Kavach - 2 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | કવચ - ૨

Featured Books
Categories
Share

કવચ - ૨

ભાગ ૨: એક પ્રશ્નનો ઉદય

કર્ણની દાનવીરતાની આ કથા રવિએ સેંકડો વાર વાંચી હતી, સાંભળી હતી. પણ આજે, આ સૂર્યમંદિરના સાનિધ્યમાં, તેના મનમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવ્યો જે પહેલાં ક્યારેય નહોતો આવ્યો."દાન તો લઈ લીધું," તે ધીમા અવાજે, જાણે પોતાની જાતને જ પૂછી રહ્યો હોય તેમ બબડ્યો, "પણ... પછી ઇન્દ્રએ એ અભેદ્ય કવચ અને કુંડળનું કર્યું શું હશે? શું દેવલોકમાં કોઈ કબાટમાં મૂકી દીધા? કે પછી સમુદ્રમાં ફેંકી દીધા? કે પછી આ પૃથ્વી પર જ ક્યાંક છૂપાવી દીધાં?! આટલી અદ્ભુત અને શક્તિશાળી વસ્તુનો અંત આટલો સામાન્ય તો ન જ હોઈ શકે."

આ પ્રશ્ન કોઈ સામાન્ય વિચાર નહોતો. એ એક બીજ હતું જે તેના મનની ધરતીમાં ઊંડે ઉતરી ગયું. જેમ જેમ સાંજ ઘેરી બની, પક્ષીઓ માળા તરફ પાછા ફર્યા અને મંદિરનું પરિસર ખાલી થવા લાગ્યું, તેમ તેમ આ પ્રશ્ન તેના મનમાં વધુ ને વધુ મોટો થતો ગયો. તેને સમયનું ભાન ન રહ્યું. પરિસરમાં તે હવે એકલો હતો.

અચાનક, વાતાવરણમાં એક અજીબ પરિવર્તન આવ્યું. પવન શાંત થઈ ગયો. મંદિરમાં લટકતી ઘંટડીઓનો રણકાર બંધ થઈ ગયો. એક ગાઢ, ભેદી મૌન ચારે તરફ ફેલાઈ ગયું. રવિને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. તેની નજર ફરી પેલા સાત પાષાણ અશ્વો પર પડી. અને ત્યારે જ એ ચમત્કાર થયો.

આથમતા સૂર્યનું અંતિમ કિરણ સીધું જ મુખ્ય અશ્વ, ગાયત્રીની પથ્થરની આંખ પર પડ્યું. એક ક્ષણ માટે, રવિને ભ્રમ થયો કે પથ્થરની એ આંખમાં એક લાલ રંગનો તણખો ઝબૂક્યો. તેણે આંખો ચોળીને ફરી જોયું પણ બધું સામાન્ય હતું. "મારો વહેમ હશે," એમ વિચારીને તે ઊભો થવા ગયો પણ તે ઊભો ન થઈ શક્યો. તેનું શરીર જાણે જમીન સાથે જડાઈ ગયું હતું અને પેલું મૌન હવે તૂટ્યું, પણ કોઈ માનવીય અવાજથી નહીં. રવિએ એક હણહણાટી સાંભળી. એ કોઈ સામાન્ય ઘોડાનો અવાજ નહોતો. એ અવાજમાં સદીઓનો પડઘો હતો, બ્રહ્માંડની ઊર્જાનો રણકાર હતો.

તેણે ધ્રૂજતી નજરે સામે જોયું. સાત પાષાણ અશ્વોમાંથી, જે મુખ્ય અશ્વ હતો, તેની મૂર્તિમાંથી એક દિવ્ય, સફેદ પ્રકાશ પ્રસ્ફુટિત થઈ રહ્યો હતો. ધીમે ધીમે એ પ્રકાશે એક વાસ્તવિક અશ્વનું રૂપ ધારણ કર્યું. એ ઘોડો દૂધ જેવો સફેદ હતો, તેના શરીર પરથી સોનેરી આભા નીકળી રહી હતી. તેની કેશવાળીમાં જાણે તારાઓ ગૂંથેલા હતા અને તેની આંખોમાં બુદ્ધિ અને કરુણાનો સાગર લહેરાતો હતો.

