈલાશ સુધી પહોંચવાની નથી," વનિતાએ મારી આંખોમાં જોયું. "આપણે કંઈક એવું શોધવા જઈ રહ્યા છીએ જે કદાચ માનવજાતના ઇતિહાસને બદલી નાખશે. અને દોર્જે... દોર્જે બધું જાણે છે. એ આપણને માત્ર ગાઈડ નથી કરી રહ્યો, એ આપણને કોઈક ચોક્કસ જગ્યાએ લઈ જઈ રહ્યો છે."
"કાલની સવાર આપણા જીવનની સૌથી મહત્વની સવાર હશે," મેં નિશ્ચય સાથે કહ્યું. "કાલે આપણે એ ઝોનમાં પ્રવેશ કરીશું જ્યાંથી પાછા ફરવું શક્ય નથી."
પવનના સૂસવાટા તેજ થયા. દૂર ક્યાંક હિમપ્રપાતનો અવાજ આવ્યો, જાણે પહાડ અમને સાદ પાડી રહ્યો હોય. અમારી તાલીમ પૂરી થઈ હતી, હવે અમારું મિશન શરૂ થતું હતું.
આગળ શું થશે?
શું દોર્જે ખરેખર કોઈ રહસ્ય છુપાવી રહ્યો છે? પહાડ પરની એ 'ભ્રમણાઓ' શું હશે જેની ચેતવણી ડાયરીમાં આપવામાં આવી છે? અને એડવાન્સ બેઝ કેમ્પમાં એવી કઈ નવી મુસીબત તેમની રાહ જોઈ રહી છે?
***
એડવાન્સ બેઝ કેમ્પ એ કોઈ સામાન્ય કેમ્પ નહોતો; એ સફેદ રંગનું અનંત રણ હતું. અહીં પથ્થર કે માટી દેખાતા જ નહોતા, જ્યાં જુઓ ત્યાં બસ બરફની ચાદર અને ઉપર ભૂખરું આકાશ. અહીં ઓક્સિજનનું પ્રમાણ નીચે કરતાં અડધું હતું. એક ડગલું ભરવું એટલે મેદાનમાં સો મીટર દોડવા બરાબર શ્રમ પડતો હતો.
અમારા શરીરમાં ૩૬ કલાકના ઉપવાસ પછી જે ઊર્જા આવી હતી, તેને હવે દિશા આપવાની હતી. દોર્જે અહીં વધારે આકરો બની ગયો હતો.
"તમે ભૂખ જીતી લીધી," દોર્જેએ સવારે ૪ વાગ્યે અમને બરફના મેદાનમાં ઉભા રાખીને કહ્યું, "હવે તમારે ઠંડી અને બરફના સ્વભાવને જીતવાનો છે. બરફ પથ્થર જેવો વફાદાર નથી હોતો, એ દગાબાજ છે. ક્યારે તૂટશે, ક્યારે સરકશે, એ કોઈને ખબર નથી પડતી."
અમારી તાલીમનો બીજો તબક્કો શરૂ થયો: 'આઈસ-ક્રાફ્ટ' અને 'થર્મલ રેગ્યુલેશન'.
કેમ્પની પાછળ એક એંસી ફૂટ ઊંચી સીધી બરફની દીવાલ હતી. દોર્જેએ અમને 'આઈસ-એક્સ' (બરફ તોડવાની કુહાડી) અને 'ક્રેમ્પોન્સ' (ખીલાવાળા બૂટ) આપ્યા.
"આ દીવાલ ચડવાની છે," તેણે આદેશ આપ્યો. "અને યાદ રાખજો, જો તમે આઈસ-એક્સને વધારે જોરથી મારશો તો બરફ તૂટી જશે અને તમે નીચે પડશો. જો ધીમે મારશો તો પકડ નહીં આવે. તમારે બરફ સાથે વાત કરવી પડશે."
હું દીવાલ પાસે ગયો. પહેલો ઘા માર્યો, બરફના કરચલા ઉડ્યા અને કુહાડી છટકી ગઈ. મારા ખભામાં ઝાટકો આવ્યો.
"શક્તિ નહીં, લય!" વનિતા નીચેથી બૂમ પાડી. "હાર્દિક, યાદ કરો લયનો ઉપયોગ . શ્વાસ અને હાથની ગતિ એક થવી કરો."
