સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – ૧૭ – કબૂતર ઊડી ગયું
સેનાપતિ ગંડુરાવે તરત જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધા. રાજ વિરુદ્ધ બળવો થઇ રહ્યો છે એની ગંધ આવતાની સાથેજ તેણે આ બળવાને દબાવી દેવાના પોતાના પ્રયાસો શરુ કરી દીધા. તેણે એક ઝડપી ઊંટડીસવાર સંદેશવાહકને પલ્લડી ગામ મોકલ્યો એ સંદેશ સાથે કે તેણે ગામના નાયકને મળવું અને રાજકરણને ઊંઘતો ઝડપી લેવાનું કહેવું અને પકડી લીધા બાદ બને તેટલી ઝડપથી રાજકરણને નાયકે પોતાની સમક્ષ રજુ કરવો.
ઊંટડીસવાર જ્યારે પલ્લડી ગામના નાયકને મળ્યો ત્યારે આ નાયકને પણ રાજકરણ આ પ્રકારની મથામણમાં છે તે જાણીને આઘાત લાગ્યો. એને તો એમ હતું કે રાજકરણને પત્ની ચિત્રાએ આપેલા દગા પછી સાવ ઢીલો પડી ગયો હશે, પરંતુ એણે તો બાર-પંદર હજાર લોકોનું સૈન્ય ભેગું કરી લીધું હતું. નાયકને સહુથી મોટો આઘાત તો એ લાગ્યો કે રાજકરણે આ બધું પોતાના નાક નીચે કર્યું હતું.
આ આઘાત સાથે સમાચાર મળતાં જ નાયકને ભય પણ લાગ્યો કે અત્યારે તો સેનાપતિ ગંડુરાવે માણસ મોકલીને તેને જણાવ્યું છે પરંતુ જ્યારે તેનો સામનો ગંડુરાવ સાથે થશે ત્યારે તેની હાલત શું થશે? જે હશે તે તેણે ગમેત્યારે સેનાપતિનો સામનો તો કરવાનો જ છે, પણ અત્યારે તો રાજકરણને પકડી પાડીને પોતાની ફરજ બજાવે? કદાચ રાજકરણને પકડાયેલો જોઈને સેનાપતિનો ગુસ્સો થોડોઘણો ઠંડો પડી જાય.
નાયકે પોતાના દસ-બાર સૈનિકો સાથે લીધા અને પહોંચ્યો રાજકરણના ઘરે. ઘરના ડેલા પર મસમોટું તાળું લટકતું જોઇને નાયકના મનમાં ફાળ પડી.
‘ક્યાંક આવડો આ ભાગી તો નહીં ગયો હોય?’ નાયક મનમાં વિચારવા લાગ્યો.
થોડી પળ વિચાર કર્યા પછી તેણે સૈનિકોને તાળું તોડી નાખવાનો આદેશ કર્યો. ગામલોકો આ દ્રશ્ય જોઇને ભેગા થવા લાગ્યા. અંદરોઅંદર મસલત કરવા લાગ્યા. એમને ખબર જ હતી કે આ જોણું શા માટે થઇ રહ્યું છે. પલ્લડી ગામ આખું અમુક લોકોને બાદ કરતા રાજકરણના રંગે રંગાઈ ગયું હતું. તેમણે આટલા બધા દિવસો નહીં પરંતુ મહિનાઓ સુધી જબરદસ્ત મૌન જાળવ્યું હતું અને એથી જ નાયકને એની પીઠ પાછળ આટલું મોટું કાવતરું ચાલી રહ્યાની ગંધ સુદ્ધાં ન આવી.
સૈનિકોએ એક પછી એક ભાલાની અણી મારી મારીને તાળું તોડ્યું અને તમામ અંદર ઘુસ્યા. ગામવાળા ઘરની બહાર ઉભા રહીને મૂછમાં હસી રહ્યા હતા. કદાચ તેમને પરિણામની જાણ હતી.
રાજકરણના ઘરમાં ઘૂસતાં જ નાયક અને સૈનિકો આ નાનકડા ઘરમાં ચારેતરફ ફરી વળ્યાં પણ રાજકરણ તો શું તેની મૂછનો વાળ પણ તેમને ન મળ્યો. નિરાશ નાયક ગુસ્સે થઇ ગયો અને ગુસ્સામાં અને સેનાપતિ ગંડુરાવના ભયથી થરથર ધ્રૂજવા લાગ્યો. તે ધ્રૂજતા ધ્રૂજતા રાજકરણના ડેલામાંથી બહાર આવ્યો.
તેણે પોતાની સામે જોઈ રહેલા ગામવાસીઓ સામે કરડી નજરે જોયું. એને તરત ખ્યાલ આવી ગયો કે ગામવાળાઓ ભલે કશું બોલી નથી રહ્યા પણ તેમની નજરમાં તેના તરફે મશ્કરી અને ફિટકાર બંને હતા. તે ઝડપથી ગામના મુખ્ય ચોક તરફ ચાલવા લાગ્યો. ગામવાસીઓ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જેવો ચોક આવ્યો કે નાયક રોકાયો અને ઉંધો ફરી ગયો.
