Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - યે જિંદગી હૈ એક જુઆ

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ડાયરી સીઝન - 3 - યે જિંદગી હૈ એક જુઆ

શીર્ષક : યે જિંદગી હૈ એક જુઆ
©લેખક : કમલેશ જોષી

"જિંદગીના જુગારમાં દૂડી, તીડી અને પંજાવાળો જેટલું હારે છે એનાથી અનેકગણું વધારે એકો, દૂડી, તીડી જેવા ઊંચા પત્તાવાળો હારતો કે ગુમાવતો હોય છે." અમારા એક સાહેબે જ્યારે આ વાક્ય કહ્યું ત્યારે અમે કોલેજીયન મિત્રો એકબીજા સામે અને પછી સાહેબ સામે નવાઈ ભરી નજરે તાકી રહ્યા હતા. અમારી તો માન્યતા એવી હતી કે બાવન પત્તા લઈને જ્યારે જુગારીઓ તીન પત્તી રમવા બેઠા હોય છે ત્યારે ઊંચા પત્તાવાળો જીતતો હોય છે અને નીચા પત્તાવાળો હારતો હોય છે પરંતુ અમારા ફેવરિટ સાહેબ તો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કહી રહ્યા હતા.
“શું તમે કદી તીન પત્તી રમ્યા છો?” આવું પૂછી મારે તમને ધર્મ સંકટમાં નથી નાખવા. ફેમિલી કે મિત્રો સાથે બેસીને ગંજી પાનાથી રમાતી હાથ (સત્યો કે અઠયો), કાચું ફુલ, ગુલામ ચોર, રોન જેવી રમતોની વિવિધ વેરાયટીઓ આજેય આપણા વેકેશન કે જાગરણ જેવા સમયે સારો એવો ટાઈમ પાસ કરી આપે છે. દરેક રમતના હાર-જીતના અલગ નિયમો હોય છે. ગુલામચોર રમતા હો ત્યારે સાવ છેલ્લે ગુલામ જેની પાસે રહી જાય એ બાજી હારી ગયો કહેવાય તો કાચું ફુલમાં દરેક બાજી વખતે સર બદલે, હાથની રમતમાં જે જોડી એકબીજા સાથે મળીને હાથ પહેલા બનાવી લે એ જીતી જાય તો તીન પત્તીમાં ઊંચા પત્તા વાળો બાજી જીતે.
બસ અહીં જ ગરબડ હતી. અમારા લાઈફ કોચ જેવા સર જે કહેતા હતા એ તીન પત્તીના પ્રચલિત નિયમથી તદ્દન વિપરીત લાગતું હતું. નબળા પાના વાળો જીતે કેમ? લાઈફ વિશેના અમારા સાહેબના ફંડા પર અમને વિશ્વાસ હતો. અમારી આંખોમાં રમતાં પ્રશ્નોને વાંચતા હોય એમ બે ઘડી સૌની સામે જોઈ લીધાં પછી એમણે કહ્યું,
"વિચિત્ર લાગે છે ને? હું તમને સમજાવું. પહેલાં તમે એ કહો કે જો તમને દૂડી તીડી અને પંજો જેવા નબળા પાનાં પીરસાયા હોય તો તમે કેટલી ચાલ ચાલો?" એમણે પૂછ્યું એટલે તરત જ અમે સૌ એકસાથે બોલી ઉઠ્યા.
"એક પણ નહીં" એમણે તરત બીજો પ્રશ્ન પૂછ્યો,
"એને બદલે એક્કો, રાજા અને રાણી આવ્યા હોય તો?" તરત અમારામાંથી એકે સહર્ષ કહ્યું,
"બધું દાવ પર લગાડી દઈએ." એમણે સહેજ સ્મિત સાથે કહ્યું,
"અને તમારી સામે વાળા પાસે ત્રણ એક્કા નીકળે તો?" અમારા ચહેરા ગંભીર થઈ ગયા. એક ખોંખારો ખાઈ ગળું સાફ કરતા અમારા સાહેબે કહ્યું,
