Sangharsh - 16 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સંઘર્ષ - પ્રકરણ 16

Featured Books
Categories
Share

સંઘર્ષ - પ્રકરણ 16

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – 16 – રાજકરણને મળ્યો સંદેશો

 

પલ્લડી ગામમાં બપોરની ગરમી આંટો લઇ ગઈ હતી. ગામલોકો ધંધા-વ્યવસાય બંધ કરીને ઘરમાં બપોરની ઊંઘ માણી રહ્યા હતા. એવામાં એક ઘોડેસવાર ગામમાં પ્રવેશ્યો. ગામના ચોકમાં એનો ઘોડો ઉભો રહ્યો. તેણે આસપાસ નજર કરી તો એક ચકલુંય ફરકતું ન હતું. તેને ચિંતા થઇ, આવામાં તે એક ખાસ વ્યક્તિ માટે જે ઉતાવળિયો સંદેશ લઈને આવ્યો છે એ કેવી રીતે એ વ્યક્તિને પહોંચાડવો?

ત્યાંજ તેને દૂર એક વડના ઝાડની નીચે એક ભિક્ષુક જેવો દેખાતો વ્યક્તિ સૂતેલો દેખાયો. તેણે પોતાનો ઘોડો ત્યાં વાળ્યો. 

‘એ ભાઈ! એ....ભાઈ! આ રાજકરણજીનું નિવાસ ક્યાં છે?’ એ ઘોડેસવાર ઘોડા ઉપર બેઠો બેઠો પેલા ભિક્ષુકને પૂછવા લાગ્યો.

ભિક્ષુકને ઊંઘમાં ખલેલ પહોંચી એણે સુતાસુતા જ હાથથી ઘોડેસવારને ત્યાંથી જતા રહેવાનો સંકેત કર્યો.

‘ભાઈ, મારે એમને મળવું અત્યંત જરૂરી છે.’ ઘોડેસવારે આગ્રહ કર્યો.

ભિક્ષુકે ફરીથી તેને જતા રહેવાનો સંકેત કર્યો. આ વખતે એ સંકેત જરા વધુ રોષભર્યો હતો. 

‘ભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું.’ પેલાએ બે હાથ જોડ્યા.

‘તું જા ને ભાઈ! કોઈ બીજાને પૂછ. ત્રણ દિવસે માંડ આજ સારું ભોજન મળ્યા પછી ઊંઘવાનો વખત મળ્યો છે, ઊંઘવા દે ને?’

‘આ તડકામાં ગામ આખું ઘરમાં બંધ છે ભાઈ, બોલ ને!’

ઘોડેસવારના આ છેલ્લા વાક્યે એ ભિક્ષુકને થોડું આશ્ચર્ય પમાંડ્યું. એણે આંખ ઉપરથી પોતાનો હાથ ઉપર કર્યો અને ઘોડેસવારને જોયો. 

ઘોડેસવારનો અવાજ તો ભારે હતો પણ તેના અવાજમાં લટકો સ્ત્રીનો હતો એટલે ભિક્ષુકને નવાઈ લાગી અને તેણે પોતાનો હાથ ખસેડ્યો હતો. જોયું તો ખરેખર સ્ત્રૈણ શરીર ધરાવતો એ ઘોડેસવાર સ્ત્રીના જ કપડા પહેરીને ઘોડા પર બેઠો હતો, એણે પોતાના બંને હાથ ભિક્ષુક સામે જોડી રાખ્યા હતા. 

‘એવું તે શું થયું? મરવા-મારવાનો વખત આવી ગયો કે શું?’ ભિક્ષુકે બેસતા બેસતા પૂછ્યું.

‘હા, ભાઈ, રાજકરણભાઈના જીવન ઉપર ભય છે.’

‘દેસ માટે આટલું કરવાવાળા રાજકરણભાઈને કોણ મારવા માગે છે?’ 

