કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર
ખંડ : ૧
પ્રકરણ : ૧૧ : પડકાર
સવારના પહાડી સૂરજના કિરણો ક્યારે ગામના બરફીલા શિખરો પર પથરાઈ રહ્યા હતા, પણ મારા માટે એ પ્રકાશમાં કોઈ ઉષ્મા નહોતી. મારા હાથમાં ચાનો કપ હતો, પણ હોઠ સુધી આવતા આવતા તે ધ્રૂજતો હતો—ઠંડીથી નહીં, પણ અપમાનથી. અમે હાર્યા હતા.
ગુરુંગનો અસ્વીકાર કોઈ શબ્દોનો ખેલ નહોતો; એ એક દર્પણ હતું. એ દર્પણમાં મને પ્રોફેસર હાર્દિક નહોતો દેખાયો, પણ એક એવો માણસ દેખાયો હતો જેનો અહંકાર તેની શારીરિક ક્ષમતા કરતાં મોટો હતો."સામાન તૈયાર છે, હાર્દિક?" વનિતાનો અવાજ પાછળથી આવ્યો. તેનો અવાજ હંમેશાની જેમ શાંત હતો, પણ આજે તેમાં એક અલગ પ્રકારનો ભાર હતો. મેં પાછળ ફરીને જોયું. તેણે પોતાની બેગ ખભે લટકાવી દીધી હતી. તેની આંખોમાં ક્યાંય ફરિયાદ નહોતી, માત્ર એક મક્કમ નિશ્ચય હતો. કદાચ સ્ત્રીઓ નિષ્ફળતાને પુરુષો કરતાં વધુ સારી રીતે પચાવી જાણે છે. અમે પુરુષો તેને અહંકાર પરનો ઘા માનીએ છીએ, જ્યારે સ્ત્રીઓ તેને માત્ર રસ્તામાં આવેલો એક ખાડો સમજીને આગળ વધવાની તૈયારી કરે છે.
"હા," મેં ટૂંકો જવાબ આપ્યો.
અમે ગામના ચોકમાં આવ્યા. જે જીપ અમને અહીં લાવી હતી, તે જ જીપ અમને પાછા લઈ જવા તૈયાર હતી. ગામના લોકો જેમણે અમને બે દિવસ પહેલાં એક આશા સાથે જોયા હતા. અજાણ્યા જેમ આવ્યા હતા પણ જાણીતા જેમ જતા હતા. અમે આજે પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ વિશેષ વિદાય નહોતી. પહાડોમાં નિષ્ફળતા કોઈ નવી વાત નથી. અહીં જે ટકી નથી શકતું, તે જતું રહે છે. કુદરતનો આ જ ક્રૂર નિયમ હતો. જીપનું એન્જિન ઘરઘરાટી સાથે શરૂ થયું. મેં છેલ્લી વાર પાછળ ફરીને જોયું. કૈલાસ તરફ જતો રસ્તો વાદળોમાં ઢંકાયેલો હતો. જાણે કૈલાસ મને કહી રહ્યો હતો: 'પહેલા લાયક બન, પછી દર્શનની આશા રાખજે.'રસ્તો એ જ હતો—ખડબચડો, પથરાળ અને ધૂળિયો. પણ ઉતરતી વખતે તેના આંચકા વધારે વાગી રહ્યા હતા. દરેક ખાડા પર ઉછળતી જીપ મારા મગજમાં વિચારોનું તોફાન જગાડતી હતી.
"વનિતા," મેં મૌન તોડ્યું. જીપના અવાજ વચ્ચે મારો અવાજ માંડ સંભળાયો. "મને શરમ આવે છે."વનિતાએ બારી બહાર જોવાનું બંધ કર્યું અને મારી તરફ જોયું. "શેની શરમ, હાર્દિક? પ્રયત્ન કરવાની?"
"ના," મેં માથું હલાવ્યું. "એક શિક્ષક તરીકે હું આખી જિંદગી વિદ્યાર્થીઓને તર્ક શીખવતો રહ્યો. હું માનતો હતો કે મન મક્કમ હોય તો શરીર દાસ બની જાય છે. પણ ગુરુંગે સાબિત કરી દીધું કે પહાડ પર તર્ક નહીં, ફેફસાં કામ લાગે છે. મેં મારા શરીરના તર્કને અવગણ્યો."જીપ એક તીવ્ર વળાંક પર વળી અને અમારે સીટના હાથા મજબૂતીથી પકડવા પડ્યા.વનિતાએ મારો હાથ પકડ્યો. તેની હથેળી ગરમ હતી.