મેં આંખો બંધ કરી. ઊંડો શ્વાસ લીધો. ફેફસામાં ઠંડી હવા ભરી. જેવો શ્વાસ બહાર કાઢ્યો, તે જ ક્ષણે મેં કુહાડી મારી. ખટાક! અવાજ સાથે કુહાડી બરફમાં મજબૂતીથી ખૂંપી ગઈ. હવે મને રીત સમજાઈ ગઈ હતી.
શ્વાસ અંદર - હાથ ઉપર.
શ્વાસ બહાર - પ્રહાર.
હું અને વનિતા કરોળિયાની જેમ એ સીધી દીવાલ પર ચડવા લાગ્યા. નિકુંજ અને પાયલ અમને જોઈ રહ્યા હતા. તેમની ટેકનિકમાં તાકાત હતી, પણ અમારી ટેકનિકમાં 'વિજ્ઞાન' હતું. અમે અમારા શરીરના વજનને પગના અંગૂઠા પર સ્થિર કરતા શીખી ગયા હતા.
બપોરે તાપમાન માઈનસ પંદર ડિગ્રી હતું. દોર્જેએ અમને જેકેટ ઉતારીને માત્ર પાતળા થર્મલ વસ્ત્રોમાં બરફ પર પલાંઠી વાળીને બેસવા કહ્યું. આ પાગલપન લાગતું હતું.
"શરીર ધ્રૂજવું ન જોઈએ," દોર્જે કડક અવાજે બોલ્યો. "તમારા મગજને કહો કે તમે આગની વચ્ચે બેઠા છો."
શરૂઆતમાં તો દાંત કખડવા લાગ્યા. ચામડી બળવા લાગી. પણ પછી વનિતાએ મને ઈશારો કર્યો. અમે પેલી 'પ્રાણવાયુ' વાળી પ્રક્રિયા શરૂ કરી. અમે નાભિમાંથી શ્વાસ ઘૂંટવાનું શરૂ કર્યું. યોગશાસ્ત્રમાં જેને 'અગ્નિસાર' કે તિબેટમાં જેને 'તુમ્મો' કહે છે, અમે અજાણતાં જ તેનો અભ્યાસ કરી રહ્યા હતા.
અમે કલ્પના કરી કે નાભિમાં એક જ્વાળા સળગી રહી છે. ધીરે ધીરે... આશ્ચર્યજનક રીતે, મારા પેટના ભાગેથી ગરમી પ્રસરવા લાગી. ધ્રુજારી બંધ થઈ ગઈ. બહાર બરફ વર્ષા થતી હતી, પણ અમારી અંદર એક ભઠ્ઠી સળગી રહી હતી. નિકુંજ અને પાયલ આ જોઈને ડઘાઈ ગયા હતા. તેઓ બે-ત્રણ મિનિટમાં જ ઠંડીથી ભૂરા થઈને જેકેટ પહેરવા દોડ્યા, જ્યારે અમે પંદર મિનિટ સુધી એ સ્થિતિમાં સ્થિર બેસી રહ્યા.
સાંજ પડતા દોર્જેએ એક નવો પડકાર ફેંક્યો. "આજે રાત્રે ટેન્ટની ચેઈન ખુલ્લી રહેશે."
એનો અર્થ હતો સીધા બરફીલા પવનના સૂસવાટા વચ્ચે ઊંઘવું. આ શરીરને 'હાઈપોક્સિયા' (ઓછા ઓક્સિજન) અને હાઈપોથર્મિયા (અતિશય ઠંડી) માટે તૈયાર કરવાની રીત હતી.
અમે સ્લીપિંગ બેગમાં હતા, પણ ચહેરા પર બરફની રજકણો ઉડતી હતી.
"તને ઊંઘ આવે છે?" વનિતાએ ધીમેથી પૂછ્યું.
"ના," મેં કહ્યું. "પણ થાક નથી લાગતો. શરીર હવે આ વાતાવરણને સ્વીકારી રહ્યું છે. પહેલા જે પવન દુશ્મન લાગતો હતો, હવે તે મિત્ર લાગે છે."