‘જગત ક્યાં મરી ગયો? ઘણા દિવસથી દેખાતો નથી?’ નાયકે સામે ઉભેલા ગામવાસીઓના ટોળામાં રાજકરણના કાકા જગતને શોધવા આંખો આમતેમ કરી.
‘એ બે મહિનાથી ચારધામની જાત્રાને નીકળી ગયો છે.’ ગામવાસીઓમાંથી કોઈ બોલ્યું, એના ચહેરા પર તોફાની સ્મિત હતું જે નાયક જોઈ ગયો.
‘હમમ.. હવે સમજ્યો.’ કહીને નાયક પોતાના નિવાસ તરફ ઝડપથી ચાલવા લાગ્યો અને તેની પાછળ તેના દસ સૈનિકો પણ ચાલવા લાગ્યા.
નાયકને પોતાની પીઠ પાછળ અનેક લોકો હસી રહ્યા હોય એવો ભાસ થયો. એ બે ઘડી થોભ્યો પણ પછી આ યોગ્ય સમય નથી એમ જાણીને ફરીથી ચાલવા લાગ્યો.
પેલો ઊંટડીસવાર વળતા જવાબની રાહ જોતો નાયકના નિવાસની બહાર ઊંટડીની લગામ પકડીને અને ચિલમ પીતો પીતો ઉભો હતો. નાયક તેની પાસે પહોંચતા જ થોભ્યો.
‘સેનાપતિને જાણ થાય કે કબૂતર ઊડી ગયું છે.’ આટલું કહીને નાયક પોતાના નિવાસની અંદર ચાલ્યો ગયો.
ઊંટડીસવાર નિરાશામાં માથું હલાવીને, ચિલમ બુઝાવીને ઊંટડી ઉપર સવાર થયો અને તેને આશાવન તરફ હંકારી ગયો.
નાયકની માનસિક હાલત અત્યંત ખરાબ હતી. તેના નાક નીચેથી આખા ગુજર પ્રદેશમાં બળવો ઊભો કરવાની યોજના બની ગઈ અને અમલમાં પણ મુકાઈ ગઈ એ જાણીને તો તેને આઘાત લાગ્યો જ હતો. પરંતુ પોતાના નિવાસથી માંડ પાંચસો ડગલાં દૂર રાજકરણના ઘરમાં આ બધું બની ગયું અને તેને ગંધ સુદ્ધાં ન આવી તેનો તેને ખૂબ રંજ હતો.
ઉપરાંત આ આઘાત અને રંજનું ઓસડ શોધે ત્યાં તો રાજકરણ ભાગી જવાથી બહુ જલ્દીથી સેનાપતિ ગંડુરાવનું કહેણ આવશે એના ભયથી એની કરોડરજ્જુમાં લખલખું પસાર થઇ ગયું. એ પોતાના નસીબને દોષ આપતો રહ્યો.
નાયક સેનાપતિના કહેણની રાહ જોતો હતો ત્યાં સંધ્યા સમય પહેલાં જ ફરીથી પેલો ઊંટડીસવાર તેના નિવાસ બહાર દેખાયો. દ્વારપાળોએ તેને તરત અંદર મોકલ્યો.
‘શું હતું?’ નાયકે ટૂંકમાં જ પૂછ્યું.
‘સેનાપતિજી પોતે પલ્લડી ગામ પધારી રહ્યા છે. આપને આદેશ છે કે તુરંત જ ગામના ચોકમાં તમામ ગામવાસીઓને ભેગા કરો. આવતાની સાથે સહુથી પહેલા સેનાપતિજી પેલા કબૂતરના માળાને જોવા માંગે છે. આથી તેની વ્યવસ્થા પણ કરજો. તેઓ અહીં આપના નિવાસસ્થાને આવી પહોંચે એટલે તરત જ તમારે તેમની સાથે તેમને કબૂતરનો માળો બતાવવા લઇ જવાના છે. ત્યારબાદ તેઓ પલ્લડી ગામના વાસીઓને સંબોધન કરશે.’
ઊંટડીસવાર સંદેશવાહક તેને નમન કરીને નીકળી ગયો, પરંતુ નાયકના હ્રદયના ધબકારા વધારતો ગયો. એને એમ હતું કે તેને આશાવન આવવાનું કહેણ આવશે અને એટલે મોડેથી તેને સેનાપતિ ગંડુરાવના ગુસ્સાનો સામનો કરવાનો આવશે. પરંતુ આ તો મોત સામેચાલીને આવી રહ્યું હતું અને એ પણ પળ-બે પળમાં જ.
ભયથી ધ્રૂજતો તે પોતાના નિવાસના દરવાજે આવીને ઊભો રહ્યો અને આશાવનથી પલ્લડી આવવાના રાજમાર્ગ પર પોતાની આંખ માંડીને જોવા લાગ્યો. આશાવન એ પલ્લડીથી ખાસ દૂર ન હતું એની એને ખબર હતી એટલે સેનાપતિનો રથ અને તેનો રસાલો બહુ જલ્દીથી તેની સમક્ષ આવીને ઉભો રહી જશે તેના વિષે તે વિચારવા લાગ્યો.
