૧૫ વર્ષ પછી...
“વાહ પપ્પા, તમે તો બોવ જ મસ્ત લાખો છો હો!” નવા ઘરમાં સામાન ગોઠવતા ગોઠવતા આદ્રિતી એના પપ્પાની ડાયરી વાંચી રહી હતી.
“તમારે તો લેખક કે કવિ બનવા જેવું હતું. અને સાચે તમે તો મમ્મીને ખુબ ખુબ પ્રેમ કરો છો.” આદ્રીતીનું ધ્યાન હજુ ડાયરી વાંચવામાં જ હતું. પણ એ બીજા બોક્સ ખાલી કરી રહેલા એના પપ્પા એટલે આરવને કહી રહી હતી.
“અને તને પણ..” આરવે આદ્રીતીના ગાલ ખેચી કહ્યું અને પછી કાન ખેચતા થોડું ગુસ્સામાં બોલ્યા “કોઈની પર્સનલ ડાયરી આમ પૂછ્યા વગર ના વંચાય.”
પોતાની ભૂલ સમજાતા આદ્રિતી ડાયરી બંધ કરી અને હાથ જોડી એના પપ્પાને કરગરવા લાગી, “ઓહ પપ્પા, સોરી, માફ કરી દો..હવે નહિ વાંચું ક્યારેય...પ્લીઝ..કાન દુખાય છે” આરવે એનો કાન મુક્યો એટલે આદ્રિતી એના કાન પર હાથ ફેરવવા માંડી.
એકદમ ભૂરી આંખો, ગોળમટોળ અને નીર્દોસ ચહેરો. આદ્રિતી હજુ કિશોરાવસ્થામાંથી બહાર નીકળી હતી. સ્વભાવે એકદમ બોલકી, તડ ને ફડ કહેવાવાળી અને આમ ભોળી, કોઈનું દુખ ના જોઈ શકે અને...એના પપ્પાને અઢળક પ્રેમ કરતી છોકરી.
ડાયરી તો મૂકી દીધી પણ આદ્રિતીના મનમાં પ્રશ્નો પુરા ના થયા.
એ એના પપ્પાની પાછળ પાછળ ફરતી હતી એને જોઇને આરવ પણ ખીજાય ગયો. “શું છે દીકરા, કેમ આમ પાછળ પાછળ ફરે છે. જા તું તારો રૂમ તો ગોઠવ.” એમ કહી એણે બોક્સમાં રહેલી એક તસ્વીર કાઢી અને વ્યવસ્થિત સાફ કરી એના રૂમના બેડની સામેની દીવાલ પર લગાવી.
વિશાળ રૂમ, એકદમ સુસ્જ્જ રીતે સજાવેલો હતો. અદિતિને ગમતી વ્હાઈટ અને ગોલ્ડન થીમ, ઇન્ડોર પ્લાન્ટ્સ, એકદમ એસ્થેટિક રૂમ લાગતો હતો. બેડની સામેની દીવાલમાં આરવે એની અને અદિતિનો થોળના તળાવે ક્લિક કરેલો ફોટો એકદમ મોટી ફ્રેમમાં લગાડાવ્યો જેથી રોજ સવારે ઉઠીને એને આંખ ખોલ્તાજ આ ફોટો દેખાય.
બધો સામાન ગોઠવ્યા પછી બંને જમવા બેઠા. જમીને રોજની જેમ જ બંને અગાશી પર બેસીને વાતો કરી રહ્યા હતા.
“પપ્પા, કાલે મારો બર્થડે છે... તમે શું આપશો મને ગીફ્ટ માં?” આદ્રિતીએ એકદમ માસુમ ચહેરો કરીને આરવને પૂછ્યું.
આરવ આદ્રીતીને જોઈ રહ્યો. અદિતિએ વિચારેલો અદ્દલ એવો જ માસુમ ગોળમટોળ ચહેરો, ભૂરી આંખો અને ગાલ પર અદિતિને પડતા એવા જ ખંજન. જાણે ભગવાને પણ અદિતિની વાતો સાંભળી હશે એમ આદ્રીતી પણ એવી જ હતી.
“કાલે ને...કાલે દરવખતની જેમ જ આપણી કંપનીમાં હવન હશે. જેમાં તારે હાજર રહેવાનું છે. પછી અનાથાશ્રમમાં વસ્તુઓ આપીને તું છૂટી. તારે પછી તારા ફ્રેન્ડસ જોડે પાર્ટી કરવી હોય તો જજે પણ આટલું કામ પતાવ્યા પછી જ. આરવે સુચના આપી દીધી.
