ગર્ભપાત - ૧૮
પ્રતાપસિંહ કૈલાસનાથને મળ્યા પછી ખૂબ હતાશ જણાતાં હતા, પંડિત દિનાનાથે તેમને સાંત્વના આપી અને બધું ઈશ્વર પર છોડી દેવા કહ્યું. પ્રતાપસિંહને પણ પંડિત દિનાનાથની વાત યોગ્ય લાગી.
પ્રતાપસિંહ અને મમતાબા ફરીથી એકસાથે રહેવા લાગ્યાં. મમતાબાએ પણ હવે પ્રતાપસિંહની ભૂતકાળની ભૂલો માફ કરી દીધી હતી. સાવિત્રી પણ પોતાના કામકાજની સાથે મમતાબા અને સોનલનું સારી રીતે ધ્યાન રાખતી હતી. સાવિત્રીએ જાણે હવેલીની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી.
એકાદ મહિના પછી મમતાબાને ફરિથી ગર્ભ રહ્યો. પ્રતાપસિંહ પણ ફેક્ટરીનું મોટા ભાગનું કામકાજ વિશ્વાસુ માણસોને સોંપીને હવેલી પર રહેવા લાગ્યા હતા. સાવિત્રીની જવાબદારીઓ પણ હવે વધી ગઈ હતી. મમતાબાનું પણ તે પૂરી રીતે ધ્યાન રાખતી હતી.
જેમ - જેમ સમય વીતતો ગયો તેમ અચાનક મમતાબાની તબિયત નાદુરસ્ત રહેવા લાગી. ખાધેલો ખોરાક પેટમાં ટકતો નહોતો. શરીર પણ દિવસેને ને દિવસે સુકાવા લાગ્યું હતું. ગર્ભવતી સ્ત્રીનો વજન વધવો જોઈએ એના બદલે મમતાબાના શરીરમાં રોજ ઘટાડો આવી રહ્યો હતો.
પ્રતાપસિંહે મમતાબાની તબિયત સુધારવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. જાણીતા ડોક્ટરોથી માંડીને ચડિયાતા અને ઉચ્ચ કક્ષાના વૈધોને તેડાવીને સારવાર કરાવી પરંતુ કોઈ ફરક ના પડ્યો. શારિરીક તપાસમાં પણ કોઈ રોગ જણાતો નહોતો છતાં કોઈ વિચિત્ર પ્રકારના રોગમાં મમતાબા સપડાઈ ગયાં હતાં.
મમતાબાની હાલત જોઈને સાવિત્રીને પણ રડવું આવી જતું. મમતાબાની પાસે હંમેશા હસતી રહેતી સાવિત્રી એકાંતમાં ખૂબ રડતી હતી.
આખરે મમતાની પ્રસૂતિનો સમય પણ નજીક આવી ગયો. મમતાબાની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. શરીર સુકાયેલી સોટી માફક સાવ સુકલકડી જેવું થઈ ગયું હતું છતાં તેઓ હિંમત હાર્યા નહોતાં. તેમને વિશ્વાસ હતો કે પોતે આવનારા સંતાનને જરૂર જન્મ આપશે પછી ભલે ગમે તે થાય.
મમતાબાની પાસે બેસેલી સાવિત્રીની આંખમાં આંસું જોઈને મમતાબાએ કહ્યું, " અરે ગાંડી! એમાં રડે છે શું? કદાચ હું નહીં હોઉં તો પણ તું મારી બેન જ છે ને! મને વિશ્વાસ છે કે મારા સંતાનોને તું જરૂરથી સાચવી લઈશ."
" બેન બા! એવા શબ્દો ના બોલો. તમને કંઈ નહીં થાય. તમારા સાથ વિના મારું જીવન પણ દુષ્કર થઈ જશે. તમારા વિના મારું આ દૂનિયામાં કોણ છે! " સાવિત્રીએ રડતાં - રડતાં કહ્યું.
" તું પણ જાણે છે સાવિત્રી કે મારી પાસે સમય હવે બહુ બચ્યો નથી પરંતુ સોનલના ભવિષ્ય માટે હું આવનારા સંતાનને જરૂરથી જન્મ આપીશ. તારે મને એક વચન આપવું પડશે કે મને ગમે તે થઈ જાય પરંતુ તું આ હવેલી અને મારા સંતાનોનું જરૂરથી ધ્યાન રાખીશ. " મમતાબાએ સાવિત્રીની આંખોમાં જોઈને કહ્યું.