‘ભાઈ, એ બધું હું એમને જ કહું તો? મારા માટે એક-એક પળ ગંભીર છે. દરેક વીતેલી પળે મૃત્યુ રાજકરણભાઈ તરફ ડગલાં માંડી રહ્યું છે. તમે મને એમનું નિવાસ બતાવશો?’ ફરીથી ઘોડેસવારે એના સ્ત્રૈણ લટકામાં ભિક્ષુકને વિનંતી કરી.

‘પેલા ચાર લીમડાવાળો ચોક દેખાય છે? ત્યાંથી સાતમું ઘર રાજકરણભાઈનું.’ 

‘આભાર ભાઈ! તમારી આ મદદ માટે હું તમારો ઘણો ઘણો આભારી છું.’ આટલું કહીને એ ઘોડેસવાર ઘોડા નીચે ઉતર્યો અને પોતાના અંગરખામાંથી એક સોનામહોર કાઢી અને ભિક્ષુકના હાથમાં મૂકી દીધી.

આ રાજ્યની સહુથી ઊંચા મૂલ્યની સોનામહોરોમાંથી એક પોતાના હાથમાં આવેલી જોઇને ભિક્ષુક ઘા ખાઈ ગયો. એ તેની બંને તરફ એક પછી એક ઉલટાવીને જોઈ રહ્યો. આટલી મોંઘી ભિક્ષા તેને આજ સુધી નહોતી મળી. એને લાગ્યું કે આ ઘોડેસવાર નક્કી પોતાની સાથે અતિશય મહત્વનો સંદેશ લઇ આવ્યો છે જેનું મૂલ્ય આટલું બધું છે. તેણે પોતાનું માથું ઊંચું કર્યું ત્યાં તો પેલો ઘોડેસવાર પોતાના ઘોડાની લગામ પકડીને ચાલતો ચાલતો છેક ચાર લીમડાવાળા ચોક સુધી પહોંચી ગયો હતો. ભિક્ષુકે દૂરથી જ એ ઘોડેસવારને વંદન કર્યા અને સોનામહોરને પોતાના કપડામાં છુપાવીને ફરીથી ઊંઘી ગયો. 

‘રાજકરણભાઈ છે?’ રાજકરણના ઘરની બહાર ચોકી કરતા એક ચોકીદારને પેલા ઘોડેસવારે પૂછ્યું.

‘હા, છે ને? તમારે શું કામ પડ્યું?’ ચોકીદારે અત્યંત નમ્રતાપૂર્વક વળતો પ્રશ્ન કર્યો.

‘મારે એક મહત્વનો સંદેશો આપવાનો છે.’ ઘોડેસવાર ફરીથી પોતાના સ્ત્રૈણ લહેકામાં બોલી રહ્યો હતો.

‘એ સંદેશો તમે મને આપી શકો છો, હું પહોંચાડી દઈશ.’ ચોકીદારે ફરીથી નમ્રતા દર્શાવી.

‘આ સંદેશ એમનાં સિવાય બીજા કોઈને અપાય એવો નથી.’ 

‘હું એમ તો તમને મળવા ન દઉં. હું એમનાં ખાસ મિત્ર ધૂળીચંદભાઈને એ સંદેશ આપી દઉં તો?’

‘ભાઈ, આ સંદેશ ફક્ત રાજકરણભાઈ માટે જ છે અને એમનાં સિવાય આ સંદેશ હું બીજા કોઈને ન આપું એવો આદેશ લઈને હું આવ્યો છું.’

‘તમે બે પળ ઉભા રહો, હું ધૂળીચંદભાઈને પૂછતો આવું.’

‘હા ભાઈ, તમે ત્યારે તમારી ફરજ બજાવો, પણ બહુ વાર ન કરતા, એક-એક પળ ગંભીર છે.’

ચોકીદાર આ છેલ્લા વાક્યે ચમક્યો એટલે એણે ઝડપથી દરવાજો ખોલ્યો અને અંદરની તરફ દોડ્યો. બે પળ માંડ વીતી હશે કે રાજકરણ સાથે જ એ ચોકીદાર બહાર આવ્યો.