"તમે તર્કને દબાવતા હતા, હાર્દિક . ગુરુંગની વાત કડવી હતી, પણ સાચી હતી. આપણે કોઈ સામાન્ય પર્વત નથી ચડવાનો. આપણે સમયની વિકૃતિ માં પ્રવેશવાનું છે. જો કૈલાસ ખરેખર સમય અને અવકાશને વળાંક આપતો હોય, તો આપણું શરીર એ દબાણ સામે ટકી શકે તેટલું લોખંડી હોવું જોઈએ. આપણે માત્ર પાછા નથી જઈ રહ્યા, આપણે તૈયારી કરવા જઈ રહ્યા છીએ."તેના શબ્દોમાં એક આશ્વાસન હતું, પણ મારા મનમાં હજી ઘમસાણ ચાલતું હતું. શું બે મહિના પૂરતા હશે? આખી જિંદગીની આળસ અને આરામદાયક જીવનશૈલીને શું થોડા દિવસમાં ભૂંસી શકાશે?
બપોર થતાં અમે પોખરાની હદમાં પ્રવેશ્યા.પર્વતોની નિરવ શાંતિ પછી પોખરાનો કોલાહલ કોઈ હથોડા જેવો લાગ્યો. ટ્રાફિકના હોર્ન, દુકાનોના સંગીતનો અવાજ, અને પર્યટકોની ભીડ. હવાની ગુણવત્તા પણ બદલાઈ ગઈ હતી. પહાડોની પાતળી પણ શુદ્ધ હવાને બદલે હવે ધૂળ અને ડીઝલની ગંધ આવતી હતી. ઓક્સિજન વધારે હતો, પણ શ્વાસ લેવામાં મજા નહોતી આવતી.અમે લેક સાઇડ વિસ્તારની એક હોટલમાં સામાન મૂક્યો. હોટલના રૂમમાં એસી ચાલતું હતું, પણ મને પહાડની ઠંડી યાદ આવતી હતી. હું અરીસા સામે ઊભો રહ્યો. મારું પ્રતિબિંબ મને જોઈ રહ્યું હતું—થોડું થાકેલું, આંખો નીચે કાળા કુંડાળા અને શરીર... શરીર જે હજી સુરતની આરામદાયક ખુરશીને લાયક હતું, હિમાલયના બરફને નહીં.
"આપણે શોધખોળ ક્યારે શરૂ કરીશું?" વનિતાએ પૂછ્યું. તે ફ્રેશ થઈને બહાર આવી હતી. તેણે ડાયરી ખોલી. "મેં કેટલીક એજન્સીઓના નામ તારવ્યા છે."
"ના," મેં કહ્યું. "આપણે પર્યટક એજન્સી નથી જોઈતી. જે આપણને ફોટો પડાવવા માટે વ્યુ-પોઇન્ટ પર લઈ જાય એવા ગાઈડ નથી જોઈતા. મારે એવો રાક્ષસ જોઈએ છે જે મારા શરીરને તોડીને નવું બનાવી શકે."
વનિતા હસી પડી. "રાક્ષસની શોધ? પોખરામાં?"
"હા. કાલે સવારે આપણે નીકળીશું. પણ લેક સાઇડની ચમકદમક વાળી દુકાનોમાં નહીં. આપણે એવા માણસને શોધવાનો છે જે પર્વતને ધંધો નહીં, ધર્મ માને છે."
બીજા દિવસે સવારે અમે પોખરાના લેક સાઇડ વિસ્તારમાં નીકળ્યા. સુરજ માથા પર આવી ગયો હતો અને શેરીઓમાં વિદેશી પર્યટકોની ચહલપહલ હતી. દરેક બીજી દુકાન એક 'ટ્રેકિંગ એજન્સી' હતી. રંગબેરંગી બોર્ડ લાગેલા હતા: "Easy Annapurna Trek", "Luxury Base Camp Packages", "100% Success Rate". મેં અને વનિતાએ એક-બે મોટી ઓફિસમાં તપાસ કરી. ત્યાં એસીની ઠંડક હતી અને રિસેપ્શન પર બેઠેલા માણસો અત્યંત મીઠાશથી વાત કરતા હતા.
"સર, અન્નપૂર્ણા? બહુ સરળ છે. અમે તમારા માટે મજૂર ગોઠવી દઈશું, તમારે ખાલી નાનું બેગ લઈને ચાલવાનું," એક એજન્સીના મેનેજરે પેકેજ સમજાવતા કહ્યું. "અમારો રસોઈયો તમને પહાડ પર ગરમ પીઝા પણ ખવડાવશે."
અમે ત્યાંથી બહાર નીકળી ગયા. મારે પીઝા નહોતા ખાવા, મારે પહાડની થપાટ ખાવી હતી. મને એવો માણસ જોઈતો હતો જે મને કહે કે હું નિષ્ફળ જઈશ, નહીં કે ખોટા વચનો આપે. બે દિવસ સુધી અમે ભટક્યા. નિરાશા ઘેરાવા લાગી હતી. શું આખું પોખરા માત્ર પૈસા કમાવવા બેઠું છે? ત્રીજા દિવસે સાંજે, અમે મુખ્ય બજારથી દૂર એક સાંકડી ગલીમાં હતા. ત્યાં કોઈ પ્રવાસી નહોતા. એક જૂની, લાકડાની ઇમારતની બહાર એક સાદું, કાળા પાટિયા પર ચોકથી લખેલું બોર્ડ હતું:The Sherpa Way Altitude Adaptation and Endurance Training (No Tourism. Only Climbing.)