રવિ ભય અને આશ્ચર્યની મિશ્ર લાગણીથી સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. તેનું મગજ સ્વીકારવા તૈયાર નહોતું કે જે શિલ્પને તે નિર્જીવ પથ્થર માનતો હતો, તે અત્યારે તેની સામે જીવંત ઊભું હતું.

"ભયભીત ન થા, રવિ." એ અવાજ સ્ત્રીનો હતો, શાંત, ગહન અને અત્યંત મધુર.

"કોણ... કોણ છો તમે?" રવિ માંડ માંડ આટલું બોલી શક્યો.

"હું ગાયત્રી છું," ફરી એ જ દિવ્ય વાણી સંભળાઈ. "સૂર્યદેવના સપ્તાશ્વમાંથી પ્રથમ. અમે તારી જ પ્રતિક્ષા કરી રહ્યા હતા."

"મારી... મારી પ્રતિક્ષા? પણ શા માટે?" રવિએ આશ્ચર્યથી પૂછ્યું.

"તારા પ્રશ્ન માટે," ગાયત્રીએ જવાબ આપ્યો. "સદીઓથી અસંખ્ય લોકો અહીં આવ્યા, તેમણે અમારા પાષાણ સ્વરૂપને જોયું, પ્રશંસા કરી અને ચાલ્યા ગયા. પણ કોઈએ એ પ્રશ્ન ન પૂછ્યો જે તેં પૂછ્યો. 'ઇન્દ્રએ કર્ણના કવચ અને કુંડળનું શું કર્યું?' એ માત્ર એક પ્રશ્ન નથી, રવિ. એ એક ચાવી છે. એક એવા રહસ્યના દ્વાર ખોલવાની ચાવી, જેની રક્ષા અમે સપ્તઅશ્વ યુગોથી કરી રહ્યા છીએ."

રવિનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. આ બધું સ્વપ્ન હતું કે સત્ય, તે સમજી શકતો નહોતો.

ગાયત્રીએ આગળ કહ્યું, "તારો તર્ક સાચો છે. સૂર્યદેવ દ્વારા નિર્મિત એ કવચ-કુંડળ કોઈ સામાન્ય વસ્તુ નહોતી. તે સૂર્યની શુદ્ધ ઊર્જા, તેના તેજ અને પ્રાણશક્તિમાંથી બનેલા હતા. ઇન્દ્રએ કપટથી જ્યારે તેને કર્ણ પાસેથી દાનમાં લીધા, ત્યારે તેની દિવ્ય ઊર્જાને સંભાળવી સ્વયં દેવરાજ માટે પણ અસંભવ બની ગઈ. એ ઊર્જા દેવલોકના સંતુલનને ડગમગાવી રહી હતી. ઇન્દ્ર તેને ન તો નષ્ટ કરી શકતા હતા, ન તો ધારણ કરી શકતા હતા."

"તો પછી... પછી શું થયું?" રવિએ શ્વાસ રોકીને પૂછ્યું.

"ત્યારે અમારા સ્વામી, સૂર્યદેવે હસ્તક્ષેપ કર્યો," ગાયત્રીની વાણીમાં ગર્વનો ભાવ આવ્યો. "તેમણે ઇન્દ્ર પાસેથી એ કવચ અને કુંડળ પાછા લીધા. પણ મહાભારતના યુગમાં થયેલા વચનનું માન રાખવા માટે, તેને ફરીથી કર્ણને આપી શકાય તેમ નહોતા. તેથી, તેમણે એ દિવ્ય ઊર્જાને વિઘટિત કરવાનું નક્કી કર્યું."

"વિઘટિત?"

"હા. તેમણે કવચના છ અને કુંડળનો એક, એમ કુલ સાત ટુકડા કર્યા. દરેક ટુકડામાં મૂળ ઊર્જાનો એક અંશ સમાયેલો હતો. તેમણે એ સાતેય ટુકડાઓને પૃથ્વી પર અલગ અલગ, ગુપ્ત સ્થાનો પર છુપાવી દીધા અને તેની રક્ષા કરવાની જવાબદારી અમને સાતેય અશ્વોને સોંપી. દરેક અશ્વ એક ટુકડાનો રક્ષક બન્યો અને સારથી અરુણ અમારા માર્ગદર્શક."