સાવિત્રીએ મમતાબાના બંને હાથ પોતાના હાથમાં લઈને આંખોમાં આંસું સાથે મૂક સંમતિ આપી દીધી. એ જોઈને મમતાબાના શરીરમાં અપાર દર્દ હોવા છતાં ચહેરા પર અસીમ શાંતિ જોવા મળી.
પ્રસૂતિનો દિવસ પણ આવી ગયો. તે દિવસે સવારથી મમતાની તબિયત એકદમ ખરાબ હતી. પ્રતાપસિંહે તાત્કાલિક સારા ડોક્ટરને તેડાવી લીધા. બે - ત્રણ કલાકની સારવાર અને અસહ્ય તકલીફ સાથે મમતાબાએ દિકરીને જન્મ આપ્યો.
ડોકટરે પ્રતાપસિંહને એકાંતમાં બોલાવીને જણાવ્યું કે તમારી પત્નીની હાલત અંત્યત નાજુક છે એમને તાત્કાલિક કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. પ્રતાપસિંહે મમતાબાને આ અંગે જણાવ્યું પરંતુ તેમણે ક્યાંય પણ જવાની ના પાડી દીધી.
" મારો સમય હવે પૂરો થવા આવ્યો છે. હું મૃત્યુને મારી નજીક જોઈ રહી છું. કોઈ ડોક્ટર હવે મારી તબિયત સુધારી નહીં શકે. તાંત્રિક કૈલાસનાથે આ અંગે મને અગાઉ અવગત પણ કરી હતી. આ સ્થિતિ મેં જ ઊભી કરી છે. એ પણ મારા સંતાનો માટે એટલે એમાં કોઈનો દોષ નથી. " મમતાબાએ પ્રતાપસિંહને કહ્યું.
પ્રતાપસિંહ પણ આ અંગે જાણતાં હતાં. મમતાબાના હાથ પોતાના હાથમાં લઈને આંખોમાં આંસું સાથે તેની પડખે બેસી રહ્યા.
ત્રણ દિવસ સુધી મમતાબાએ અન્ન અને પાણી ગ્રહણ ન કર્યાં. પ્રતાપસિંહ અને સાવિત્રીને પોતાની પાસે બોલાવીને તમામ જવાબદારીઓ નિભાવવાની ફરજ સોંપીને મમતાબાએ પોતાનો દેહ ત્યાગ કર્યો.
આખી હવેલી અને ગામમાં મમતાબાના મૃત્યુથી શોક છવાઈ ગયો. સોનલ હજુ બહુ નાની હતી આથી તેને જેમ તેમ કરીને સાચવી અને ભારે હૈયે બધાએ મમતાબાને વિદાય આપી.
સાવિત્રીને તો જાણે માથે આભ તૂટી પડ્યું હતું. નાનપણથી માંડીને અત્યાર સુધી પોતાને સાચવનાર અને કોઈ પોતાના અંગત કરતાં પણ વધુ પ્રેમ આપનાર એક મોટી બેન ગુમાવી હતી. તેની સાથે વિતાવેલી દરેક ક્ષણો ભૂલાવવી ખૂબ જ અઘરી હતી છતાં મમતાબાની બંને દિકરીઓ માટે એણે પોતાનું કાળજું કઠણ કરી લીધું હતું.
મમતાબાના મૃત્યુ પછી પ્રતાપસિંહ પણ ગુમસુમ રહેવા લાગ્યા હતા. પોતાની દરેક મૂસીબતના સમયમાં મમતાએ એનો સાથ આપ્યો હતો. પોતાનાં જ સંતાનની હત્યા જેવાં ઘોર અપરાધને પણ મમતાએ ભૂલાવીને એનો સ્વીકાર કર્યો હતો. હવેલીમાં રહેલા મમતાબાના વિશાળ ફોટા સામે કલાકો સુધી પ્રતાપસિંહ બેસી રહેતા હતા.
ધીમે - ધીમે સમય વિતવા લાગ્યો એમ બધાએ પરિસ્થિતિ સાથે પોતાને ઢાળી દીધા. સાવિત્રી આખો દિવસ બંને નાની દિકરીઓને સાચવતી હતી. હવેલીના કામકાજ અન્ય માણસોને સોંપી દીધાં હતાં.
