૧૯૯૧
સમગ્ર ભારતમાં અરાજકતાનો માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.
દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી.
"એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે.
"જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.
જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હજી એક વર્ષ પહેલાં જ રેલવેમાં જોડાયા હતા. મધુકર મોહન આમ તો બિહારના હતા.
સપ્રમાણ દેહ, લાંબા વાળ અને પુસ્તકો વાંચી વાંચીને ચશ્મા ધરાવતા મધુકર મોહન પોતાના કપાળે આવતો પરસેવો લૂછતાં લૂછતાં લંચના સમય ની રાહ જોવે છે.પણ લોકોની ભીડ તો ક્યાંય ઓછી થઈ જાય એમ ન હતી.
"અરે ભાઈ સ્લીપ ખોટી ભરી છે. ગાડી નંબર ખોટો છે. જલ્દી સુધારી લો. " મધુકર મોહન એક ગ્રાહક ને કહે છે.
"તમે જ ભરી આપો ને.." ગ્રાહક કહે છે.
"અરે ભાઈ તમને મદદ કરવા જતાં કેટલા લોકો ભરાઈ જશે? " મધુકર મોહન કહે છે.
"આ સરકારી કામકાજ કેટલું ધીમે ધીમે આગળ વધે છે? આપણો વારો ખબર નહીં ક્યારે આવશે?" અચાનક જ લોકોની ભીડ વચ્ચે વાતચીત થવા લાગી.મધુકર મોહન પેલા ગ્રાહક ને મદદ કરે છે. એમાં અડધી કલાક થઈ જાય છે.
"લે ભાઈ તારી ટીકીટ નું આરક્ષણ થઈ ગયું. હવે પૈસા આપી પછી બીજાને આવવા દે." મધુકર મોહન કહે છે.
"ખુબ આભાર." એ ગ્રાહક મધુકર મોહન ને આભાર વ્યક્ત કરી આગળ વધી જાય છે. પણ હવે લંચ નો સમય થઈ ગયો હતો.મધુકર મોહન લંચ નું બોર્ડ મારી પછી ટિફિન ખાવા માટે નીકળી જાય છે.
લોકો ની ભીડમાં મોડું થવાથી ગુસપુસ અને ગુસ્સો આગળ વધતો જાય છે. કેટલાક સીનિયર સીટીઝન તો મધુકર મોહન ની ફરિયાદ કરવા માટે સ્ટેશન માસ્તર રસ્તોગી સાહેબ પાસે પણ પહોંચી જાય છે.
"સર આ નવો ટીકીટ બુકિંગ ક્લાર્ક બહુ ધીમો છે. અમે અગ્યાર વાગ્યા થી લાઈનમાં ઊભા છીએ. પણ કોઈ ભૂલ કરી હતી તો એણે કોઈ ગ્રાહક સાથે અડધી કલાક બગાડી.
પછી જેવો અમારો વારો આવવાનો હતો ત્યારે જ એ લંચ કરવા માટે નીકળી ગયો. " લોકો ફરિયાદ નોંધાવે છે.
"હા એ હજી નવો છે. હું એને પ્લેટફોર્મ ટીકિટ વાળા કાઉન્ટર પર લંચ પછી બેસાડી દઉ છું. આપણા અનુભવી ટિકિટ કલેક્ટરને ત્યાં બેસાડી આપું છું." સ્ટેશન માસ્તર રસ્તોગી સાહેબ જણાવે છે.
મધુકર મોહન ને લંચ પછી સુચના પ્રમાણે પ્લેટફોર્મ ટિકિટ વેચાણ ની ટીકીટ કાઉન્ટર પર બેસાડી દેવામાં આવે છે. મધુકર મોહન ખુબ જ મહેનતથી પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે જ સ્ટેશન માસ્તર તેને બોલાવે છે.
"સર ને કહી દો હજી અંહી લાઈન છે. બહુ જરૂરી કામ હોય તો જ આવું છું." મધુકર મોહન જણાવે છે.
"સર તમારો ટેલિગ્રામ છે. તમને તાત્કાલિક બોલાવ્યા છે." પટાવાળો કહે છે.
"અરે વાહ.. મારું પરિણામ આવી ગયું." મધુકર મોહન ખુબ ખુશ થાય છે.
એ કાઉન્ટર બંધ કરી પછી સીધા જ વાયરલેસ રૂમમાં પહોંચી જાય છે. ઠક..ઠક..ઠક...મોર્સ કોડની અંદર ટાઈપ રાઈટર પર મેસેજ આવે છે.
મધુકર મોહન પોતાની આંખો બંધ કરી પછી પ્રાર્થના કરી મેસેજ જોવે છે તો મેસેજ હતો:
" ભારતીય સરકાર ની આઈ.એ.એસ પરિક્ષા ના મેઈન વિષય ની પરિક્ષામાં ફરીથી મધુકર મોહન નાપાસ થયા હતા."