રવિ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો. આ રહસ્ય તો મહાભારતની મૂળ કથા કરતાં પણ વધુ રોમાંચક હતું.

"પણ હવે... હવે શા માટે તમે આ રહસ્ય મારી સામે ખોલી રહ્યા છો?" તેણે પૂછ્યું.

ગાયત્રીની દિવ્ય આંખોમાં એક ચિંતાની છાયા દેખાઈ. "કારણ કે કાળનું ચક્ર ફરી ગયું છે, રવિ. એક એવી અંધકારમય શક્તિ જાગૃત થઈ છે, જે આ સાતેય ટુકડાઓને શોધીને તેને ફરીથી એક કરવા માંગે છે. જો તે સફળ થઈ, તો તે એવી શક્તિ પ્રાપ્ત કરશે જે દેવો અને દાનવો પાસે પણ ક્યારેય નહોતી. તે આખા સંસારમાં અંધકાર ફેલાવી દેશે. અમે અમારા પાષાણ સ્વરૂપમાં બંધાયેલા છીએ. અમે જાતે એ શક્તિને રોકી શકીએ તેમ નથી. આ કળિયુગમાં અમને એક માનવની જરૂર છે. એક એવા માનવની, જેના મનમાં શુદ્ધ જિજ્ઞાસા હોય, જેના હૃદયમાં લોભ ન હોય, અને જેના લોહીમાં ક્યાંક સૂર્યનો અંશ હોય."

"સૂર્યનો અંશ... પણ હું તો....!" રવિ કતરાતા બોલ્યો.

"હા. સૂર્યનો અંશ. જે વ્યક્તિ સાતત્યપૂર્ણ જીવન જીવતું હોય એ દરેકમાં સૂર્યનો અંશ, સૂર્યની ઊર્જા સમાયેલી હોય છે." ગાયત્રીએ સ્પષ્ટતા કરી.

ગાયત્રી રવિની આંખોમાં સીધું જોઈ રહી. "તારા પ્રશ્ને સાબિત કરી દીધું છે કે તું જ એ વ્યક્તિ છે. તેં અમને જગાડ્યા છે, રવિ અને અજાણતા જ, તેં પેલી અંધકારમય શક્તિને પણ સાવચેત કરી દીધી છે કે રક્ષકો હવે જાગી ગયા છે."એમ કહીને ગાયત્રીનું તેજસ્વી સ્વરૂપ ધીમે ધીમે ફરીથી પ્રકાશમાં વિલીન થવા લાગ્યું અને પાષાણ મૂર્તિમાં સમાઈ ગયું. વાતાવરણ ફરી સામાન્ય થઈ ગયું. પવન ફૂંકાવા લાગ્યો, ઘંટડીઓનો રણકાર સંભળાવા લાગ્યો.

પણ રવિ હવે સામાન્ય નહોતો. તે ત્યાં જ પથ્થરની જેમ બેસી રહ્યો. તેનો એક નાનકડો પ્રશ્ન તેને એક એવા રહસ્યમય અને જોખમી માર્ગ પર લાવીને ઊભો કરી ગયો હતો, જેની તેણે કલ્પના પણ નહોતી કરી. તે હવે માત્ર એક સામાન્ય યુવક નહોતો. તે સૂર્યનો અંશ હતો, અને તેના ખભા પર હવે આખા સંસારના ભવિષ્યને બચાવવાની જવાબદારી આવી પડી હતી.

તેણે ઊભા થઈને ફરી એકવાર સાતેય અશ્વોની મૂર્તિઓ તરફ જોયું. હવે તે તેને માત્ર પથ્થર નહોતા દેખાઈ રહ્યા. તે સાત મહાન યોદ્ધાઓ, સાત રહસ્યમય રક્ષકો હતા અને તેમની સાથે મળીને, રવિએ એક અજાણી, અંધકારમય શક્તિ સામે લડવાનું હતું. તેની યાત્રા હવે શરૂ થઈ ચૂકી હતી.

(આગળનો ભાગ વાંચો...)