‘આવો માતાજી, આવો. મારા અહોભાગ્ય કે તમારા પગલા મારે ઘેર પડ્યા. જય બહુચર મા!’ કહીને રાજકરણ પેલા ઘોડેસવારને પગે લાગ્યો.

‘અરે! મારા વીર! તારે પગે ન લાગવાનું હોય. તું તો ગુજરદેશનું ભવિષ્ય છે. તું અમારો નાથ બનવાનો છે. પણ વીરા સમય ખરાબ આવી રહ્યો છે, એ વસ્તુ કહેવા જ હું અહીં આવ્યો છું.’ પેલા ઘોડેસવારે રાજકરણના ખભા પકડીને તેને ઉભો કરતા કહ્યું.

‘આવો માતા, આપણે અંદર જઈને જ વાત કરીએ.’ 

રાજકરણ અને પેલો ઘોડેસવાર રાજકરણના ઘરની અંદર ગયા. અહીં પાથરેલા એક ઢોલીયા પર બંને બેઠા. થોડીવારમાં ગોળવાળું પાણી પણ આવી ગયું. 

‘પીવો માતા. તમે ધોમધખતા તાપ સહન કરીને છેક આશાવનથી અહીં આવ્યા છો. જોખમની વાત તો પછી થશે.’

ઘોડેસવારે ગોળના પાણીનો પ્યાલો મોઢે માંડ્યો અને બીજા હાથેથી રાજકરણના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. એટલામાં ધૂળીચંદ પણ આવી પહોંચ્યો. એ આવીને તરત ઘોડેસવારને પગે લાગ્યો. પેલો ઘોડેસવાર તો આવી આગતાસ્વાગતા અને આટલું બધું માન મેળવીને રીતસર ગળગળો થઇ ગયો. એની આંખો ભીની થઇ ગઈ. રાજકરણ આ જોઈ રહ્યો, એ સમજી ગયો કે ન તો એને જીવનભર આટલું માન મળ્યું હશે કે ન તો તેણે અહીં આવતા પહેલા આટલું બધું માન મળશે એની અપેક્ષા રાખી હશે. 

‘બોલો માતા, પહેલા તો તમારું નામ આપો અને તમારો પૂરો પરિચય આપો.’ રાજકરણે હાથ જોડીને ઘોડેસવારને વિનંતી કરી.

‘વીરા, મારું નામ સંતોષ. હું મૂળ બહુચરમાતનું સંતાન. મારા જેવા અસંખ્ય સંતાનો કાં તો જન્મના સમયે દૂધ પીવડાવીને માતાના ચરણે ધરાવી દેવાય છે, કે પછી ભાન આવતાની સાથે કુટુંબમાંથી કાઢી મુકાય છે. હું પણ એવો જ એક અભાગી છું. પણ અમુક સમય પહેલા મને રાજના એક મોટા અધિકારીના સેવિકાવાસની દેખરેખ કરનારનું કામ મળી ગયું. અમારા જેવાઓને સેનમાં ભરતી કરી શકાતા નથી અને સ્ત્રીઓ માટે જરાય હાનિકારક નથી હોતા એટલે અમને આવું કાર્ય તરત મળી જતું હોય છે. હું એ સેવિકાવાસમાંથી જ આ સંદેશ લઈને સીધો આવું છું.’

‘તમારું સ્વાગત છે માતા. હવે બોલો શો સંદેશ લઈને આવ્યા છો તમે મારા માટે?’ 

પોતે લાવેલા સમાચાર ભયના હતા તેનો ખ્યાલ હોવા તેમ છતાં રાજકરણ જે ઠંડી માનસિકતા દેખાડી રહ્યો હતો એ જોઇને સંતોષ આભો બની ગયો હતો.

‘સંદેશ આપું એ પહેલા મને જે આદેશ આપવામાં આવ્યો છે એ કહી દઉં વીરા?’ સંતોષે પૂછ્યું.

