Nayika Devi - 13 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 13

૧૩

રાજકવિ બિલ્હણ

પંદરેક દિવસો પછી એક સાંજે પાટણ નગરીનાં ઉદ્યાનોમાંથી લોકનાં ટોળાં પાછાં ફરી રહ્યા હતાં. બે દિવસ પહેલાં જ પાટણની રાજરાણી કર્પૂરદેવી મહારાજની પાઘ સાથે સતી થઇ ગઈ. એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી હવા ઊભી કરી હતી. સતીમાએ પાટણને જતાં-જતાં આશીર્વાદ આપ્યો હતો. સતીમાના આશીર્વાદે પાટણ બળવાન બન્યું હતું, સતીમાના શબ્દો હતા કે હજી પાટણનો સૂર્ય સોળે કળાએ તપવાનો છે! અત્યારે તો રાજમાતા નાયિકાદેવીએ બતાવેલી દક્ષતા આ આશીર્વાદને ખરા પાડે તેમ લાગતું હતું.

પણ લોકોને હૈયે હજી પૂરેપૂરી ધરપત આવી ન હતી. 

પાટણ ઉપર કોઈ મોટો ભય ઝઝૂમી રહ્યાની ચિંતા એમને દેખાતી હતી.

એ ભય આવવાનો ગમે ત્યાંથી હોય, પણ હજી કેલ્હણજી પાટણમાં હતા, ધારાવર્ષદેવ પાટણમાં હતા. વાઘેલથી અર્ણોરાજ આવ્યો હતો. એ મહારાજ કુમારપાલનો માસિયાઇ ભાઈ થતો હતો. એણે બતાવેલી અપ્રતિમ રાજભક્તિને લીધે એનું સ્થાન, કુમાર ભીમદેવની પાસે નિશ્ચિત થઇ ગયું હતું. ભીમદેવને એના પ્રત્યે માન હતું. 

નાયિકાદેવીને પણ એ વ્યવહારુ પુરુષ પાસે ભીમદેવને તાલીમ આપવામાં રાજની સ્થિરતા દેખાતી હતી.

મૂલરાજ ગંભીર હતો, ભીમદેવ વેગીલો, ઉત્સાહી, રણઘેલો, સાહસવીર હતો. પણ એ ભોળિયો હતો. અર્ણોરાજ એની પડખે હોય તો એ ટકે. રાજમાતાએ અર્ણોરાજનું પાટણનિવાસ માટે ગોઠવ્યું હતું. પણ આ બધા હજી આંહીં છે એટલે કાંઈક પણ વાત છે. એ શંકા સૌ નાગરિકોના મનમાં આવી ગઈ હતી. માળવા, મેવાડ, દેવગિરિનો યાદવ, શાકંભરી અને હમણાં-હમણાં સંભળાતો ગર્જનકનો તુરુક, ચારે તરફથી પાટણ ઘેરાયેલું તો હતું જ, એમાંથી આવવાનો ગમે તે હોય – પણ ક્યાંક ભય હતો!

વર્ષો થયાં કેવળ પોતાની રણકુશળતાથી જ એ ટક્યું હતું. અત્યારે તો એક જ આંતરિક વિગ્રહ એને હતું ન હતું કરી નાખવા માટે પૂરતો હતો. 

રાજમાતા નાયિકાદેવી પોતાને એક ભયંકર ખડક ઉપર ઊભેલી જોઈ રહી હતી. એની એક તરફ ભીષણ ખાઈ હતી: બીજી તરફ ગર્જના કરતો સમુદ્ર હતો. 

પાટણના લોકો પણ આ પરિસ્થિતિ પામી ગયા હતા. શાંતિ એમને દોરે લટકતી દેખાતી હતી. સહીસલામતી ઝીણા તંતુએ વળગી રહી હતી. હવામાં જરાક પણ અસ્થિરતા જણાતી કે આંતરિક ઘર્ષણનો ભય સૌને લાગતો હતો. અજયપાલ અને આમ્રભટ્ટ પાટણની મધ્યમાં લડ્યા હતા એ દ્રશ્ય ભૂલ્યું ભુલાતું ન હતું!

