શીર્ષક : તમે પરીક્ષા આપી છે?
©લેખક : કમલેશ જોષી
એવું સાંભળ્યું છે કે ‘જિંદગી એક પરીક્ષા છે જે છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહે છે.’ સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક એવી પરીક્ષાઓ લેવાતી. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન જેવા વિવિધ વિષયોના પેપર એક પછી એક દિવસે આવતા અને એમાં જે-તે વિષયના વિસ્તૃત, ટુંકમાં અને એક-બે વાક્યમાં એમ વિવિધ કેટેગરીના પ્રશ્નો પૂછાતાં, જેના લેખિત જવાબો આન્સર પેપરમાં અમે લખતાં. જિંદગી જો પરીક્ષા હોય તો, ગણિત-વિજ્ઞાનની જેમ એના વિવિધ વિષયો ક્યા ગણવાના? એક મિત્રે કહ્યું, "ઘણાં લોકોને આર્થિક પ્રશ્નો સતાવતા હોય છે તો ઘણાને કૌટુંબિક, કોઈને માનસિક ટેન્શન હોય છે તો કોઈને શારીરિક. કોઈ કોઈને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રશ્નો પણ બહુ ઊંડે સુધી પજવતા હોય છે."
હવે તમે કહો તમે એટલે કે તમે, જે આ લેખ વાંચી રહ્યા છો એ સુજ્ઞ વાચક મિત્ર, તમે કહો, તમે છેલ્લે, એટલે કે આજે-ગઈકાલે અથવા આ અઠવાડિયા દરમિયાન, કયો પ્રશ્ન સોલ્વ કર્યો? કયો પ્રશ્ન ઉકેલ્યો? શું છૂટાછેડા લેવા માટે કોર્ટના પગથિયાં સુધી પહોંચી ગયેલા કોઈ અંગત કપલને સમજાવી-બુઝાવી ફરીથી એક કરવા જેવા કે કોઈ અંગત વડીલની દસેક દિવસ સુધી રાત ઉજાગરા કરીને સેવા કરી, છેક આઈ.સી.યુ.માંથી હેમખેમ ઘરે પરત લઇ આવવા જેવા કોઈ મોટા પ્રશ્નો સોલ્વ કર્યા? કે પછી વ્હીકલમાં પંક્ચર સમું કરવા જેવા કે છત પર લાગેલી સોલાર પેનલની સફાઈ કરવા જેવા કે બાથરૂમમાં લીક થતો નળ બદલવા જેવા બેક નાના પ્રશ્નો સોલ્વ કર્યા? કે પછી દસની બદલે વીસ કે ત્રીસ મિનિટ સુધી ધ્યાનમાં બેસવાની કે બે હજારની બદલે ચાર કે પાંચ હજાર સ્ટેપ્સ ચાલવાની કે એકી બેઠકે એકસો આઠ ચાલીસા કરવાની કોઈ શારીરિક, ધાર્મિક કે આધ્યાત્મિક સાધનામાં પ્રોગ્રેસ કરવા મથામણ કરી સફળતા મેળવી?
એક વડીલે પંચિંગ લાઈન કહી. "ઘણાં ઠોઠ નિશાળીયાઓ પ્રસંગને પ્રશ્ન અને મહેફિલને મુશ્કેલી સમજી એને માણવાને બદલે ઉકેલવા, પાર પાડવા, ગંભીરતાથી મચી પડતા હોય છે. આવા લોકો પ્રસંગ કે ઉજવણી વખતે ઉર્જા, ઉત્સાહ કે ઉમંગને બદલે થાક, ત્રાસ અને ટેન્શન અનુભવતા હોય છે. રીલેક્સ યાર. પરીક્ષા ચોવીસ કલાકમાં ત્રણેક કલાક કે છ મહીને એકાદ અઠવાડિયું કે વર્ષ આખામાં એકાદ મહિના પુરતી જ આવતી હોય છે. બાકીના દિવસો તો લર્નિંગ, પ્રિપરેશન, સેલિબ્રેશન, ટ્રીપ અને ટુરના હોય છે." અમને થોડી નવાઈ લાગી. નિશાળમાં તો પિકનીક હોય પણ જિંદગીની પરીક્ષામાં પિકનીક કેવી? પેલા વડીલે બહુ મસ્ત પણ ગંભીર જવાબ આપ્યો, "મારા વાઈફને મોટી બીમારી હતી. અમે દર બે-ચાર મહીને મોટા સીટીમાં ઈલાજ માટે જતા. પહેલી બે વખત તો આખા રસ્તે અમે ટેન્શન અનુભવ્યું પણ ત્રીજી વખત મેં આઈડિયા લગાવ્યો. મોટા સીટીમાં જઈને ઈલાજ પતે પછી મેગા મોલમાં જઈને શોપિંગ કરવાનું. ઘરેથી નીકળીએ કે તરત જ શું-શું ખરીદી કરવાની છે એનું લીસ્ટ બનાવવામાં અમે એવા મૌજમસ્તી માણવા લાગ્યા કે ઈલાજ અમારા માટે એક પ્રકારની પિકનીક લાગવા માંડ્યો. અને હા મારા વાઈફ હવે તો મસ્ત રીતે ક્યૉર પણ થઈ ગયા છે હોં. એટલું ખરું કે હવે અમે એ મેગા મોલની પિકનીક મિસ કરતા હોઈએ છીએ. કમ ઓન યાર.. આફતને અવસરમાં ફેરવવાની કળા શીખવી અને ખીલવવી પણ શું સારા માર્ક મેળવવા માટે જરૂરી નથી?"
