7. ભરોસો
તેઓ એ એરલાઈનના એક સિનિયર અધિકારી હતા.
ઓફિસના કામે આજે અન્ય શહેરમાં ગયેલા. કામ પૂરું થતાં તોફાની હવામાન વચ્ચે તેમણે આ શહેરથી પોતાને શહેર, પોતાને ઘેર જવા અન્ય મુસાફરો સાથે ફ્લાઈટ પકડી.
કાળાં ડિબાંગ વાદળો અને જોરથી ફૂંકાતા પવનો વચ્ચે એરપોર્ટ પરનો કાળા સફેદ પટ્ટા વાળો હવાની રૂખ બતાવતો પટ્ટો આમથી તેમ ફડફડતો હતો ત્યાં સામેનાં શહેરમાં હવામાન ક્લિયર છે તેમ સૂચના મળતાં પાઇલોટે ફ્લાઈટ ઉપાડી તો ખરી.
ચોમાસાના દિવસો હતા. વિમાન ઉડ્યું ત્યારે તો હવામાન ચોખ્ખું હતું પણ ઓચિંતો હવામાનમાં પલટો આવી વરસાદ અને ગાજવીજ થવા લાગી. આકાશમાં જ તોફાન વચ્ચે વિમાન ફસાયું.
જોરદાર પવનમાં વિમાન સખત હાલકડોલક થવા લાગ્યું. બારી બહાર આંખ આંજી દેતી વીજળી અને કાન ફાડી નાખતો ગડગડાટ. કેપ્ટન દ્વારા વિમાનમાં સહુને સીટ બેલ્ટ બાંધી લેવાની સૂચના આપવામાં આવી. થોડી જ વારમાં વિમાન જાણે કપાયેલી પતંગ હોય તેમ હવામાં ગોથાં ખાવા લાગ્યું. પેસેન્જરોને હવામાં જ સળગી જશું તેમ લાગ્યું. ઓચિંતું વિમાન ઉછળતાં ઢીલા બેલ્ટવાળા પેસેન્જરોનાં માથાં શેલ્ફ સાથે ટકરાયાં. પાઇલોટે કુશળતાથી વિમાનને સંભાળી તો લીધું પણ હવે જાણે આકાશી દરિયામાં ડૂબકી મારી હોય તેમ ચારે બાજુ વરસાદી વાદળો વચ્ચેથી વિમાન માંડ પસાર થયું.
કેપ્ટન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે વિમાન તોફાનમાં ફસાઈ ગયું છે પણ અમે બનતા પ્રયત્નો કરીએ છીએ. સહુને સીટ બેલ્ટ બાંધી રાખી પોતાની જગ્યાએ સીટનો હાથો મજબૂત રીતે પકડી બેસી રહેવા સૂચના આપવામાં આવી.
વિમાનમાં ચીસાચીસ મચી રહી.
એવામાં વિમાને પલટી ખાધી. કેટલાક ઉતારુઓ ફંગોળાઈને એઇસલમાં ધસડાયા.
વિમાનમાં રોકકળ મચી ગઈ. બધા જ યાત્રીઓ જાણે મોતને નજર સામે ઊભું ભાળી ગયા.
સદભાગ્યે એ મોટાં વાદળમાંથી તો વિમાન બહાર નીકળી શક્યું. તોફાન ધીમું પડ્યું પણ હજી સારું એવું હતું.
પેલા અધિકારી હળવેથી પોતાની સીટ પકડી ઊભા થઈ પેસેજમાં આવ્યા. એમણે ઉભા થઈને કહ્યું, "ભાઈઓ, બહેનો, સહુ શાંતિ રાખો. કોઈને કાંઈ નહીં થાય. હું આ એરલાઇન્સમાં જ એક સિનિયર અધિકારી છું. આ પાઇલોટને સારી રીતે જાણું છું. તમારો પાઇલોટ ખૂબ કુશળ અને અનુભવી છે. તેના પર ભરોસો રાખો. પ્લીઝ, તેને આ ટેન્શન વચ્ચે તેનું કામ કરવા દો."
અધિકારીએ તો સાંત્વન આપ્યું પણ લોકોના જીવ તાળવે ચોંટી ગયેલા. સહુ ભગવાનનું નામ લેવા લાગ્યા. બધા જ એકદમ ડરી ગયેલા. અધિકારીએ ફરીથી તેમને સાંત્વન આપ્યું. એર હોસ્ટેસો બેલેન્સ જાળવી સહુને મદદ કરતી રહી .
આ બધા વચ્ચે તે અધિકારી ફરીથી પોતાની જગ્યાએ જઈ સ્વસ્થપણે બેઠા રહ્યા અને પોતે પણ મનમાં ભગવાનનું નામ લેતા રહ્યા.
તોફાન કદાચ ધીમું પડ્યું નહીં પણ આખરે ઉતરવાનું શહેર આવી ગયું. ભર વરસાદે વિમાને સલામત લેન્ડિંગ કર્યું.
નીચે ઉતરતાં જ લોકો લથડીયાં ખાતા આગળ વધ્યા. અધિકારીને પોતાને પણ ચક્કર આવતાં હતાં છતાં તેની પરવા કર્યા વિના થાય એટલી તાકાત એકઠી કરતા દોડી તેઓએ એરપોર્ટના ગ્રાઉન્ડસ્ટાફને કહી સહુને ચક્કરો અને ઉલટી બંધ થવાની દવા અપાવરાવી.
કેટલાકને કાનમાં નુકસાન થયેલું તેમને એરપોર્ટ સત્તાવાળાઓ તરફથી સારવાર અપાવવામાં આવશે તેમ જાહેર થયું.
જ્યારે અધિકારીએ જોયું કે બધું થાળે પડવા પર છે ત્યારે તેઓ પોતે એક ખૂણે જઈ બેસી ગયા. તબિયત તો તેમની પણ બગડી ચૂકેલી.
બેય પાઇલોટ પણ તેમની સાથે જ દવાઓ લેવા ઊભા. મુખ્ય પાઇલોટે કહ્યું કે તેમણે આ ભગીરથ કાર્ય સતત ટેન્શન અને ડર સાથે પાર પાડેલું. એની આ આકરી કસોટી હતી અને એમણે એ પાર ઉતરવા બદલ તેણે ભગવાનનો આભાર માન્યો.
હવે ભયમુક્ત થયેલા ઉતારુઓએ અધિકારીને પૂછ્યું કે જ્યારે બધા જ અત્યંત ભયભીત હતા ત્યારે તેઓ કેમ આટલા સ્વસ્થ હતા?
તેઓ કહે "પરિસ્થિતિ ચોક્કસ ડરામણી હતી છતાં મારે તો ઈશ્વરને યાદ કરતાં ગમે તેમ કરી એ વખતે સ્વસ્થ રહેવું પડેલું જેથી તમારો સહુનો ભરોસો એરલાઇન્સ, પાઇલોટ અને ખુદ ભગવાન પર થી ઉઠી ન જાય."
***