૪ દિવસ પછી...
મીરાંબેનની તબિયત પહેલાથી વધુ સ્થિર હતી. કદાચ ૧-૨ દિવસમાં એમને રજા પણ આપી શકે એવા ચાન્સીસ હતા. રુશીએ એમને મળવાનું બને તેટલું ટાળ્યું હતું. એટલેજ એમને સ્પેશીયલ રૂમ કરતા જનરલવોર્ડમાં શીફ્ટ કર્યા હતા જેથી બધા વચ્ચે રુશી સાથે ઓછી વાતચીત થાય અને બધા હોવાથી એ વિચારોમાં પણ ઓછા રહે.
રુશી પણ મીરાબેનના સારા થવાથી ખુશ પણ હતી અને ચિંતામાં પણ. કેમકે એને ખબર હતીકે મીરાઆંટી સવાલો પૂછશે. એટલે બને એટલું એ બહાર વેઈટીગ એરિયામાં જ બેસતી અને કાઈક કામ હોય તો જ જનરલવોર્ડમાં જવાનું રાખતી.
આ બાજુ આરવ પણ મનનના જવાથી પોતાનું મન બુક્સમાં ડાયવર્ટ કરી રહ્યો હતો. એને અદિતિની જેમજ ડાયરી લખવાનું શરુ કરી દીધું હતું અને જેમ જેમ એ ડાયરીમાં પોતાના વિચારો ઉમેરતો ત્યારે ત્યારે એને સમજાતું હતું કે કેમ અદિતિ ડાયરીને ‘સોલમેટ’ કહેતી. એ એક એવી જગ્યા જ્યાં બધું જ નિ:સંકોચ લખી શકાતું. એણે જેમતેમ કરીને ભણવાનું પણ શરુ કરી દીધું હતું અને સાથે સાથે અદિતિના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો હતો.
એસપી ઝાલા આજે રાજકોટ જઈને આવ્યા હતા. ત્યાં એ અદિતિના કેસને લગતા કામ માટે જ ગયા હતા. જે જાણકારી એમને મળી એ સાચી છે કે નહિ એ ખુદ એમણે એમની આંખે જોયું અને પછી વિશ્વાસ આવ્યો. એમના અત્યાર સુધીના કાર્યકાળમાં પહેલી વખત આવો કેસ એ હેન્ડલ કરી રહ્યા હતા જ્યાં એમને સંબંધો અને એનું મહત્વ સમજાઈ રહ્યું હતું.
એ વિચારી રહ્યા હતા ત્યાંજ કોન્સ્ટેબલ અર્જુને મંગાવેલી ચા આવી.
“લાય લાય...સખત જરૂર હતી હો રઘા તારી આ ચાની..” ચાની પ્યાલી હાથમાં લઈને કોન્સ્ટેબલ અર્જુન બોલ્યા.
“સર, ખરેખર ગજબનો કેસ છે હો આ તો...” કોન્સ્ટેબલ અર્જુને ચાની એક ચુસ્કી લેતા બોલ્યા “સાચે, આ રુશી અને ધવલે તો ગજબ કરી બાકી! કોઈ આટલું કેમ કરી શકે!”
“કેમકે માણસ પાસે જે વસ્તુ ના હોય એની જ એને કિંમત વધુ હોય” એસપી ઝાલાએ ચાની ચુસ્કી લેતા જવાબ આપ્યો.
ચા પીધા પછી એ સીધા ધવલને જ્યાં રખાયો હતો એ બાજુ ગયા.
લોકઅપનો દરવાજો ખોલતાજ એ સીધા ધવલ બેઠો હતો ત્યાં એની સામે ઉભડક બેઠકે બેઠા. એક હાથ એમણે ધવલના ખભા પર રાખ્યો.
આ બધાથી અજાણ જયારે હાથ એમના ખભા પર મુકાયો એટલે એણે ઉપર જોયું. લાંબી દાઢી, નિસ્તેજ છતાય એકદમ માસુમ દેખાતો ચહેરો. એને જોઇને એસપી ઝાલાને ધવલ પર દયા આવી ગઈ.
“ધવલ, હવે તારા અહિયાં રહેવાના દિવસો પુરા થઇ ગયા છે.” એસપી ઝાલાએ એકદમ સ્વસ્થ અવાજે ધવલને કહ્યું.
“એટલે? એટલે તમને?..” ધવલ આંખો પહોળી કરીને એસપી ઝાલા તરફ જોઈ રહ્યો.
“હા..હું જાણું છું આ કોણે કર્યું છે એ..અને મીરાબેનને હવે એક-બે દિવસમાં હોસ્પીટલમાંથી રજા આપી દેશે.” વગર પૂછ્યે જ એસપી ઝાલાએ ધવલને મીરાબેનની તબિયત વિષે જણાવી દીધું.
“તો...રૂ...” ધવલ રુશી વિષે પૂછવા જતો હતો પણ આઘાતમાં એનાથી એકપણ શબ્દ નીકળી નહોતો શકતો.
“રુશી પણ ઠીક છે. તમને બંનેને એટલી સજા પણ નહિ થાય” એસપી ઝાલા ધવલને કહી રહ્યા હતા.
હજુ ધવલ ફાટેલી આંખે એમને જોઈ રહ્યો હતો. એણે જે સત્ય છુપાવવા માટે પોતાના ઉપર બધું ઢોળી દીધું એ સત્ય હવે એસપી ઝાલા જાણતા હતા. હવે એ સત્ય બહાર પણ લાવવાના હતા. અત્યાર સુધી વીતેલા તમામ દિવસો એણે આ દિવસ ના આવે એના માટે સહન કર્યા હતા. હવે શું થશે એ જ વિચારે એ પાછો ચિંતામાં આવી ગયો પણ એને એ વાતની શાંતિ પણ હતી કે એના મીરાઆંટી હવે ઠીક છે અને રુશી પણ.
એસપી ઝાલાએ લોકઅપમાંથી બહાર નીકળી અને આરવને મળવા બોલાવ્યો.
***
આખરે સત્ય શું છે? જાણો આવતા પ્રકરણમાં.