એટલે આજે ઉદ્યાન પાસે પરદેશીઓનો મુકામ પડેલો જોઇને સૌ વિચારમાં પડી ગયા. એમની સાથે ઘોડા પણ હતા, ઊંટ હતાં, પાલખીઓ હતી. રાજવંશી ઠાઠમાઠ હતો.

‘કોણ હશે?’ અંદર-અંદર પૃચ્છા થવા માંડી.

‘રસ્તો માલવાનો હતો. એટલે માલવાના કોઈક હોવા જોઈએ.’ જવાબ મળતો.

ઉદ્યાન પાસે નાનું સરખું ટોળું જમા થઇ ગયું. ત્યાં મેદાનમાં એક પટ્ટકુટિર તૈયાર થઇ ગઈ હતી. ચારે તરફની દીવાલની પેઠે એને ફરતી વસ્ત્રભીંત પણ હતી. રાજવંશી ભભકાથી ઊંટ, ઘોડા, પાલખી, માણસો ત્યાં મુકામ રાખીને પડ્યા હતા. એ સૌ પોતપોતાના કામમાં મશગૂલ હતાં. દ્વાર ઉપર મુખ્ય દ્વારપાલ જેવો પણ ઊભો હતો. 

ઉદ્યાનમાંથી આવતાં-જતાં લોકો જોઇને નવાઈ પામતાં હતાં. કોઈક ત્યાં જોવા ઊભા રહેતા તો બીજા વળી દૂરથી જોઇને સંતોષ પામતા.

એટલામાં એમાંથી એક માણસ નાગરિકોના ટોળા પાસે આવતો જણાયો. એના વેશ ઉપરથી એ માલવાનો લાગતો હતો. નાગરિકો પાસે આવીને તેણે ધીમેથી પૃચ્છા કરી: ‘અલ્યા ભાઈઓ! પાટણમાં કેમ છે?’

‘કેમ, કેમ છે?’ એક જણાએ કડકાઈથી જવાબ વાળ્યો, ‘શાનું કેમ છે?’

‘કે’ છે, રાણી કર્પૂરદેવી સતી થવાનાં હતાં?’

‘એ તો થઇ પણ ગયાં, પણ તમારે એનું શું કામ હતું? ક્યાંથી આવો છો? આંહીં ક્યાં જવું છે?’

‘અમે આવીએ છીએ માલવાથી.’

‘માલવાથી?’

‘મહારાજ વિંધ્યવર્માનું નામ સાંભળ્યું છે? એના રાજકવિ... કવિ છે!’

રાજકવિ આટલા ઠાઠમાઠથી આવે એ કોઈના માન્યામાં ન આવ્યું. કોઈકને એમાં ભેદ લાગ્યો, કોઈકને પાટણનું માપ કાઢવાની એ એક રીત જણાઈ. 

એટલામાં પેલો માલવાવાસી બોલ્યો, ‘ત્યારે હવે તો મહારાણીબા રાજકાજ પણ કરતાં હશે!’

‘હોવે... રાજકાજ કેમ નહિ કરે? પણ તમારે જાણીને કામ શું છે?’

‘આ એમ થયું છે કે આંહીં અમે આવતા હતા, રાજસભામાં વિદ્વચર્ચા ગોઠવવા, ત્યાં રસ્તામાં મહારાજ અજયદેવના સમાચાર મળ્યા. મારો બેટો હત્યારો પણ જબરો હો!

કોઈએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહિ.

‘હવે તો પાટણમાં શાંતિ હશે?’

‘ચાલો, કાંતિચંદ્ર શેઠ! મારે તો હજી ઘણું કામ છે...’

ટોળામાંથી એક જણે બીજાને કહ્યું. આ પરદેશીની સાથે વાતમાં કોઈ ન ઊતરે એવો એમાં ધ્વનિ હતો. એ ધ્વનિ જાણે એ સૌએ પકડી લીધો હોય તેમ, એક પછી એક બધા ચાલતા જ થઇ ગયા.

એક-બે પળમાં તો મેદાન ખાલી થઇ ગયું. ત્યાં કોઈ હતું જ નહિ.

પ્રશ્ન પૂછનારો નવાઈ પામી રહ્યો હતો કે આમ કેમ થયું? ત્યાં એને એક હાસ્ય પાછળથી સંભળાયું.