"હાર્દિક, આપણે બદલાઈ રહ્યા છીએ," વનિતાએ મારા હાથ પર હાથ મૂક્યો. ગ્લોવ્ઝ હોવા છતાં મને તેની હૂંફ વર્તાઈ. "પહેલા આપણે પહાડ પર ચડવા આવ્યા હતા, હવે આપણે પહાડનો એક ભાગ બની રહ્યા છીએ. જો, નિકુંજ અને પાયલ હજી ઓક્સિજન માસ્ક લગાવીને આપણા પર નજર રાખીને બેઠા છે, અને આપણને તેની જરૂર નથી પડતી."
બીજા દિવસે સવારે દોર્જે અમને ગ્લેશિયર પર લઈ ગયો. અહીં બરફની મોટી ફાટો હતી.
"આંખ અને કાન ખુલ્લા રાખો," દોર્જે ચેતવ્યા. "બરફની નીચે પાણી વહેતું હોય ત્યાં અવાજ અલગ આવે. જ્યાં પોલો બરફ હોય ત્યાં પગ મૂકતા પહેલા લાકડીથી તપાસવું."
અમે એકબીજા સાથે દોરડાથી બંધાયેલા હતા. વનિતા સૌથી આગળ હતી. તેનું ધ્યાન અદભુત હતું. તે બરફના રંગ પરથી પારખી જતી હતી કે કયો બરફ મજબૂત છે અને કયો બરફ છટકું છે.
એક જગ્યાએ મારો પગ સહેજ લપસ્યો અને હું એક ખાડા તરફ સરક્યો. ક્ષણાર્ધમાં વનિતાએ પોતાની આઈસ-એક્સ જમીનમાં ખોસી દીધી અને દોરડું તંગ કરી દીધું. મને એક ઝાટકા સાથે રોકી લીધો.
"ધ્યાન ક્યાં છે?" તેણે પાછળ જોયા વગર જ પૂછ્યું.
"તારા પગલાં પર," મેં હસીને કહ્યું. પણ અંદરથી હું ગંભીર હતો. અહીં એક ભૂલ એટલે મોત.
સતત ત્રણ દિવસ સુધી આ આકરી તાલીમ ચાલી. સવારે બરફની દીવાલ ચડવાની, બપોરે ઠંડી સહન કરવાની મેડિટેશન પ્રેક્ટિસ, અને સાંજે ગ્લેશિયર પર ચાલવાની અને રસ્તો શોધવાની તાલીમ. ત્રણ દિવસ પછી, સાંજે અમે કેમ્પમાં પાછા ફર્યા ત્યારે દોર્જે અમને જોઈ રહ્યો હતો. અમારો ચહેરો બરફથી બળીને લાલ થઈ ગયો હતો, હોઠ ફાટી ગયા હતા, પણ આંખોમાં એક અલગ જ તેજ હતું. અમારા શ્વાસ હવે હાંફતા નહોતા, પણ એક લયમાં ચાલતા હતા. દોર્જે અમારી પાસે આવ્યો. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને સ્નાયુઓ દબાવી જોયા.
"પથ્થર..." તે બબડ્યો. "તમારા સ્નાયુઓ હવે માંસના નહીં, પથ્થરના થઈ ગયા છે."
તેણે વનિતા સામે જોયું. "અને તારી નજર હવે ગરુડ જેવી છે."
"તો શું તમે તૈયાર છો ?" નિકુંજે પૂછ્યું, જે હજી પણ શરદીથી પીડાતો હતો.
"તમે?" દોર્જેએ નિકુંજ સામે જોયું, પછી નજર ફેરવીને અમારા પર સ્થિર કરી. "આ બે તૈયાર છે. એમનું શરીર હવે એડવાન્સ બેઝ કેમ્પથી પણ ઉપર જવા માટે લાયક છે. એમણે બરફ સાથે દોસ્તી કરી લીધી છે."
