Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - ફક્ત પરણેલાઓ માટે

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડાયરી સીઝન - 3 - ફક્ત પરણેલાઓ માટે

શીર્ષક : ફક્ત પરણેલાઓ માટે
©લેખક : કમલેશ જોષી

લગ્ન જીવનની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહેલા અમારા એક વડીલની ફરતે અમે ચાર-પાંચ કપલ્સ બેઠા હતા ત્યારે સહેજ ધીમા પણ મક્કમ અવાજે વડીલ અમારી સામે લગ્ન જીવનની સફળતાના રહસ્યો ખોલી રહ્યા હતા. ચોથી, પાંચમી કે બારમી ઓવરમાં ત્રણ ચાર વાર ‘બોલ્ડ’, ‘હિડ વિકેટ’ કે ‘કેચ આઉટ’ થતા માંડ માંડ બચેલો ખેલાડી પચાસ ઓવર સુધી અણનમ રહી ચોગ્ગા છગ્ગા ફટકારી રહેલા ઓલરાઉન્ડર સામે જે ‘માન’ અને ‘શ્રદ્ધા’થી જુએ એટલી જ ત્વરાથી અમે કપલ્સ પેલા વડીલ દાદા-દાદી સામે તાકી રહ્યા હતા. વડીલને પૂછવામાં આવેલો પ્રશ્ન હતો “જો તમારા આટલા લાંબા, ખુશખુશાલ અને સફળ દાંપત્ય જીવનનું રહસ્ય એક વાક્યમાં કહેવું હોય તો તમે શું કહો?” વડીલે લગભગ દશેક સેકન્ડમાં અમારા સૌ પર એક નજર ફેરવી લીધી અને પછી દૂર દૂર નજર ટેકવી, જાણે લગ્નના પહેલા દિવસથી શરુ કરીને પચાસમાં વર્ષના આજના દિવસ સુધીના તમામ દિવસો, ફાસ્ટફોરવર્ડમાં રીકેપ કરીને જોઈ લીધા પછી જાણે જવાબ મળી ગયો હોય એમ ફરી નજર અમારા સૌ પર ટેકવતા માત્ર એક લીટીનું મંત્ર વાક્ય કહ્યું “અમે બંને એક બીજાને પૂરેપૂરા ‘સમજીએ’ છીએ...” અને પછી દાદા-દાદીએ એકબીજા સામે સંતોષપૂર્ણ નજરે જોયું. સામે બેઠેલા અમે સૌએ પહેલા તો પોતપોતાના લાઈફ પાર્ટનર સામે અને પછી એકબીજા સામે જોયું અને પછી સામે બેઠેલા વડીલ દંપત્તિની આંખોમાં પરસ્પર માટે રમતા ‘દાંપત્યભાવ’ને જોતા ગહન વિચારમાં પડી ગયા.
અમને હતું કે દાદાજી લગ્ન જીવનની સફળતાના રહસ્ય મંત્ર તરીકે ‘લવ’ કે ‘રોમાંસ’ કે ‘અરસ પરસની જરૂરિયાત’ કે ‘ગઢપણનો સથવારો’ કે એવું કોઈ કારણ સંભળાવશે પણ ‘એક બીજાને સમજીએ છીએ’ એવો જવાબ અમે કોઈએ એક્સપેક્ટ નહોતો કર્યો. પ્રાથમિકમાં અને હાઈસ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક કોઈ દાખલો કે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત આખે આખો બે ત્રણ વાર બોલી લે પછી પૂછતાં કે ‘સમજાઈ ગયું’ અને આપણે ‘સમજાયું હોય કે ન સમજાયું હોય’ લગભગ ‘હા’ એવો લાંબો લહેકો કાઢતા. એ સમયે ‘સમજાઈ જવા’ નો અર્થ ‘દાખલો ગણવાની ટ્રીક અથવા તો વિજ્ઞાનનો સિદ્ધાંત મગજમાં ઉતરી જવો’ એવો આપણે કરતા. પણ શું એક માણસને પણ ‘સમજવા’ની, એને આખે આખો ‘મગજમાં ઉતારવાની’ કોઈ પ્રક્રિયા હોય છે ખરી? અમારી સામે બેઠેલું સફળ વડીલ દંપતિ તો કંઇક એવું જ કહી રહ્યું હતું.
તમે યાદ કરીને ઈમાનદારીથી કહી શકશો કે ‘તમે એકઝેટલી લગ્ન શા માટે કરેલા?’
ઓહ, બહુ પર્સનલ થઇ જવાયું નહિ? કંઈ વાંધો નહિ, જાહેરમાં જવાબ ન આપો તો વાંધો નહિ, મનમાં તો વિચારો? શું ઉંમર થઈ ગઈ હતી એટલે કે પછી ઘર સાચવવા માટે કોઈની જરૂર હતી એટલે કે કોઈની સાથે લાંબા સમયથી ‘આઈ લવ યુ’ ચાલી રહ્યું હતું એટલે કે પછી લગ્ન તો નહોતા કરવા પણ મમ્મી-પપ્પાના અતિ આગ્રહને વશ થઇને તમે લગ્ન કરેલા?