અને બન્યું પણ એવું જ. ઊંટડીસવાર હજી અડધે રસ્તે માંડ પહોંચ્યો હશે કે સેનાપતિનો રસાલો નાયકના નિવાસસ્થાને આવીને ઊભો રહ્યો. નાયક સેનાપતિ સાથે રાજકરણના નિવાસે જવા માટે પોતાના ઘોડા ઉપર બેસી જઈને તૈયાર જ હતો.
ગંડુરાવે રથમાં બેઠાબેઠા ગુસ્સાભરી નજરે નાયક સામે જોયું. નાયક નીચું જોઈ ગયો.
‘ચલો! નાયકજીની પાછળ પાછળ ચલો.’ ગંડુરાવે પોતાના સારથીને હુકમ કર્યો.
નાયક આગળ દોરવાયો અને બે પળમાં આ આખો રસાલો સાંકડી ગલીના કિનારે આવીને ઊભો રહી ગયો. ગામવાસીઓને ચોકમાં જ રાહ જોવાનો આદેશ હતો એટલે તેઓ ત્યાંથી જ આ દ્રશ્ય જોવા લાગ્યા. ગલીમાં રથ જઈ શકે તેટલી જગ્યા ન હોવાથી ગંડુરાવ રથમાંથી નીચે ઉતર્યો. નાયક પણ પોતાના ઘોડાને ગલીના નાકે જ ઉભો રાખીને સેનાપતિ સાથે ચાલવા લાગ્યો.
બંને સૈનિકો અને અંગરક્ષકો સાથે રાજકરણના ઘરની બહાર ઉભા રહ્યા.
‘નાયકજી, ધન્ય છે તમારી બુદ્ધિને. રાજકરણ તમારા છાયામાં રહીને આટલું બધું કરી ગયો એ ઓછું હતું કે તમે આ કર્યું?’ ગંડુરાવ રાજકરણના ઘરના ખુલ્લા દરવાજા સામે જોઇને બોલ્યો.
‘જી? હું સમજ્યો નહીં પ્રભુ?’ નાયક મૂર્ખની જેમ ગંડુરાવ સામે જોઈ રહ્યો.
‘ગુનેગાર જ્યારે ભાગી જાય છે ત્યારે તેની ઘર વખરી કબજામાં લઈને ઘરને રાજનું તાળું મારવું અને બહાર પહેરો ગોઠવવો આ સામાન્ય નિયમ પણ તમે ભૂલી ગયા? આટલા સમયથી ઘરનો ડેલો ખુલ્લો છે, પહેરો પણ નથી, તો અંદર એના માણસો કે શુભેચ્છકો કોઈ કળા કરી ગયા હશે તો આપણી પાસે શું પૂરાવા રહેશે?’
‘ઓહ! પ્રભુ, દગો એટલો મોટો હતો કે હું ભાંગી પડ્યો હતો. મને યાદ જ ન રહ્યું કે તપાસ પછી આ ઘરને રાજનું તાળું મારવાનું છે.’ નાયકે બંને હાથ જોડીને કહ્યું.
નાયકનો ખુલાસો ગંડુરાવને ગમ્યો નહીં એટલે એણે છાશિયું કર્યું.
ગંડુરાવ આખા ઘરમાં ફરી વળ્યો પણ એને કશું શંકાસ્પદ દેખાયું નહીં.
‘જગતકરણ સિંહ ક્યાં છે?’ ગંડુરાવે રાજકરણના ઘરની બહાર પગ મુકતાં જ નાયકને પ્રશ્ન કર્યો.
‘એ તો ચારધામ નીકળી ગયો, બે મહિના પહેલા.’ નાયકને ફરીથી પોતાની નિષ્ફળતા સ્વીકારવી પડી.
‘તમને કીધા વગર?’
‘જી... પણ મને ખ્યાલ નહોતો કે...’ હજી નાયક બોલે ત્યાં જ...
‘...કે આવું થશે! રાજકરણ ભાગી જશે, પણ એ પહેલા રાજ વિરુદ્ધ કાવતરું રચશે. જો જગત અહીં હોત તો આપણને કેટલી બધી મદદ રહેત એની તમને ખબર પડે છે? અને જગત પણ આ કાવતરામાં સામેલ નહીં હોય એની શી ખાતરી? કદાચ એટલે જ એ સમયસર ચારધામ ઉપડી ગયો હોય? ગંડુરાવનો અવાજ રુક્ષ થઇ ગયો.
નાયક મૂંગો રહ્યો. એની પાસે આ દલીલનો કોઈજ જવાબ ન હતો.
‘ચાલો હવે મૂર્તિની જેમ ઉભા ન રહો. ગામવાસીઓને ભય બતાડવો પડશે, નહીં તો સ્થિતિ હજી વધુ ખરાબ થશે.’ ગંડુરાવ ચોક તરફ ચાલવા લાગ્યો, તેની પાછળ પાછળ નાયક દોરાયો.