એણે ઝડપથી પાછળ જોયું. એક તેજસ્વી ઊંચો, રૂપાળો માણસ ત્યાં આવીને ઊભો રહી ગયો હતો. તેનું વય ચાલીસેકનું જણાતું હતું. પણ એ પચાસ વટાવી ગયો છે એમ તો કોઈ માની ન શકે. તેણે એક સાદું રેશમી વસ્ત્ર ઓઢ્યું હતું. એવું જ સાદું વસ્ત્ર પહેર્યું હતું. એના છૂટા વાળની મોટી શિખા એના ખભા ઉપર થઈને પાછળ લટકતી હતી. એની ડોકમાં રુદ્રાક્ષની માળા હતી. કપાળમાં ત્રિપુંડ હતું. અત્યારે સંધ્યાપૂજાથી પરવારીને એ આવતો જણાયો. એ હસતો-હસતો બોલ્યો: ‘કાં ભટ્ટારક! મેં કહ્યું હતું તેમ જ થયું નાં? તારે કોઈને કહેવું જ નહિ પડ્યું હોય કે આહીંથી હવે જાઓ!’

‘અરે! પણ પ્રભુ!... ભટ્ટારકે હાથ જોડ્યા. ‘આ શું? આ નગરીમાં તો જેમ અગ્નિથી ડરે તેમ સૌ કોઈ આપણાથી ડરતા લાગે છે. એક પછી એક ચાલવા જ માંડ્યા!’

‘આ તો પાટણનગરી છે ભટ્ટારક! રાજા સિદ્ધરાજ-કુમારપાલે એને ઘડી છે. એટલે મેં તને કહ્યું હતું કે, કોઈને કહેતો નહિ કે જાઓ, પણ પાટણ વિશે સવાલો કરજે. એટલે બધા જ રવાના. એમ જ થયું નાં?’

‘હા પ્રભુ! એમ જ થયું. મેં પાટણ વિશે એક બે સવાલ કર્યા, ત્યાં તો એક પછી એક બધા રવાના થઇ ગયા. કોઈ ઊભું રહ્યું નહિ.’ 

‘ત્યારે એમ છે ભટ્ટારક! પણ હમણાં કોઈને આવેલ બતાવું. એક રીતે એ પણ ઠીક થયું.’

‘આશાધર શ્રેષ્ઠીજીએ આપણા વિશે સંદેશો મોકલાવ્યો છે. એટલે કોઈક ને કોઈક હમણાં આવશે.’

એટલામાં એક પાલખી આવતી દેખાઈ, પેલો માણસ એ તરફ જોઈ રહ્યો. ‘કાં તો આ એમની જ લાગે છે ભટ્ટારક!’

ત્યાં તો પાલખી અટકી, અંદરથી એક જુવાન છોકરી બહાર નીકળીને તેમના તરફ આવવા લાગી. 

‘આ તરફ આવે છે, તે આભડ શ્રેષ્ઠીનો દીકરો છે હોં, ભટ્ટારક!’

‘દીકરો છે!’

‘નહિ ત્યારે? આભડ શ્રેષ્ઠીનો તમામ વ્યવહાર એ જ ચલાવે છે. આશાધરજી નામ આપતાં હતા – ‘ચાંપલદે’ તે આ જ. હું તો એને ઓળખું છું. પહેલાં આવ્યો ત્યારે મુકામ એને ત્યાં કરેલો.’

એટલામાં ચાંપલદે આવી પહોંચી. તેણે તેને જોતાં જ બે હાથ જોડ્યા: ‘ઓ હો! કવિરાજ બિલ્હણજી! તમે ક્યાંથી? તમે ઊભા છો એ જણાયું નહિ. અજવાળું ઝાંખું થઇ ગયું છે, એટલે મને ઓળખાણ પડી નહિ.’

‘આવો આવો! શ્રેષ્ઠીજીપુત્રી! આવો. અમે ધાર્યું હતું કે આશાધર શ્રેષ્ઠીએ કહેવરાવ્યું છે એટલે કોઈક મળશે તો ખરું. સંદેશો તો મળ્યો હતો નાં?’ કવિરાજે કહ્યું. 