“માણસ જન્મે પછી...” અમારા કાને પેલા વડીલ દાદાજીનો ધીમો પણ સ્પષ્ટ અવાજ પડ્યો એટલે અમે કાન સરવા કર્યા. એ શબ્દો ગોઠવતા હોય એમ બોલતા હતા. “માણસ જન્મે પછી.. જેમ જેમ મોટો થતો જાય.. બાળકમાંથી યુવાન બને, ત્યાં સુધીમાં જોયેલા દૃશ્યો અને થયેલા અનુભવો પરથી એ જિંદગી વિશેની પોતાની એક ધારણા ક્રિએટ કરતો હોય છે. એને તમે સેલ્ફ કહો, પોતાનું વ્યક્તિત્વ કહો કે સંસ્કાર કહો કે એની જીવન શૈલી કહો, જે કહો એ, પણ સાચા હોય કે ખોટા, કેટલાક સત્યો, કેટલાક સિદ્ધાંતો એના જીવનમાં છેક ઊંડે સુધી ઉતરી જતા હોય છે. ઉંમરના ડીફરન્સને કારણે ક્યારેક માતા પિતા પણ એની ‘લાઈફને જીવવાની સ્ટાઈલ એટલે કે લાઈફ સ્ટાઈલ’ને ‘સમજવા’માં નિષ્ફળ જતા હોય છે, ત્યારે વ્યક્તિની ભીતરે ‘સમજી શકે’ એવા પાત્રની ‘તલાશ’ જાગે છે.” આટલું કહી વડીલ સહેજ અટક્યા, એક ઊંડો શ્વાસ લીધો અને આખરી વાક્ય કહ્યું, "હું તમારા દાદીના જીવનની ધારણાઓને અને એ મારા જીવનના સિદ્ધાંતોને પૂરેપુરા સમજીએ છીએ અને એનું ખરા દિલથી સન્માન કરીએ છીએ, છેક છેલ્લા પચ્ચાસ વર્ષથી. બસ એ જ અમારા દાંપત્યજીવનનું રહસ્ય...’ કહી દાદાજીએ ફરી દાદીજી સામે માનભરી, વિશ્વાસપૂર્ણ, સંતોષપૂર્ણ અને પ્રેમપૂર્ણ નજરે જોયું. દાદીજીની આંખોમાં પણ દાદાજી માટે ‘ગૌરવ’, ‘શ્રધ્ધા’ અને ‘સમર્પણ’ દેખાયા.
મિત્રો, આજકાલના કપલ્સમાં ‘લવ’, ‘રોમાંસ’, ‘ઓપનનેસ’, ‘બોલ્ડ નેસ’ એ બધું જ ઠાસોઠાસ ભર્યું છે, બસ ઘટે છે તો ‘અન્ડરસ્ટેન્ડિંગ’ અને ‘રીસ્પેકટ’. "સમજી શકે" એવા પાત્રની શોધમાં દશેક વર્ષ લગ્નજીવન મોડું શરૂ કરનાર વ્યક્તિ લગ્ન ના દશ જ મહિનામાં સામેવાળા પાત્રમાં "સમજણનો છાંટો નથી" એવું "સમજવા" માંડે એનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે?
વળી, દેશના બજેટની આંટીઘૂંટીને કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની કોઈ પણ ‘ગુંચ’ને ‘ચપટી’ વગાડતા ‘ઉકેલી’ નાખનાર ચેમ્પિયન પણ પોતાના લાઈફ પાર્ટનરના મનોભાવોને સમજવામાં ‘થાપ’ ખાઈ જાય એની સંભાવના પણ ઓછી નથી હોં. બસ, એટલું યાદ રહે કે આપણી સાથે જે વ્યક્તિ જીવનના ચાર-પાંચ કે સાત દાયકા ‘કાઢવા’ તૈયાર થયું છે એ વ્યક્તિને પણ ‘માનવ દેહ ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થયા પછી, માંડ માંડ મળ્યો છે અને એ આપણે આપણી મિસ અંડરસ્ટેન્ડિંગને કારણે વેસ્ટ જવા દેવો નથી’ તોય આપણી નેચરલ ઈન્ટેલીજન્સનું એ ટોંચનું એચીવમેન્ટ ગણાય એવું અમારા પેલા વડીલનો તો માનવું છે.
મિત્રો, આજનો દિવસ, આપણા લાઈફ પાર્ટનરને એક સાચા ફ્રેન્ડ, પવિત્ર ફિલોસોફર અને બેસ્ટ ગાઈડ જેટલું માન આપીએ તો કેવું? સામું રીએક્શન પણ સો ટકા એવું જ આવશે એની મારી ગેરંટી.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)