"આ રહ્યું," વનિતાએ બોર્ડ તરફ આંગળી ચીંધી. "આ એ જ ભાષા છે જે ગુરુંગ બોલતો હતો."
અમે અંદર પ્રવેશ્યા. ઓફિસ નાની હતી અને ત્યાં એસી નહોતું, પણ પહાડી પવન બારીમાંથી આવતો હતો. અંદરની હવામાં જૂના દોરડા, મીણ અને પાઈન લાકડાની ગંધ ભળેલી હતી. દીવાલો પર કોઈ સુંદર દ્રશ્યોના ફોટા નહોતા, પણ જૂના, ઘસાઈ ગયેલા બૂટ, આઈસ-એક્સ (બરફ તોડવાની કુહાડી) અને રસ્સા લટકતા હતા. એક ટેબલ પાછળ એક વ્યક્તિ બેઠો હતો. તે કોઈ ફાઈલ જોઈ રહ્યો નહોતો, પણ એક લાઈલોન દોરડાની ગાંઠ ઉકેલી રહ્યો હતો.
"હા?" તેણે ઊંચે જોયા વગર પૂછ્યું. અવાજ શાંત હતો, પણ તેમાં પહાડ જેવી ગંભીરતા હતી.
"અમારે દોર્જે શેરપાને મળવું છે," મેં કહ્યું.
તેણે ધીમેથી માથું ઊંચું કર્યું. તેનો ચહેરો સૂર્યના તાપથી બળીને તાંબા જેવો થઈ ગયો હતો. આંખોની આસપાસની કરચલીઓ વર્ષોના બરફના તોફાનોની સાક્ષી પૂરતી હતી. તે ઊભો થયો. તેની ઊંચાઈ મધ્યમ હતી, પણ તેનો બાંધો કોઈ જૂના વડના ઝાડ જેવો મજબૂત હતો.
"હું દોર્જે છું," તેણે અમારી સામે જોયું. તેની નજર કોઈ ગ્રાહકને નહીં, પણ કોઈ સમસ્યાને જોતી હોય તેવી હતી. "તમે રસ્તો ભૂલી ગયા લાગો છો. ટૂરિસ્ટ એજન્સીઓ મેઈન રોડ પર છે."
"અમે ટૂરિસ્ટ નથી," મેં આગળ વધીને કહ્યું. મારો અવાજ થોડો ધ્રૂજ્યો, પણ મેં મક્કમ રહેવાનો પ્રયત્ન કર્યો. "મારે તૈયાર થવું છે. ૧૮,૦૦૦ ફૂટ માટે."
દોર્જેએ એક ક્ષણ માટે અમને ઉપરથી નીચે સુધી જોયા. જાણે તે મારા સ્નાયુઓની અંદરની તાકાત માપી રહ્યો હોય. તે ટેબલની બહાર આવ્યો.
"૧૮,૦૦૦ ફૂટ," તે ધીમેથી હસ્યો, પણ એ હાસ્યમાં કટાક્ષ હતો. "તમારા શ્વાસ અત્યારે પણ થોડા અનિયમિત છે, મિસ્ટર...?"
"હાર્દિક, પ્રોફેસર હાર્દિક."
"પ્રોફેસર," તેણે શબ્દ પકડ્યો. "પુસ્તકોમાં પહાડની ઊંચાઈ ફૂટમાં માપવામાં આવે છે. પણ હકીકતમાં, તે શ્વાસ અને લોહીથી માપવામાં આવે છે. તમે શિક્ષક લાગો છો, તમારા હાથ કોમળ છે. પહાડ કોમળ નથી હોતો."
"મને ખબર છે," મેં ગુરુંગના શબ્દો યાદ કર્યા. "એટલે જ હું અહીં આવ્યો છું. મને બે દિવસ પહેલાં એક શેરપાએ પાછો કાઢ્યો કારણ કે મારું શરીર લાયક નહોતું. મારે લાયક બનવું છે. મારી પાસે બે મહિના છે."
દોર્જેની આંખોમાં ચમક આવી. ’પાછો કાઢ્યો' શબ્દએ તેનું ધ્યાન ખેંચ્યું હતું.
"સાંભળો," દોર્જેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. "હું એ નથી પૂછતો કે તમારે ઉપર કેમ જવું છે. ભગવાનને શોધવા, સોનું શોધવા કે મરવા—એ તમારો પ્રશ્ન છે. પણ જો હું તમને ટ્રેનિંગ આપીશ, તો હું દયા નહીં રાખું. તમે મને પૈસા આપશો, પણ હું તમને મારું લોહી અને પરસેવો આપીશ. જો તમે વચ્ચેથી ભાગી ગયા, તો તમે મારું અપમાન કરશો."
"અમે નહીં ભાગીએ," વનિતાએ કહ્યું.
