આગળ તમે જોયું કે રુશી એના રૂમે જાય છે આરામ કરવા. મનન અને આરવ બંને હોસ્પિટલ રોકાય છે. એ બન્ને ને હજુ ખબર નથી હોતી કે એ બહેન ખરેખર કોણ છે અને રુશી સાથે એમનું શું રીલેશન છે.
રુશીના ગયા પછી આરવ રુશીએ આપેલી ફાઈલ જોતો હતો. ફાઈલમાં આગળ નામ લખ્યું હતું એ આરવ મોટેથી વાંચ્યું, “મીરાબેન ગોર”.
‘કોણ હશે આ બહેન? એના વિષે તો મેં ક્યારેય નથી સાંભળ્યું...રુશી તો પટેલ છે તો આ કોણ હશે’ એવું એ મનમાં વિચારતો હતો. ત્યાંજ એક નર્સ આવી અને રુશી વિષે આરવને પૂછવા લાગ્યા. મનને નર્સને કહ્યું, “મેડમ, એ આરામ કરવા ઘરે ગયા છે, જે પણ હોઈ એ અમને કહો.”
નર્સે આ પહેલા પણ એમણે રુશી સાથે જોયેલા હોય એમને મીરાબેન વિષેની માહિતી આરવને આપી, “હવે પેશન્ટ આઈ.સી.યુ. માંથી જનરલવોર્ડમાં લઇ જી રહ્યા છીએ. આ પ્રિસ્ક્રીપ્શન છે આ પ્રમાણે દવા લઇ આવો ત્યાં સુધીમાં એમને જનરલવોર્ડમાં લઇ જવાની તૈયારી કરી દઈએ.” એમ કહી અને નર્સ દવાનું પ્રિસ્ક્રીપ્શન આરવને આપીને જતા રહ્યા.
મનને પ્રિસ્ક્રીપ્શન હાથમાં લઈને આરવને કહ્યું, “તું અહિયાં રે, હું દવા લઈને આવું. કદાચ તારી કાઈ જરૂર પડે તો.” એમ કહી અને ગ્રાઉન્ડ ફલોરમાં રહેલા મેડીકલમાંથી દવા લેવા ગયો.
દવા લઈને મનન ઉપર આવ્યો ત્યાં સુધીમાં મીરાબેનને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાઈ રહ્યા હતા. મનને મીરાબેનને સ્ટ્રેચરમાં જોયા. ગોળ મોઢું, આંખો બંધ હતી છતાય એ જાણી શકાતું હતું કે એ મોતને લાંબી લડાઈ બાદ હાર આપીને આવ્યા હશે એવો ચહેરા પરનો થાક છતાય, એકદમ માયાળુ ચહેરો. કોણ હશે આ આંટી? મનન વિચારતો હતો. ત્યાં નર્સે એની પાસેથી દવા માંગી અને એ મનને નર્સને આપી.
જનરલવોર્ડમાં શિફ્ટ થયા હોવા છતાં એકવાર પણ આરવ અને મનન એમને મળવા નહોતા ગયા. કારણ? કારણ એક જ કે એ કોણ છે એની એમને ખબર જ નહોતી. આરવને મનનના ગયા બાદ નર્સ પાસેથી એ જાણવા મળ્યુ હતું કે એમને ઉપરાઉપરી ૨ હાર્ટએટેક આવેલા હતા અને માંડ બચી શક્ય છે. છેલ્લા ૨૦ દિવસથી એ કોમામાં હતા અને રુશી સતત એમની સાથે હતી. પેશન્ટની એડમિશનની તારીખ અને સમય બરાબર અદિતિનું મૃત્યુ થયું એ દિવસની બપોર પછીની જ હતી.
આરવને થોડું વિચિત્ર લાગ્યું. એને પેલા કેમેરાનું દ્રશ્ય યાદ આવ્યું કે કદાચ રુશી અને ધવલ ઉતાવળમાં રૂમે આવ્યા અને પછી નીકળી ગયા. આ ઘટના બની એટલે કદાચ એ અને ધવલ બન્ને ઉતાવળમાં ત્યાંથી નિકળા હશે એવો એણે તાળો લગાવ્યો. છતાય સત્ય હજુ શું છે એ વિષે એ પૂરો અજાણ છે એવું એને પાકી ખબર હતી.
આ બાજુ રુશી પણ આટલા દિવસમાં પહેલી વખત શાંતિથી સુતી હતી. કેમકે મીરાબેનણી કંડીશન સ્થિર હતી અને બીજું કે આરવે અદિતિના મૃત્યુ પછી પહેલી વખત રુશી સાથે સારું વર્તન કર્યું હતું. આજે એને એકસાથે બે લોકો એની લાઈફમાં પાછા આવી ગયા એવું લાગ્યું. હજુ એ અદિતિને એટલીજ મિસ કરતી હતી. એણે રૂમ તો બદલી દીધો પણ અદિતિની યાદો હજુ એના હ્રદયમાં ત્યાં જ હતી.
“અદી, મિસ યુ યાર, તે આવું પગલું કેમ ભરી દીધું યાર, હું બધું જ સરખું કરી રહી હતીને... તને ખબર છે મને એમ લાગતું હતું તારા આવ્યા પછી કે મારું આ દુનિયામાં કોઈક છે. તારા લીધે મને આરવ જેવો ભાઈ મળ્યો, ધવલ જેવો કેરીંગ માણસ મારી લાઈફમાં આવ્યો અને એની સાથે મીરાઆંટી જે, મારી માટે મારા મમ્મી જેવા છે યાર. તું ગઈ અને જાણે મારા બધાજ સંબંધોને એકીસાથે મારાથી દુર લઇ ગઈ.” રુશી આજે અદિતિને ફરિયાદ કરી રહી હતી.