‘એ મળ્યો એટલે તો હું આવી. પિતાજી આવવાના હતા, પણ એ અગત્યના કામમાં છે.’

‘એ તો આશાધરજીએ અમને કહ્યું હતું કે શ્રેષ્ઠીજી ઘણા વ્યવસાયી માણસ છે, પણ એમના પુત્ર ગણો, પુત્રી ગણો, ચાંપલદે તમને કોઈ વાતમાં ઓછું પડવા નહિ દે.’

ચાંપલ, બિલ્હણ, ભટ્ટારક સૌ પટ્ટકુટી તરફ ગયાં. 

‘આ ઉપાધિ તમે આહીં શું કરવા કરી? આપણે ઘરે જ જવાનું છે.’

‘એ તો આશાધરજીએ કહ્યું જ હતું. પણ એવું છે બહેન! તે પહેલાં હું આવ્યો ને વિદ્વસભા થઇ ત્યારની વાત જુદી હતી, અત્યારે વાત જુદી છે. અત્યારે નાહકની તમારા ઉપર...’

‘એ બરાબર છે...’ ચાંપલદે વિચાર કરી રહી હતી. પરિસ્થિતિ ઘણી નાજુક હતી. આ માલવાથી આવતો હતો. રાજકવિ હતો. પણ એની સાથે વિદ્વસભા પૂરતો પણ કેટલો સંપર્ક રખાય. એ સવાલ અટપટો હતો. જૈનો ઉપર બધા અકળાયેલા તો હતા જ. શ્રેષ્ઠી પોતે મહાવિદ્વાન હતો. બિલ્હણ સાથે એને વિદ્વમૈત્રી હતી. પણ આહીં રાજકારણનો રંગ સાવ જુદો જ હતો. એટલે પોતે કોઈ અસાવધ બોલી ન બેસે એ જોવાનું હતું. ચાંપલદે સાવધ થઇ ગઈ. 

રાજકવિ બિલ્હણ બોલ્યો, ‘તમને ખબર તો હશે નાં?’

‘શાની?’

‘મહારાજ વિંધ્યવર્માએ એક વધુ કૃપા કરી છે: એમનો સંધિવિગ્રહિક પણ હવે હું છું.’

‘એમ? ઓહો! ત્યારે આ બધી વિધિ...’

‘વિધિ તો બધી એટલા માટે કરી કે હું તો આવતો હતો વિદ્વસભા માટે જ. નરપતિ કે કવિને કહેવરાવ્યું પણ હતું. ત્યાં રસ્તામાં મહારાજના નિધનના સમાચાર મળ્યા. હત્યારે ભારે કરી. હવે તો બધે આંતરિક શાંતિ છે નાં?’

પણ જવાબ વાળવા વિશે ચાંપલદે સાવધ હતી. તેણે બે હાથ જોડ્યા: ‘કવિરાજ! ભગવાન સોમનાથની પ્રશસ્તિ આપે ગયે વખતે સંભળાવી હતી. આ વખતે એ ન સંભળાવો?’

બિલ્હણ, ભટ્ટારક સામે જોઇને હસી પડ્યો, ‘કેમ? બહુ ગમી ગઈ છે?’

‘આ વખતે હું ઉતારી લઈશ!’

‘ભલે ભલે. પણ આ કોણ ઘોડેસવાર આવીને ઊભો છે,એટલી વારમાં? આપણી રાહ જોતો લાગે છે.’

ત્યાં તો બિલ્હણનો દ્વારપાળ હાથ જોડીને આગળ આવ્યો હતો. ‘રાજમાતાનો સંદેશવાહક છે પ્રભુ!’

‘રાજમાતાનો?’ બિલ્હણ આશ્ચર્ય પામી ગયો.

પોતાની વાત ઘણી ત્વરાથી રાજમાતા પાસે પહોંચી ગઈ લાગી!

ત્યાં તો સંદેશાવાહક જ આગળ આવ્યો, ‘પ્રભુ! આપને માટે રાજવાડામાં બંદોબસ્ત થઇ ગયો છે. આપ મારી સાથે પધારો!’