***
રાત્રે આગની આસપાસ બેઠા ત્યારે મને સમજાયું કે આ ત્રણ દિવસમાં અમે માત્ર શારીરિક કસરત નહોતી કરી, અમે અમારા અસ્તિત્વને હિમાલયના ક્રૂર વાતાવરણમાં ઓગાળીને નવું ઘડ્યું હતું. ડાયરી અને વિજ્ઞાનના સમન્વયે અમને સામાન્ય માણસમાંથી 'હાઈ એલ્ટિટ્યુડ સર્વાઈવર' બનાવી દીધા હતા. હવે અમે માત્ર ચડાઈ કરવા માટે નહીં, પણ એ બરફીલા શિખરોમાં છુપાયેલા અજાણ્યા રહસ્યોને ભેટવા માટે શારીરિક રીતે સજ્જ હતા.
રાતનો ત્રીજો પ્રહર હતો. કેમ્પફાયરની આગ હવે ધીમી પડીને અંગારામાં ફેરવાઈ રહી હતી. વાતાવરણમાં માત્ર બરફીલા પવનનો સુસવાટો હતો, પણ આજે અમારી વચ્ચેનું મૌન અલગ હતું. એમાં સ્પર્ધા કે ઈર્ષ્યા નહોતી, પણ એક પરાજયનો સ્વીકાર હતો. નિકુંજ, જે અત્યાર સુધી પોતાની આધુનિક મેડિકલ ડિગ્રીઓના અહંકારમાં હતો, તે ધીમેથી ઊભો થયો અને મારી પાસે આવ્યો. તેની આંખોમાં હવે કટાક્ષ નહોતો, પણ એક વિદ્યાર્થી જેવી નમ્રતા હતી.
"પ્રોફેસર..." તેનો અવાજ સહેજ ધ્રુજ્યો, "અમે હારી ગયા. અમારી પ્રોટીન શેક અને સપ્લીમેન્ટ્સની થિયરી અહીં શૂન્ય થઈ ગઈ છે. અને તમે... તમે બંને કોઈ અલગ જ ધાતુના બનેલા લાગો છો." તેણે પાયલ તરફ જોયું, પાયલે પણ હકારમાં માથું ધુણાવ્યું.
"અમને શીખવાડશો?" પાયલે વિનંતીપાયલે વિનંતી કરી. "આ કોઈ જાદુ નથી એ અમને ખબર છે. પણ આ કયું વિજ્ઞાન છે જે મેડિકલ બુક્સમાં નથી? અમારે જીવવું છે, અને તમારા રસ્તે ચાલ્યા વગર હવે અમારો ઉદ્ધાર નથી."
મેં અને વનિતાએ એકબીજા સામે સ્મિત કર્યું. જ્ઞાન વહેંચવાથી વધે છે, અને અહીં હિમાલયમાં તો જ્ઞાન જ જીવન હતું.
વનિતાએ પેલી પીડીએફ ખોલી અને વચ્ચે મૂકી. તેણે પાયલનો હાથ પોતાના હાથમાં લીધો. "સાંભળો," વનિતાએ શરૂ કર્યું. "સૌથી પહેલું સૂત્ર - તમારું શરીર જે ખોરાક માંગે છે, તે ભૂખ નથી, પણ આદત છે. અહીં તમારે કોષીય સ્તર પર જીવવાનું છે."
મેં આગળ સમજાવ્યું, "નિકુંજ, અમે 'મેટાબોલિક સ્વીચ'નો ઉપયોગ કર્યો. જ્યારે અમે ૩૬ કલાક ભૂખ્યા રહ્યા, ત્યારે અમે શરીરને ગ્લુકોઝ પર નહીં, પણ 'કીટોન્સ' પર ચાલતું કરી દીધું. પણ એનાથી પણ મહત્વનું છે - શ્વાસ."
"તમે જે ઓક્સિજન બોટલ પર ભરોસો કરો છો, અમે અમારા ફેફસાં પર ભરોસો કર્યો," મેં તેમને પ્રાણાયામની ટેકનિક બતાવી. "જુઓ, ઊંડો શ્વાસ લો... તેને રોકી રાખો (કુંભક)... અને પછી ધીમેથી છોડો. જ્યારે તમે શ્વાસ રોકો છો, ત્યારે લોહીમાં કાર્બન ડાયોક્સાઈ વધે છે, જે ઓક્સિજનને હિમોગ્લોબિનથી અલગ કરીને પેશીઓમાં ઊંડે સુધી ઉતારે છે. આ છે 'બોહર ઈફેક્ટ' (Bohr Effect). અમે વિજ્ઞાન અને યોગને ભેગા કર્યા છે."