“ઓહ! ૬ વાગી ગયા! મારે ફટાફટ હોસ્પિટલ જવું પડશે. બિચારો આરવ રાહ જોતો હશે.આંટીને પણ કદાચ જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હશે. હું ફટાફટ પહોચું અને આરવને છૂટો કરું ત્યાંથી. એકતો બિચારાને કાઈ ખબર પણ નથી કે એ કોના માટે અહિયાં રોકાયો છે.” એમ બોલતા બોલતા ફટાફટ શાવર લઇ અને તૈયાર થઇ હોસ્પિટલ જવા નીકળી.
હોસ્પિટલ પહોંચી ત્યારે એને ખબર પડી કે મીરાબેનને જનરલવોર્ડમાં શિફ્ટ કરાયા છે એટલે એ ફટાફટ એ બાજુ ગઈ.
ત્યાં બહારજ આરવને એણે ઉભેલો જોયો. એને હતુજ કે મીરાબેનને એ નઈ મળે અને સારું થયું ના મળ્યો એમ વિચારતી એ આરવ પાસે પહોંચી.
“થેન્ક્સ આરવ, અને સોરી મેં બોવ મોડું કર્યું.” આવતાવેત જ રુશી આરવને બોલી.
“ઇટ્સ ઓકે રુશી. તે આમ પણ ઘણા દિવસથી આરામ નહોતો કર્યો. આમપણ પેલા આંટીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે એટલે હવે એમને સારું જ છે. તું ટેન્શન ના લઈશ હમમ..” આરવે રુશીને દિલાસો આપ્યો.
“હમમ..” રુશી ફક્ત આટલુજ બોલી.
ટેન્શનતો હજુ રુશીનું ક્યાં ખતમ જ થયું હતું. ધવલ જેલમાં હતો. આંટી કદાચ પૂછશે તો એ શું જવાબ આપશે એ રુશી વિચારતી હતી.
“રુશી, એક વાત પુછુ?” આરવે આખરે ના રહેવાતા રુશીને પૂછવાનું નક્કી કરી લીધું.
“હા પૂછને..” રુશી પણ જવાબ આપવા તૈયાર હતી.
“આ આંટી? આ કોણ છે? અમમ..કેમકે તારા તો... ક્યાંથી..અમમ ?? ધવલના.??” આરવ શબ્દો જોડી રહ્યો હતો.
રુશી કોઈજ ભાવ વગર બોલી, “હા તું સાચું સમજે છે. આ ધવલના મમ્મી નથી. એના પપ્પાએ તો એને...” રુશીથી હળવું ડૂસકું મુકાય ગયું.
ધવલના પપ્પાએ, ધવલના મમ્મીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા હતા. નાની ઉમરમાં માં વિહોણો બની ગયેલા ધવલને ક્યારેય માં જેવો પ્રેમ એની સાવકી માં પાસે મળ્યોજ નહોતો. આ એક રીઝન પણ હતું જેથી રુશી અને ધવલ એકબીજાની નજીક આવ્યા હતા. રુશીને માં-બાપણી છત્રછાયા નહોતી તો ધવલને પિતાનો હાથ હોવા છતાં પણ એ માં-બાપના પ્રેમથી હમેશા વંચિત રહ્યો હતો. એટલે જ ધવલ જેલમાં ગયો એટલે એના પપ્પાએ સાવકી મમ્મીના ચડાવ્યા પર પોલીસસ્ટેશનમાં જ બધાની હાજરીમાં એના નામનું નહિ નાખ્યું હતું. અને...કદાચ એટલે જ આ સાંભળીને પણ ધવલની આંખમાં આંસુ નહોતા.
“તો આ કોણ છે..રુશી?” આરવથી પૂછાય ગયું.
“નહિ કહી શકું હું તને આરવ...કદાચ હું તને કહીશ તો મારાથી ના બોલવાનું બોલાય જશે અને ધવલને આપેલું વચન તૂટી જશે.” રુશી રડતા રડતા બોલી.
“મને પણ લાગે છે રુશી, કે ધવલ પણ તારી જેમ જ નીર્દોસ હશે...”આરવ મનમાં બોલ્યો. એણે રુશીને રડતી જોઈ અને કશું આગળ ના પૂછ્યું.
ત્યાં સામે રાખેલી ગણપતિની તાંબાની મૂર્તિ સામે જોઈ અને બોલ્યો, “ભગવાન સત્ય એટલું તો કેમ ગુચાયેલું હોય છે કે એને ઉકેલવા જતા કઈ કેટલાય સંબંધો ગુચાવતા જાય છે?.. તમે નીર્દોસની આટલી કેમ પરીક્ષા લો છો?”
***
સત્ય... ક્યારેક સત્ય કરતા પણ પરિસ્થિતિ, સંબંધો અગત્યના બની જાય છે કે માણસ આ સંબંધો સાચવવા માટે અને પરિસ્થિતિને અનુકુળ રહેવા માટે સત્ય છુપાવવા મજબુર બની જાય છે.