Nayika Devi - 1 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 1

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 1

લેખક: ધૂમકેતુ

 

બે ભાઈઓ

પાટણ નગરીના કોટકાંગરા ઉપરથી મધરાતની ઘટિકાનો ડંકો પડ્યો, અને તરત જ સર્વસલામતીની ઘોષણાના હોકારા, ઠેરઠેરથી ચોકીદારોએ આપ્યા. 

થોડી વારમાં આ હોકારા શમી ગયા, રાત્રિ પછી હતી તેવી નીરવ થઇ ગઈ. હવેથી નીરવતા મુકાબલે વધારે ગંભીર અને ગૂઢ જણાતી હતી. ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો. દૂર-દૂર સરસ્વતી નદીને કાંઠે, કોઈક ઠેકાણે છુપાયેલું એક ઘુવડ માત્ર ‘ઘૂ ઘૂ ઘૂ’ કરીને હવામાં એના કર્કશ અકલ્યાણકર અવાજથી ભય અને શંકા ફેલાવી રહ્યું હતું. એ અવાજ શમી જતો ત્યારે રાત્રિમાં કેવળ નિ:સ્તબ્ધતાનું રાજ જણાતું હતું. 

એવે સમયે પાટણને પૂર્વદરવાજે આવીને કોઈક બે ઘોડેસવાર મુસાફર વિચાર કરતાં અટકી ગયા હોય તેમ થોભી ગયા.

એમણે દરવાજો બંધ દીઠો. ડોકાબારી પણ ખુલ્લી હતી નહિ. દરવાજો તો બંધ હોવાની એમને ખાતરી હતી, ડોકાબારી પણ બંધ થઇ ગઈ હશે, એ એમણે ધારેલું નહિ.

‘અત્યારે દરવાજો તો બંધ જ હોય. શું કરવું છે, મોટા ભાઈ? કડું ઠોકું? ડોકાબારી પણ બંધ છે.’

બંનેએ કોટકાંગરા ઉપર ઊંચે દ્રષ્ટિ કરી જોઈ. કોઈ ફરકતું ન હતું.

‘એમ કર ને પ્રહલાદનદેવ! કડું ઠોક, ને અવાજ દે. કાંઈક જવાબ તો મળશે. ઘણુંખરું હું આવતો, ત્યારે સારંગજી રહેતા. એનું જ નામ લઈને બોલાવ ને!’

પ્રહલાદનદેવ આગળ વધ્યો. તેણે જોરથી દરવાજે લટકતું કડું ઠોક્યું, અને મોટેથી અવાજ આપ્યો: ‘કોણ છે અલ્યા દરવાજે? દરવાનજી સારંગજી!’

પણ જવાબ મળવાને બદલે, અંદર એક ઝાંખો દીપ બળતો, તડમાંથી જરાક દેખાતો હતો તે પણ જાણે તરત ઠરી જતો જણાયો. 

પ્રહલાદનદેવ ફરી કડું ઠોકવા જતો હતો. ત્યાં એણે ડોકાબારી ઊઘડવાની ધમાલ થતી જણાઈ. એટલે શાંત ઊભો રહી ગયો. 

પણ એ અવાજ પાછો તરત શમી ગયો લાગ્યો. બહાર ઊભેલા બંને ઘોડેસવાર મુસાફરોની અધીરાઈ વધી ગઈ હતી. પણ અંદરથી કોઈનો જરા જેટલો સંચળ પણ ફરીને કાને પડ્યો નહિ. 

શું કરશું મોટા ભાઈ? અંદર તો જાણે કોઈ લાગતું જ નથી. થોડોક પ્રકાશ જણાતો હતો, તે પણ ગયો!’

‘દીપ પણ ઠરી ગયો કે શું?’

‘ઠરી ગયો કે કોઈએ જાણીજોઈને ઠારી નાખ્યો, જે હોય તે. અંદર અંધારું ઘોર છે.’

