Nayika Devi - 8 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 8

પાટણની હવા

ધારાવર્ષદેવને આ નવો જ અનુભવ હતો. ઘણું જ જરૂરી ન જણાયું હોય તો એ આવી રીતે જવાનું પસંદ જ કરત નહિ. હમણાં હમણાં પ્રહલાદન વિશે અનેક વાતો ચંદ્રાવતીના જૈનોમાં વહેતી મુકાયેલી હતી. ભગવાન શંકરનો એક નંદી કરવા માટે એણે ધાતુની બેચાર પ્રતિમાજીઓ ગળાવી નાખી હતી એમ છૂટથી બોલાતું હતું. એ વાત ઊડતી-ઊડતી આંહીં આવી ગઈ હોવી જોઈએ. ચંદ્રાવતી તો પાદર જ ગણાય. એટલે આ પ્રસંગે જ્યારે વાતાવરણ આટલું ઉકળાટવાળું હતું ત્યારે કોઈ ને કોઈ પક્ષની આંખે ચડવા માટે, હાથે કરીને ઘોડે ચડીને જવું, એ પોતાનું કામ બગાડવા જેવું હતું, ને મહારાજના આ નિધનના સમાચાર મળતાં ગયા વિના છૂટકો ન હતો. ધારાવર્ષદેવને સુખાસનમાં એ જ વિચાર આવી રહ્યા હતા. 

આભડ શ્રેષ્ઠીએ પ્રહલાદન વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. એ વિશેનો આ સમય પણ ન હતો. બાકી પ્રતિમાજીની વાત એમનાથી અજાણી તો ન જ હોય. આંહીં આભડ શ્રેષ્ઠીનું સ્થાન દેખીતી રીતે જ મહારાજના અંતેવાસી મિત્ર જેવું લાગતું હતું. આવા વિપત્તિકાલમાં એમને સંભારવામાં આવ્યા એનો એ જ અર્થ હતો.

પણ હવે જ્યારે લોકટોળાં જૈનો ઉપર ગુસ્સે થયાં હતાં ત્યારે સંભાળ રાખવાની હતી. ચાંપલદેને સુખાસનમાં બેઠેલાં જોતાં લોકટોળાં માર્ગ તો આપી દેતા હતાં, પણ કેટલીક શંકાભરેલી કતરાતી આંખો એને જતી જોઈ રહેતી, તો કંઈક કડવો બોલ પણ કોઈક જીભ બોલી દેતી હતી. 

ધારાવર્ષદેવને રાજકેદી જેવો આ નવીન અનુભવ હતો. આખે રસ્તે એણે જોયું કે નગર હાલકડોલક થઇ ગયું છે. કોને શું કરવાનું છે એ કાંઈ નિશ્ચિત નથી. પણ લોકટોળામાં બંને પક્ષ સેળભેળ જોવાતા હતા. જૈનો ઉપર કતરાતી  આંખોનો સુમાર ન હતો. તેમ દેન છે કોઈના બાપનું, અમે પણ પટ્ટણીઓમાં છીએ. એમ બહાદુરીનો આગ્રહ રાખી જૈનોની સાથે ઊભા રહેનારની સંખ્યા પણ નાનીસૂની ન હતી. 

દેખીતી રીતે જ નગર આખું દ્વિધાવૃત્તિમાં પડ્યું હતું. લડવાને તૈયાર એવા બે પક્ષ વધતાં જતા હતા. 

ધારાવર્ષદેવને આનો અર્થ સ્પષ્ટ દેખાતો: ગમે તે પળે આંહીં નગરમાં જ પહેલું તોફાન ફાટી નીકળે. મહારાણીબાની ચિંતાનો અત્યારે પાર નહિ હોય. એમનામાં શોકનો પણ પાર નહિ હોય. આ પળે જો એમનાથી નિશ્ચયાત્મક દ્રઢ પગલાંની એક જરી જેટલી પણ ભૂલ થશે, લેશ પણ મનોબળ ડગશે, તો આખું નગર સળગી જશે, અને સાથે ગુર્જરદેશ પણ સળગી જશે! આ અનિવાર્ય પરિણામનો વિચાર આવતાં ધારાવર્ષદેવ ધ્રૂજી ગયો. પોતે ગુર્જરેશ્વરનો અડગ સામંત હતો. અત્યારે મુલતાનથી અજમેર સુધી તુરુકના ભણકારા વાગતા હતા. માલવ પરમાર કે અજમેરના ચૌહાણ એમને અટકાવવા સમર્થ ન હતા. કેવલ ગુર્જરેશ્વર જ અત્યારે બળવાનમાં બળવાન હતો. એ ગુર્જરેશ્વર અત્યારે અકાલ મૃત્યુ પામશે ને પોતે તુરુક સામે એને તૈયાર કરવા આવ્યો હતો તે આ પ્રમાણે મહારાણીબાને છાની રીતે મળવા જશે, આ બધી વાત એને એક અકળ અક્સ્માત જેવી લાગતી હતી. 

પણ હવે ગમે તેમ કરીને મહારાણીબાને મળ્યે જ છૂટકો હતો. કેલ્હણજી વિશેનો એનો ડર સાચો હતો. ગમે તેમ પણ એ પાટણના રાજતંત્રમાં અત્યારે તો માનભર્યું સ્થાન પામ્યો હતો. એ ધારે તો આંહીં જ આંતરવિગ્રહ ઊભો કરાવી દે! અને એ વિગ્રહમાં જો એ પોતાનો અભ્યુદય દેખે તો એ જ્વાલાને દેશભરમાં પ્રગટાવી દે! એની અણનમ બહાદુરી તો મેવાડના જુદ્ધમાં પ્રગટ થઇ હતી – એના જેવો બહાદુર નર કોઈ ન હતો – એટલે રાજકુમાર ભીમદેવ જેવા કોઈકને જો એ હાથમાં લઇ લ્યે તો થઇ રહ્યું!