બિલ્હણની ઈચ્છા જુદી જ હતી. ચાંપલદે સાથે એ કાંઈ વાત કરત. વખતે આભડ શ્રેષ્ઠી પણ મળત. પ્રભાતે મહારાણીબા પાસે જાત. એટલામાં તો કાંઈક જીવ જેવી માહિતી વખતે મળી રહેત! એ માહિતી વિંધ્યવર્માને મોકલી દેત. પોતે આવ્યો હતો એમાં પણ રાજકવિની આ જ વાત આગળ  હતી. વિદ્વાનોની ચર્ચાસભામાં એ ભાગ લેવા આવી રહ્યો હતો. ત્યાં અજયપાળ મહારાજના નિધન-સમાચાર મળ્યા. એટલે હવે શોક કરવા આવતો હતો, આવી વાત એણે ગોઠવી હતી.

પણ વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક થયો છે, એ વાત એટલી થોડી વારમાં આંહીં પહોંચી ગઈ હતી એની બિલ્હણને નવાઈ લાગી! એનું સંધિવિગ્રહિક તરીકેનું પહેલું કામ જ આજે આહીં શરુ થયું હતું. બાકી તો એ રાજકવિ હતો.

ત્યાં માલવામાં આશાધર શ્રેષ્ઠી પણ કવિ હતા, કાવ્યજ્ઞ હતા, અઢળક સંપત્તિના માલિક હતા. પણ એથીય વધુ તો એ કે એ એક જૈન હતા. આહીં પાટણમાં જૈનો અજયપાલ પ્રત્યે દ્વેષ ધરાવતા થયા હતા. એ લાભ લઈને આશાધર સાથેની પોતાની વિદ્વદમૈત્રી આગળ કરી, કવિરાજ બિલ્હણે, આહીં આભડ શ્રેષ્ઠીને સંદેશો મોકલાવ્યો હતો. આભડ શ્રેષ્ઠીનો બને તો એ દાણો પણ દબાવવાનો હતો.

પણ આંહીં હજી એણે જ્યાં મુકામ કર્યો ન કર્યો ત્યાં રાજમાતાએ તેના સંધિવિગ્રહિક પદને જ મુખ્ય ગણી, એને રજવાડામાં જ મૂકી દીધો હતો.

એટલે હવે કોઈ મળે કે કારવે!

અને મળે તોપણ વાત છાની તો ન જ રહે. એણે ચાંપલદે સામે જોયું. ‘રાજમાતાએ જાણ્યું લાગે છે. કદાચ તમે કહેવરાવ્યું હશે?’

‘કોઈ અતિથી જરા પણ અગવડ ભોગવે એ રાજમાતા સહી જ શકતાં નથી કવિરાજ! અને તેમાં પણ રાજકવિ!’ ચાંપલદેના પ્રત્યુત્તરમાંથી અજવાળું કે અંધારું કાંઈ કહી શકાય તેવું ન હતું. બિલ્હણને બીજો કોઈ ઉપાય દેખાયો નહિ.

તેને ભટ્ટારક સામે જોયું, ‘આપણે જઈએ,’ પણ તેને સંદેશવાહકને કહ્યું: ‘રાજમાતાના ચરણમાં અમે પ્રભાતે નમન કરવા આવીશું.’

‘રાજમાતાની આજ્ઞા છે પ્રભુ!’ સંદેશવાહકે તાત્કાલિક પ્રત્યુત્તર વાળ્યો, ‘આપને પ્રભાતે રાજમાતા મળશે.’

‘તો પછી હવે પ્રભાતે જ ફેર...’

પણ એના અધૂરા વાક્યને કોઈકે ઉપાડી લીધું હતું, ‘ફેરવીશું એમ? અરે હોય કાંઈ બિલ્હણજી?’

બિલ્હણજી ચમકી ગયો. તેને પાછળ જોયું. એક કોઈ ઉચ્ચ અધિકારી જેવો ત્યાં ઊભેલો જણાયો. તેણે આ કોણ છે એ જાણવા ચાંપલદે સામે દ્રષ્ટિ કરી. ત્યાં આવનારે પોતે જ પોતાની ઓળખાણ આપી.