પ્રતાપસિંહ પણ હવે ફેક્ટરી અને અન્ય જમીનોના કામકાજની દેખરેખ રાખવા લાગ્યા હતા. બને ત્યાં સુધી તેઓ હવે બહાર રોકાતા નહોતાં. સાંજે આવીને પોતાની દિકરીઓ સાથે સમય વિતાવતા હતાં.
મમતાબાની નાની દિકરીનું નામ સાવિત્રીએ સુનયના રાખ્યું હતું. જન્મ સમયથી જ એની આંખો ખૂબ જ સુંદર હતી એટલે એના પરથી જ એનું નામ સુનયના રાખવામાં આવ્યું હતું.
સુનયનાના જન્મ પછી સોનલ પણ એકદમ શાંત થઈ ગઈ હતી અને સાવિત્રી સાથે એકદમ હળી મળી ગઈ હતી. તે કાલીઘેલી ભાષામાં હવે બોલતી પણ હતી. સાવિત્રીનો બધો સમય એ બંને સાથે આરામથી પસાર થઈ જતો હતો પરંતુ મમતાબાની યાદ આવતાં જ એની આંખો ભરાઈ આવતી હતી.
પ્રતાપસિંહને કૈલાસનાથની વાત યાદ આવતાં ચિંતા થતી હતી. કૈલાસનાથના જણાવ્યાં અનુસાર સુનયના પાંચ વરસની થાય એ પછી એને હવેલીથી દૂર મોકલવી પડશે. એક તો પોતાની દિકરીને પોતાનાથી દૂર કરવાની ચિંતા અને બીજું એને ક્યાં મોકલવી એ વાતની ચિંતા હતી.
કૈલાસનાથની આ વાત હજુ સુધી એણે સાવિત્રીને જણાવી નહોતી. સમય પહેલાં સાવિત્રીને આ વાતથી અવગત કરવી પડશે નહીંતર પછી સાવિત્રી એને મોકલવા તૈયાર નહીં થાય એ પણ ચિંતા હતી.
એક દિવસ સાંજે ફેક્ટરીથી આવ્યા બાદ એણે સાવિત્રીને પોતાની પાસે બોલાવી. સાવિત્રીને પણ અંદાજ આવી ગયો હતો કે જરૂર કોઈ ખાસ વાત હોવી જોઈએ નહીંતર પ્રતાપસિંહ આવી રીતે તેને એકાંતમાં ન બોલાવે.
" સાવિત્રી! મારે ઘણાં સમયથી તને સુનયના અંગે એક વાત જણાવવી હતી. આજે થયું કે તને એ વાત જણાવી દેવી જોઈએ એ માટે તને બોલાવી છે. આ વાત સુનયનાના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલે અત્યારથી જ તને આ વાત જણાવી દેવાનું ઉચિત લાગ્યું." પ્રતાપસિંહે સાવિત્રીને જણાવતાં કહ્યું.
" એવી તે શું વાત છે જે સુનયનાના ભવિષ્ય સાથે જોડાયેલી છે! " સાવિત્રીએ નવાઈ સાથે પૂછ્યું.
સાવિત્રીના આ સવાલના જવાબમાં પ્રતાપસિંહે કૈલાસનાથની મુલાકાત સમયે એણે જણાવેલી વાત કહી કે સુનયના પાંચ વરસની થાય પછી એને હવેલીથી દૂર મોકલવી પડશે.
આ વાત સાંભળીને સાવિત્રીને આંચકો લાગ્યો. તે કોઈ કાળે સુનયનાને પોતાનાથી દૂર મોકલવા માંગતી નહોતી પરંતુ પ્રતાપસિંહની વાત પણ યોગ્ય હતી. સુનયનાની જિંદગીનો સવાલ હતો એટલે એ પણ મજબૂર હતી.
એક વાત એ પણ હતી કે મમતાબા જ્યારે જીવિત હતાં ત્યારે એને પણ આ વાત જણાવવામાં આવી નહોતી. પોતે મમતાબાને વચન આપ્યું હતું કે એમની દિકરીઓની જવાબદારી પોતે નિભાવશે.
સાવિત્રી પ્રતાપસિંહને કોઈ જવાબ ન આપી શકી. તે એક મોટા ધર્મ સંકટમાં મુકાઈ ગઈ હતી.
શું સાવિત્રી સુનયનાને દૂર મોકલવા માટે તૈયાર થશે?? સુનયનાના ભવિષ્ય સાથે શું જોડાયેલું છે?? જાણવા માટે વાંચતા રહો.
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે... તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો....