Sarkari Prem - 12 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 12

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 12





"જી શું કામ છે?" ચશ્મા પહેરીને એક વૃધ્ધ વ્યક્તિ મધુકર ને પ્રશ્ન કરે છે.

"આપ આઈ.એ.એસ માટે તૈયારી કરાવો છો." મધુકર પુછે છે.

"દીકરા તમારી ઉમંર નીકળી ગઈ છે." વૃધ્ધ વ્યક્તિ કહે  છે.

"અરે ના ના મારી માટે નહીં. પણ મારી દીકરી મહેચ્છા માટે." મધુકર મહેચ્છા ને આગળ ધરે છે.

"ઓહ..આ યુવતી માટે.." એ વૃદ્ધ વ્યક્તિ પુછે છે.
" આ તો ખુબ નાની છે. કોલેજ પુરી થઈ?" એ વ્યક્તિ આગળ પુછે છે.

"ના. એ તો હજી કોલેજ ના પ્રથમ વર્ષમાં છે." મધુકર કહે છે.

" તમને ખબર નથી કે યુ.પી.એસ.સી ની પરિક્ષામાં ડિગ્રી હોવી જરૂરી છે." એ વૃદ્ધ વ્યક્તિ કહે છે.

"હું હમણાં થી જ તેને‌ તૈયારી કરાવવા માંગું છું. કારણ કે ચાર જ પ્રયત્ન હોય છે. હું એને પ્રથમ પ્રયત્ન થી જ આઈ.એ.એસ બનાવવા માંગું છું." મધુકર મોહન સમજાવે છે.

"મિત્ર તમારી વાત સાવ સાચી છે પણ ખોટી જગ્યાએ આવી ગયા છે. આ કોચિંગ ક્લાસ નો‌ હું જ માલિક છું. પણ હું પોતે આઈ.એ.એસ ચારેય પ્રયત્ન માં પાસ નથી થઈ શકયો. " એ વૃદ્ધ વ્યક્તિ કહે છે.

"તો હું સાચી જગ્યાએ જ પહોંચી ગયો છું." મધુકર મોહન કહે છે.

" દિનકર દાસગુપ્તા સર..." મધુકર તેમને ઓળખી જાય છે.

" મને કેવી રીતે ઓળખો?" એ વૃદ્ધ વ્યક્તિ હતપ્રભ બની જાય છે.

"અરે મોટાભાઈ આજથી વીસ વર્ષ પહેલાં પણ‌‌ તમે જ દ્રોણાચાર્ય હતા અને હજી પણ‌ તમે જ છો. હું મારા મિત્રો પાસેથી તમારા વખાણ સાંભળતો. પણ મારી નોકરી ચાલુ હોવાથી હું જાતે જ તૈયારી કરતો." મધુકર જણાવે છે.

"પણ હવે તો ઘણી ટેકનોલોજી છે. હવે મને શું કામ જવાબદારી આપો છો?" દિનકર દાસગુપ્તા પુછે છે.

"જે વ્યક્તિ પોતે નપાસ જ થયો હોય એ જ સૌથી સારો ગુરુ બની શકે. એને ખબર હોય કે ક્યાં ક્યાં ભુલ થઈ શકે અને તમારો પચીસ વર્ષ નો અનુભવ જ જોઈએ ને આ પરિક્ષા પાસ કરવા માટે.." મધુકર બોલે છે.

"હા સર. હું ગમે તે ભોગે આઈ.એ.એસ બનવા માંગુ છું.* મહેચ્છા કહે છે.

"પણ શું ચાલું કોલેજ સાથે અંહી પણ આવી શકશે?" દિનકર દાસગુપ્તા પુછે છે.

"હા હા એની કોલેજ થી સાવ નજીક જ છે. રોજ બે કલાક તો આવશે જ." મધુકર મોહન કહે છે.

"તમે ચિંતા ન કરો. હું ભણવા સાથે આ પ્રકારની કોચિંગ માટે બે કલાક કે તેથી વધુ સમય આપવા તૈયાર છું." મહેચ્છા કહે છે.

"પણ દીકરી તને સમજાવી આપું. જો આઈ.એ.એસ બનવા માટે મનોબળ મજબૂત હોવું જોઈએ. નાની નાની મુશ્કેલીથી ગભરાઈ જવાથી આઈ.એ.એસ ન બની શકાય.

દરેક વર્ષે પ્રિલિમનરી પરિક્ષામાં પાંચ થી છ લાખ લોકો ભાગ લે છે. એમાંથી એક લાખ જ મેઈન પરિક્ષા સુધી પહોંચી શકે છે. એમાં થી પણ  પાંચ હજાર જેટલા જ ઈન્ટરવ્યુ આપી શકે છે. એ ઈન્ટરવ્યુ થી પણ ફક્ત ત્રીસ જ આઈ.એ.એસ બની શકે છે.

એટલે જો હવે તું જ નક્કી કર.." દિનકર દાસગુપ્તા સત્ય સમજાવે છે.

"હા હા હું તૈયાર છું." મહેચ્છા કહે છે.

મધુકર હાથ જોડીને પછી તરત નીકળી જાય છે. આખા રસ્તે મહેચ્છા રાજીવ નગર ને જોઈ જ રહી. રાજીવ નગર ખરેખર આઈ.એ.એસ તેમજ અલગ અલગ યુ.પી.એસ.સી પરિક્ષા પાસ કરવા વાળાઓ માટે ની એક પ્રયોગશાળા કે સપનાની દુનિયા હતી.