‘હું વિશ્વંભર, બિલ્હણજી! આપણે તો પ્રથમ જ મળીએ છીએ. પણ રાજમાતાએ ખાસ મને મોકલ્યો છે – કોઈ વાતમાં ખામી ન રહે એ જોવા. આંહીં હું ઉપસેનાપતિ છું.’

‘એમ? ઓહો વિશ્વંભરજી! હું એમ કહેતો હતો, આ બરાબર ગોઠવાઈ ગયું છે, સવારે ફેવીશું.’

‘બિલ્હણજી! દેશ દેશમાં પાટણના આતિથ્ય ઉપર કાલી ટીલી આવે. તમે રાજકુમાર વિંધ્યવર્મા જેવાના સંધિવિગ્રહિક છો, તમારું સ્થાન રજવાડામાં જ હોય. એ અમારું અતિથિગૃહ છે.’

કવિરાજ બિલ્હણ પાંજરામાં સપડાયેલા પશુ જેવો થઇ ગયો.

એને લાગ્યું કે એનું પહેલું જ કામ લોઢાના ચણા ચાવવા જેવું છે.

પણ એણે હસતું મોં રાખીને ભટ્ટારક સામે જોયું: ‘ભટ્ટારકજી! વિશ્વંભરનું આતિથ્ય સ્વીકારવું જ પડશે. ગુજરાતમાં આતિથ્યનો મહિમા ઘણો જ છે!’

‘એ જોવો હોય તો બિલ્હણજી! સૌરાષ્ટ્ર પધારો. આતિથ્ય તો ત્યાંનું. બીજી બધી વાતો.’

‘અમને તો ગુજરાત પણ ભારે લાગે છે.’ બિલ્હણે હસતાં-હસતાં કહ્યું ને માણસોને ઉપડવાની તૈયારી કરવા માટે નિશાની આપી. 

એટલામાં તો એક પાલખી, ઘોડા, મજૂરો, સૈનિકો આવતા દેખાયા.

‘આપણે વખતે જરૂર પડે એમ માનીને આમને પણ બોલાવ્યા છે. એમની મદદ લ્યો – તે તમારા થાકેલા ભલે વિશ્રાંતિ કરે.’

પોતાની નજરકેદ જેવી સ્થિતિની અસહાયતાને બિલ્હણે એક હાસ્ય વડે ઉડાવી દીધી: ‘વિશ્વંભરજી! તમે તો અમને પ્રેમથી નવડાવી દીધા!’

‘શું કરીએ પ્રભુ? રાજમાતાની પોતાની આજ્ઞા થઇ – પછી એમાં લવલેશ ખામી ચાલે? હજી તો તમને રજવાડામાં વધુ સગવડ મળી રહેશે. તમે આંહીં રહો. ત્યાં સુધી તમને એક પળની પણ મુશ્કેલી પડવી ન જોઈએ.’

બિલ્હણે હસતાં-હસતાં ભટ્ટારકના ખભા ઉપર એક થપ્પો માર્યો, ‘ભટ્ટારકજી! સોમનાથ-પ્રશસ્તિના શ્લોકો તો બોલો.’

ચાંપલદે બે હાથ જોડીને એ વખત હસતી-હસતી સરી ગઈ. એ જવા જ માગતી હતી. એ જોઇને વિશ્વંભર જરાક એની સાથે થઇ ગયો. તે ધીમેથી બોલ્યો, ‘આભડ શ્રેષ્ઠીજી સાથે તમે સમાચાર બહુ વખતસર મોકલ્યા, હોં! મહારાણીબાએ તમને ધન્યવાદ આપવાનું કહ્યું છે. એક રાતમાં તો કોણ જાણે કેટલાને મળી લેત! એ આવ્યો છે પાટણનું આંતરિક ઘર્ષણ જોવા. આ તો બહાનું છે. પણ હું જાઉં એણે રેઢો મૂકવાનો નથી.’

ચાંપલદે નમીને પાલખીમાં બેસી ગઈ. 

(આ કવિ બિલ્હણ એ આગળની નવલકથાઓમાં કર્ણાવતીમાં આવતો કાશ્મીરી કવિ બિલ્હણ નથી. વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક રાજકવિ બિલ્હણ છે. એનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.)