બીજો સવાર તેની છેક નજીક આવ્યો – કેટલીયે વાર સુધી તડમાંથી નજર કરીને અંદર જોઈ રહ્યો. બધે અંધારું હતું. તેણે ધીમેથી કહ્યું:

‘પ્રહલાદન! આપણે અહીંથી આઘાપાછા થઇ જઈએ. મને આ શાંતિ કાંઈક નવીનવાઈની લાગે છે. આપણે ઘણી વખત આવે ટાણે પણ પાટણમાં આવ્યા છીએ – ને આ જ દરવાજે - પણ આટલી બધી કૃત્રિમ શાંતિ જોઈ નથી. આ ભયંકર લાગે છે. કાંઈક કપટની ગંધ આવે છે. આપણે પેલાં જાળના ઝાડ નીચે ઊભા રહીએ, જોઈએ, શું થાય છે!’

બંને ભાઈઓએ ધીમેથી ઘોડાં પાછાં વાળી લીધાં. થોડે દૂર એક જાળનું ઝાડ એમને રસ્તામાં ઊભેલું જોયું હતું, ત્યાં એ પહોંચી ગયા. ઘોડાંને અંધારામાં ઊભાં રાખ્યાં. એકદમ શાંત બનીને બંને ઊભા રહ્યા. પણ એમની દ્રષ્ટિ દરવાજા ઉપર જ મંડાણી હતી. એમને એવી જગ્યા પસંદ કરી હતી કે કોટકાંગરા ઉપર કોઈ ફરકે તો એની પણ જરાક ઝાંખી થયા વિના ન રહે.

એમને લાગ્યું કે વખત ઘણો જાય છે, પણ પેલી ભેદી ગૂઢ શાંતિમાંથી કોઈ પણ અવાજ હજી આવતો જણાયો નહિ. દરવાજો તો જાણે તદ્દન જડ બની ગયો. 

બંનેના મનમાં શંકા જન્મી: ‘શું હશે?’ પ્રહલાદનદેવે બહુ જ ધીમેથી કહ્યું, ‘મોટા ભાઈ! શું હશે? દરવાજે તો હંમેશાં સતત જાગતી ચોકી હોય છે. ને આજ તો જાણે કોઈ ફરકતું જ નથી. એમ કેમ હશે?’

જવાબમાં એના હોઠ ઉપર બે આંગળીનો, મૂંગા રહેવાની સૂચના કરતો સ્પર્શ થયો. મોટો ભાઈ આવી વસ્તુસ્થિતિનો વધુ અનુભવી લાગ્યો. અત્યારે તો જરા જેટલો પણ અવાજ ન કરવામાં સલામતી હતી.

એમ ને એમ એ ઠીક વાર ઊભા રહ્યા. અંતે એમની ધીરજ ફળતી લાગી. અંદર અવાજ થતો જણાયો. ડોકાબારી ઊઘડી લાગી. કોઈક બહાર આવ્યું જણાયું. ડોકાબારી પાછી તત્કાલ બંધ થઇ ગઈ હોય તેમ લાગ્યું.

‘કોણ હશે? શું હશે?’

પણ એમના મનનો પ્રશ્ન મનમાં જ રહી ગયો, અવાજ શમી ગયાને એક ક્ષણ થઇ ગઈ નહિ હોય ત્યાં એમની પાસેથી જ, સનનન કરતું જેમ કોઈ તીર ચાલ્યું જાય, હવામાં કો પંખી ઊડતું જાય તમ, એક ઝડપી ઘોડેસવાર ઝડપથી ભાગતો લાગ્યો!

વીજળીવેગે બંનેને વિચાર આવી ગયો – હમણાં જે બહાર આવ્યો, એ જ ભાગતો હોવો જોઈએ.

પ્રહલાદનદેવ સાવધ થઇ ગયો. તેણે પોતાની તલવાર સંભાળી. પણ ત્યાં તો આંખ મીંચીને ઉઘાડે એટલી વારમાં, એણે પોતાના મોટા ભાઈને પણ ઝડપથી ઘોડા ઉપર ચડીને, પેલા અજાણ્યાની પાછળ દોડ કરતાં સાંભળ્યા. 

સાદ દેવાનો છે કે શું એ જાણવાનો, વખત જ ન હતો, સવાલ પણ કરવાનો ન હતો. એક જ પળમાં એણે પણ મોટા ભાઈનું અનુસરણ કર્યું! 

અંધારી રાતમાં ત્રણે ઘોડેસવારોની જાણે ત્યાં સીમમાં હરીફાઈ જામી ગઈ! 

આખી સીમમાં એમના ઘોડાના દાબડા ગાજી રહ્યા.