“અને પછી બધું કામ પતાવીને દર વખતની જેમ ઘ-૪ના ગાર્ડનમાં જશો. મમ્મીને યાદ કરવા હે ને?” આદ્રિતી એકદમ ભોળાભાવે આરવને કહી રહી હતી.
આરવ કશુજ ના બોલ્યો. જરૂરી કામ છે એમ કહી અને એ રૂમમાં જતો રહ્યો.
બીજા દિવસે આદ્રીતી અને અદિતિના બર્થડે તથા કંપનીના પણ સ્થાપના દિવસ નિમિતે હવન શરુ થયો. હવન પૂરો કરી અને બંને જણા કારમાં અનાથાશ્રમની મુલાકાતે ગયા. ત્યાં જ બધા બાળકો સાથે જમીને તથા જરૂરી સામાન આપીને આરવ ઘ-૪ના ગાર્ડને આવ્યો.
આખા દિવસનો થાક હતો છતાં જાણે આરવ આ સમય માટે રાહ જોઈ રહ્યો હોય એમ ફરી એ જ સમયે, પાછો આવ્યો. દર વર્ષની જેમ આજે પણ એની ડાયરી અને એ ઢળતી સંધ્યાએ બેઠેલા હતા. જગ્યા બદલાઈ ગઈ હતી કેમકે આટલા વર્ષો પછી ગાર્ડન પણ ઘણું બદલાઈ ગયું હતું પણ અદિતિની હાજરી અહિયાં એકદમ તીવ્ર મહેસુસ થતી. એ ડાયરીમાં લખી રહ્યો હતો.
“વ્હાલી અદી,
હેપી બર્થ ડે! તે જોયું? આદ્રિતી એકદમ એવીજ દેખાય છે જેવું તે મને કહ્યું હતું. જયારે મેં એને અનાથાશ્રમમાં જોઈ ત્યારે એને જોતાજ મને તારું કહેલું યાદ આવી ગયું. ભૂરી આંખો અને ગોળમટોળ ચહેરો. બધાએ મને આગળ વધી જવા કહ્યું અને હું આગળ વધી ગયો... પણ તારી સાથે. તારા સપના જો મારે પુરા કરવાના હતા. અદી, મને એક ફરિયાદ છે તારાથી હો.. તે બધાજ સપના મારી પાસે પુરા કરાવડાવ્યા પણ મારું એક જ સપનું હતું એ તે પૂરું ના કર્યું... તારી સાથે જીવવાનું.”
એ લખતોતો ત્યારે જ જાણે સુર્યાસ્ત એની હાજરી બતાવી રહ્યો હોય તેમ એના કિરણો આરવના શરીર પર પડી રહ્યા હતા. આરવને અદિતિની હાજરી મહેસુસ થઇ. એને થયું કે એ સાચું અહિં જ છે
“હું ત્યાં જ છું એ સુર્યાસ્તમાં, એ ઢળતી સંધ્યામાં, એક એક કિરણ જે ઢળતા સૂર્યના કિરણમાંથી નીકળી અને તને પહોચે છે એ દરેક કિરણમાં હું છું, તારી અદિતિ.”
ફરી એણે ડાયરીમાં લખ્યું, “તું ફરિયાદ પણ કરવા નથી દેતી મને. હું હજુ તને ફરિયાદ કરું છું ત્યાં જ તું આવી ગઈ મારી પાસે. તને ખબર છે અદી, આદ્રિતી મને એમ કહેતી હતી કે હું આ ડાયરી પબ્લિશ કરું...એણે નામ પણ મને કહી દીધું બુકનું, ‘સોલમેટ’. એ એવું જ માને છે કે આ ડાયરી જ મારી સોલમેટ છે... ખરું કહે છે એ...આ ડાયરી એટલે મારી અદિતિ અને અદિતિ એટલે મારી ‘સોલમેટ’.”
ડાયરી ને બંધ કરી અને સુર્યના કિરણોને એ માણી રહ્યો હતો. બાજુમાં બેસેલા છોકરાઓ રેડિયો વગાડી રહ્યા હતા. જેમાં આરજે બોલી રહ્યો હતો, “આજે તમને પેશ કરવા જઈ રહ્યો છું એક ખુબ જ જુનું સોંગ, જે ફેમસ સિંગર અરિજિત સિઘ દ્વારા ગવાયેલુ છે. તો ઇસ સોંગ કો આપ ઇસ ઢલતી શામ કે સાથ એન્જોય કીજીએ...
पल पल गिनके गुज़ारा
मानों कर्ज़ा उतारा
तुम से मुनासिब हुआ है
फिर से जीना हमारा
આરવ એ સોંગના શબ્દોને માણી રહ્યો હતો. જાણે એના જ જીવનનો હાલ એ સોંગ બતાવી રહ્યું હોય એમ...
***