5.મધરાતનો મિત્ર
આજે અમે સહુ હોસ્ટેલાઇટ્સ ખૂબ ટેંશનમાં હતા. અમારી વાર્ષિક પરીક્ષા ચાલતી હતી. આ અમારી કારકિર્દીનું અંતિમ વર્ષ હતું. આ પરીક્ષા પણ અમારી સંસ્થામાં અઘરી ગણાતી. ભલભલા હોંશિયાર કહેવાતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફેઇલ થતા તો ઉચ્ચ કારકિર્દીનાં સપનાં રોળાઈ જતાં. માબાપના લખલૂટ પૈસા પાણીમાં જાય એ અલગ.
પહેલા પ્રયત્ને પાસ થવું ખૂબ અઘરું હતું. તે ઉપરાંત જરૂરી ન હતું કે તમે બીજા કે ત્રીજા પ્રયત્ને પણ પાસ થાઓ.
આ જ કારણે હું પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ ટેન્શનમાં હતો.
મેં આખો દિવસ સતત વાંચ્યા જ કર્યું.
સાંજે થોડો વખત ઊભા થઈને ઊંડા શ્વાસ લેતાં હોસ્ટેલની લોબીમાં આંટો મારતાં મેં આજુબાજુની રૂમોમાં જોયું તો સહુ વાંચતા તો હતા પણ સખત ટેંશનમાં હતા.
સામાન્ય રીતે મિત્ર દેખાય એટલે હળવી મઝાક કરવાનું ન ચૂકતા મિત્રો ખાલી નજર ઉપર કરી ફરીથી બુકમાં ઢાળી દેતા હતા.
12 સાયન્સમાં ઊંચા માર્ક અને ભારતભરમાં લેવાતી કઠિન એન્ટ્રન્સ ટેસ્ટ બાદ પસંદ થઈને અહીં આવ્યા પછી પણ છેક છેલ્લે, એક થી વધુ વખત નાપાસ થતાં ઘણા હતાશ થઈ જતા. અમુક પ્રયત્ને ફાઇનલ પાસ ન કરવાને કારણે કેટલાકે આપઘાત પણ કરેલા.
હું આખો દિવસ વાંચી મોડી રાત્રે અમારા કેમ્પસ પાછળ જ આવેલા દરિયા કિનારે ફ્રેશ થવા ગયો. ચારે બાજુ મોડી રાત્રીની શાંતિ પ્રવર્તી રહી હતી. આજુબાજુ કોઈ ન હતું. ઊછળતાં મોજાંઓની ગર્જનાનો અવાજ આવ્યા કરતો હતો. અજબ પ્રકારની નિરવ શાંતિ ઉપરાંત વાતાવરણ થોડું બિહામણું પણ લાગતું હતું. મને લાગ્યું કે આટલી રાત્રે હું એકલો જ અહીં આવ્યો છું.
ત્યાં મેં સહેજ દૂર બીજા ખડક પર એક છોકરો બેઠેલો જોયો. મેં તેને સ્મિત આપ્યું. તેણે સામું આપ્યું.
"ફ્રેશ થવા આવ્યો છે?" મેં પુછ્યું.
"મારી વાત છોડ. જો, તું સખત ટેંશનમાં લાગે છે. એક વાત કહું? રિલેક્સ થઈ જા. પરીક્ષા એ જ જિંદગી નથી ફેઇલ થવાય તો નાસીપાસ થવાય પણ મન ખંખેરી નાખવું. ફરીથી બીજો પ્રયત્ન. અને હા. એક વાત સમજી લે. ક્યારેય આપઘાતનો વિચાર ન કરવો. આપણી જિંદગી તો પુરી થઈ જાય છે પણ પાછળ માબાપ આજીવન કોચવાય છે. તેમનું દુઃખ જોઈ શકાતું નથી.
આપઘાત પછી પણ મનને પશ્ચાતાપ થયા કરે છે. ફ્રસ્ટ્રેશન છોડતું નથી. દેહથી જિંદગીનો અંત આવી જાય છે પણ આત્મા દુઃખી જ રહે છે ને દુઃખી કરે છે."
એમ કહી એ ફરીથી દરિયા સામે જોવા લાગ્યો.
મેં એનું નામ પૂછ્યું. એણે જવાબ ન આપતાં દરિયા સામે જ જોયે રાખ્યું.
મને એ વખતે આપઘાતના વિચાર આવતા નહોતા પણ જો અમુક લોકોની જેમ આટલે સુધી પહોંચ્યા પછી પણ બે ત્રણ વાર નાપાસ થાઉં તો ક્યાંયનો ન રહું, એવા વિચાર જરૂર આવ્યા કરતા હતા. માબાપના પૈસા પણ ખાસ્સા બરબાદ થઈ જાય અને અહીં સુધી, આ ખૂબ અઘરાં સિલેક્શન પછી, ચાર વર્ષ કઠિન ભણવા છતાં જો સફળ ન થઈએ તો ક્યાંય ના ન રહીએ. છતાં આ મિત્રની વાત તો સાચી હતી. આપણે તો જતા રહીએ, માબાપને શું થાય? શું દુનિયા છોડીને જતા રહેવા છતાં આપણને ગ્લાનિ છોડતી નહીં હોય? એ પછી પણ પશ્ચાતાપ થતો હશે?
હું બધા વિચારો ખંખેરી કેમ્પસના ગેટમાં પ્રવેશી મારી રૂમ તરફ જવા લાગ્યો.
એની વાત સાવ સાચી હતી.
કોણ હશે એ? કઈ બ્રાન્ચમાં હશે?
હવે એનાથી દુર જતાં થોડી વાર આંટો મારી હું પાછો આવ્યો. મેં સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે કોઈ સ્ટુડન્ટ ત્યાં દરિયા પાસે ખડક પર બેઠો છે. સાવ એકલો.
ગાર્ડને નવાઇ ન લાગી.
તે કહે " હા. હું એને જાણું છું. ત્યાં એટલામાં, એ બીચ પર જ ક્યાંક બેઠો હશે. ઘણાને એ ત્યાં મળે છે. એણે તમને આપઘાત ન કરવા સલાહ આપી હતી ને? એણે પોતે પાંચ વર્ષ પહેલાં ત્યાંથી કૂદીને આપઘાત કરેલો."
***