દોર્જે, જે ખૂણામાં બેસીને ચિલમ પી રહ્યો હતો, તે ઊભો થયો. "સત્ય..." તે ગંભીર અવાજે બોલ્યો. "ઋષિઓ આને તપસ્યા કહેતા, તમે આને સાયન્સ કહો છો. રસ્તા અલગ છે, મંઝિલ એક છે - શરીર પર મનની જીત."
આખી રાત અમે જાગતા રહ્યા. વનિતાએ પાયલને ધ્યાન ધરતા અને મગજને શાંત કરતા શીખવ્યું. મેં નિકુંજને સમજાવ્યું કે કઈ રીતે પગના સ્નાયુઓનો ઉપયોગ ઓછો કરીને હાડકાં પર વજન આપીને ચાલવું, જેથી ઓછી ઊર્જા વપરાય. પરોઢ થતાં સુધીમાં તો નિકુંજ અને પાયલના ચહેરા પર પણ એક નવી આશા જાગી હતી. તેમને કપરી પરિસ્થિતિમાં જીવન જીવવાની ચાવી મળી ગઈ હતી.
"અત્યારે હવે આરામ કરો” દોર્જે એ અમને આદેશ આપ્યો. તેનું શબ્દસહ અમે પાલન કરવાં માટે ઊભા થયા.
રોજ અમે ઊંઘવાના સમયે અમારી સ્લિપિંગ બેગ ઉપયોગ કરતા હતા.આજે અમે તેનો ઉપયોગ નોહતો કર્યો.હું અને વનિતા માત્ર એક ગરમ રૂછાદાર ધાબળાની અંદર સુતા. અમારું શરીર પોતાની ગરમી બહાર કાઢવા સક્ષમ હતું. અમે હવે આ કપરી પરિસ્થિતીમાં ઉપયોગ થતી કળા અને યોગશાસ્ત્રનો ઉપયોગ રોજ કરવાનું નક્કી કરતું હતું.
સવારનો સૂરજ બરફની ટોચ પર સોનેરી કિરણો પાથરી રહ્યો હતો. હવે અમારો આગળ વધવાનો સમય હતો. દોર્જે અમારી બેગ તૈયાર રાખી હતી.
"અહીંથી આગળનો રસ્તો તમારે એકલા કાપવાનો છે," દોર્જેએ કહ્યું. "મારું કામ તમને તૈયાર કરવાનું હતું, અને તમે તૈયાર છો. હવે કૈલાશની એ અજાણી ગુફાઓ અને શિખરો તમારી રાહ જુએ છે."
નિકુંજ મારી સામે આવ્યો અને મારો હાથ મજબૂતીથી પકડ્યો. "થેંક યુ, હાર્દિક. તમે આજે અમારો જીવ બચાવ્યો છે. હવે અમે પાછા નહીં પડીએ. અમે ધીમે આવીશું, પણ આવીશું જરૂર."
"અમે તમારી રાહ જોઈશું," દોર્જે એ કહ્યું.
વનિતાએ છેલ્લી વાર કેમ્પ તરફ નજર કરી. ૩૬ કલાક પહેલાં અમે અહીં સામાન્ય માણસ તરીકે આવ્યા હતા, અને હવે અમે 'યૌગિક યોદ્ધા' બનીને જઈ રહ્યા હતા.
અમે બરફીલા ઢોળાવ તરફ પગ ઉપાડ્યા. દોર્જે, નિકુંજ અને પાયલ હાથ હલાવતા ઊભા રહ્યા. જ્યાં સુધી અમે દેખાતા રહ્યા ત્યાં સુધી તેઓ અમને જોઈ રહ્યા હતા. ધીરે ધીરે ધુમ્મસમાં અમારો આકાર ઓગળવા લાગ્યો. કેમ્પની સુરક્ષા પાછળ રહી ગઈ હતી અને સામે અનંત સફેદ વિસ્તાર અને રહસ્યો પડકાર ફેંકી રહ્યા હતા.
પવનમાં મારા અને વનિતાના શ્વાસનો લય એક હતો. પગલાં મક્કમ હતા. અમારું મુખ્ય લક્ષ્ય હવે શરૂ થયું હતું.
***