Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - પેટ સાફ તો સબ કુછ માફ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડાયરી સીઝન - 3 - પેટ સાફ તો સબ કુછ માફ

શીર્ષક : પેટ સાફ તો સબ કુછ માફ
©લેખક : કમલેશ જોષી

અમારા એક વડીલ કહેતા ‘પેટ સાફ તો સબ કુછ માફ’. અમારા એક મિત્રને ભજીયા બહુ ભાવે. પેટ ગમે તેવું બગડેલું હોય, ભજીયા જોઈને એનું મન કાબૂમાં ન રહે. સહેજ આગ્રહ કરો કે તરત જ એક પ્લેટ તો ચટ કરી જ જાય. બે વાર તાણ કરો એટલે બીજી પ્લેટ ઉપાડી લે. સહેજ વધુ ખેંચો તો ત્રીજી અને ચોથી પણ ગટકાવી જાય. એમાંય જો વચ્ચે યાદ કરાવો કે ‘ભાઈ, તું આવ્યો ત્યારે કહેતો હતો કે તારા પેટમાં ગરબડ છે, એટલે જરા ધ્યાન રાખજે’ એટલે એ ભાઈ બે ક્ષણ તમારી સામે તાકી રહે અને પછી હસી પડતા બોલે ‘પેટ પેટનું કામ કરે આપણે આપનું કામ કરવાનું...’ કહી પાંચમી પ્લેટ પણ ઉપાડી લે. એ પછી એનો ચહેરો જોવા જેવો થાય. એણે તો એનું કામ કરી લીધું હવે ભજીયા પોતાનું કામ શરુ કરે એટલે ભાઈ સાહેબ મોં વકાસી સૌની સામે દયામણી નજરે જોતા કહે ‘સાલું ભાગવું પડશે...’

હમણાં એક વડીલે બેસ્ટ મકાન કેવું હોવું જોઈએ એ સમજાવતા ખાસ ત્રણ ફેસીલીટીને ફરજીયાતના લીસ્ટમાં મૂકી. એમાંની ત્રીજી ફેસીલીટી એવી હતી જે મકાનમાં આપણને ‘ગમતી’ વસ્તુઓના લાંબા લીસ્ટમાં ક્યાંય નહોતી. પહેલી હવા ઉજાશ, બીજી પાણીની બેસ્ટ આવક માટે નળની લાઈન કે બોર અને ત્રીજી એટલે અપટુડેટ ગટર. અરે.. ગટર? આવી મસ્ત મજાની વાતો ચાલતી હોય એમાં અશુદ્ધ, ગંધાતી ગટરનો ઉલ્લેખ પણ જરા ચચરી જાય એવો લાગ્યો નહિ? પણ પેલા વડીલનું વાક્ય હતું કે ઘરમાં પી.ઓ.પી., એ.સી., સોફા, ટીવી કે ફ્રીઝ નહિ હોય તો પણ ચાલશે પણ ગટર વિના ઘરની રચના ઈમ્પોસીબલ છે. હા, તમે એને અન્ડરગ્રાઉન્ડ કરી શકો પણ તમે એને કેન્સલ ન કરી શકો.

મિત્રો, સ્વચ્છતા, શુદ્ધતા અને સજ્જનતાના સર્જક અને ચાહક એવા આપણે ભૂલી જઈએ છીએ કે ઘરમાં, શેરીમાં કે સમાજમાં જે અશુદ્ધતા કે દુર્જનતા પ્રવર્તી રહી છે એના સીધા કે આડકતરા સર્જક આપણે પણ છીએ. હા, હા ભૂલી જ જઈએ છીએ. તમે જ વિચારીને કહોને કે તમે તમારા ફળિયામાં વહેતી ગટર સામે અણગમા સાથે જુઓ છો ત્યારે તમને એક ક્ષણ માટે પણ વિચાર આવે છે ખરો કે એમાં વહેતી ગંદકીના સર્જનની પ્રક્રિયામાં તમે પોતે પણ થોડા-ઘણા અંશે ફાળો આપ્યો છે. અરે... આપણે તો એ વાત પર પણ કદી ઊંડો વિચાર નથી કર્યો કે આપણી ભીતરે જ ગંદકીના સર્જનની પ્રક્રિયા થઇ રહી છે.