મધુકર મોહન પોતાની જાતને સંભાળી લે છે. પણ એક ગ્લાસ પાણી પીધા પછી તેઓ તરત જ બાથરૂમમાં જતા રહે છે. હજી તો સ્ટેશન માસ્તર રસ્તોગી તેમને શોધે એ પહેલાં તો બાથરૂમમાં મધુકર મોહન અરીસા સામે જોઈ રડવા લાગ્યા.
"આ જ તારી છેલ્લી તક હતી. જો આ વખતે પરિક્ષા પાસ ન કરી તો પછી હવે ક્યારેય નહીં કરી શકાય. મારે એક આઈ.એ.એસ ઓફીસર બનવું હતું.
પણ હવે શું? દેશ ની સર્વોચ્ચ પરિક્ષા ઉત્તીર્ણ કરી દેશસેવા કરવી હતી. પણ હવે મારી જીંદગીમાં ફરીથી હું ક્યારેય આ પરિક્ષા નહીં આપી શકું."
સ્ટેશન માસ્તર રસ્તોગીને કોઈ માહિતી આપે છે કે મધુકર બાથરૂમમાં છે તો એ દોડીને બહાર દરવાજો ખખડાવે છે. મધુકર મોહન હજી ચાલુ નોકરી દરમ્યાન હોવાથી પોતાનું મોઢું લૂછતાં ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.
સાંજ સુધી મધુકર મોહન ખુબ જ મહેનતથી પોતાના કામમાં વળગી રહે છે. પછી રાત પડતાં જ કાઉન્ટર બંધ થઈ જાય છે. રસ્તોગી સાહેબ અંદરથી આવી મધુકર મોહન ને ખભે હાથ મૂકીને પુછે છે:
"આ વર્ષે પણ નપાસ થયો. હું સમજી ગયો હતો. પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ."
"ના. સર આ છેલ્લી તક હતી. હવે થી મધુકર મોહન આખી જીંદગી રેલવે થકી જ લોકકલ્યાણ અને દેશસેવા કરશે. " મધુકર મોહન કહે છે.
"કેમ?" સ્ટેશન માસ્તર રસ્તોગી પુછે છે.
"સાહેબ શું કહેવું? મારી પ્રયત્ન કરવા માટે તો હજી એકાદ તક ખરી. પણ હવે પરિવાર ની જવાબદારી માથે આવી પડી છે.
આપ તો જાણો જ છો કે હું બિહાર ના જમુઈ જિલ્લા ના સાવ સામાન્ય ઘરમાં પેદા થયો. પિતા સાવ નાના મોટા મજુરી કામ કરતા. પણ મારા મામા ભણેલા હોવાથી શિક્ષણ નું મહત્વ સમજતા હતા.
એમણે જ મારા માતા પિતા ને જમુઈ છોડી મને આગળ ભણવા માટે પટના મોકલાવવામાં મદદ કરી. મારા મામા મને સનદી અધિકારી કે આઈ.એ.એસ બનાવવા માટે માંગતા હતા.
હું પણ પરિવાર ની ઈચ્છા વિરુદ્ધ દિલ્હી આવી આઈ.એ.એસની પરિક્ષા માટે તૈયારી કરવા લાગ્યો. છેલ્લા પાંચ વર્ષથી તો હું દરેક વર્ષે મુખ્ય પરિક્ષા માટે તૈયારી કરતો. પણ સાધન વગર હું નિષ્ફળ જ રહેતો.
હજી બે વર્ષ પહેલાં જ પિતા નું મૃત્યુ થતાં મારી પર ઘરની જવાબદારી આવી જતા હું રેલવે ની પરિક્ષા ની તૈયારી કરવા લાગ્યો.એ થકી જ રેલવેમાં નોકરી મળી.
પણ આ છેલ્લી તક હતી.કારણકે ગયા વર્ષે જ અઠયાવીસ ની ઉમંરે મારા લગ્ન અમારી જ્ઞાતિની જ સરિતા સાથે થયા. હવે કદાચ એક બે દિવસમાં જ અમારા ઘરે પારણું બંધાશે.
એટલે જ આ મારી છેલ્લી તક હતી."
"અરે મધુકર આમ ઉદાસ ન થા. આપણી રેલવે કંઈ નાની મોટી કંપની થોડી છે.તુ રોજ કેટલા બધા લોકોને ટીકિટ આપી તેમને તેમની મંજિલ સુધી પહોંચાડી દે છે.આ કોઈ નાનીસૂની વાત નથી.
વળી ઘણીવાર જે પિતા ન કરી શકે એ પુત્ર કરી બતાવે છે. જોજે તારો પુત્ર તારી ઈચ્છા પુરી કરશે. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
"અત્યારે તો પરિસ્થિતિ પણ સાનુકૂળ નથી. આપણો દેશ ધીમે ધીમે ઉદારીકરણ તરફ આગળ વધી રહ્યો છે. એટલે જ સરકારી નોકરી ધીમે ધીમે ખુબ જ મહત્વપૂર્ણ બની જશે." મધુકર મોહન કહે છે.
" હવે ચા પીવાનો સમય છે. " સ્ટેશન માસ્તર રસ્તોગી મધુકર મોહન ને ખેંચી જાય છે.