દોર્જેએ વનિતા તરફ જોયું, પછી મારી તરફ. "કાલે સવારે ૫ વાગ્યે. મારા કેમ્પ પર. જો ૫:૦૧ થશે, તો ગેટ બંધ મળશે." બીજે દિવસે સવારે ૪:૪૫ વાગ્યે અમે દોર્જેના જણાવેલા સ્થળે પહોંચી ગયા. તે પોખરાની બહાર, પહાડની તળેટીમાં એક જૂનું વેરહાઉસ જેવું મકાન હતું. ઠંડી હવા સુસવાટા મારતી હતી. મારા શરીરમાં એક ધ્રુજારી હતી—કદાચ ઠંડીથી, કદાચ ડરથી. વનિતાએ મારા ખભા પર હાથ મૂક્યો. તેનો સ્પર્શ શાંત અને સ્થિર હતો.
"પ્રોફેસર, તમે ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા, આજે અહીં વિદ્યાર્થી બનીને શીખવાનું છે. બસ એટલું યાદ રાખજો." તેના આ એક વાક્યએ મારા ડરને થોડો ઓછો કર્યો. બરાબર ૫ વાગ્યે લોખંડનો દરવાજો ખુલ્યો. દોર્જે તેની ટીમ સાથે તૈયાર હતો.
"આ પાયલ છે, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ," દોર્જેએ પરિચય આપ્યો. "અને આ નિકુંજ છે, જે તમને જીવતા રાખવાની જવાબદારી સંભાળશે.""શર્ટ ઉતારો, પ્રોફેસર," પાયલે આદેશ આપ્યો અને ટ્રેડમિલ તરફ ઈશારો કર્યો. "અને મેડમ, તમે બાજુના મશીન પર."
વનિતાએ એક ક્ષણ પણ બગાડ્યા વિના પોતાની જગ્યા લીધી. તેને કોઈ ખચકાટ નહોતો.મારા શરીર પર સેન્સર લગાવવામાં આવ્યા. મારે ઢાળ વાળા ટ્રેડમિલ પર દોડવાનું હતું. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ ૧૦ મિનિટ પછી ઢાળ વધ્યો અને સ્પીડ વધી. મારા ફેફસાં જાણે ભઠ્ઠીની જેમ સળગવા લાગ્યા. પગ ભારે શીશા જેવા થઈ ગયા."હાર્ટ રેટ ૧૬૦... ૧૭૦..." પાયલ મોનિટર પર આંકડા વાંચી રહી હતી.મારી નજર ધૂંધળી થવા લાગી. મને લાગ્યું કે હું પડી જઈશ. મારું મન રાડ પાડી રહ્યું હતું: 'બસ કર, હવે નથી થતું!' મેં ટ્રેડમિલના હાથા પકડવાનો પ્રયત્ન કર્યો.
"હાથ નહીં!" નિકુંજ ગર્જ્યો.
હું લગભગ હાર માની ચૂક્યો હતો, ત્યાં જ બાજુમાંથી એક અવાજ આવ્યો. શ્વાસ ચઢેલો હોવા છતાં એ અવાજ મક્કમ હતો."હાર્દિક!" વનિતાએ બાજુના ટ્રેડમિલ પર દોડતા દોડતા મને હાકલ કરી.
"તર્ક કહે છે કે શરીર થાકી ગયું છે, પણ જીદ કહે છે કે હજી બાકી છે. આપણે હારવા માટે અહીં નથી આવ્યા!" તેનો અવાજ કોઈ દવા જેવો હતો. જે ક્ષણે હું પડવાનો હતો, તેના શબ્દોએ મને એક સેકન્ડ માટે પકડી રાખ્યો. મેં તેની સામે જોયું. તે પણ પરસેવાથી રેબઝેબ હતી, પણ તેની નજર મારા પર સ્થિર હતી. જાણે તે પોતાની તાકાત મને ટ્રાન્સફર કરી રહી હોય. મેં ફરી જોર કર્યું. બીજી બે મિનિટ ખેંચી કાઢી. છેવટે, હું ટ્રેડમિલ પરથી લપસી ગયો અને જમીન પર પટકાયો.હું શ્વાસ લેવા માટે તરફડતો હતો. કોઈએ મને પાણી ન આપ્યું, પણ વનિતા તરત મારી પાસે આવી. તેણે મને ટેકો આપીને બેઠો કર્યો. તેણે મારી પીઠ પંપાળી—સહાનુભૂતિથી નહીં, પણ હિંમત આપવા.
"શ્વાસ લો, ઊંડા શ્વાસ," તેણે મારા કાનમાં કહ્યું. "હું અહીં જ છું."પાયલે ટેબલેટ દોર્જેને બતાવ્યું. દોર્જેએ એક નજર કરી અને મારી સામે જોયું.
"પ્રોફેસર," દોર્જેનો અવાજ કઠોર હતો. "પાયલનું વિજ્ઞાન કહે છે કે તમારું શરીર ૧૨,૦૦૦ ફૂટ પર દગો દેશે. ૧૮,૦૦૦ ફૂટ પર તમને 'પલ્મોનરી એડીમા' થશે. તમારા ફેફસાં લોહીથી ભરાઈ જશે."હું સ્તબ્ધ થઈ ગયો. મોતનો ડર મારા ચહેરા પર આવી ગયો.
