"એ જવાબ આપ." રિતેશ નવનીત ને આગળ ધરે છે.
"સર યે પ્યાર કા મામલા હૈ. " નવનીત કહે છે.
રિતેશ હાથ થી ચુપ રહેવાનો ઈશારો કરે છે પણ નવનીત હવે થોડો ચુપ રહે.
" એટલે?" પોલીસ કર્મચારી પુછે છે.
"સર મારો મિત્ર રિતેશ આ હિરોઈન મારિયા ને પ્રેમ કરે છે. પણ મારિયાને એની લાગણીઓ દેખાતી જ નથી. " નવનીત કહે છે.
"શું? તું મને પ્રેમ કરે છે." મારિયા જોરથી કહે છે.
" એ તો..એ તો.." રિતેશ દબાતા અવાજે કહે છે.
"શું યાર તું ય બોલી દે..આ જ મોકો છે." નવનીત કહે છે.
" એટલે અમે બન્ને સાથે ભણી શકીએ એટલે જ આ નકલી પેપર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો." રિતેશ આગળ ધપાવે છે.
" કોઈ બીજા ને તો નથી આપ્યું ને?" પોલીસ પુછે છે.
" ના સર." નવનીત જણાવે છે.
" સર બીજું કોઈ પણ સમજી જશે કે આ પેપર નકલી છે. પુછો કેમ?" ઐયર અચાનક જ વચ્ચે કુદે છે.
" કેમ?" પોલીસ પુછે છે.
"અડધા સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો તો બે વર્ષ જૂના છે. " ઐયર હસવા લાગ્યો.
" ઠીક છે. " મારિયા રડવા જેવી બની ગઈ.
" જો યાર રિતેશ તારી લીધે મારે પોતાની ધરપકડ નથી કરાવવી." નવનીત કહે છે.
" ઓ કે. તમે બધા નિર્દોષ છો. પણ આગળ થી આવી ભુલ ન કરતા. બાકી આઈ.એ.એસ ની જગ્યાએ તમે જેલમાં જોવા મળશો. " પોલીસ ઇન્સ્પેકટર કહે છે અને મારિયા તેમજ તેના ભાઈ સાથે નીકળી જાય છે.
પણ હવે આહુજા અંકલ ને કોણ સમજાવે? એ તો પોલીસ ના ગયા પછી સીધા જ રિતેશ પર વિફરી પડ્યા.નવનીત અને ઐયર વચ્ચે પડી આહુજા અંકલ ને સમજાવે છે તો ત્યારે માંડ તેઓ શાંત થયા.રાત ના બે વાગી ગયા હતા. હવે તો ઊંઘ કોઈને છોડે નહીં એમ હતી.
આહુજા અંકલ હવે પોતાના ઘરે જવા નીકળ્યા તો નવનીત અને દેવદાસ બની ચુક્યો રિતેશ બહાર સોફા પર જ ઢળી પડ્યા. પણ ઐયર તો અલગ જ માટીનો બનેલો હતો.એ ભારત ની ઉદારીકરણ નીતિ વિષે વાંચન કરવા લાગ્યો.
બીજા દિવસે બપોરે લગભગ બે વાગ્યા સુધી નવનીત અને રિતેશ તો સુતા જ રહે છે. પણ ઐયર પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર બની સારી રીતે તૈયારી કરી લે છે.
"એ ઐયર કેટલા વાગ્યા?" રિતેશ પુછે છે.
" બપોરના બે વાગ્યા છે. તમને કેટલી વખત ઉઠાડ્યા પણ શું કરવાનું?" ઐયર કહે છે.
"ચુપ રહો. હવે હું ઈજનેરી કોલેજમાં જેમ ભણતા હોઈએ એમ તૈયારી કરીશ. મને કોઈ જ બોલાવતા નહીં." નવનીત ગુસ્સે થઈ જાય છે.
" હા ભાઈ તું તો અમારી કરતા આગળ જ આવીશ." ઐયર મજા લે છે.
આ તરફ રિતેશ મારિયા ને ફોન કરવા માટે પ્રયત્ન કરે છે તો એનો ફોન લાગ્યો જ નહીં.રિતેશ નું મન ક્યાંય નથી લાગતું. એ ગમે તેમ મારિયા થી માફી માંગવા માટે પ્રયત્ન કરે છે પણ તેના મેસેજ નો પણ કોઈ જવાબ નથી આવતો.રિતેશ નવનીત ને થોડીવાર પછી જ બોલાવવા માટે જાય છે પણ નવનીત હવે ભણવામાં મશગુલ હતો.
ગમે તેમ રિતેશ સાંજ પાડે છે પણ હવે તેનાથી રહેવાયું નહીં અને એ નવનીત ના રૂમના દરવાજા આગળ જ રડવા લાગ્યો. નવનીત અચાનક જ તેનો રડવાનો અવાજ સાંભળીને બહાર આવે છે.ઐયર પણ પહોંચી જાય છે.
"એ દેવદાસ શું થયું?" નવનીત પુછે છે.
"મારિયા મારો ફોન કે મેસેજ કોઈ નો જવાબ નથી આપતી. " રિતેશ કહે છે.
" એ સાચી છે." ઐયર કહે છે.
