"અરે તું તો મોટો ખેલાડી નીકળ્યો." નવનીત રિતેશ ની પીઠ થાબડે છે.
"મારિયા નાનપણથી મારી દોસ્ત છે. હું એને પ્રપોઝ કરવા માંગતો હતો પણ એની પર આઈ.એ.એસ બનવાની ધુન સવાર હતી. એટલે એ કોચિંગ ક્લાસમાં અંહી દિલ્હીમાં આવી તો એની પાછળ પાછળ હું પણ દિલ્હી આવી ગયો. આખીર દિલ દા મામલા હૈ.." રિતેશ સમજાવે છે.
"પણ એ તને પ્રેમ કરે છે?" ઐયર પુછે છે.
"ભલે ન કરતી. એ ક્યારેક તો કરશે જ. હું પણ જો આઈ.એ.એસ બની ગયો.." રિતેશ હસી પડ્યો.
"લે યાર એક એક પેગ માર.." નવનીત પોતાના રૂમમાં થી બે ગ્લાસ લેતો આવે છે.
"એ યાર તું ગુજરાતી થઈને દારૂ પીવે છે? ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે ને?" ઐયર પુછે છે.
"હા પણ હું તો કોલેજમાં પણ ગમે ત્યાં થી મેળવી દારૂ પીતો હતો. વળી આગળ શું કહેવું? દરેક ગમ નો સાથી રમ.
જ્યાં જેટલી સ્વતંત્રતા ન હોય ત્યાં જ લોકો વધુ પીવે છે." નવનીત કહે છે.
આમ ને આમ ત્રણેય મિત્રો ભેગા મળીને દારૂની મહેફિલ જમાવી પોતાના સુખ દુઃખની વાતો કરે છે. ઐયર પોતાના લક્ષ્ય વિષે સાવ સ્પષ્ટ હતો. જયારે રિતેશ તો મારિયા ની સાથે જ બેસતો અને ભણતો. પણ મારિયાને તો રિતેશ સાથે ફક્ત મિત્રતા જ હતી. આઈ.એ.એસ જ તેનો પ્રેમ હતો.મહેચ્છા દિનકર દાસગુપ્તા ની નીવડેલી નજર હેઠળ રોજ પોતાની જાતને આઈ.એ.એસ પરિક્ષા માટે અપગ્રેડ કરી રહી હતી.
બે મહિના પછી
પ્રિલિમનરી પરિક્ષા હવે બે જ દિવસ પછી હતી. ઐયર તો પોતાની જાતને હવે કોચિંગ ક્લાસ થી દૂર પોતાના રૂમમાં જ સેલ્ફ સ્ટડી ના ભરોસે મૂકી તૈયારી કરી રહ્યો હતો.
આ તરફ મારિયા પણ ત્રણ દિવસથી રિતેશ ને મળી ન હતી. રિતેશ ખુબ દુઃખી હતો. એ મારિયા ને મળવા માટે જવાનું વિચાર કરતો પણ મારિયા પરિક્ષા ની વાતો કરી ના પાડી દેતી.
આ બન્ને કરતાં નવનીત તો અલગ જ ધુનમાં હતો. તેણે પોતે ઈજનેરી કોલેજમાં થાય છે એમ છેલ્લા બે દિવસની મહેનતથી જ આ પરિક્ષામાં સારા ગુણ લાવવા માટે નકકી કર્યું હતું. એમ પણ કોચિંગ ક્લાસ ના મેન્ટર તેને સાતમા આસમાને પહોંચાડી ચુક્યા હતા.
"એ નવનીત શું કરે છે?" રિતેશ પુછે છે.
" કંઈ નહીં મિત્ર. આ ગયા બે વર્ષના પેપર ની તૈયારી કરી આવું. પછી રાત્રે આપણે બાર ઉપર." નવનીત કહે છે.
" પણ તું ઉદાસ કેમ છે? વાંચવું નથી." નવનીત પુછે છે.
" અરે યાર આ મારિયા તો મારો ફોન પણ નથી ઉપાડતી. કોચિંગ ક્લાસ પણ બંધ છે. એ પોતાના ભાઈને ઘરે છે. મારે કેમ એને મળવું?" રિતેશ કહે છે.
"એક આઈડિયા છે. પણ એ સફળ થાય કે નહીં એ નક્કી નહિ.." નવનીત કહે છે.
"શું?" રિતેશ પુછે છે.
"આપણે નકલી પેપર લીક કરીએ. પછી તું એ જ બહાને એને મળી લેજે." નવનીત કહે છે.
"પણ તને લાગે છે કે એ આવશે.." રિતેશ પુછે છે.
" સો વાર આવશે. જો.." નવનીત કહે છે.
થોડીવાર પછી જ નવનીત અને રિતેશ મળીને બે પેપર સેટ તૈયાર કરી દે છે. પછી નવનીત પોતાની તૈયારી કરવામાં લાગી જાય છે. રિતેશ તો તરત જ પછી મારિયા ને ફોન કરી મળવા માટે બોલાવે છે.
મારિયા પણ રિતેશ ની વાતોમાં ભોળવાઈ જાય છે. એ પણ રિતેશને મળવા માટે આવે છે. પછી મારિયા અને રિતેશ સાથે મળીને આવેલા પેપર સેટ પ્રમાણે રાત સુધી તૈયારી કરે છે.