"અને મેડમ," દોર્જે વનિતા તરફ ફર્યો. "તમારું સ્ટેમિના પ્રોફેસર કરતાં સારું છે, પણ પૂરતું નથી."
દોર્જે ફરી મારી તરફ ફર્યો. "પ્રોફેસર, તમે એક તૂટેલી ગાડી લઈને રેસ જીતવા માંગો છો. આ શરીર સાથે ઉપર જવું એ આત્મહત્યા છે."હું નિરાશામાં ડૂબી ગયો. શું બધું પૂરું? ત્યાં જ વનિતા ઊભી થઈ. તે દોર્જેની આંખોમાં આંખ નાખીને ઊભી રહી.
"દોર્જે સર," વનિતાનો અવાજ હવે વિનંતીનો નહોતો, પણ પડકારનો હતો. "અમને ખબર છે કે અમે તૂટેલા છીએ, એટલે જ તમારી પાસે આવ્યા છીએ. રિપોર્ટ અમને અમારી હાલત બતાવે છે, પણ અમારી દાનત નહીં. જો આ શરીર ૧૮,૦૦૦ ફૂટ લાયક ન હોય, તો તેને તોડીને નવું બનાવવાની જવાબદારી તમારી છે. અમે પીડા સહન કરવા તૈયાર છીએ." પછી તેણે મારી સામે જોયું અને મારો હાથ પકડીને મને ઊભો કર્યો. "હાર્દિક પાછા નહીં વળે. હું એમને પડવા નહીં દઉં."દોર્જેના ચહેરા પર એક આછું સ્મિત આવ્યું—બહુ જ આછું. તેને વનિતાની આ મક્કમતામાં એક યોદ્ધા દેખાયો. "નિકુંજ," દોર્જેએ કહ્યું. "કાલથી પ્રોફેસરને એવી તાલીમ આપો કે તેમને જીવતા રહેવા માટે ભીખ માંગવી પડે. અને મેડમ..." તે વનિતા તરફ ફર્યો. "તમારે સાબિત કરવું પડશે કે તમે માત્ર પત્ની નથી, પણ પાર્ટનર છો."
"મંજૂર છે," વનિતાએ અને મેં એકસાથે કહ્યું.દોર્જેએ માથું હલાવ્યું. "સ્વાગત છે દોઝખમાં."
***
દોઝખ હવે માત્ર શબ્દ નહોતો રહ્યો, તે અમારું રોજિંદું જીવન બની ગયું હતું. દોર્જેને અમારા પર જરાય દયા નહોતી. તે જાણતો હતો કે કૈલાસ દયા નથી કરતું. અમારું શેડ્યૂલ અત્યંત ઘાતકી હતું. બીજા અઠવાડિયાની સવાર. સૂરજ હજી વાદળો પાછળ હતો.
"વીસ કિલો," નિકુંજે અમારી સામે બે રેતી ભરેલી ગુણીઓ ફેંકી. "પીઠ પર લાદો અને ઉપર ટેકરી સુધી દોડો. ચાલવાનું નથી, દોડવાનું છે."
મેં મારી બેગ ઉપાડી. વજન ખભા પર આવતા જ મારા ઘૂંટણ વળી ગયા. પણ મારી નજર વનિતા પર હતી. તેનું વજન માંડ પંચાવન કિલો હતું અને તેને વીસ કિલો વજન ઉપાડવાનું હતું—તેના શરીરના વજનનો લગભગ અડધો ભાગ. તેણે બેગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ લથડી ગઈ.
"શું થયું મેડમ?" દોર્જેનો અવાજ ઠંડો હતો. "રસોડામાં શાકભાજીની થેલી ઉપાડવા જેવું નથી આ."
વનિતાના ચહેરા પર અપમાનની લાલશ આવી ગઈ. તેણે દાંત ભીંસીને ફરી જોર કર્યું અને બેગ ખભે ચડાવી. અમે દોડવાનું શરૂ કર્યું.ઢોળાવ સીધો હતો. મારા ફેફસાં ફાટતા હતા, પણ વનિતાની હાલત વધુ ખરાબ હતી. અડધે રસ્તે, એક પથ્થર સાથે ઠોકર વાગતા તે મોઢાભેર જમીન પર પટકાઈ. વીસ કિલોની બેગ તેની ઉપર પડી. તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.
હું દોડીને તેની પાસે ગયો. "વનિતા!"
"ઊભા રહો!" દોર્જે નીચેથી બરાડ્યો. "પ્રોફેસર, જો તમે તેને મદદ કરી, તો આજનું ટ્રેનિંગ સેશન રદ. બંને ઘરે જાવ."
હું થીજી ગયો. વનિતા ધૂળમાં પડી હતી. તે હાંફતી હતી, તેની કોણી છોલાઈ ગઈ હતી અને લોહી નીકળતું હતું. તેની આંખોમાં આંસુ હતા—પીડાના અને લાચારીના.