ધારાવર્ષને લાગ્યું કે અત્યારે પાટણનો તમામ આધાર એકલાં મહારાણીબા  ઉપર છે. બંને રાજકુમારો નાનાં છે. બીજું કોઈ છે નહિ. એટલા મહારાણીબા જ કેન્દ્રસ્થાને છે. 

એ દ્રઢ હશે, રાજનીતિજ્ઞ હશે, તો પાટણ આવતી કાલે ઊભું હશે અને જરાક એ ડગશે, તો સાંજ પહેલાં નગર રોળાઈ ગયું હશે! વાતાવરણ એવું અવ્યવસ્થિત રીતે ઊગ્ર હતું.

એણે રસ્તામાં સેંકડોને ઉઘાડેછોગ જૈનોને લૂંટવાની વાતો કરતાં સાંભળ્યા તો બીજા એમ પણ કહેતા હતા કે ભા! સંભાળજો, એ પણ લડવૈયાના દીકરા છે. આમ્રભટ્ટે દેખાડ્યું હતું એ યાદ કરો. પછી ઘા મારવા જજો!  

એમનું સુખાસન આગળ વધતું રહ્યું. રાજદ્વાર સુધી એ આવી પહોંચ્યા. ત્યાં કંઈક ગરબડ હતી. કોઈકે સુખાસનને રોકવાની વાત કરી. 

‘કોણ છે અલ્યા? શું છે?’ ચાંપલદેએ દ્રઢતાથી પૂછ્યું. 

‘અંદર કોણ છે?’ થોડાક હથિયારબંધ રજપૂતોની ટોળી સુખાસનનો મારગ રોકીને ઊભી રહી ગઈ હતી. 

‘આભડ શ્રેષ્ઠીનું વાહન છે. કેમ છે? અંદર હું છું ચાંપલદે!’

‘રાજભવનમાં અંદર જવા દેવાની મના છે!’

‘કોણે મના કરી છે?’

‘મહારાજકુમાર ભીમદેવે!’

‘મહારાજકુમારને કહો, અમને મહારાણીબાએ બોલાવ્યાં છે. ચંદનકાષ્ઠની કંઇ વાત છે. અમારે ઉતાવળ છે.’

એવામાં બીજું ટોળું આવતું જણાયું. તેનો મુખી જેવો હતો તે આગળ આવ્યો. ‘જાવા દે! તખતુભા! જાવા દે. એ તો આભડ શ્રેષ્ઠીનું વાહન છે!’

‘અરે! પણ ભૈ! કુમાર ભીમદેવ મહારાજની ના છે તેનું શું? સ્પષ્ટ આજ્ઞા છે. કોઈ રાજદરબારમાં આશ્રય ન લે. ઘેર-ઘેર તપાસ કરવાની છે.’

ધારાવર્ષદેવ ચોંકી ઊઠ્યો. એને ભણકારા વાગ્યા હતા તે સાચા પડતા જણાયા.

‘શાની તપાસ છે, તખતુભા?’ ચાંપલદેએ કહ્યું.

‘કહે છે, હત્યારો આંહીં જ કોઈને આધારે બેઠો છે. આધાર આપનાર કોણ છે એ પણ અમારી નજરમાં છે. રાજહત્યારાના કટકે-કટકા કરી નાખવા છે. મહારાજકુમાર ભીમદેવ તો કહે છે, સ્મશાનયાત્રા તો તે પછી નીકળશે!’

ધારાવર્ષ સાંભળી રહ્યો.

કેલ્હણજી આંહીં પહોંચી ગયો. તે વિના આવી ઉગ્ર વાત વહેતી થાય નહીં. 

ધારાવર્ષદેવની અધીરતા વધી. એને જવાની ઉતાવળ હતી, પણ આ તરફ તખતુભાને ખસવાની ઉતાવળ ન હતી. રાજભવન સામે દેખાતું હતું એટલે પરમારને ઠેકડો મારીને ભાગી જવાનું મન થાતું હતું. એટલામાં સુખાસન અટક્યું છે, એ જોઇને રાજભવન તરફથી કુમારદેવના મોકલેલા કેટલાંક સૈનિકો આ તરફ આવતા જણાયા.

એમને આવતા જોઇને તખતુભા વગેરે જરાક આઘાપાછા થઇ ગયા, પણ પાટણની હવામાં એકબીજાનો કેટલો અવિશ્વાસ આવી ગયો છે એનો ધારાવર્ષને પૂરેપૂરો પરિચય થઇ ગયો. હઠતાં-હઠતાં એમણે વાત કરી તે ધારાવર્ષે ઝીલી લીધી. એ ચાંપલદે તરફ જોઈ રહ્યો. પણ તેની દ્રષ્ટિ રાજભવન તરફ હતી. 

‘આ બધાંય નાગનાં બચ્ચાં છે!’ તખતુભા બોલતો હતો.

‘કોણ, આભડ શ્રેષ્ઠી? હોય નહિ.’ એની સાથેના કેટલાકે કહ્યું, ‘એને તો મહારાજ પ્રત્યે મમતા હતી.’

‘અરે! કહે છે, આ વાત થારાપ્રદમાં ગોઠવાઈ ગઈ. એ પણ ત્યાં હતો!’

‘હેં! તો-તો એને જ પહેલો લૂંટો!’

ધારાવર્ષદેવ ચિંતામગ્ન હ્રદયે વાત સાંભળી રહ્યો.

પાટણની હવામાં અવ્યવસ્થા અને અવિશ્વાસ આવી ગયાં હતાં.