આ તરફ ઐયર તો હવે પુસ્તકાલય તરફ જઈ રહ્યો હતો કે રિતેશ ના રૂમમાં થી રાત્રે છોકરી નો અવાજ સાંભળી રોકાઈ જાય છે.
" અરે રિતેશ તું અને મારિયા.. પરિક્ષા ની તૈયારી જ કરો છો ને?" વ્યંગાત્મક રીતે કહી તે હસે છે.
"હા કેમ ?" મારિયા ગુસ્સે થઈ.
"એ તો એમ જ. " રિતેશ કહે છે.
" ભારતીય ઉદારીકરણ નીતિ વિષે તૈયારી કરી?" ઐયર પુછે છે.
" એનો એક પણ હેતુલક્ષી પ્રશ્ન નથી." મારિયા ભોળા ભાવે જવાબ આપે છે.
"શેમાં?" ઐયર પુછે છે.
"અરે તને ખબર નથી આ પ્રિલીમનરી પરિક્ષા નો સેટ મળી ગયો છે." મારિયા કહે છે.
"હે?" ઐયર હસી પડ્યો.
"તને મોડું થાય છે ને.." રિતેશ કહે છે.
"ઐયર ચલ ચલ.." અચાનક જ અવાજ સાંભળી નવનીત આવીને પરિસ્થિતિ સંભાળી લે છે.
પછી નવનીત અને ઐયર વાતચીત કરતા કરતા પુસ્તકાલય તરફ આગળ વધી જાય છે.નવનીત તો ખુબ ગુસ્સે હતો.
" અરે યાર આ અભ્યાસક્રમ તો દરિયા જેવો છે. પુરો જ નથી થતો. હું બપોર નો બેઠો છું. પણ કંઈક નવું આવી જ જાય છે."
"મિત્ર આ યુ.પી.એસ.સી ની પરીક્ષા છે. આ પરિક્ષા માં ગમે તે વિષય આવી શકે.જો ને હું ભારત ની ઉદારીકરણ નીતિ વિષે વાંચન કરવા રાત્રે અંહી આવ્યો છું." ઐયર સમજાવે છે.
" પણ હું તો ઈજનેર છું. એટલે ચિંતા નહી. " નવનીત સમજાવે છે.
"પણ આ પેપર નું શું છે?" ઐયર પુછે છે.
" એ તો આપણા મજનુ ને લૈલા વગર મજા આવતી ન હતી એટલે જ અમે નકલી પેપર સેટ બનાવી તેને બોલાવી." નવનીત જોરથી હસવા લાગ્યો.
"આ તો ખોટું છે." ઐયર ગુસ્સે થઈ જાય છે.
" તમે આ પરિક્ષા ને શું સમજી બેઠા છો?" ઐયર આગળ વધે છે.
"ગમે એટલી મોટી પરિક્ષા હોય પણ કોઈ ના પ્રેમ થી ઉપર ન હોય." નવનીત પણ ગુસ્સે થયો.
" એ બન્ને ને જે કરવું હોય.." ઐયર પોતાના વિષય વિષે વાંચન કરતા કહે છે.
"અરે તમે આર્ટસ વાળા હદ છો.." નવનીત બહાર નીકળી જાય છે.
રાત્રે નવ વાગ્યા સુધી મારિયા રિતેશ સાથે ભેગા મળીને અભ્યાસ કરે છે. પછી બીજા દિવસે રિતેશ તેના ભાઈ ને ઘરમાં જઈને અભ્યાસ કરવાનો હતો. ઐયર અને નવનીત આવ્યા તો રિતેશ એકલો જ હતો.
"શું મજનુ? લૈલા ગઈ.." ઐયર પુછે છે.
"અરે યાર આજે જે મજા આવી છે શું કહેવું?" રિતેશ કહે છે.
"એ ચોપડી જોઈ ભણતી હતી અને હું એને જોઈ.." રિતેશ કહે છે.
"પણ તું ખોટું કરી રહ્યો છે." ઐયર કહે છે.
" એવરીથીગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર." નવનીત કહે છે.
"તારી લૈલા ક્યાં છે?" ઐયર પુછે છે.
"એક વખત હું આ પરિક્ષા પાસ કરી લઉ પછી જ પ્રેમ કરીશ." નવનીત કહે છે.
" જેમ કે પ્રેમ તારી રાહ જોશે. "રિતેશ કહે છે.
"અરે યાર ચલો બે બે પેગ મારીએ." નવનીત કહે છે.
" ના. મારે પરિક્ષા આપી મેઈન પરિક્ષા પણ આપવી છે." ઐયર સુવા માટે જાય છે.
નવનીત અને રિતેશ બન્ને દારૂ નો એક પેગ બનાવી બેઠા જ હતા કે અચાનક જ દરવાજો ખખડયો અને આહુજા અંકલ ની સાથે પોલીસ ને જોઈ બન્ને હતપ્રભ રહી જાય છે.
" જે પેપર લીક થયું એ કોણે આપ્યું?" પોલીસ કર્મચારી રિતેશ ને જોઈ પુછે છે.
"રિતેશ સોરી પણ મોટાભાઈ ને બધું સાચું કહેવું પડ્યું ." પોલીસ પાછળ થી મારિયા કહે છે.
મૌલિક વસાવડા