Nayika Devi - 14 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 14

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 14

૧૪

રાજમહાલય તરફ જતાં

કવિ બિલ્હણ જેનો સંધિવિગ્રહિક હતો તે વિંધ્યવર્મા વિશે ઇતિહાસે નોંધ રાખી છે.

એ વિંધ્યવર્માએ સુભટ્ટવર્મા એ જ ગુજરાતને રોળી નાખવા માટે સવારી કરી હતી. એ ભીમદેવના વખતમાં જ.

વિંધ્યવર્મા યશોવર્માંનો પૌત્ર થાય. મહારાજ સિદ્ધરાજ-કુમારપાલના વખતથી જ માલવાનું સ્વતંત્ર રાજ્ય અસ્ત થયું હતું. પણ યશોવર્માંના બંને રાજકુમારો અજયવર્મા અને લક્ષ્મીવર્મા મહાકુમારનો અધિકાર રાખીને થોડો વખત ટકી રહ્યા. પણ અજયવર્મા ઘણો નબળો હતો. કર્ણાટકવાળાએ એને મારી નાખ્યો. એ બલ્લાલ જ હશે. કર્ણાટકના બલ્લાલને હણીને કુમારપાલે માલવા ફરીથી સ્વાધીન કરી લીધું. એ વખતે વિંધ્યવર્મા હતો. એ અજયવર્માનો પુત્ર. અભ્યુદયનું એ સ્વપ્ન સેવતો. એટલે ઉદયાદિત્યની પેઠે એને માલવા સરજવું હતું. પાટણની સત્તા નબળી પડે એની એ રાહ જોતો બેઠો રહ્યો. પોતાની નાનકડી રિયાસતમાં ગુપચુપ બેસીને પાટણની રજેરજ હકીકત એ ધ્યાનમાં રાખવા લાગ્યો એની રાજધાની ગોગસ્થાનમાં હતી.

જ્યારે એણે જાણ્યું કે પાટણમાં અજયપાલને લીધે બે વર્ગ થયા છે ત્યારે એના કાન ચમક્યા. એને તક ઝડપી લેવા જેવી લાગી. એણે કવિરાજ બિલ્હણને પાટણ તરફ મોકલ્યો. 

પોતે દેવગિરિમાં યાદવ સાથે, લાટના સિંહ ચૌહાણ સાથે અને જે કોઈ પાટણ સામે થાય એમ હોય તેની સાથે સંદેશાઓ શરુ કર્યા.

એટલામાં તો અજયપાલનો ઘાત થયો. એને હણનારો એનો જ સામંત હોવાની અફવા ઉડી! એમ તો એ સૌને માટે પાટણ સામે ચડી જવાની નિશાની જ હતી – યાદવને, ચૌહાણને, પરમારને સૌને! વિંધ્યવર્માએ પોતાની તૈયારી આદરી અને કવિરાજ બિલ્હણને જાતમાહિતી લેવા પાટણ મોકલ્યો. હવે મહારાજનો શોક કરવા માટે આવતો હોય તેમ એ આવ્યો. 

આ કવિરાજ બિલ્હણનો એક મિત્ર હતો. એનું નામ આશાધર. જૈનોમાં અભ્યુદયનું એને ઘણું જ મોટું સ્વપ્ન હતું. પાટણમાં થયેલી આમ્રભટ્ટની હત્યા અને જૈનોનો હ્રાસ એણે ખૂંચી રહ્યા હતા. કવિ બિલ્હણે એને સાધ્યો હતો. આશાધર જૈનોનો કાલિદાસ કહેવાતો. એણે અનેક ગ્રંથો રચ્યા હતા. એની  મારફત પાટણના જૈનોને ભેળવવા એ બિલ્હણનો વ્યૂહ હતો. 

પણ આહીં પડ જાગ્રત હતું. એમ એને લાગવા માંડ્યું.

છતાં આ સમયમાં માલવા સ્વાધીન થઇ જાય, એ શક્યતા કાઢી નાખવા જેવી ન હતી. 

બિલ્હણને એક બીજી વાત પણ જાણવી હતી: તુરુક આવવાની તૈયારી હોય તો પાટણ નમતું જોખે કે નહિ!

એની વિદ્વત્તા એની રાજનીતિનું આભુષણ હતી. તેણે જાતે રાજમાતાને મળીને, માલવાના પુનરુદ્ધારની યોજના પાર પાડવાનો સંકલ્પ લઇ લીધો. પણ સાથે-સાથે પોતાનું સ્વપ્ન વહેલું બહાર પડી ન જાય, એની પણ એને સાવધાની રાખવાની હતી. 

ચાંપલદેની વાત ઉપરથી એ એ એક વસ્તુ સમજી શક્યો હતો: આંતરિક કલહ છતાં, આંહીં હજી બહારનાને પ્રવેશ મળવો ઘણો મુશ્કેલ હતો. 

પ્રભાત થતાં જ એણે રાજમાતાને મળવા જવા માટે તૈયારી કરી.

મહારાજ અજયપાલ વિશે એક કરુણ પ્રશસ્તિ એણે રાતમાં રચી હતી, એને એ જોઈ ગયો. એટલામાં એને લેવા માટે એક પાલખી આવી.

પાલખીમાં વિશ્વંભર આવ્યો હતો. બિલ્હણ તૈયાર થઈને ઉપડ્યો.

એને હવે ખબર પડી કે પાલખીમાં બેસનારો માણસ બહારની હિલચાલ વિશે ઓછામાં ઓછું જાણી શકે છે. 

