Aaspaas ni Vato Khas - 9 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 9

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 9

8.શ્રદ્ધા!

તે મહાશયને આપણી કહેવતો પર ખૂબ શ્રદ્ધા હતી. તેઓ કહેતા ફરતા  કે કહેવતો ખૂબ ડહાપણથી આપણા પૂર્વજોએ બનાવી છે એટલે એ મુજબ  વર્તવાથી ફાયદો જ થાય.

 'ફરે તે ચરે'  એ કહેવત સાંભળી તેઓ પોતાનો વિસ્તાર છોડી બીજે વેપાર  કરવા ગયા તો  ખૂબ ફાયદો થયેલો. ત્યાં હરીફાઇ ઓછી નડી  અને અજાણ્યા માણસોનો સાથ મળ્યો,  નવો અનુભવ પણ મળ્યો. 

તેમાં પણ  આગળ જતાં 'બોલે તેનાં  બોર વેંચાય' સાંભળી તેણે એક લાઉડસ્પીકર લઈ  લીધું અને  પોતાનો જ અવાજ  મોબાઈલમાં રેકોર્ડ કરી તે  સ્પીકર સાથે જોડી  ગળાને  ઝાઝું કષ્ટ આપ્યા વગર બોલીને ઘણી વધારે કમાણી મેળવી.  તેઓ ભલે વેંચતા હતા બીજી કોઈ વસ્તુ, બોર નહીં. લાઉડસ્પીકર પર જાહેરાતને કારણે તેમની વસ્તુ વધારે વેંચાઈ.

'આપણી  કહેવતો બધી સાવ સાચું કહે છે, ભલે  દુનિયા ગમે તે કહે.' તેણે સહુને કહ્યું.

આમ ને આમ તેઓ જે કહેવત ક્યાંકથી સાંભળે એ મુજબ વર્તવા લાગ્યા અને તેમને લાગ્યું કે એમાં ફાયદો પણ છે.

એક દિવસ તેઓએ સાંજે સરખું એવું કમાઈ લીધું. આ બે કહેવતો બનાવનાર  પ્રાચિન    સંસ્કૃતિનો આભાર માનતા તે મહાશય ઘેર જવા નીકળ્યા. 

તેમના ઘેર જવાના રસ્તાની બાજુમાં એક ખાડો ખોદેલો અને તે ઓળંગી  શકાય એમ ન હતું. બેય બાજુ  મજૂરોએ ખાડો ખોદીને કાઢેલી માટીની   ટેકરીઓ હતી.   તેઓ લાંબે રસ્તે ફરીને  જવા  લાગ્યા પણ એ રસ્તો લાંબો હતો. તેઓ ભીડ  ઓળંગતા પગપાળા જઈ રહેલા. આમ તો  ટાંટિયાની કઢી થઈ જશે. ખાસ્સું ફરવું પડશે એમ તેમણે વિચાર્યું અને સમય બચાવવાના તથા ઓછું થાકવાના  લોભમાં તેઓ ઊંધા ફરી આગળ જવા ને  બદલે પાછા ફર્યા. તેઓ ખાડો જોઈ સહેજ અચકાયા તો ખરા પણ ફરીથી ઊંધા ફરે તે પહેલાં વળી કહેવત યાદ આવી - ‘ડગલું ભર્યું કે ના હટવું.’

તેમના મને ખાડો ઓળંગવાનો મક્કમ નિર્ણય કરી જ લીધો.

બાકી હતું તે તેમને કહેવત યાદ આવી- 'ખાડો ખોદે તે પડે.'

તેમણે ખાડા સામે એક નજર કરી. એમ તો ખાડો પહોળો અને ઊંડો હતો. બેય બાજુ માટીની ટેકરીઓ થઈ ગયેલી.

એક વાર ડર  તો લાગ્યો કે ક્યાંક હું આના ઉપરથી ઠેકીને જવા તો જઈશ પણ પડીશ નહીં ને!

પણ, ખાડો ખોદે તે પડે એવી કહેવત હતી. બીજા કોણ પડે કે ન પડે એવી કોઈ કહેવત હતી ખરી? તેમણે યાદ કર્યું. ખૂબ મગજ કસ્યું પણ એવી કહેવત કદાચ હતી જ નહીં.

 ‘તો ચાલો, એ કહેવત મુજબ હું પડવાનો નથી, હવે તો ખાડો ઓળંગી જ જાઉં.’ તેમણે પોતાને હિંમત આપવા બે ત્રણ વખત આમ કહ્યું.

વળી પેલી કહેવત યાદ આવી.  પ્રાચીન કહેવતોમાં શ્રધ્ધા રાખવી એ તેમનો નિયમ હતો.

'મેં ક્યાં ખાડો ખોદયો છે કે હું એમાં પડું?'  એમણે વિચાર્યું. ‘મજૂરો આમાં પડી શકે છે, ખાડો એમણે કર્યો છે. મને આ કહેવત મુજબ કાઈં થવું જોઈએ નહીં.’ આમ મનોમન કહેતા આપણા  મહાશય માટીના ટેકરા પરથી પગ મૂકી ખાડો કુદી સામે જવા ગયા.  માટી  તો હતી, પહેલાં તો તેમના પગ ખૂંપી ગયા. પણ ક્યાંય ભીની માટી ન હતી. તેમણે એ  ખાડા માંથી નીકળેલી માટીની ટેકરી પર જ કોઈ જગ્યાએ કઠણ ભૂમિ  જોઈ ત્યાં પગ ટેકવ્યા. પૂરી  તૈયારી સાથે સામે જોઈ અંતરનો ક્યાસ કાઢ્યો. જ્યાં સહેજ લાંબા થઈ ઠેકવા જાય ત્યાં તો પગ નીચેની માટી તરત જ  સરકી અને તેઓ ખાડામાં પડ્યા. કંઇક ઝડપથી ઠેક્વા  ગયેલા એટલે માટી  સરકી,  તેઓ પણ સરકીને પડ્યા. તેમનો પગ ભાંગ્યો ને બાકી હતું તે ખાડામાં ટૂંટિયું વાળી બેઠેલું કૂતરું એકદમ ડરીને ભસતું  ભસતું  ઊભું  થયું અને તેમને  બટકું ભરીને કરડી ગયું.

(કથાબીજ સ્વ.જ્યોતીન્દ્ર દવે.)

***