ઘણી વાર સાવ સહેલા પ્રશ્નો કે જેનો જવાબ માત્ર ‘ચપટી વગાડવા’ જેવડો કે ‘નાનકડા સ્મિત’ જેવડો કે માત્ર બે ઘડીનું મૌન ધારણ કરી લેવા જેવડો ટૂંકો અને સહેલો હોય છે પણ કેટલાક ‘અતિ ગંભીર જ્ઞાનથી પીડાતા’ નિશાળીયાઓ ખોટી વ્યાકરણ, હ્રસ્વઈ, દીર્ઘઈની પળોજણમાં પડી લાંબા લાંબા, ગરબડીયા, અષ્ટમ-પષ્ટમ જવાબો આપવાની લ્હાયમાં પડી પ્રસંગને પ્રશ્નમાં, અવસરને આફતમાં ફેરવી નાખતા હોય છે. હમણાં જ એક દિગ્ગજ નેતાને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ‘તમે તમારા ફ્યુચર વિશે શું વિચારો છો? તમારું આગળનું પ્લાનિંગ તમે શું કર્યું છે?' એણે બહુ જ સહજતાથી અને સાચુકલો જવાબ આપ્યો ‘હું જયારે પણ ફ્રી થાઉં ત્યારે માત્ર એટલું જ વિચારું છું કે આજે સાંજે હું કઈ વાનગી ખાઈશ?’ લો, હાંઉ? છે ને ચપટી વગાડવા જેવો જવાબ?
અને આપણે? નાનકડા ટેણીયાને પણ પૂછો કે ‘તે ફ્યુચર માટે શું વિચાર્યું છે? તો કહેશે ડોક્ટર, એન્જીનીયર થવું છે...’ મારા તમારા જેવાનો કોઈ મત પૂછે તો ‘દેશમાં ક્રાંતિની જરૂર છે, વિશ્વમાં શાંતિની જરૂર છે અને ભગવાનની પણ કેટલીક ભૂલો તો રહી જ ગઈ છે...’ જેવા અજબ ગજબ જવાબો આપણે પણ આપણા દિમાગમાં ઠાંસી ઠાંસીને ભરી રાખ્યા છે.
અમે ભણતા ત્યારે અમારા એક હોંશિયાર મિત્રનું પેપર કાયમ અધૂરું જ રહી જતું. એ અમારા સૌ કરતા ડબલ સ્પીડે લખતો, મેમરી પણ ગજબ તોયે.. દસ, વીસ માર્કનું તો છૂટી જ જતું. પૂછપરછ કરતા ખબર પડી કે એ મિત્ર પાંચમાંથી ત્રણ પ્રશ્નોના જવાબ પૂછ્યા હોય તો એ પાંચે પાંચના જવાબ લખી આવતો. ઓપ્શન પણ છોડતો નહિ. હવે તમે જ કહો ટાઈમ ઘટે નહિ તો બીજું શું થાય?
મિત્રો, જિંદગી પણ લિમીટેડ ટાઈમ માટે આપણને આપવામાં આવેલી છે. કેટલાક પ્રશ્નો, કેટલાક વૈભવો કે કેટલીક સમસ્યાઓ પણ ઓપ્શનલ હોય છે. જો બધું જ મેળવવા અને સોલ્વ કરવા જઈશું તો ડેફીનેટલી ટાઈમ ઘટશે એવું તમને નથી લાગતું? આજનો દિવસ પ્રસંગને પ્રસંગ સમજવાનો, પ્રશ્ન નહિ, કેટલાક પ્રશ્નોનો કેવળ સ્મિત કે મૌનથી જવાબ આપવાનો અને કેટલાક ઓપ્શનલ પ્રશ્નોને ટાળવાનો પ્રયત્ન કરીએ તો કેવું? રિઝલ્ટ તરીકે ભીતરે ગજબ ક્રાંતિ અને શાંતિ સર્જાશે અને ઈશ્વરની ભૂલો નહિ પણ ભવ્યતાના દર્શન થશે એની મારી ગેરંટી. ઓલ ધી બેસ્ટ.
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલના લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)