Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - જિંદગીના ટોપર

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ડાયરી સીઝન - 3 - જિંદગીના ટોપર

શીર્ષક : જિંદગીના ટોપર   
©લેખક : કમલેશ જોષી

“આપણે ત્યાં મોટી મોટી ‘એકેડેમિક પરીક્ષાઓ’ કે ‘ઇમ્તિહાન લેતી જિંદગીની પરીક્ષાઓ’ માં ટોપર આવનારાઓની યાદીમાં અમીર કરતા ગરીબ વિદ્યાર્થીઓ કેમ વધુ હોય છે ખબર છે?” અમારા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે, જાણે આગ લગાડવા માટે બાકસમાંથી દીવાસળી બહાર કાઢી હોય એમ, પ્રશ્ન પૂછી અમારી સૌની સામે જોયું. એના પ્રશ્નોના જવાબો ધારીએ એટલા સીધા અને સહેલા નથી હોતા એ હવે અમને ખબર પડી ગઈ હતી એટલે અમે સૌએ ‘એની પાસેથી જ જવાબ સાંભળવા’ નકારમાં માથું ધુણાવતા જીજ્ઞાસા ભરી આંખો એની સામે ટેકવી. જાણે શબ્દ ગોઠવતો હોય એમ એક-એક શબ્દ છૂટ્ટો પાડી એ ધીમા સ્વરે બોલ્યો, “કેમ કે આપણા સમાજમાં ગરીબને ‘પાઠ’ ભણાવવાવાળાઓ ઢગલા મોઢે છે, જયારે અમીર, ધનવાન, પૈસાદારને ‘પાઠ’ ભણવવાની, સાચું સમજાવવાની, વિનમ્રતા પૂર્વક વર્તવાની, સોરી કહેવાની કે ખોટા વર્તન બદલ ખખડાવી નાખવાની સાચી ‘શિખામણ’, ‘જીવન વિજ્ઞાન’ શીખવવાની હિમ્મત ખુદ એના ઉંચી ફી લેતા ‘શિક્ષક’ પણ કદાચ કરી શકતા નથી."

ઓહ.. અમારી નજર સામે હોટેલમાં વેઈટર પર બુમ બરાડા પાડતા ગ્રાહકથી શરુ કરી બોસના બુમ બરાડાથી થરથર કાંપતા પ્યૂન સુધીના અનેક દૃશ્યો એક સાથે પસાર થઈ ગયા. મંદિર કે મહાનગર પાલિકામાં લાંબી લાઈન જોઈને ‘ઓહ શીટ’, ‘ઓહ શીટ’ની બુમો પાડતા સુટેડ બુટેડને અને એને જોઇને લાઈનમાં છેલ્લે ઉભી મરક મરક મુસ્કુરાતા એની જ ઉંમરના કોઈ લઘરવઘરને જોઈ તમને નથી લાગતું કે ‘કુછ તો ગરબડ હૈ’. ખાલી ખિસ્સે ખડખડાટ હસતા અને રૂપિયાના ઢગલા પર પણ ગમગીન બનીને બેઠેલા વ્યક્તિના એજ્યુકેશનમાં શું ફર્ક રહી ગયો હશે? સ્ટાફને બર્થડે પાર્ટી આપતી વખતે છોલે, ભટુરે અને ગુલાબ જાંબુની સ્મોલ સાઈઝ થાળી પીરસી દેનાર ક્લાર્ક અને પોતાના જન્મ દિવસે બ્રેડના બે પેકેટ અને ચટણીના ચાર પેકેટ સ્ટાફ સામે ધરી દેનાર બોસમાં ‘મુઠી ઊંચેરો કોણ?’ એ પ્રશ્ન કરતા ‘એ મુઠી ઊંચેરો કેવી રીતે બન્યો?’ એ પ્રશ્ન વધુ ઘેરો હોય એવું તમને નથી લાગતું? પોતાનાથી ‘મોટા’ને ‘નાના’ સાબિત કરવા મથતા દસમાંથી આઠ વ્યક્તિઓના ખિસ્સા ‘ભરેલા’ અને પોતાનાથી ‘નાના’ને પણ ‘મોટા હોવાનો’ અહેસાસ કરાવતા દસમાંથી આઠ વ્યક્તિઓના ખિસ્સા ‘ખાલી’ હશે એવું મારા પેલા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રનું ઓબ્ઝર્વેશન છે, તમે શું માનો છો?