એક મિત્રે પ્રશ્ન ઉઠાવ્યો ‘ચાલો માની લઈએ કે ઘર કે શેરીની ગટરમાં વહેતી ગંદકી માટે આપણે પણ જવાબદાર છીએ પણ શેરી,સોસાયટી,ઓફિસ કે સમાજમાં પ્રવર્તતી દુર્જનતા અને બદમાશીની ગંદકી માટે આપણે કેવી રીતે જવાબદાર?’ પ્રશ્ન તો સાચો હતો. આપણે તો ખુદ આવી બદમાશીથી હેરાન પરેશાન થતા હોઈએ છીએ. આપણે એનું સર્જન શા માટે કરીએ? પેલા વડીલે ફરી ઘરની ગટર તરફ આંગળી ચીંધી. અમે સૌ વિચારમાં પડી ગયા ‘અમને ન ગમતી, પણ અમે જ સર્જેલી ગંદકી’ એ ગટરમાં વહી રહી હતી. પણ તોયે.. દુર્જનતા અને બદમાશી જેવી માનસિક ગંદકી આપણે શા માટે સર્જીએ?
મને યાદ આવ્યું. અમારો પેલો ભજીયા ખાઉં મિત્ર પોતાની સ્વાદ લાલસામાં બેફામ બની ‘ગંદકી’નું સર્જન કરી બેઠો એમ શું આપણે પણ ક્યાંક બેફામ, બેકાબૂ બની જઈને ‘બદમાશી’ના બીજ તો નથી વાવી દેતા ને? શું ફેસબુક કે વ્હોટસએપના પાનાઓ ભરીને શુદ્ધ સુવિચારોનો પ્યાલો ‘ગટગટાવનારા’ આપણે ગેરંટી સાથે કહી શકીશું કે ઓફિસમાંથી મોકો મળે તો પાંચ-પંદર મિનિટ વહેલા છટકી જવાનો કે ગ્રાહક જો ભોળો હોય તો નફો વધુ કમાઈ લેવાનો કે પેશન્ટ થોડો રીચ હોય તો બે પૈસાનું બિલ વધુ ફાડવાનો કે મજૂર થોડો ભલો હોય તો થોડી વધુ મજૂરી મફતમાં કરાવી લેવાનો કે કર્મચારી થોડો ગરજવાન હોય તો ઓછા પગારે વધુ કામ કરાવી લેવાનો અશુદ્ધ કુવિચાર કરી આપણે કદી ‘બદમાશી રૂપી ગંદકી’નું બીજ નથી વાવ્યું? શું આપણા બોસ કે આપણા ટાંટિયા તોડી નાખવાની ત્રેવડવાળા વ્યક્તિ સાથે મસ્ત મજાની, મીઠી મીઠી ભાષામાં વાતો કરનારા આપણે ગેરંટી સાથે કહી શકીશું કે આપણાથી નાના, આપણાથી ડરતા, જેને આપણી ગરજ છે એવા વ્યક્તિ સાથે સમય આવ્યે થોડી કડવી, થોડી તોછડી, થોડી ઇન્સલટીંગ ભાષામાં વાત કરી આપણે કદી ‘દુર્જનતા રૂપી દુર્ગંધ’નું બીજ નથી રોપ્યું?

મિત્રો, પેટ સાફ હોવા કરતા પણ વધુ અગત્યની બાબત છે મન સાફ હોવું. મન સાફ તો સબ કુછ સાફ. શું મગજમાં ચાલતી ગણતરીઓ, ચાલબાજીઓ, કાવાદાવાઓની દુર્ગંધ વચ્ચે આત્માનો અવાજ કે મનની પ્રસન્નતા પ્રગટી શકે ખરી? શું ઘરમાં, શેરીમાં, સમાજમાં થતી રોકકળ, ગાળાગાળી, મારામારી વચ્ચે કનૈયાની વાંસળીના સૂર સંભળાય ખરા? શું આપણે આવી બાહ્ય તેમજ ભીતરી દુર્ગંધ વગરની શુદ્ધ, સુગંધિત હોય એવી એક ક્ષણ પણ આખી જિંદગીમાં માણી શકીશું ખરા? મિત્રો, આજનો દિવસ આપણી સામે જે કોઈ પણ આવે એની સાથે ટોન્ટ વગરની સત્ય સભર વાણી, કપટ વગરનો પ્રોત્સાહક વિચાર અને સૌહાર્દ પૂર્ણ નિખાલસ વર્તન કરી એને થોડો સ્વચ્છ અને સજ્જન બનાવવાની કોશિશ કરીએ તો કેવું? એ તો બદલે કે ના બદલે પણ તમારી ભીતરે પોઢી જવાની તૈયારીમાં પડેલો સજ્જન ચોક્કસ ફરી જાગૃત થઈ ખીલી ઉઠશે, મ્હેકી ઉઠશે એની મારી ગેરંટી.
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)