"ઊભી થા, વનિતા..." હું મનોમન બબડ્યો, મારી મુઠ્ઠીઓ ભીંસાયેલી હતી. મને દોર્જે પર અત્યંત ગુસ્સો આવતો હતો, પણ હું લાચાર હતો.
વનિતાએ ધ્રૂજતા હાથે જમીન પર પકડ જમાવી. તેણે બેગ હટાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનું શરીર સાથ નહોતું આપતું. "તારું શરીર હજી કાચું છે," દોર્જેએ તેની પાસે જઈને કહ્યું. "તને લાગે છે કે તું મનથી મજબૂત છે એટલે પહાડ રસ્તો આપશે? પહાડને તારા મનની પડી નથી, તેને માંસ અને હાડકાં જોઈએ છે. જો અત્યારે આટલા વજનમાં તું તૂટી ગઈ, તો ૧૮,૦૦૦ ફૂટ પર તું પ્રોફેસર માટે બોજ બનીશ. તું એમને મારી નાખીશ."
’બોજ' શબ્દ વનિતાને તીરની જેમ વાગ્યો. તેણે એક રાડ પાડી—ગુસ્સા અને હતાશા મિશ્રિત રાડ—અને પૂરી તાકાત લગાવીને તે ઊભી થઈ. તેના પગ ધ્રૂજતા હતા, લોહી નીતરતું હતું, પણ તે ઊભી થઈ.તેણે ડગલું માંડ્યું. પછી બીજું. તે ઉપર પહોંચી ત્યારે જ અટકી.
બપોરે લંચ બ્રેક વખતે પાયલ અમારી પાસે આવી. અમે બંને જમીન પર નિસ્તેજ થઈને પડ્યા હતા. ભૂખ લાગી હતી પણ ખાવાની તાકાત નહોતી.
"રિપોર્ટ સારા નથી," પાયલે વનિતાનો હાથ પકડીને કહ્યું. "તમારું હિમોગ્લોબિન ઓછું છે. તમારા સ્નાયુઓ તૂટી રહ્યા છે. પ્રોફેસર, તમારા ઘૂંટણના લિગામેન્ટ્સ પર સોજો છે. તમે બંને અત્યારે ’સર્વાઇવલ મોડ’ માં છો. તમારું શરીર રિકવર નથી થઈ રહ્યું."
"અમારે શું કરવું જોઈએ?" વનિતાએ પૂછ્યું. તેનો અવાજ ધીમો હતો.
"ખાઓ," પાયલે કહ્યું. "અને સહન કરો. આ તૂટવાની પ્રક્રિયા છે. જો તમે તૂટશો નહીં, તો નવા નહીં બનો."
રાત પડતાની સાથે જ અમારો બીજો મોરચો ખોલ્યો. શરીરની પીડા ભૂલવા માટે અમે મગજને કામે લગાડતા. ટેન્ટની અંદર, મેં વનિતાની કોણી પર દવા લગાવી. તે સિસકારો બોલાવી ગઈ.વનિતાએ ભયભીત નજરે ડાયરીના છેલ્લા પાના પર લખેલી નિકોલાઈની વાત વાંચી.
"મેં મારો હાથ જોયો... ચામડી કરચલીવાળી થઈ રહી હતી. હું ત્યાં એક કલાક રહ્યો, પણ મારું શરીર જાણે બે વર્ષ જીવી ગયું. જેણે મૃત્યુને જીતવું હોય, તેણે સમયની ગતિ સાથે દોડતા શીખવું પડશે."
"આપણે માત્ર ફેફસાં મજબૂત કરી રહ્યા છીએ, હાર્દિક," વનિતાએ ભય સાથે કહ્યું. "પણ આપણે આપણી 'બાયોલોજીકલ ક્લોક' ને કઈ રીતે કંટ્રોલ કરીશું? દોર્જે આ વિશે જાણતો નથી."
"હા," મેં ઊંડો શ્વાસ લીધો. "દોર્જે શરીરનો ઉસ્તાદ છે, પણ આ વિજ્ઞાન આપણા સિવાય કોઈ નથી જાણતું. આપણે જે ઉપવાસ કરવાના છીએ, તે માત્ર ભૂખ સહન કરવા માટે નથી. ઉપવાસ દરમિયાન ચયાપચય ધીમું પડે છે. જો આપણે ચયાપચય ધીમું કરી શકીએ, તો કદાચ... કદાચ આપણે સમયની એ ઝડપી ગતિ સામે ટકી શકીએ." અમે બંને એકબીજાનો હાથ પકડીને ચૂપચાપ બેસી રહ્યા. બહાર પવન સુસવાટા મારતો હતો. અમને સમજાયું કે અમારી લડાઈ હવે પહાડ સાથે નહીં, પણ બ્રહ્માંડના સૌથી મોટા નિયમ—સમય સાથે હતી.
અમારે અમારા હૃદયના ધબકારા એટલા ધીમા કરવાના હતા કે સમય પણ અમને સ્પર્શીને નીકળી જાય.
"કાલે..." વનિતાએ મક્કમતાથી કહ્યું. "કાલે આપણે દોર્જેને કહીશું કે અમારે સૌથી કઠોર ઉપવાસ કરવો છે. અમારે શરીરને લગભગ મૃતપાય અવસ્થામાં (Hibernation Mode) લઈ જવું છે."
