શીર્ષક : ઉદ્ધરેદાત્મનાત્માનમ્
©લેખક : કમલેશ જોષી
આજકાલ ‘રફતાર કા કહેર’ના એટલે કે પુરપાટ વેગે દોડતી ગાડી એ બે પાંચને ઉડાવ્યાના સમાચારો લગભગ દરેક જિલ્લામાંથી આવવા લાગ્યા છે. જાણે રેસ લાગી હોય એમ દરેક ગામ કે શહેર આ સમાચારોમાં પોતાનું નામ નોંધાવી રહ્યું છે. સારા પીકઅપ વાળી ગાડી, સારા રસ્તા અને મગજમાં ભરાયેલી મસ્તી માણસને લીવર દાબવા અને બ્રેક ન મારવા ચેલેન્જ કરતા હોય છે, લલકારતા હોય છે એવું અમારા એક અનુભવી ડ્રાઈવર મિત્રનું માનવું હતું. કોઈ પણ ભોગે જિંદગીને હાઈ સ્પીડમાં માણી લેવાની લ્હાયમાં ને લ્હાયમાં માણસ જિંદગીનો પણ ભોગ લઇ લે એનાથી મોટી નુકસાની, લાલ બત્તી કે વોર્નિંગ કે શિખામણ બીજી કઈ હોઈ શકે?
તમે કહો તમે આજ સુધીમાં મેક્સિમમ કેટલી સ્પીડે ગાડી ચલાવી છે? એંસી, નેવું, સો કે એકસો વીસ? અમારો એક મિત્ર પૂરપાટ વેગે બાઈક ચલાવતો. લગભગ દરેક પરિચિતે શિખામણ આપેલી કે થોડી સ્પીડ ઓછી રાખો તો સારું. એમનો જવાબ હોય કે સાત મિનિટમાં ઓફિસે પહોંચવું હોય એટલે ધીમું તો ચાલે જ નહિ. એ હસીને એમ પણ ઉમેરતો કે ‘હવે તમે મને દસ મિનિટ વહેલું નીકળવાની સલાહ ન આપતા હોં..’. ક્યારેક ખાનગીમાં એ કહેતો પણ ખરો કે ‘થોડી સ્પીડનું મને વ્યસન છે.. યુ નો, થોડું તો મરજી મુજબ જીવી લેવાની છૂટ હોવી જોઈએ ને..?’ અમને ઈચ્છા તો થતી કે ‘સંબંધોમાં કોઈ વીટો પાવર’ મળતો હોત તો એ વાપરીને એને સ્પીડ થોડી ઓછી કરવાનો ઓર્ડર તો જરૂર આપી દેત પણ સંબંધોમાં ‘વીટો પાવર’ ક્યાં હોય છે? તમે જ કહો, હોય છે?
સંબંધોમાં વીટો પાવર. વાહ, કન્સેપ્ટ વિચારવા જેવો તો છે હોં. જે ઘરોમાં હજુ જૂની પેઢીનું રાજ ચાલે છે, વડીલોના દબદબા કરતા તેમનું માન સન્માન વધુ છે એવા ફેમિલીમાં આજે પણ વડીલોના હાથમાં ‘વીટો પાવર’ નહિ તો ‘નાકનું ટીંચકુ ચઢાવવાનો પાવર’ તો છે જ. અને આવું ટીચકું મારું હાળું વીટો પાવર કરતાં પણ વધુ ધારદાર અને અસરદાર સાબિત થતું હોય છે એવું મોટાભાગના ફેમિલીઝમાં અનુભવાતું હોય છે. એક મિત્રે કહ્યું ‘અમારા ઘરમાં મારા મોટાકાકા કહે એ પછી એની સામે કોઈ ચૂં કે ચાં ન કરી શકે’ એટલું કહી સહેજ અટકી ઉમેર્યું ‘એટલે એવું નથી કે મોટા કાકા હિટલર છે, પણ એની વાત જ એવી હોય ને કે આખા કુટુંબે એમાં એગ્રી થવું જ પડે’. બીજા એક મિત્રે કહ્યું ‘અમે આખી જિંદગી મારા દાદીમાના જુનવાણી, મરજાદી વિચારો અને ફરમાનો મુજબ જીવ્યે રાખ્યું એટલે સમજો ને કે અમારું ફેમિલી એકાદ દાયકો પાછળ રહી ગયું.’ ત્રીજા એક ફોર્ટી પ્લસ મિત્રે કહ્યું ‘આપણે હવે કંઈ નાના કીકલા નથી કે કોઈએ આપણને સલાહ કે સૂચન કે ઓર્ડર આપવાની જરૂર પડે, એટલીસ્ટ આ ઉંમરે એટલી પરિપક્વતા તો આપણી અંદર છે જ કે પરિસ્થિતિને સાચા અર્થમાં આપણે સમજી શકીએ અને સાચો નિર્ણય લઈ શકીએ.’ યુ નો, થોડું તો મરજી મુજબ જીવી લેવાની છૂટ હોવી જોઈએ ને..? એવો અમારો સૌનો આખરી સૂર હતો.