ચારેય તરફ ચા ની ટપરી કે પુસ્તક ની દુકાનો‌ અને નાની નાની હોસ્ટેલ તેમજ સોસાયટી જ્યાં બધા તૈયારી કરતા વિધાર્થીઓ રહે છે.

મધુકર પણ મહેચ્છા ની આંખો માં એક અલગ પ્રકારની જ ચમક જોઈ રહ્યો હતો. પણ જો નપાસ થયા તો પણ ફરીથી એ જ ઉત્સાહ થી બમણો જોર લગાવી આગળ વધી શકે કે કેમ‌ એ જોવું રહ્યું?

આ તરફ દિલ્હી રેલવે સ્ટેશન પર ગુજરાત થી આવતી આશ્રમ એક્સપ્રેસ ઊભી રહી.ટી શર્ટ અને જીન્સ પહેરીને લાલ રંગના બુટ પહેરીને એક વીસ વર્ષ નો યુવાન પ્લેટફોર્મ પર કુદકો મારે છે.

"દિલ્હી પહોંચી ગયા." છ ફુટ લાંબી કદાવર કાયા અને લાંબા વાળ ધરાવતો‌ એક યુવાન નીચે ઉતરે છે અને પોતાની સાથે અપેક્ષાઓ ની પોટલી લઈને જાણે દિલ્હી કોઈ લક્ષ્ય સાથે આવ્યો હતો એમ ઉપર આકાશ તરફ જોઈ પોતાની આંખો બંધ કરે છે.

હજી તો સ્ટેશન થી બહાર જ નીકળી રહ્યો હતો તો‌ એ જોવે છે કે ટોળું ‌ભેગુ થયું હતું. એક દસ થી બાર વર્ષનો નાનો છોકરો બે ત્રણ જગ્યાએ થી ઘવાયેલો‌ હતો પણ‌ કોઈ તેને અડીને પણ ઊભો નથી કરતા.

"અરે શું કરો‌‌ છો?" યુવાન કહે છે.

" એ..એ નીચી જાતિનો‌‌ છે.તેને અડતા નહીં." ટોળાએ કહ્યું.
"જાવ..જાવ..આઘા ખસો. " યુવાન ટોળા વચ્ચે થી આગળ વધી એ નાના છોકરા ને પહેલા તો હાથ આપી ઊભો‌ કરે છે. પોતાના બેગ ની અંદરથી જ પાણીની ‌બોટલ કાઢીને તેને પીવડાવે છે.

આખુંય ટોળું એ યુવાન ની તરફ નફરત ભરી નજરે જોવે છે.પણ યુવાન તો પોતાની મસ્તીમાં જ એ છોકરાને પાણી પીવડાવી પછી તેના માથે હાથ ફેરવે છે અને ધીમે ધીમે ટેકો આપી રેલ્વે સ્ટેશન ની અંદર એક નાનકડી હોસ્પિટલ તરફ લઈ જાય છે.

"આ એ નીચી જાતિનો જ હશે. જોવો ને કેવો સાથ આપે છે." ટોળામાં વિખરાયેલા લોકો કહી રહ્યા હતા.

"અરે રે.. શું થયું આને?"રેલ્વે ડોક્ટર પુછે છે.

"સર હું સ્ટેશન થી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ આ છોકરા પાસે ટોળું ઊભું થયેલું જોયું તો મને પણ ખુબ આશ્ચર્ય થયું. હું નજીક ગયો તો બે ત્રણ જગ્યાએ ઈજાગ્રસ્ત હતો. એટલે પાણી પીવડાવી પછી હું લેતો આવ્યો." એ યુવાન કહે છે.

" દીકરા તે ખુબ જ સારું કર્યું. હમણાં જ તેને પાટા પિંડી કરી આપું છું." ડોક્ટર કહે છે.

"આ બહાર જોવો ને આપણા સમાજ નો સાચો ચહેરો.." એ યુવાન બહાર ઊભી થઈ રહી ભીડ તરફ જોઈ ઈશારો કરે છે.

"એક વાત પુછી શકું?" ડોક્ટર એ યુવાનને જોઈ પુછે છે.

"હા સર." યુવાન હા કહે છે.

" તમે ખુબ જ નાની ઉંમરે આટલી બધી પાકટતા ધરાવો છો. ક્યાં થી આવ્યા અંહી?" ડોક્ટર પુછે છે.

"સર એ તો લાંબી વાત છે. મારું નામ નવનીત છે. હું ગુજરાતી છું. અંહી આઈ.એ.એસ ઓફીસર બનવાનું સ્વપ્ન લઈને આવ્યો છું. બસ હાલ આટલું જ કહીશ." એ યુવાન ડૉક્ટર સાથે હાથ મિલાવી બહાર નીકળી જાય છે.

ટોળું નવનીત ને બહાર નીકળતા જોઈ વિખરાઈ જાય છે. નવનીત બધા ની સામે જોઈ કંઈ ઈશારો કર્યો વગર જ કહેવા લાગ્યો:
"અરે ચોરી છુપી શું કહો છો?જો હિંમત હોય તો મારી સામે જ કહો ને.. તમે જન્મ લીધો ત્યારે ઉપર થી જાતિ લખાવીને લાવ્યા હતા.બસ મને એકવાર મારી મંજિલ સુધી પહોંચવા દો." 

લોકો નવનીત નો મજબૂત અવાજ સાંભળી પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. નવનીત સ્ટેશન ની બહાર થી ઓટો પકડી રાજીવ નગર તરફ જવા માટે નીકળી જાય છે.

મૌલિક વસાવડા