બીજા દિવસની સવાર અમારા માટે સામાન્ય નહોતી. રાત્રે અમે જે 'ટાઈમ એન્ડ મેટાબોલિઝમ'ની થિયરી બનાવી હતી, આજે તેનો અમલ કરવાનો દિવસ હતો.
અમારો મંત્ર સ્પષ્ટ હતો: જ્યારે બહારનું દબાણ વધે, ત્યારે અંદરની ગતિ ધીમી કરો.
દોર્જે અમને ફરીથી એ જ 'લો-ઓક્સિજન ચેમ્બર' પાસે લઈ ગયો જ્યાં ગઈકાલે અમે બેભાન થઈ ગયા હતા.
"ગઈકાલે દસ મિનિટમાં ઢળી પડ્યા હતા," દોર્જેએ પડકાર ફેંક્યો. "આજે પંદર મિનિટ ટકી બતાવો."
અમે સાયકલ પર બેઠા. દરવાજો બંધ થયો. ઓક્સિજન ઘટવા લાગ્યો. ગઈકાલે અમે ગભરાઈને ઝડપથી શ્વાસ લેતા હતા, પણ આજે અમે એકબીજા સામે જોયું અને માથું હલાવ્યું. અમે આંખો બંધ કરી દીધી. પેડલ મારવાનું ચાલુ રાખ્યું, પણ શ્વાસની ગતિ ધીમી કરી નાખી.
મન શાંત... હૃદય શાંત... સમય ધીમો... મેં કલ્પના કરી કે હું કૈલાસના સમય-ચક્રમાં છું, જ્યાં મારે દોડવાનું નથી, પણ સમય સાથે વહેવાનું છે. વનિતાએ પણ પોતાની ઊર્જાને સંકુચિત કરી લીધી.
દસ મિનિટ ગઈ. અમને ચક્કર ન આવ્યા.
પંદર મિનિટ ગઈ. શ્વાસ હજી નિયંત્રણમાં હતો.
ત્રીસ મિનિટ...
બહાર ઊભેલા દોર્જે, પાયલ અને નિકુંજ અવાક થઈ ગયા. પાયલ સતત મોનિટર પર આંગળીઓ ફેરવતી હતી, જાણે મશીન બગડી ગયું હોય તેમ તપાસતી હતી. પિસ્તાળીસ મિનિટ પછી દોર્જેએ જાતે દરવાજો ખોલ્યો. અમે પરસેવાથી રેબઝેબ હતા, પણ બેભાન નહોતા. અમે સાથે બહાર નીકળ્યા.
બપોરે પાયલે અમને અને દોર્જેને તેના ટેન્ટમાં બોલાવ્યા. ટેબલ પર ગ્રાફ અને ચાર્ટ વિખરાયેલા હતા. "આ અશક્ય છે," પાયલ વારંવાર માથું હલાવતી હતી. "સર, જુઓ આ ડેટા." તેણે દોર્જેને સ્ક્રીન બતાવી.
"ગઈકાલે તેમનું શરીર ઓક્સિજન માટે તરફડતું હતું. આજે, ઓક્સિજન ઓછો હતો છતાં તેમના હૃદયના ધબકારા વધવાને બદલે ઘટ્યા! જ્યારે માણસ સ્ટ્રેસમાં હોય ત્યારે ચયાપચય વધે, પણ આ લોકોનું મેટાબોલિઝમ 'હાઈબરનેશન' (સુષુપ્ત અવસ્થા) જેવું થઈ ગયું હતું. જાણે કોઈ યોગી સમાધિમાં બેઠા હોય."
નિકુંજ, જે ભાગ્યે જ બોલતો, તે પણ ચોંકી ગયો. "એટલે કે એમનું શરીર સ્વીચ-ઓફ થઈ ગયું હતું?"
"ના," પાયલે અમારી તરફ શંકાસ્પદ નજરે જોયું. "તેઓ કામ કરતા હતા, પણ એનર્જી વેડફ્યા વગર. મેડિકલ સાયન્સ મુજબ આ અનુકૂળતા આવતા મહિનાઓ લાગે. આ લોકોએ રાતોરાત આ કઈ રીતે કર્યું?"
દોર્જેએ મારી આંખોમાં જોયું. તેની નજર આરપાર ઉતરી જાય તેવી હતી. "તમે કઈ રમત રમો છો, પ્રોફેસર? આ કોઈ દવાનો કમાલ છે કે બીજું કંઈ?"
"માત્ર મનનો કમાલ છે, દોર્જે," મેં શાંતિથી જવાબ આપ્યો. "અમે શીખી ગયા છીએ કે ડરને કારણે ઓક્સિજન વધારે વપરાય છે. અમે ડરવાનું બંધ કરી દીધું." દોર્જે માન્યો નહીં, પણ તેની પાસે કોઈ સાબિતી નહોતી.