એને એવું લાગ્યું કે પાટણમાં હજી કોઈક એવું છે, જેની તત્કાલ બુદ્ધિનો મહિમા આવી ઝીણી રજરજની વાતને પણ નજર બહાર જવા દે તેમ નથી.

વિશ્વંભર સાથે એણે વાત આદરી. ‘મહારાજ અજયપાલ જતાં નગરી આખીનું નૂર ઉડી ગયું લાગે છે – જાણે એ નગરી જ નહીં, અમે તો એ સાંભળ્યું ને તરત જ લાગ્યું કે હવે પાટણ રંડાયું છે! એમ તો મહારાજ મૂલરાજદેવ છે. અર્ણોરાજજી છે; એ આહીં જ છે ના!’

‘કોણ અર્ણોરાજજી? હા. આહીં જ છે!’ વિશ્વંભર જોઈએ તેટલું જ બોલી રહ્યો હતો.

‘બીજું કાંઈ નહિ – બૃહદ્ ભીમદેવ મહારાજના નામેરી ભીમદેવ આવ્યા, અને ત્યાં પણ કહે છે કે તુરુક સળવળે છે! કેમ જાણે એ નામ સાથે એ વાત કુદરતે જોઈ રાખી હોય!’

વિશ્વંભર સમજી ગયો: તુરુકની આની ખબર છે. એ આવવાની અફવા જોરમાં હોય તો પાટણ માલવાને નમતું જોખે, અથવાતો એના પ્રતિ ઉદાર બને. વિશ્વંભરે વાતને મૂળમાંથી જ ડાંભી: ‘આહીં પાટણમાં તો થતું આવે છે બિલ્હણજી! બે અરિ એકસાથે પણ આવે. મૂલરાજ મહારાજને એમ જ બન્યું હતું નાં? આ પણ પાછા મૂલરાજ મહારાજ છે!’

‘હા, એ પણ બરાબર. પણ આ તુરુક છે, વિશ્વંભરજી! એ તો તીડનાં ટોળાં પેલીએ ભગવાન સોમનાથને લૂંટ્યા. આ વળી શુંનું શું કરે? અમારે ત્યાં તો અફવા છે, તમારે ત્યાં પણ વાત, જાણમાં આવી હશે નાં?’

‘અફવાઓનું ખાતું પણ પાટણમાં ચાલે છે, ત્યાં એ જોખાતી હશે!’

‘એવું છે વિશ્વંભરજી! પાટણનું અત્યારે સામર્થ્ય છે. એટલે એની છત્રછાયા નીચે અમારા જેવા પણ તુરુક સામે થઇ ઊભા રહે. પણ એક વખત બધાને કહેવું જોઈએ કે તમે પણ અમારા જેવા છો, અમારા જ છો, અને અમે તમે સરખા છીએ!’ 

બોલીને બિલ્હણ વિશ્વંભર સામે જોઈ રહ્યો.

વિશ્વંભરની આંગળીને ટેરવે તુરુકની બધી રમત આવી ગઈ હતી. અજયપાલનો ઘાત થયો તે પહેલાં એકાદ અઠવાડિયે જ એ પાટણ આવ્યો હતો. છેક મુલતાન સુધી જઈને એણે અફવાના મૂળ પકડ્યાં હતાં. તુરુક આવવાની શક્યતા એણે ક્યારની જોઈ લીધી હતી. આ બિલ્હણને એમાંથી ફાયદો ઉઠાવવાનો હતો.

‘જુઓ બિલ્હણજી! કિરાડુના અશ્વરાજ મહારાજ સિદ્ધરાજ સાથે, તમારે ત્યાં આવ્યા હતા, ખરું?’

‘હા.’

‘એ અશ્વરાજના વંશજ કેલ્હણજી મેદપાટમાં એ મહારાજ અજયપાલ સાથે હતા. જાણો છો નાં?’

‘પાટણના મંડલેશ્વરો મહાન છે!’

‘મહાનનો અમને ખપ નથી. અમારે તો ખપ છે એક જ વસ્તુનો, વિશ્વાસનો. તમે અમારા પર વિશ્વાસ મૂકો. અમે તમારામાં મૂકીએ, પછી બધું રાગે પડે.’ 

બિલ્હણને લાગ્યું. આંહીં હજી એક તસુ જમીન જાવા દેવાની વાત નથી. તુરુકની અફવાએ પણ આંહીં નમતું જોખવાની નીતિ જન્માવી ન હતી. ત્યારે પાટણનું બળ કેટલું?

‘પાટણની ગજસેના – એ કોણ જાળવે છે અત્યારે?’

‘અત્યારે કુમારદેવ સેનાધિપતિપદે છે.’

‘એ તો સર્વદેવ પંડિતરાજના પુત્ર છે, કાં?’ એમણે આચાર્યપદ છોડીને આ લીધું?’

‘જેવી જરૂરિયાત.’

‘આ માણસ વાતો કરવામાં માનતો નથી.’ બિલ્હણ મનમાં જ બોલ્યો, ‘અને એ વસ્તુ થોડી નિરાશાજનક નથી. થોડો વાતોડિયો હોત તો કાંઈક નીકળી આવતી. પણ જોઈએ, હજી સમય છે...’ તેણે વિચાર્યું, ‘હજી આભડ શ્રેષ્ઠીને મળીશું, એક-બે દિવસ રોકાઈશું. બાકી આ માણસ પાસેથી વાત નીકળે તેમ નથી...’

મનમાં આ વિચાર આવતાં બિલ્હણ શાંત થઇ ગયો.

એટલામાં રાજમહાલય દેખાયો.