"તું આ શું કરી રહ્યો હતો?" એક અજાણ્યા અવાજે જોસેફને રોકી દીધો.
"આ માણસને પકડી લો." પોલીસ કર્મચારીએ કહ્યું.
"સર .." જોસેફ પોતાની જાતને સંભાળી લેતા પોલીસ કર્મચારીએ બીજા અધિકારીઓને રોકી દીધા.
જોસેફ વધુ કંઈ પણ વાતચીત કર્યા વગર જ પોલીસ સ્ટેશન થી બહાર નીકળી પોતાના હોટેલ રૂમમાં પહોંચી ગયો. તેને દુબેજી ની આકસ્મિક રીતે ઘટેલી મૃત્યુ થી શોક લાગ્યો હતો. પોતે કેવી રીતે બધું જ જોઈ શક્યો એ તો એની સમજણ શક્તિ થી બહાર હતું.
ભારત સરકાર માટે આ ઘટના ખુબ જ દુ:ખદ હતી અને ગમે તેમ બદલો લેવા માટે સરકાર તૈયાર હતી. એ જ દિવસે સવારે હાઈ પ્રોફાઈલ મીટિંગ ચાલુ થઈ ગઈ. ગમે તે ભોગે આતંકવાદીઓ નો ખાત્મો કરવા માટે સરકાર સજ્જ હતી.
જોસેફ સતત સમાચારો જોઈ રહ્યો હતો. એ કશ્મીર છોડીને જવા માટે તૈયાર ન હતો પણ સાંજ સુધીમાં જ પોલીસે તેને કશ્મીર છોડીને ચાલ્યા જવાની ચેતવણી આપી હતી.
"શું થયું સર?" બપોરે હોટેલ મેનેજર નો ફોન આવ્યો.
"બસ કંઈ નહીં. હું હમણાં જ નીકળી જવાનો. બધી પ્રક્રિયાઓ તૈયાર રાખજો." જોસેફે જણાવ્યું.
ખુબ જ ભારી મનની સાથે જોસેફ પોતાની હોટલ છોડી નીકળી ગયો ત્યારે જ સમાચારો માં ભારત સરકાર કંઈક નક્કર પગલાં લેશે એ વિષે બધી વાતો ચાલી રહી હતી.
એ રાત્રે જ ભારતીય હવાઈ દળ દ્વારા મિસાઈલ છોડીને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ઘણા આતંકવાદીઓ ની મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું.
જોસેફ રાત્રે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મોબાઈલ પર આ સમાચાર સાંભળે છે તો એને ખુબ જ રાહત થઈ. પણ હજી ય કેમ તેનું મન ઉદાસ હતું એ તે ન સમજી શક્યો.
ટ્રેન ની ઉપરની સીટ પર એ જેમ જ ઊંઘવા ગયો તો એની નજર સામે બેસી એક યુવતી તરફ ગઈ કે જે હમણાં જ કોઈ સ્ટેશન થી બેઠી. જોસેફ અચાનક જ સુવા માટે પ્રયત્ન કરે છે તો પણ એ યુવતી તરફ જ જોઈ રહ્યો.
"શું કોઈ કામ છે?" એ યુવતીએ પુછપરછ કરી.
"ના." જોસેફે કહ્યું.
પછી જોસેફ પોતાના વિચારો માં જ ખોવાયેલો હતો અને તેને ઊંઘ આવી ગઈ. હજી તો એ પોતાની જાતને ઊંઘમાં સમજી શકે એ પહેલાં જ તેને સામેની સીટ પર બેઠી યુવતી દેખાઇ.
એ યુવતી વારંવાર જોસેફ તરફ જ જોયા કરતી અને જોસેફ તો સંપૂર્ણ રીતે ઊંઘમાં હતો. પછી ગમે તેમ એ યુવતી ઊભી થઈ અને ચાલુ ટ્રેનમાં જ શૌચાલય તરફ જવા લાગી.
જોસેફ ને જાણે બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. એ યુવતી ધીમે ધીમે શૌચાલય તરફ આગળ વધી તો ત્રણથી ચાર શખ્સોએ તેની સામે નજર કરતા તે ચુપચાપ પોતાની સીટ તરફ પાછી આવી બેસી ગઈ.
જોસેફ જાણે બધું જ જોઈ શકતો હતો. થોડીવાર પછી જ તેણે ફરીથી એ યુવતીને શૌચાલય તરફ જતા જોઈ. રાત વધી ગઈ હોવાથી અંધકાર હતો અને ટ્રેનમાં પણ બધા ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા.
એ યુવતીએ દરવાજા પાસે જોયું તો કોઈ પણ ન હતું. એણે ધીમે થી દરવાજો ખોલ્યો અને પછી ધડામ.. જોસેફ હેબતાઈ ગયો. તેનું ગળું સુકાઈ ગયું અને નજર તરત જ સામેની સીટ પર બેઠી યુવતી ને શોધતી હતી. પણ ત્યાં કોઈ ન હતું?
જોસેફ ખુબ જ તંદ્રાવસ્થામાં આવી ગયો. આટલી મોડી રાત્રે ટ્રેનમાં કોઈ અજાણી યુવતી વિષે પુછપરછ પણ કોને કરવી? એ અવઢવમાં હતો કે અચાનક જ ટીકિટ ચેકર આવ્યો. જોસેફે પોતાની મનની વાત જણાવતા કહ્યું:
"સર અંહી સામેની સીટ પર એક યુવતી બેઠી હતી. એ અચાનક જ શૌચાલય તરફ ગઈ. પણ પાછી નથી આવી."