એ દિવસ પછી, અમારી તાલીમનું સ્તર બદલાઈ ગયું. દોર્જેએ ટ્રેનિંગ વધારે કઠોર બનાવી દીધી. હવે તે અમને ત્રીસ કિલો વજન સાથે ખતરનાક ચઢાણ ચડાવતો.
પહેલા અમને વજન લાગતું હતું, પણ હવે અમે 'ટેકનિક' બદલી હતી. જ્યારે પણ વજન વધતું, અમે અમારા શ્વાસને લયબદ્ધ કરી દેતા.
મને અને વનિતાને હવે લાગતું હતું કે અમારું શરીર માત્ર હાડકાં અને માંસ નથી, પણ ઊર્જાનું એક વાદળ છે. પહાડ ચડતી વખતે અમને લાગતું કે અમે જમીન પર વજન નથી મૂકતા, પણ હવામાં તરી રહ્યા છીએ. મારું શરીર, જે પહેલા પથ્થર જેવું ભારે લાગતું હતું, હવે હળવા ફૂલ જેવું થઈ ગયું હતું. એક સાંજે, અમે એક સીધી દીવાલ પર ક્લાઇમ્બિંગ કરી રહ્યા હતા. વનિતા મારી આગળ હતી. તે કોઈ હરણની જેમ, અથવા પવનની લહેરખીની જેમ એક પથ્થર પરથી બીજા પથ્થર પર જતી હતી.
"તારું શરીર..." મેં નીચેથી કહ્યું. "તું હવે ચડતી નથી, તું વહે છે."
"તમે પણ," તેણે ઉપરથી હસીને કહ્યું. "આપણે ગુરુત્વાકર્ષણને છેતરી રહ્યા છીએ, હાર્દિક." પણ આ પરિવર્તન મફત નહોતું મળ્યું. આખો દિવસ કઠોર મહેનત કર્યા પછી રાત્રે શરીર તૂટી જતું. સ્નાયુઓમાં અસહ્ય વેદના થતી. એ વેદના સાથે અમે રિસર્ચ કરતા હતા જ્યારે અમને નવી દિશા દેખાય ત્યારે એ વેદનામાં એક મીઠાશ લગતી. રાત્રે અમે એકબીજાના પગ દબાવતા, ત્યારે તે માત્ર શારીરિક રાહત નહોતી, પણ આત્મીય ટેકો હતો. અમારો પ્રેમ આ લોખંડી તાલીમની ભઠ્ઠીમાં તપીને કુંદન બની રહ્યો હતો.અમને ખબર નહોતી કે અમારું આ પરિવર્તન દોર્જે માટે ચિંતાનો વિષય બન્યું હતું. રાત્રે એક વાગ્યે, અમે હંમેશાની જેમ ધીમા અજવાળે રિસર્ચ પેપર વાંચતા હતા અને આવતીકાલની 'બાયો-હેકિંગ' સ્ટ્રેટેજી બનાવતા હતા.
"કાલે આપણે પલ્સ રેટ ૪૫ સુધી લઈ જવો છે," વનિતા ધીમેથી કહેતી હતી.
ટેન્ટની બહાર અંધકારમાં, કોઈક હતું. દોર્જે અને નિકુંજ દૂર ઝાડ પાછળ ઊભા હતા. તેઓ અમારા ટેન્ટ પર પડતી પડછાયાઓ જોઈ રહ્યા હતા.
"તેઓ સૂતા નથી," નિકુંજે ધીમેથી કહ્યું. "રોજ રાત્રે તેઓ જાગે છે. કંઈક વાંચે છે, કંઈક મંત્રણા કરે છે."
....."તેમના રિપોર્ટ સામાન્ય માણસના નથી," દોર્જેએ ગંભીરતાથી કહ્યું. "તેમની પાસે કોઈક એવું જ્ઞાન છે જે આપણા પર્વતારોહણના અનુભવથી પર છે. તેઓ જે કરી રહ્યા છે તે અકુદરતી છે, પણ પરિણામો ચોંકાવનારા છે."
"શું આપણે પૂછપરછ કરીએ?"
"ના," દોર્જેએ હાથ ઊંચો કર્યો. "હજી નહીં. મારે જોવું છે કે આ 'હળવું ફૂલ' જેવું શરીર ભૂખ સામે કેવી રીતે ટકે છે. તેમનું રહસ્ય ગમે તે હોય, પહાડ પરની ભૂખ અને તરસ તેને બહાર કાઢી જ લાવશે."
બીજે દિવસે સવારે, દોર્જેએ એલાન કર્યું.
"તમારું શરીર બહુ ઝડપથી તૈયાર થઈ રહ્યું છે," દોર્જેએ બધાની વચ્ચે કહ્યું. "તો હવે છેલ્લી કસોટીનો સમય આવી ગયો છે. આજથી ભોજન બંધ. આવતા ૩૬ કલાક માટે માત્ર પાણી. અને હા, ટ્રેનિંગ ચાલુ રહેશે." મેં અને વનિતાએ એકબીજા સામે જોયું. અમારી થિયરીની ખરી કસોટી હવે હતી.
***