‘ચોક્કસ માતા. તમારી જે મરજી હશે તેને હું નહીં ઉથાપું.’

રાજકરણનું વચન સાંભળીને સંતોષને રાહત થઇ કે તેને જે આદેશ આપવામાં આવ્યો હતો કે તેણે પોતાની અને એને જે હુકમ આપવામાં આવ્યો હતો તેના વિષે કશું નહીં બોલે તે આદેશનું પાલન કરી શકશે એટલે ફરીથી તેના પર પ્રેમ ઉભરાઈ આવ્યો તેણે પ્રેમથી રાજકરણના ગાલે હાથ ફેરવ્યો. 

‘હું કોનો સંદેશ લઈને આવ્યો છું એનું નામ ન કહેવાનો મને આદેશ છે. પણ હા, હું એટલું કહીશ કે હું રાજના એક બહુ મોટા મહેલમાંથી આવ્યો છું.’

‘ભલે માતા, હું તમને મારા શુભેચ્છકનું નામ પૂછીને તમને મુશ્કેલીમાં નહીં મુકું. આપ સંદેશો જણાવો.’

‘વીરા, રાજના ગુપ્તચરોએ આજે વહેલી સવારે મહાઅમાત્યને તમારા સ્વતંત્રતા મેળવવાના કાર્યક્રમના સમાચાર આપી દીધા છે. મહાઅમાત્ય આ સમાચાર લઈને મહારાજ પાસે ગયા હતા, પણ જાણવા મળ્યું છે કે મહારાજે એ બાબતે કોઈ ગંભીરતા દાખવી નથી. એટલે પછી મહાઅમાત્યે હમણાં થોડા સમય અગાઉ સેનાપતિજીને પોતાના પ્રાસાદ પર બોલાવીને આ વાત કરી હતી. 

આ ચર્ચામાં તમારા વિષેની તમામ માહિતી સેનાપતિજીને આપવામાં આવી છે અને સેનાપતિજી અત્યારે તમને પકડવા માટે પોતાના સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જ રહ્યા હશે. અને માતાજી ન કરે એનો કોઈ સંદેશવાહક અત્યારે અહીંના નાયકને મળવા પણ નીકળી ગયો હશે, જેથી નાયક પોતાના માણસો લઈને તમને પકડવા આવે. મને જે સંદેશ આપવાનો આદેશ મળ્યો છે એ એવો છે કે મારે તમને અહીંથી ભાગી જવાનું કહેવું જેથી તમારી સ્વતંત્રતાની લડાઈને આંચ ન આવે. બસ મારે આટલું જ કહેવાનું હતું.’

‘ભલે માતા. તમારા આ સંદેશે મને ઘણી મદદ કરી દીધી છે. તમને મળેલા આદેશને હું માથે ચડાવીને આ સંદેશ કોણે મોકલ્યો છે એ હું તમને નહીં પૂછું. પણ મને એ હકીકત જાણીને આનંદ થયો કે વિષદેવરાયના રાજમહેલમાં પણ કોઈક એવું છે જેને ગુજરદેશ કેવી રીતે સ્વતંત્ર થાય એની ચિંતા છે. મારા ધન્યવાદ એમનાં સુધી પહોંચાડજો માતા. હવે આપ અહીંથી રવાના થાવ જેથી તમને કોઈ તકલીફ ન પડે.’ 

રાજકરણ ફરીથી સંતોષને પગે લાગ્યો.

સંતોષે તેને સફળતાનાં આશિર્વાદ આપ્યા અને વળતા ઝડપી પગલે રાજકરણના ઘરની બહાર નીકળી, પોતાના ઘોડા ઉપર બેસીને ઘોડો પલ્લડી ગામની બહાર દોડાવી ગયો. રાજકરણ પોતાના મહાભારત જેવા કાર્ય માટેના આ અજાણ્યા શુભચિંતકને દૂર જતા જોઈ રહ્યો.