અને હા, અહીં જે ‘શિક્ષકો’ ઠોઠ કે બુઠ્ઠા કે ફેલ સાબિત થઈ રહ્યા છે એ શિક્ષકો એટલે ‘કોઈ સ્કુલમાં એકેડેમિક એજ્યુકેશન આપનારા’ શિક્ષકોની વાત નથી થઈ રહી હોં, એ શિક્ષકો નિશાળની બહાર ‘જિંદગીના પાઠ’ ભણાવનારા વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, હાલાત, મુશ્કેલી કે અન્યાય હોય છે. એ શિક્ષકમાં તમને ટ્રેનના ડબ્બામાંથી તમારી રિઝર્વ સીટ પરથી ‘કાલે ગોરે કે ભેદ’ના બહાને ઉઠાડી રેલ્વે સ્ટેશન પર ધક્કો મારીને તમારામાં બેઠેલા ‘મહાત્મા’ને ‘ડ્રો આઉટ’, ‘પ્રગટ કરવા’ની તાકાત હોય છે. એ શિક્ષકમાં તમારો બંગલો, મહેલ, રાજપાટ છીનવી લેવાનો ‘કુતર્ક પૂર્ણ અન્યાયી કારસો’ રચી તમારી ભીતરે રહેલી ‘બાળકને પીઠ પર બાંધી, ઘોડેસવાર થઈ યુદ્ધના મેદાનમાં તલવારબાજી કરતી વીરાંગના’ને સમાજ સમક્ષ મૂકવાની શક્તિ હોય છે. એ શિક્ષકમાં તમારી નજર સમક્ષ તમારા ભાભીને સળગતી આગમાં ફેંકીને ‘તમારી ભીતરે સતી પ્રથા વિરોધી આગ’ લગાડી તમને સાચુકલા ‘રાજા’ બનાવવાની હિંમત હોય છે. એ શિક્ષકમાં ‘તમારો રાજ્યાભિષેક રોકાવી તમને વનમાં મોકલવાની’ અને એ ઓછું હોય એમ ત્યાં ‘તમારા જીવન સંગિનીનું અપહરણ કરી’ માનવ જીવનની તમામ ‘મર્યાદોઓ’ ના લીરેલીરા ઉડાવી તમારી ભીતરે રહેલા ‘મર્યાદા પુરુષોત્તમ’નો ‘સાક્ષાત્કાર’ કરાવવાની ‘ચતુરાઈ’ હોય છે. એ શિક્ષકમાં તો દુર્યોધન જેવો ઈગો, શકુનિ જેવી ધૂર્તતા અને ધૃતરાષ્ટ્ર જેવો મોહ ધારણ કરી તમને પોતાને ‘તમારી તમામ મર્યાદાઓ છોડી’ ને ‘પૂર્ણ પુરુષોત્તમ’નું વિરાટ વિશ્વરૂપ ધારણ કરાવવાની અદ્ભૂત ‘શ્રદ્ધા’ પણ હોય છે.

તો પ્રશ્ન ક્યાં છે? શું પહેલા જેવા શિક્ષકો નથી રહ્યા? શું પહેલા જેવી પરિસ્થિતિ નથી રહી? શું પૃથ્વી અન્યાય, કુતર્ક, કાવતરા, કુરિવાજો, ઈગો અને ધુતારાઓથી મુક્ત થઈ ગઈ છે? શું ગાંધી, લક્ષ્મીબાઈ, રાજા રામ મોહન રાય, પ્રભુ શ્રી રામ કે પૂર્ણ પુરુષોત્તમ કાનુડો પુનઃ સર્જાય એવી કોઈ ચિનગારી કે સંજોગો પૃથ્વી પર સર્જાવાના બંધ થઈ ગયા છે? ના.. એ તમામ શિક્ષકો તો આજેય એટલી જ ત્વરાથી ઝઝૂમી રહ્યા છે, પણ જો કોઈ એબ્સન્ટ હોય તો એ છે વિદ્યાર્થી, હું અને તમે, આપણે સૌ અમીરજાદાઓ. ખિસ્સામાં પૈસા અને બે ટાઈમની ફૂલ થાળીને જ જીવનનું ‘ટોપ એચીવમેન્ટ’ માની, ખુદને ‘ટોપર’ ગણતા આપણે સૌ સ્વમાન, ખુમારી, સત્ય, ઈમાનદારી અને ઉચ્ચ નીતિમતાને તો ‘કમાણી’ના લીસ્ટમાં સ્થાન આપતા જ નથી. રગેરગમાં અભિમાનથી છલકતા આપણને ‘પર દુઃખે ઉપકાર’ કરવાનું કે બીજાના ખિસ્સા ખાલી કરાવવાની વેતરણમાં ગળાડૂબ રહેતા આપણને ‘પર ધન નવ ઝાલે હાથ’ના સૂત્રો સૌથી અઘરા અને ન સમજાય એવા લાગે છે. 
હું એમ નથી કહેતો કે આપણે અન્યાય કરનારને લાફો મારીએ પણ શું આપણે આપણા સુદામા જેવા કોઈ મિત્રને ગળે પણ ન લગાડી શકીએ? શું આપણે શબરી જેવા કોઈ શ્રદ્ધાળુનું સન્માન પણ ન કરી શકીએ? શું આપણે સાચુકલા ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યમાં ખિસકોલીની ધૂળ જેટલું યોગદાન પણ ન આપી શકીએ? શું આપણે ઓફિસમાં ઈમાનદારીથી કામ કરનારના ખભ્ભે હાથ પણ ન મૂકી શકીએ? શું આપણે ‘સાચું’ કહેનાર ને રિસ્પેકટફૂલી સાંભળી પણ ન શકીએ?

મિત્રો, આજનો દિવસ ખિસ્સા અને થાળીમાંથી નજર હટાવી, આસપાસની પરિસ્થિતિના બ્લેક બોર્ડ પર કુદરત જે ‘પાઠ’ ભણાવી રહી છે એને એક ધ્યાને સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ તો કેવું? કાનુડાની જેમ ‘લાઈફ ટોપર’ના લીસ્ટ ટોપ ટેનમાં ન આવીએ તો કંઈ નહિ, એની પાકીનોટ જેવી શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી માત્ર તૈયારી કરીએ તો પણ કાનુડો આપણને ‘ફેઇલ’ નહિ થવા દે એવું મારું તો માનવું છે. તમે શું માનો છો?  
      
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલના લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)