"હવે એ જવાબ આપશે પણ નહીં." ઐયર આગળ કહે છે.
"એ યાર.. આમ ન બોલ." નવનીત સમજાવે છે.
"મેં તો કીધું જ હતું ને કે તમે ખોટું કરી રહ્યા છો. એ તો સારું છે કે મારિયા ને ખબર પડી ગઈ. એ રિતેશ ને પ્રેમ કરે છે એટલે નહીં પણ એ પોતાના લક્ષ્ય તરફ ગંભીર છે એટલે એ આવી. " ઐયર કહે છે.
"ઠીક છે. તને શું ખબર લાગણીઓ વિષે?" રિતેશ ગુસ્સે થઈ જાય છે.
એ જ વખતે બધાના આશ્ચર્ય વચ્ચે જ ઐયર ના ફોન પર મારિયા ફોન કરે છે. રિતેશ અને નવનીત તો ગુસ્સે થઈ ગયા. પણ ઐયર ચુપચાપ પોતાના રૂમમાં જઈને વાત કરે છે.
એ રાત થી રિતેશ અને ઐયર વચ્ચે પણ સંબંધોમાં તિરાડ પડી જાય છે. નવનીત પોતાની રીતે આખી રાત જાગરણ કરી દરિયા જેવડા મોટા અભ્યાસક્રમ ને પુરો કરવા માટે પ્રયત્ન કરે છે. પણ એમ આ કોઈ ઈજનેરી કોલેજ ની પરીક્ષા થોડી હતી!! રિતેશ તો મારિયા ના જ વિચારો માં ખોવાઈ જાય છે.એ કંઈ પણ તૈયારી નથી કરતો.
નવનીત ઘડીક એક વિષય પકડી લે તો એમાં સમજણ પડતા મોડું થઈ જાય તો પછી ઉપરછલ્લી રીતે નજર મારી પછી બીજો વિષય પકડી લે. આમ ને આમ સવાર પડી જાય છે.નવનીત જરા પણ આરામ નથી કરી શકતો.
હવે પરિક્ષા નો સમય હતો.રિતેશ અને નવનીત હવે પોતાની રીતે પરિક્ષા આપવા માટે જાય છે જ્યારે ઐયર જુદો જાય છે. પરિક્ષા શરૂ થઈ જાય છે.
નવનીત કદાચ પહેલીવાર જ આઈ.એ.એસ ની પ્રિલિમનરી પરિક્ષા આપી રહ્યો હતો. તેણે ઈજનેરી જેમ જ પોતાને આવડતા પ્રશ્નો પહેલા પુરા કરવાનું નક્કી કર્યું અને તેને માંડ ચાલીસ ટકા જ આવડે છે.નવનીત ને બીજા પ્રશ્નો જોઈ પરસેવો વળી જાય છે.
આ પેપરમાં નેગેટિવ માર્ક પણ હોવાથી જે પ્રશ્નો ના જવાબ ન આવડતા હોય એમાં જરા પણ રિસ્ક ન લેવાય.બાકી નપાસ થવાય.
રિતેશ માટે તો આ પરિક્ષા નો કોઈ મતલબ જ ન હતો. એ તો પરિક્ષા હોલમાં પણ મારિયાને જ જોઈ રહ્યો. કદાચ મારિયા તેને માફ કરી દે. પણ મારિયાને તો રિતેશ દેખાતો જ નથી. બન્ને પેપર વચ્ચે ના બ્રેક દરમિયાન પણ મારિયા ઐયર સાથે વાતચીત કરી રહી હતી.
ઐયર માટે તો આ પરિક્ષા ખુબ જ સારી રહી. એણે અભ્યાસક્રમ ના બધા જ પાસા લગભગ સમય આપી વાંચી લીધા હોવાથી એ ખુબ જ ખુશ હતો.મારિયા નું પણ આ પેપર નાની મોટી ભૂલ છોડી સારું જ ગયું હતું.
એ દિવસે રાત્રે રૂમ પર નવનીત અને રિતેશ તો વહેલા પહોંચી જાય છે પણ ઐયર મોડો આવે છે. નવનીત પોતાની જાતથી ખુબ જ દુઃખી હતો. એ પરિક્ષા ની સરખી તૈયારી ન કરી શક્યો.
દારૂ ના પેગ પીવાથી એ પોતાની મનની બધી સાચી વાત કહી રહ્યો હતો. રિતેશ તો ઐયર પર ખુબ ગુસ્સે હતો.
"એ યાર આ પ્રિલિમનરી પરિક્ષા તો બહુ અઘરી હતી. હું તો માંડ પાસ થઈ શકીશ. હવે આવતા વર્ષે મહેનત કરીને ટોપમાં આવીશ. મારા પપ્પાને મેં વચન આપ્યું છે."
"એ..એ..ઐયર..ધોખેબાજ.." રિતેશ ગુસ્સે થઈ જાય છે.
"તારી તો પરિક્ષા સારી જ ગઈ ને.." રિતેશ ઐયર નો કોલર પકડી લે છે.
"હા મેં મહેનત કરી એટલે." ઐયર કોલર છોડાવી કહે છે.
"મારિયા થી વાતચીત કરવાનું બંધ કરી દે." નવનીત અને રિતેશ કહે છે.
મૌલિક વસાવડા