"જીંદગીની જે આખરી બાજી આપણે રમવાની છે એ યમરાજ સાથે રમવાની છે અને એમાં એની પાસે ત્રણ એક્કા છે જ." બસ, આટલું બોલી એ ચુપ થઈ ગયા. એમના એ શબ્દો સાંભળી અમે ક્યાંય સુધી ઊંડા વિચારમાં ડૂબી ગયા.
જીંદગીના પહેલા સૂર્યોદયથી શરૂ કરીને અંતિમ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આપણે કેટકેટલા લોકો સામે કેટકેટલી બાજીઓ માંડીએ છીએ? મા-બાપની મિલકત મેળવવા ભાઈ-બહેન સામે, નિશાળમાં ફર્સ્ટ નંબર મેળવવા મિત્રો સામે, ઓફિસમાં પ્રમોશન મેળવવા કલિગ સામે કે સોસાયટી-સમાજમાં મોટપ મેળવવા આડોશીપાડોશી કે સગા-સંબધીઓ સામે કેટકેટલી ચાલ ચાલીએ છીએ? સત્ય અને ઈમાનથી શરૂ કરી છેક સંબંધો અને સંસ્કાર સુધીનું કેટલું બધું દાવ પર લગાવી દઈએ છીએ? પણ છેલ્લી બાજીનું શું? યમરાજ ત્રણ એક્કા દેખાડી આપણી પાસેથી એ બધું જ છીનવી લેશે, જે આપણે આપણા જ અંગતોને મારીને, પછાડીને, હરાવીને ભેગું કર્યું હતું ત્યારે આપણને આપણી એક પણ જીત કામ આવશે ખરી? આખી જિંદગી બધું જીતી લેવાની, બધું ભેગું કરી લેવાની પ્રેક્ટિસ કરનાર આપણને છેલ્લી બાજી વખતે, બધું હારી જઈશું ત્યારે, એ ઘટના અસહ્ય તો નહીં લાગે ને?
શું દૂડી તીડી અને પંજા જેવા નબળા પત્તાઓ કે નબળી પરિસ્થિતિઓને લીધે આખી જિંદગી નાની મોટી હાર સહન કરનારો નાનો માણસ આખરી હાર એટલે કે મૃત્યુનો આઘાત સહેલાઈથી સહન કરવા માટે વધુ સક્ષમ બની જતો હશે? અને એક્કો, રાજા, રાણીની પાકી રોન જેવી નંબર વન પરિસ્થિતિને લીધે જીતનો વ્યસની બની ગયેલો મોટો માણસ યમરાજના ત્રણ એક્કા જોઈ દાઝનો માર્યો પગથી માથા સુધી લાલચોળ થઈ જતો હશે? શું છેલ્લી બાજી હારીને બે પાંચ લાખ રૂપિયા પૃથ્વી પર છોડી જનાર વ્યક્તિ અને બે પાંચ કરોડ છોડી જનાર વ્યક્તિ, એ બંનેની હારની પીડા એક સરખી હશે?
મિત્રો, તમને નથી લાગતું કે આપણે ચાલું જિંદગી દરમિયાન થોડી-ઘણી હારની પણ પ્રેક્ટિસ કરતા રહેવી જોઈએ. જીવનસાથીને ‘આઈ લવ યુ’ કહીને, સંતાનોને ‘પ્રાઉડ ઓફ યુ’ કહીને, મિત્રોને ‘મિસ યુ ટૂ મચ’ કહીને, કલિગને ‘યુ આર રાઈટ’ કહીને અને આડોશી-પાડોશીને ‘થેન્ક્સ અ લોટ’ કહીને નાની-મોટી ‘બાજીઓ’ જો હસતા-હસતા હારવાની હિમ્મત કરી શકીશું તો આખરી બાજી ‘હારતી’ વખતે ‘રોતે હુએ’ નહિ પણ ‘હસતે હુએ નિકલે દમ’ પંક્તિ સાર્થક કરી શકીશું એવું અમારા પેલા લાઈફ કોચ સાહેબનું માનવું છે. તમે શું માનો છો?
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)