"તું એનો પતિ છે?" ટીકીટ ચેકરે પુછ્યું.
"ના સર. પણ એ દરવાજા થી કુદી ન ગઈ હોય." જોસેફે જણાવ્યું.
"શું?" ટીકીટ ચેકર પણ ચિંતા કરવા લાગ્યો હતો.
થોડીવાર સુધી જ્યારે કોઈ પાછું ન આવ્યું તો ટીકીટ ચેકર રેલવે પોલીસ ને આ યુવતી વિષે માહિતી આપી તેને શોધવા માટે કાર્યવાહી હાથ ધરે છે. ટ્રેન આગળ ના સ્ટેશન પર થોડીવાર માટે ઊભી રાખવામાં આવી અને જોસેફને નાછુટકે જ રેલવે પોલીસ ની સાથે ટ્રેન માં થી ઉતરી જવું પડ્યું.
થોડીવાર પછી જ જોસેફ પોતાના સામાન ની સાથે રેલવે પોલીસ સ્ટેશનમાં હતો. પોલીસ કર્મચારીએ જોસેફની તરફ ફોટો બતાવી પુછ્યું:
"આ જ યુવતી હતી?"
"હા આ જ.."જોસેફ ઓળખી ગયો.
"તમને ખબર હતી કે એ આપઘાત કરવાની હતી?" પોલીસ કર્મચારીએ પુછ્યું.
"ના. મને સ્વપ્નમાં દેખાયું." જોસેફે કહ્યું.
"એ કેવી રીતે શક્ય બને?" પોલીસ કર્મચારીએ પુછ્યું.
"જો હવે સાચી રીતે ગુનો કબૂલ કરી લે બાકી તને ફાંસીની સજા મળશે." પોલીસ કર્મચારીએ ગુસ્સે થતા કહ્યું.
"સર હું નિર્દોષ છું. હું તો મારી સીટ પર જ ઊંઘ લઈ રહ્યો હતો અને સપનામાં.." જોસેફે જણાવ્યું.
"હા ને પોલીસ તો નાનું બાળક છે કે તારી બધી વાત માનશે. " પોલીસ કર્મચારીએ કહ્યું.
"સર હું ખરેખર સત્ય કહું છું." જોસેફ રડવા લાગ્યો.
"તારી વાત સાચી જ માનવી પડે કારણકે જે યુવતીની તું વાત કરી રહ્યો હતો એ યુવતી તો આજથી બરાબર એક વર્ષ પહેલાં જ આ જ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપઘાત કરી ચુકી હતી!! પણ તને એ આજે ક્યાં થી દેખાણી એ ખબર ન પડી." પોલીસ કર્મચારીએ કહ્યું તો જોસેફ ડઘાઈ ગયો.
"સર ટીકીટ ચેકરે પણ યુવતી ને જોઈ હતી." જોસેફે જણાવ્યું.
"ટીકીટ ચેકરે જ્યારે રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરી ત્યારે હું જે અંહી ઘણા વર્ષોથી નોકરી કરી રહ્યો છું મને ગયા વર્ષની આ હિચકારી ઘટના યાદ આવી અને એટલે જ અમે ટીકીટ ચેકર ના મોબાઈલ પર ફોટો મોકલાવી તમને અંહી બોલાવ્યા." પોલીસ કર્મચારીએ કહ્યું.
"સર મારી સાથે શું થયું?" જોસેફે પુછ્યું.
"એ તો અમને પણ નથી ખબર. પણ તમે કોઈ માનસિક સ્વાસ્થ્ય ના ડોક્ટર ને મળીને આરામ કરો. " પોલીસ કર્મચારીએ કહ્યું.
એ જ વખતે પોલીસ સ્ટેશનમાં જાણે કોઈ હુમલો થવાનો હોય એમ સાયરન વાગવા લાગી. એક પછી એક એમ પોલીસ કર્મચારીઓ સાબદા બનીને હુકમ ની રાહ જોતા હતા.
"અચાનક જ પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. થોડીવાર પછી જ ચારેતરફ બ્લેક આઉટ કરવામાં આવશે. " પોલીસ કર્મચારીએ બધાને સમજાવ્યું.
"સર હું જઈ શકું?" જોસેફે પુછ્યું.
"આ સમય દરમિયાન તમે ક્યાં જશો? કાલે સવારે જ નીકળજો. ત્યાં સુધીમાં નજીક જ સરકારી ગેસ્ટ હાઉસમાં તમને અમારી જીપ થોડીવાર પછી મુકી જશે." પોલીસ કર્મચારીએ કહ્યું.
"ઠીક છે." જોસેફ પણ ચુપચાપ બેસી ગયો.
આ તરફ આકાશમાં ચારેય તરફ ડ્રોન હુમલાઓ ના અવાજથી બિહામણું દૃશ્ય સર્જાયું. વીજળી કાપી નાખવામાં આવી અને પોલીસ કર્મચારી પ્રજાની રક્ષા માટે વ્યસ્ત બની ગયા. જોસેફને પોલીસ જીપમાં જ ગેસ્ટ હાઉસમાં મુકી જવામાં આવ્યો.
અંધકારમાં ગેસ્ટ હાઉસ ખુબ જ બિહામણું લાગતું હતું.
સફેદ રંગની બિલ્ડિંગ પર પ્રકાશ ના લીધે કાળા ડિંબાગ પડછાયા પડી રહ્યા હતા. જોસેફ પણ જીપમાંથી ઉતર્યો અને બધી પ્રક્રિયાઓ પુરી કરી ગેસ્ટ હાઉસના રૂમમાં પ્રવેશી ગયો.