શું તમે એ વાત સાથે એગ્રી છો કે આજકાલ સંબંધોમાં લોકોની બ્રેક ફેલ થતી જાય છે? ખાસ કરીને નજીકના સંબંધોમાં ઝેરીલી વાણી, કુતર્કથી ભરેલા કે અવળા કે ગેરસમજ ભરેલા વિચારો અને અપમાનજનક વર્તન દિવસે ને દિવસે વધુ ને વધુ સ્પીડ પકડી રહ્યા છે? ક્યાંક ઉગીને ઉભી થતી દીકરી ‘કામ ચીંધતા’ મોટેરાઓ સામે વિદ્રોહ કરી રહી છે, તો ક્યાંક છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી પીએચ.ડી. કક્ષાના પ્રોફેસર સાહેબ સામે ‘બાથ’ ભીડી રહ્યો છે? ક્યાંક મરજી મુજબ જીવવાના ખ્યાલો સાથે ‘ગૃહ પ્રવેશ’ કરતી વહુ, સાસુ-સસરાના ‘વિદાય ગીતો’ વગાડવાના પ્લાન કરવા લાગી છે તો ક્યાંક પૌત્રની સગાઈના દિવસે વિધુર દાદાજીએ પોતે ‘થોડું મરજી મુજબ જીવવા માટે’ પુન:લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરીને આખા ફેમિલીની તમામ મરજીઓ પર ઠંડુ પાણી ફેરવી દીધું છે. કાશ પેલી દીકરીને કે વિદ્યાર્થીને કે વહુને કે દાદાજીને ‘રોકી’ શકે એવો ‘વીટો’ પાવર સમાજમાં કોઈ પાસે હોત તો કેવું સારું થાત!
પણ એક દિવસ અમારે સૌએ હોસ્પિટલ દોડવું પડ્યું. પેલા ફાસ્ટ બાઈકના શોખીન મિત્રનું એક્સિડેન્ટ થયું હતું. બે મહિનાનો ખાટલો, ચાલીસ હજારનો ખર્ચ અને ચહેરા પર કાયમી ડાઘની કિંમતે એ મિત્ર સાજો તો થયો પણ એ પછી એકાદ વર્ષ સુધી એ બાઈક ચલાવી ન શક્યો. કોઈની પાછળ બેઠો હોય તો પણ જરાક અમથી સ્પીડ વધતા ગભરાઈ જતો. થોડા સમય પહેલા જેના પર ગુસ્સો આવતો એની હવે અમને દયા આવતી. અમને થયું ‘વીટો પાવર’ના પણ બાપુજી જેવો કોઈ પાવર હોય તો એ છે ‘અનુભવનો પાવર’, ‘હારનો પાવર’ અને ‘સમયનો પાવર’. એક વડીલે કહ્યું ‘બહુ બધાની ચિંતા કરવી નહિ. નાના બાળકો બિચારા મોટી ભૂલ કરતા નથી અને મોટી ઉંમરનાઓ નાની ભૂલ કરતા નથી. બધાની જવાબદારી આપણી નથી. આપણે ખાલી આપણું ધ્યાન રાખવું. મરજી મુજબ જીવવું પણ એના માટે બીજાની મરજીને મારવી પડતી હોય તો બ્રેક મારી દેવી.'
મિત્રો, આજનો દિવસ આપણે આપણી બ્રેક ચેક કરીએ તો કેવું? આપણી જિંદગીનો વીટો પાવર જો કોઈ મિત્ર, સંત, શિક્ષક કે સંબંધીને આપણે આપી રાખ્યો હોય તો આજનો દિવસ આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનું એની પાસે ચેકિંગ કરાવી લઈએ તો કેવું? મરજી મુજબ જીવવાની લ્હાયમાં કોઈ નેગેટીવ સંબંધ પર વધુ પડતું લીવર દબાઈ ગયું હોય કે કોઈ પોઝીટીવ સંબંધ પર સજ્જડ બ્રેક મરાઈ ગઈ હોય તો આજના દિવસે પેલા વીટો પાવર વાળા અંગત આગળ દિલ ખોલી બધું સાફ સુથરું કરાવી, વાણી, વર્તન અને વિચારોમાં મસ્ત ઓઈલ-પાણી કરી જિંદગીની ગાડીને ફરી નવી ફ્રેશ કંડીશનમાં લાવીએ તો કેવું? અને હા, તમારા પેલા ‘કામ ચીંધતા’ મોટેરા સગાં કે પીએચ.ડી. પ્રોફેસર કે ‘વિદાય’ લઈ રહેલા સાસુ-સસરા કે દીકરા-વહુ અને પૌત્ર કોઈ પણ જાતના ‘એક્સિડન્ટ’ વિના જ તમને, ‘એ લોકોની મરજી મુજબ’ જીવતા જોઈ ખુશ ખુશ થઈ જશે એની મારી ગેરંટી? પોતાની જિંદગીને બચાવવાનો વીટો પાવર કાનુડાએ બીજા કોઈને આપ્યો હોય કે નહિ આપણને પોતાને ખુદને તો આપ્યો જ છે હોં! ઉદ્ધરેદાત્મનાત્માનમ એ ગીતા વચન તમે ભૂલી તો નથી ગયા ને?
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)